FOLLOW US

...તો કદાચ લદ્દાખ આજે પા‌કિસ્‍તાનનું હોત!

Updated: Mar 19th, 2023


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- પાકિસ્‍તાનના ‌સિક્રેટ ‌મિશન ‘ઓપરેશન સ્‍લેજ’નું ભારતીય જવાંમર્દોએ ‌મિશન ઇમ્‍પો‌સિબલ વડે સૂરસૂ‌રિયું કર્યાની સાહસકથા લેખાંક-૨

પ્રસ્‍તુત કટારમાં ગયા ર‌વિવારે વર્ણવ્‍યું હતું તેમ—

ઓક્ટોબર ૨૨, ૧૯૪૭ના રોજ પા‌ક સૈન્‍યએ કાશ્‍મીરના ‌વિ‌વિધ મોરચે હલ્‍લો બોલાવ્યો ત્‍યારે આપણા જવાનોએ સજ્જડ પ્ર‌તિકાર વડે અમુક મોરચે શત્રુને પીછેહઠ કરવાની ફરજ પાડી. કાશ્‍મીરમાં ભારતીય લશ્‍કરે કસેલો ફંદો જરા ઢીલો પડે તે માટે શત્રુઅે ફેબ્રુઆરી, ૧૯૪૮માં ‘ઓપરેશન સ્‍લેજ’ નામનું છૂપું ‌મિશન અમલમાં મૂકી દીધું. બા‌લ્‍ટિસ્‍તાનના સ્‍કાર્દુથી આગળ વધી લેહને કબજે લેવું તે ‌મિશનનો ઉદ્દેશ હતો.

આ તરફ લેહમાં આપણા લશ્‍કરની ફક્ત ૨ પ્‍લેટૂન (પલટણ) તૈનાત હતી, જે પા‌કિસ્‍તાની ઘોડાપૂરને રોકવા માટે પૂરતી ન‌હોતી. લેહને તત્‍કાળ લશ્‍કરી કુમક પહોંચાડવી પડે, ન‌હિતર આખું લદ્દાખ ગુમાવવાનો વારો આવે. ભારતની ભૂગોળ બદલી નાખે તેવી ગંભીર સમસ્‍યા હતી. આથી શ્રીનગરની ડોગરા બટા‌લિઅનના કમા‌ન્‍ડિંગ ઓ‌ફિસર લેફ્ટનન્‍ટ-કર્નલ ગોપાલ બેવૂરે પા‌કિસ્‍તાનના ‘ઓપરેશન સ્‍લેજ’ ‌મિશનનું સૂરસૂ‌રિયું કરવા માટે મિશન ઇમ્‍પો‌સિબલ હાથ ધર્યું. બેવૂરનો પ્‍લાન હતો શ્રીનગરથી એક સૈ‌નિક ટુકડીને પગપાળા ઝોજી લા ઘાટ પાર કરાવી લેહ સુધી પહોંચાડવાનો!

સમુદ્રસપાટીથી ૧૧,૬૦૦ ફીટ ઊંચો ઝોજી લા ઘાટ ચાલીને પાર કરવો અને તે પણ આકરા ‌શિયાળે કે જ્યારે ચોતરફ બરફના ત્રીસ ફીટ ઊંચા ખડકલા હોય, પહાડી ઢોળાવો પરથી ‌હિમ ધસી પડવાનું જોખમ હોય અને તાપમાન સતત શૂન્‍ય નીચે રહેતું હોય. આને સાહસ કહેવું કે દુઃસાહસ? જે હોય તે, પણ ‌મિશન ઇમ્‍પો‌સિબલને પાર પાડવા માટે મેજર ઠાકુર પૃથી ચંદ અને કેપ્‍ટન ઠાકુર ખુશાલ ચંદ નામના બે ભડવીરો આગળ આવ્યા. આ યોદ્ધાઓ સમક્ષ બે જ ‌વિકલ્‍પો હતા ઃ કરો યા મરો!

■■■

ફેબ્રુઆરી, ૧૯૪૮ના બીજા સપ્‍તાહે શ્રીનગરમાં ડોગરા બટ‌ાલિઅનની છાવણીમાં ‌મિશન ઇમ્‍પો‌સિબલની તડામાર તૈયારીઓ શરૂ થઈ. પહેલું ને પ્રમુખ કામ તો ઉત્તુંગ પહાડો ખૂંદવાનો જેમને મહાવરો હોય તેવા ચુનંદા જવાનોની ટીમ રચવાનું હતું. ‌મિશનના સૂત્રધાર મેજર પૃથી ચંદ તેમાં પરોવાયા એ દરમ્‍યાન સૂ‌ચિત ટીમના સભ્‍યો માટે ગરમ વસ્‍ત્રો, હાથનાં મોજાં, સ્‍નો ગોગલ્સ, પોચા ‌હિમમાં ચાલવા માટેનાં ખાસ શૂઝ વગેરે સરસામાન એક‌ત્રિત કરાયો. ઝોજી લા ઘાટ વટાવીને લેહ પહોંચ્‍યા પછી મેજર પૃથી ચંદ એન્ડ કંપનીએ સ્‍થા‌નિક યુવાનોને શત્રુ સામે લડવા માટે તૈયાર કરવાના હતા. આથી રાઇફલ્સ, હળવી મશીન ગન્‍સ, કારતૂસો, હાથગોળાનો સારો એવો જથ્‍થો સાથે લઈ જવો પડે તેમ હતો. 

આ ભારેખમ બોજાનું વત્તા ખાધાખોરાકીના સામાનનું વજન ટુકડીના જવાનોના કાંધે તો નખાય ન‌હિ, એટલે પહાડોનાં ચોપગાં સેવકોને યાદ કરાયા. જાતવાન ઘોડા તથા ગર્દભના cross breeding/ સંવર્ધનથી ઉદ્‍ભવેલા તે સેવક એટલે ખચ્‍ચર કે જેનું ખડતલપણું અને બોજવહન ક્ષમતા અસાધારણ છે. લશ્‍કરના કેટલાક અફસરોએ સોનમર્ગ ‌સ્‍થિત ખચ્‍ચર મા‌લિકોનો સંપર્ક કર્યો. ‌મિશનની ગોપનીયતા જળવાઈ રહે એ ખાતર તેમને ફક્ત એટલું જણાવવામાં આવ્યું કે મોં માગ્‍યા દામ મળશે, પણ સોંપેલું કામ ચૂપચાપ કરી આપવાનું!

આ તરફ શ્રીનગરમાં મેજર પૃથી ચંદે તથા કેપ્‍ટન ખુશાલ ચંદે કુલ ૪૦ સરફરોશોની ટીમ રચી દીધી. ટીમના એક VVIP સભ્‍ય સોનમ નુબ્રુ નામના ઇજનેર હતા કે જેમણે લેહ પહોંચ્‍યા બાદ યુદ્ધના ધોરણે કાચી હવાઈપટ્ટી તૈયાર કરવાની હતી. ડોગરા બટા‌લિઅનના કમા‌ન્‍ડિંગ ઓ‌ફિસર લેફ્ટનન્‍ટ-કર્નલ ગોપાલ બેવૂરે તે માટે લશ્‍કરી ‌તિજોરીમાંથી ૧૩,૦૦૦ રૂ‌પિયા નગદ ફાળવી આપ્‍યા. આ મર્યા‌દિત રકમ વડે લેહમાં સમતળ એર-સ્‍ટ્રીપ બની જાય, એટલે વાયુ સેનાનાં ‌વિમાનો હ‌થિયાર તેમજ હ‌થિયારબંધ જવાનોને લેહ પહોંચાડે એ પ્રકારનો પ્લાન હતો. બસ, પછી તો આપણા શૂરવીરો લેહ-લદ્દાખ તરફ ઊઠનાર શત્રુ હાથનાં કાંડાં કાપ્‍યા ‌વિના રહે ન‌હિ. 

રૂપરેખા સરસ હતી, પણ તેના માથે ક‌ન્‍ડિશન અપ્‍લાયની અદૃશ્‍ય ફૂદડી ‌ચિપકેલી હતી. મતલબ કે સાહ‌સિક ટુકડીના રસ્‍તા આડે ‌‌હિમપ્રપાત, ‌સખત હિમવર્ષા અને ‌હિમઝંઝાવાત માટે કુખ્‍યાત ઝોજી લા ઘાટ ૧૧,૬૦૦ ફીટ ઊંચી ખૂંધ કાઢીને બેઠો હતો. ખૂંધ પર તેણે વળી બરફનો ત્રીસ ફીટ જાડો ડગલો ધારણ કરેલો હોવાથી ઘાટના રસ્‍તે જોખમોનો પાર નહોતો. પરંતુ જોખમ સામે ઘૂંટણ ટેકવી દેવાને બદલે વીરતાપૂર્વક બાથ ભીડે એ જ સાચો ભડવીર!

■■■

ફેબ્રુઆરી ૧૬, ૧૯૪૮. 

મેજર ઠાકુર પૃથી ચંદના નેતૃત્‍વમાં ચાલીસ બહાદુરો પા‌‌કિસ્‍તાનના ‘ઓપરેશન સ્‍લેજ’ને ‌વિફળ બનાવવા તેમજ આપણા મિશન ઇમ્‍પો‌સિબલને સફળ કરવા માટે નીકળી પડ્યા. શ્રીનગરથી લશ્‍કરી વાહનો મારફત સોનમર્ગ પહોંચ્‍યા અને ત્‍યાંથી ખચ્‍ચરોના રસાલા જોડે ઝોજી લા ઘાટની પગપાળા સફર આરંભી. ભૂસપાટીથી સોનમર્ગની ઊંચાઈ ૮,૯૦૦ ફીટ, જેનો મતલબ એ કે ઝોજી લા સુધી પહોંચવા માટે ટુકડીએ ૨,૭૦૦ ફીટનું આરોહણ કરવાનું હતું—અને તેય પાછું શક્ય એટલા ઓછા સમયમાં! શરીરે જાડાં વસ્‍ત્રો ધારણ કરીને, પીઠે હેવીવેઇટ થેલો ભરાવીને તથા હાથમાં વજનદાર રાઇફલ પકડીને આરોહણ કરતી વખતે શ્વાસ ફૂલે, હૃદયના ધબકારા વધે, સ્‍નાયુઓ ખેંચાય અને શરીરમાંથી ઊર્જાનું ટીપેટીપું નિચોવાઈ જાય તો પણ પોરો ખાવા માટે ચંદ ‌મિ‌નિટો કરતાં વધુ થોભવાનું ન‌હિ. શત્રુ સામે સશસ્‍ત્ર યુદ્ધ તો લડવાનું થાય ત્‍યારે ખરું, પણ એ પહેલાં જવાનોએ કઠોર સંજોગો અને સમય સામે લડી લેવાનું હતું.

મેજર પૃથી ચંદનો સંઘ સોનમર્ગથી નીકળ્યો, પણ કાશીએ પહોંચે એ પહેલાં જ અણધારી રૂકાવટ આવી. બન્‍યું એવું કે ‌મિશનની ગુપ્‍તતા જાળવવા ખાતર સોનમર્ગના ખચ્‍ચર મા‌લિકોને જણાવવામાં આવ્યું નહોતું કે તેમણે ઝોજી લા ઘાટ પાર કરવાનો છે. બાલતાલ પહોંચીને એ રહસ્‍યનો સ્‍ફોટ થયો ત્‍યારે સૌ ખચ્‍ચર મા‌લિકો ફસકી પડ્યા. બરફથી લદાયેલા ઘાટમાં સામે ચાલી મોતને ભેટવું તેમને મંજૂર નહોતું. આથી બાલતાલથી આગળ વધવાનો સ્‍પષ્‍ટ નનૈયો ભણી દીધો.

હવે શું કરવું? ખચ્‍ચર પર લાદેલા શસ્‍ત્રસરંજામ વિના લેહ પહોંચવાનો મતલબ ન સરે. બધો સરંજામ ખચ્‍ચર મા‌લિકોના હવાલે કરીને આગળ વધી શકાય ન‌હિ અને પીછેહઠ કરવાનો તો સવાલ જ નહોતો. ‌વિકટ પ‌રિ‌સ્‍થિ‌તિ હતી. ઘણો ‌વિચાર કર્યા પછી મેજર પૃથી ચંદે વચલો માર્ગ અપનાવ્યો. ટુકડીના અમુક સભ્‍યોને બાલતાલમાં રોકાવાનો આદેશ દઈ પોતે કેટલાક જવાનો સાથે ઝોજી લાના રસ્‍તે નીકળી પડ્યા. ઘાટને સહીસલામત પસાર કરીને તેમણે બાલતાલ ‌સ્‍થિત રે‌ડિઓ ઓપરેટરને વાયરલેસ મેસેજ કરવાનો હતો. બાકીની ટુકડીએ ત્‍યાર પછી ખચ્‍ચરો સ‌હિત ઘાટ તરફ આગળ વધવાનું હતું.

■■■

‌‌હિમાલયમાં ડિસેમ્‍બર માસથી આકરો ‌શિયાળો શરૂ થઈ જતો હોય છે. આકાશમાંથી વરસતું હિમ પહાડી ઢોળવો પર સતત એકઠું થયા કરતું હોવાથી બરફની એટલી જાડી ચાદર રચાય કે રખે તે ફસકી પડે તો ટનબંધ ‌હિમ ખીણ તરફ સડસડાટ ધસી આવે. અંગ્રેજીમાં એવેલાન્‍ચ અને ગુજરાતીમાં ‌હિમપ્રપાત તરીકે ઓળખાતા એ ભયાનક તાંડવ વખતે ‌હિમનો પતનવેગ કલાકના ૩૦૦ ‌કિલોમીટર હોય. માણસ તેના સપાટે ચડ્યો તો ન બચી શકે કે ન ‌હિમના ખડકલામાં દટાયેલો તેનો મૃતદેહ હાથ લાગી શકે.

બાળપણથી ‌હિમાલયના પહાડો વચ્‍ચે ઊછરેલા મેજર પૃથી ચંદ એવેલાન્‍ચ ‌વિશે જાણકારી ધરાવતા હતા. આથી ઝોજી લા પહોંચીને તેમણે પહેલું કામ પર્વતીય ઢોળાવો પર પોઢેલા ‌હિમને ઢંઢોળીને ‘જગાડવાનું’ કર્યું. સામાન્‍ય રીતે એ કામ ડાઇનામાઇટના ટેટા ફોડીને કરાતું હોય, પણ મેજરે જુદો નુસખો અજમાવ્યો. ટુકડીએ સાથે લીધેલા લશ્‍કરી બેન્‍ડના ડ્રમને જોર-શોરથી વગાડવાનો આદેશ આપ્‍યો. અવાજનાં મોજાં પહાડોની દીવાલો પર વારંવાર ટકરાયા પછી જે પડઘા રચાય તે N-waves કહેવાતાં દબાણયુક્ત મોજાં રચે છે. પર્વતીય ઢોળાવ પરથી પડું, પડું થતા ‌હિમને N-wavesનું દબાણ ક્યારેક નીચે ખેરવી નાખે છે.

મેજરનો નુસખો કામ કરી ગયો. ડ્રમ પીટવાથી પેદા થયેલા સ્‍પંદનોએ સફેદ ‌હિમરૂપી ભભૂત મસળીને બેઠેલા નગા‌ધિરાજ ‌હિમાલયને સમા‌ધિમાંથી ઉઠાડ્યા હોય તેમ તેમણે ઢોળાવો પર બાઝેલું ‌હિમ ખંખેર્યું. એક ન‌હિ, બે ન‌હિ, બલકે ત્રણ-ત્રણ ‌દિવસ સુધી ડ્રમ પીટીને આપણા જવાનોએ પહાડોમાં ‌હિમપ્રપાત રચ્યા. નીચે ધસી આવેલું ‌હિમ પાવડા વડે હટાવ્યું. આ કાર્યવાહી દરમ્‍યાન ટુકડીએ ૧૧,૬૦૦ ઊંચા શીતાગારમાં રાત કેવી રીતે કાઢી હશે એ તો તેમનું મન જાણે!

આભને ‌આંબતા હિમાલયના પહાડોમાં ભારતીય લશ્‍કરની તવારીખનું ગૌરવપૂર્ણ પ્રકરણ લખીને મેજર પૃથી ચંદ અને તેમના ભડવીર સાથીઓ આગળ વધ્‍યા. અડતાલીસ કલાકના નોન-સ્‍ટોપ પગપાળા પ્રવાસના અંતે આખરે તેમણે ઝોજી લા ઘાટ સફળતાપૂર્વક પસાર કરી નાખ્યો. આ અણધાર્યા સુખદ સમાચાર બાલતાલ ‌સ્‍થિત ભારતીય ટુકડીને વાયરલેસ રે‌ડિઓ મારફત મળ્યા કે તરત તેમણે ખચ્‍ચરો સ‌હિત ઝોજી લાની વાટ પકડી.

■■■

આકરા સંજોગો સામે યુદ્ધ જીતાયું, પણ સમય ‌વિરુદ્ધની લડાઈ હજી પૂરી થઈ નહોતી. આથી લેહ પહોંચતાંવેંત મેજર પૃથી ચંદના જવાનોએ સ્‍થા‌નિક યુવકોને એકઠા કરી તેમને શસ્‍ત્રો ચલાવવાની તેમજ હેન્‍ડ-ટુ-હેન્‍ડ કોમ્‍બેટની તાલીમ આપવાનું શરૂ કરી દીધું. દરમ્‍યાન ટુકડીના પેલા VVIP સભ્‍ય સોનમ નુબ્રુ ક્યાં હતા? કાચી હવાઈપટ્ટીના ‌નિર્માણ માટે લેહના સ્‍પીતુક ‌વિસ્‍તારમાં! સમગ્ર લેહમાં ત્‍યારે સમ ખાવા પૂરતી એકાદ સડક હોત તો સોમ નાહ્યા, પણ સડક તો ભૂલી જાવ, સપાટ જમીન સુધ્ધાં દેખાતી નહોતી. સ્‍પીતુકનું ભૂપૃષ્‍ઠ થોડુંઘણું સપાટ હતું, પરંતુ પથ્‍થરો, ઢેફાં તથા ખડકોનો ચોતરફ પથારો હતો. આવા અવરોધો હટાવવા માટે જે.સી.બી. મશીન જેવાં યાં‌ત્રિક સાધનો જોઈએ, જે સ્‍વાભા‌વિક રીતે નહોતાં. આથી સોનમ નોબ્રુની ટીમ અપના હાથ જગન્‍નાથના ધોરણે મચી પડી.

પથ્‍થરો, ઢેફાં તથા વજનદાર ખડકોને ભારે જહેમતથી ખસેડ્યા પછી ખુલ્‍લી થયેલી જમીન હજી ઊબડખાબડ હતી. ટીપી ટીપને તેને સમાન લેવલની કરવામાં તથા પાણીના ‌નિય‌મિત છંટકાવ વ‌ડે માટીને કઠણ બનાવવામાં વધુ કેટલાક દિવસ નીકળી ગયા. માર્ચ ૮, ૧૯૪૮ના રોજ શરૂ થયેલું કાર્ય આખરે છઠ્ઠી એ‌પ્રિલના રોજ પૂરું થયું ત્‍યારે લેહ નગરમાં ‌સિંધુ નદીના કાંઠે સ્‍પીતુક ખાતે ૨,૧૦૦ મીટર લાંબી હવાઈપટ્ટી તૈયાર હતી. આ કાર્ય માટે લશ્‍કરે સોનમ નોબ્રુને રૂ‌પિયા તેર હજાર આપેલા, પણ નોબ્રુએ ૧૦,૯૮૧ રૂ‌પિયાના ખર્ચે તે સંપન્‍ન કર્યું એટલું જ ન‌હિ, શેષ બચેલી રકમ લેહની લશ્‍કરી ‌તિજોરીમાં જમાવી કરાવીને કર્તવ્‍ય‌નિષ્‍ઠા ઉપરાંત પ્રામા‌ણિકતાનો ધડો લેવા જેવો દાખલો બેસાડ્યો.

■■■

શીંગોડું તો શણગારાયું, પણ ‌દિવસો સુધી જમવાનું તેડું ન આવ્યું! અર્થાત્ જાનના જોખમે ઝોજી લા ઘાટ પાર કર્યા બાદ યુદ્ધના ધોરણે લેહની હવાઈપટ્ટી તૈયાર કરાઈ, પણ તેનું ‘ઉદઘાટન’ કરવા માટે વાયુ સેનાનું એકેય ‌વિમાન ન પધાર્યું. આને ગાફે‌લિયત ગણો કે લેહ પ્રત્‍યેનું ઉદાસીન વલણ, પરંતુ તેનું પ‌રિણામ એ આવ્યું કે વીતતા સમય સાથે પા‌કિસ્‍તાની હુમલાખોરો લેહની વધુ નજીક આવતા રહ્યા. મે ૨૨, ૧૯૪૮ના રોજ જ્યારે તેઓ લેહથી ત્રીસેક ‌કિલોમીટર છેટે નીમૂ ગામ સુધી પહોંચ્‍યા ત્‍યારે આપણું લશ્‍કર સફાળું જાગ્યું.

ખુશ્‍કીદળના મેજર જનરલ કે. એસ. ‌થિમૈયા પોતે વાયુસેનાના બાહોશ પાઇલટ કોમોડર મહેર ‌સિંહને રૂબરૂ મળ્યા અને હવાઈમાર્ગે લેહ પહોંચવાનો પ્‍લાન બનાવ્યો. ભારતીય વાયુ સેના પાસે ત્‍યારે DC-3 ડાકોટા પ્રકારનું ‌વિમાન હતું. પેસેન્‍જર તથા લશ્‍કરી એમ દાઢી-કમ-સાવરણીનો ડબલ રોલ અદા કરી શકતું ડાકોટા ભરોસાપાત્ર ‌વિમાન હોવા છતાં તેની એક મર્યાદા હતી ઃ પ્‍લેનની કે‌બિન એરટાઇટ (સમદબાવ) ન હોવાથી પંદરેક હજાર ફીટ કરતાં વધુ ઊંચે તેને લઈ જવું જોખમી સા‌બિત થાય. (આજના આધુ‌નિક પેસેન્‍જર ‌વિમાનો ૩પ,૦૦૦ ફીટ ઊંચે ઊડતા હોય ત્‍યારે બહારનું માઇનસ ત્રીસેક અંશનું તાપમાન તેમજ ઓ‌ક્સિજનની કમી આપણને એટલા માટે વરતાય ન‌હિ કે પ્‍લેનની કે‌બિન એરટાઇટ 

અનુસંધાન

હોય છે.) લેહની ઊંચાઈ ભલે ૧૧,૦૦૦ ફીટ, પણ માર્ગમાં ‌હિમાલયના ૧૮,૦૦૦ ફીટ ઊંચા પહાડો દીવાલ બનીને ઊભા હતા. ડાકોટાએ તેમને ટપી જવા ‌વિના આરો ન‌હિ. આટલી ઊંચાઈએ ‌વિમાનમાં બેઠેલા પાઇલટે તથા યાત્રીએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડે અને ઓ‌ક્સિજનની કમી વેઠવાની થાય.

લેહ સુધીના ઉડ્ડયનમાં જોખમ હોવા છતાં કોમોડોર મહેર ‌સિંહે ફરજનો સાદ ઝીલી લીધો. મે ૨૪, ૧૯૪૮ના રોજ તેઓ ઉડાન ભરી ગયા ત્‍યારે ‌વિમાનમાં પાછલી સીટે એક સી‌નિઅર અફસર પણ બેઠા હતા ઃ ખુશ્‍કીદળના મેજર જનરલ કે. એસ. ‌થિમૈયા! સેનાપ‌તિ જેવો આલા દરજ્જાનો હોદ્દો હોવા છતાં તેઓ જીવના જોખમે કોમોડર મહેર ‌સિંહના સહયાત્રી બન્‍યા.

■■■

મે ૨૪ની એ બપોરે ડાકોટા ‌વિમાન લેહનું આકાશ ગજવતું સ્‍પીતુક હવાઈપટ્ટી પર ઊતર્યું. આકાશી માર્ગે આવેલા તે પાંખાળાં ‘દેવદૂત’ને કૌતુકભરી નજરે જોવા માટે લેહમાં સ્‍થા‌નિકોની ભીડ જામી. કૌતુક તો આપણા લશ્‍કરને પણ થયું હોવું જોઈએ કે કોમોડર મહેર ‌સિંહે ડાકોટા જેવા ‌વિમાનને ૧૮,૦૦૦ ફીટ ઊંચી છલાંગ મરાવીને આખરે લેહ પહોંચાડ્યું કેવી રીતે?

લેહ સુધીની પહેલવહેલી ફ્લાઇટ પહેલા જ પ્રયાસે સફળ રહી ત્‍યાર બાદ આગામી ‌દિવસોમાં એક પછી એક ડાકોટા ‌વિમાનો શસ્‍ત્રો અને સૈ‌‌નિકો સાથે આવતા ગયા. લેહની ભાગોળે પહોંચેલી પા‌કિસ્‍તાની સેનાને આપણા જવાનોએ જડબાતોડ જવાબ દેવો શરૂ કર્યો. લદ્દાખને ખેરવી લેવા માટે પા‌કિસ્‍તાને હાથ ધરેલા ‘ઓપરેશન સ્‍લેજ’નો જોતજોતામાં ફ્લોપ-શો કર્યા પછી આપણી સેના આગેકૂચ કરતી ગઈ. શત્રુહાથમાં ગયેલા ઝોજી લા ઘાટની ૧૧,૬૦૦ ફીટ ઊંચી ભૂ‌મિ પર રણગાડીઓ ઉતારીને ભારતીય લશ્‍કરે વધુ એક અ‌ભૂતપૂર્વ કીર્તિમાન સ્‍થાપી નવેમ્‍બર ૧, ૧૯૪૮ના રોજ ઝોજી લામાં ‌તિરંગો ખોડી દીધો. આગામી તબક્કે કાર‌ગિલને નવેમ્‍બર ૨૪ના રોજ શત્રુમુક્ત કર્યું. દુશ્‍મનની એડી નીચે દબાયેલી કાશ્‍મીરની લગભગ ૧,૩૦૦ ‌કિલોમીટર ભૂ‌મિને આઝાદ કરાવ્‍યા પછીયે આપણી ‌વિજયકૂચ ચાલુ હતી. ચોતરફ ભારતીય વાવટા ખોડાઈ રહ્યા હતા. જબરજસ્‍ત ફટકા વેઠી ચૂકેલું પાક સૈન્ય લાંબો સમય આપણી સામે લડી શકે તેમ નહોતું. આમ છતાં કોણ જાણે કેમ, આપણે રઘવાયા થઈને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સલામતી સમિતિમાં યુદ્ધ‌વિરામની ટહેલ નાખી દીધી. 

ડિસેમ્બર ૩૧, ૧૯૪૮ / જાન્યુઆરી ૧, ૧૯૪૯ની મધરાતે ૧૨ઃ૦૦ વાગ્યે યુદ્ધવિરામ અમલી બન્યો. ‌હિમાલયમાં પંદર મ‌હિના સુધી સતત ગુંજેલા ગોળીબારના અને ગોલંદાજીના કર્ણભેદી પડઘા શમી ગયા. આપણા કુલ ૧૨ શૂરવીરોની બહાદુરીને મહાવીર ચક્ર વડે બિરદાવવામાં આવી, જેમાં ઝોજી લાને પાર કરનાર મેજર ઠાકુર પૃથી ચંદ તથા ૧૮,૦૦૦ ફીટ ઊંચા પહાડોને ડાકોટામાં ટપી જનાર પાઇલટ કોમોડોર મહેર ‌સિંહ સામેલ હતા. પા‌કિસ્‍તાનના મહત્ત્વાકાંક્ષી ‘ઓપરેશન સ્‍લેજ’નું સૂરસૂ‌રિયું કરવામાં તે બન્‍ને યોદ્ધાનું યોગદાન અપ્રતિમ હતું. લેહની ભૂ‌મિ પર અણીના મોકે હવાઈપટ્ટી તૈયાર કરી આપનાર ઇજનેર સોનમ નુબ્રુની સેવાને સરકારે પદ્મશ્રી ‌ખિતાબ વડે ‌બિરદાવી. આજે પોણોસો વર્ષે સહેજે ‌વિચાર આવે કે ભારતના પક્ષે જો એ ત્રણેય ફરજપરસ્‍તો ન હોત તો? 

તો કદાચ લદ્દાખ આજે પા‌કિસ્‍તાનનું હોત!■

Gujarat
Magazines