For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માનવીના દ્રઢ મનોબળનો પ્રભાવ જડ વસ્તુઓ પર પણ પડી શકે છે!

Updated: Mar 18th, 2023

Article Content Image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- જોર્ડન એકાગ્ર દ્રષ્ટિથી ટેબલ તરફ જોયા કરતો હતો. થોડીવાર બાદ ટેબલના પાયા અદ્ધર થવા લાગ્યા હતા અને ટેબલ ઊંચે જવા લાગ્યું હતું. તે છતને અડકી ધીમે ધીમે નીચે આવી જ્યાં હતું ત્યાં જમીન પર ગોઠવાઈ ગયું હતું

શ્રી મદ્ ભગવદ્ ગીતાના પંદરમા 'પુરુષોત્તમ યોગ' મધ્યાયના સાતમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ । મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ।। આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઈન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે.' તે રીતે એના અગિયારમાં શ્લોકમાં કહે છે - 'યતન્તો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ । યતન્તો।વ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ।। ધ્યાન-યોગથી પ્રયત્ન કરનારા યોગીઓ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ પ્રયત્ન કરવા છતાં પણ એને જોઈ કે અનુભવી શકતા નથી.' એ રીતે યોગવાસિષ્ઠ રામાયણમાં પણ કહેવાયું છે - 'મનો હિ જગતાં કર્તુ મનો હિ પુરુષઃ સ્મૃતઃ ।। મન જ જગતનું કારણ અને સ્મૃતિઓમાં વર્ણન કરાયેલ પુરુષ છે.'

એલેકઝાન્ડર રાલ્ફ નામના વિખ્યાત લેખકે તેમના પુસ્તક 'ધ પાવર ઓફ માઈન્ડ'માં મનની શક્તિના અનેક ઉદાહરણો આપી એની વિશદ સમજૂતી આપી છે. તે જણાવે છે કે ધ્યાન અને યોગ દ્વારા માનવી મનને અપાર શક્તિશાળી બનાવી શકે છે. તે તેના પ્રચંડ મનોબળથી તમામ સજીવ પ્રાણીઓ અને નિર્જીવ મનોબળથી તમામ સજીવ પ્રાણીઓ અને નિર્જીવ પદાર્થો પર પ્રભાવ પાડી શકે છે. હંગેરીમાં જન્મેલા બ્રિટિશ, અમેરિકન પેરાસાઈકોલોજિસ્ટ, સાઈકોએનાલીસ્ટ, લેખક, પત્રકાર નેન્ડોર ફોદોર (Nandor Fodor)  પણ આ વિષય પર ઊંડું સંશોધન કરી મનની અમોઘ શક્તિના પ્રમાણો એમના પુસ્તકોમાં રજૂ કર્યા છે. ફોદોર શરૂઆતમાં સિગ્મંડ ફ્રોઈડના એસોસિયેટ રહ્યા હતા. તેમનું પુસ્તક મેગ્નમ ઓપસ, એન્સાઈક્લોપિડિયા ઓફ સાઈકિક સાયન્સ ખૂબ લોકપ્રિય થયું હતું. નેન્ડોર ફોદોર અમેરિકન સોસાયટી ફોર સાઈકિક રીસર્ચના લંડનના કોરસ્પોન્ડન્ટ હતા. તેમણે 'સાઈકોએનાલીટિક રિવ્યુ'ના તંત્રી તરીકે કામ કર્યું હતું. તે 'ન્યૂયોર્ક એકેડેમી ઓફ સાયન્સિઝ'ના મેમ્બર પણ હતા.

'એનાલીટિકલ સાઈકોલોજી'ના પ્રસ્થાપક યુગવર્તી મનોવિજ્ઞાની, સાઈકિઆટ્રિસ્ટ, સાઈકોએનાલીસ્ટ કાર્લ યુંગ (Carl Jung) પણ મનની શક્તિઓના સંશોધક તો હતા જ, એ સાથે એવી શક્તિના અધિપતિ, સ્વામી પણ હતા. મનોવિજ્ઞાનના ક્ષેત્રે અદ્ભુત, અભૂતપૂર્વ, અપ્રતિમ પ્રદાન કરવા બદલ વિશ્વભરમાંથી તેમને ઓનરરી ડોકટરેટ અને એવોર્ડસ આપવામાં આવ્યા હતા. એમાં મુખ્યત્વે ક્લાર્ક યુનિવર્સિટી, ફોર્ધમ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ અલ્હાબાદ, યુનિવર્સિટી ઓફ બનારસ, યુનિવર્સિટી ઓફ કલકત્તા, ઓક્ષ્ફર્ડ યુનિવર્સિટી અને જીનિવા યુનિવર્સિટી તરફથી આ ડોકટરેટ આપીને બહુમાન કરાયું હતું. કાર્લ યુંગ રોયલ સોસાયટી ઓફ મેડિસિનના ઓનરરી મેમ્બર પણ હતા.

એકવાર કાર્લ યુંગ એમના મનોવિજ્ઞાની મિત્ર સિગ્મન્ડ ફ્રોઈડને મળવા ગયા. એ મુલાકાત વખતે બન્ને વચ્ચે મનની સંકલ્પશક્તિના મુદ્દા પર ચર્ચા-વિચારણા થઈ. એ દરમિયાન કાર્લ યુંગે ફ્રોઈડને કહ્યું - 'માનવી એની પ્રબળ ઈચ્છાશક્તિનો પ્રભાવ જડ-નિર્જીવ વસ્તુઓ પર પણ પાડી શકે છે.' સિગ્મન્ડ ફ્રોઈડે તેનો વિરોધ કરતાં કહ્યું હતું - માનવીના મનોબળ અને ઈચ્છાશક્તિનો પ્રભાવ સજીવ પ્રાણી પર ક્યારેક પડી શકે એ વાત હું માનું છું પણ તે નિર્જીવ પદાર્થ પર તો ના જ પડે. કાર્લ યુંગે તેમને કહ્યું - 'તમે તમારી નજરે એ જુઓ તો પછી તો તે વાત માનો ને ?' ફ્રોઈડે કહ્યું - એમાં કોઈ યુક્તિ કે છેતરપિંડી તો નથી ને તેની જાતે ખાતરી કરું તે પછી મારી સામે કોઈ એવું કરી બતાવે તો હું તે બાબત સ્વીકારું.'

મનોવિજ્ઞાની કાર્લ યુંગે ફ્રોઈડને હસીને કહ્યું - હું જ તમારી સમક્ષ અત્યારે જ પ્રયોગ કરીને તે સાબિત કરી બતાવું છું. તમે આ ઓરડાની બધી વસ્તુઓ ચકાસી જુઓ. ફ્રોઈડે બધી વસ્તુઓનું બારીક પરીક્ષણ કર્યું. ક્યાંય કોઈ દોરડું, દોરી, ચુંબક કે ઉચ્ચાલનની વસ્તુ ઓરડામાં નહોતી. પછી કાર્લ જુંગે પ્રયોગ શરૂ કર્યો. તે એક જગ્યાએ ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા અને પોતાનું પ્રચંડ મનોબળ એકઠું કરી ઓરડાની વસ્તુઓ તરફ એકાગ્ર દ્રષ્ટિથી જોવા લાગ્યા. થોડીવારમાં તો વસ્તુઓમાં કંપન અને ગતિ ઉત્પન્ન થઈ. તે વસ્તુઓ હાલવા લાગી, આમતેમ ખસવા લાગી. ટેબલ પર મૂકેલા પુસ્તકો ઉછળીને છતને અથડાઈ નીચે પડવા લાગ્યા, એટલું જ નહીં, ચાર પાયાવાળું વજનદાર ટેબલ પણ હવામાં અદ્ધર થઈને છતને અથડાઈને નીચે પડયું હતું. આ જોઈને સિગ્મન્ડ ફ્રોઈડ દિગ્મૂઢ બની ગયા હતા. તેમને પોતાનો મત બદલવા વિવશ થવું પડયું હતું. તેમણે સ્વીકાર કરી લીધો હતો કે મનની શક્તિ જડ વસ્તુઓ પર પણ પ્રભાવ પાડી શકે છે. કાર્લ યુંગના પ્રયોગનો ઉલ્લેખ તેમણે તેમના પુસ્તકમાં પણ કર્યો હતો.

ન્યૂયોર્કના પ્રસિદ્ધ ચૈતસિક ફિલિપ (ફિલ) જોડર્નમાં પણ અનેકવિધ ચૈતસિક શક્તિઓ સાથે સાઈકોકાઈનેસિસની શક્તિ પણ હતી. મનના પ્રભાવથી ભૌતિક વસ્તુઓને ગતિમાન કરવાની શક્તિને સાઈકો-કાઈનેસિસ કહેવામાં આવે છે. ફિલ જોર્ડને ૧૯૭૫ ના માર્ચ મહિનાની બારમી તારીખે ન્યૂયોર્કના 'ગેનેટ' વર્તમાનપત્રના માલિકોએ પોતાના સાત ચુનંદા પત્રકારો સાથે જાણીતા જાદુગર રિચાર્ડ ડેનિસને સામેલ કરી એક તપાસ ટુકડી બનાવી ફિલ જોર્ડનના ઘેર મોકલી હતી. ડેનિસે જોર્ડનને પડકાર ફેંકીને કહ્યું હતું - તારે અત્યારે જ અમારી સમક્ષ તારી શક્તિને પુરવાર કરવી પડશે. તારે તારા ઘરના લાકડાના ટેબલનું ઉચ્ચાલન કરવાને બદલે હું મારી સાથે જે લોખંડનું વજનદાર ટેબલ લાવ્યો છું એને તારા મનની શક્તિથી અદ્ધર કરી બતાવવું પડશે.

જોર્ડને તેનો પડકાર ઝીલી લીધો હતો. ડેનિસ દ્વારા લાવવામાં આવેલું અત્યંત ભારે, વજનદાર લોખંડનું ટેબલ ફિલ જોર્ડનના ઓરડામાં મૂકાવવામાં આવ્યું હતું. જોર્ડને એના શર્ટની બન્ને હાથની બાંયો કોણીથી ઉપર લઈ લીધી હતી. જેથી હાથમાં કશું છુપાવી રાખ્યું નથી એની ખાતરી થાય. જોર્ડન એકાગ્ર દ્રષ્ટિથી ટેબલ તરફ જોયા કરતો હતો. થોડીવાર બાદ ટેબલના પાયા અદ્ધર થવા લાગ્યા હતા અને ટેબલ ઊંચે જવા લાગ્યું હતું. તે છતને અડકી ધીમે ધીમે નીચે આવી જ્યાં હતું ત્યાં જમીન પર ગોઠવાઈ ગયું હતું. ફિલ જોર્ડને તેની ચૈતસિક શક્તિથી ક્રાઈમ ડિટેકશનનું કામ પણ કર્યું હતું. તે ચૈતસિક શક્તિથી ખોવાયેલી વ્યક્તિઓ અને વસ્તુઓ પણ શોધી આપતો હતો.

સોવિયેટ રશિયાની નિના કુલાગિના ઊર્ફે નેલ્યા મિખાઈલોવા પણ સાઈકો-કાઈનેસિસ પાવર ધરાવતી હતી. જે જુદી જુદી વસ્તુઓને એકાગ્ર દ્રષ્ટિથી જોઈ મનોપ્રભાવ દ્વારા ખસેડી કે અદ્ધર કરી શકતી હતી. અમેરિકાના જોસેફ પ્રાટ અને જુર્ગેન કીલ નામના વિજ્ઞાનીઓએ રશિયામાં આવી તેના પર ૨૦૦ જેટલા પ્રોયોગો કર્યા હતા. રશિયન વિજ્ઞાનીઓએ પણ તેના પ્રયોગોની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

Gujarat