For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોઈ જાતની ઈજા પહોંચાડયા વિના યુવતીઓનું જીવન ઝેર કરી નાંખતા 'સ્ટૉકર્સ'

Updated: Mar 19th, 2023


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- મનગમતી સ્ત્રી પાછળ પડી જતાં રોડસાઈડ રોમિયોનો ત્રાસ

- એવું નથી કે આ સમસ્યા માત્ર ભારતમાં જ છે. હોલીવૂડ ગાયિકા બ્રિટની સ્પિઅર્સને તેનો જાપાનનો સ્ટોકર (પીછો કરનાર) સેક્સ ટોઈઝ મોકલતો. 

- મનોચિકિત્સક કહે છે કે સ્ટોકરો ગમે તે ભોગે પોતાની ગમતી વ્યક્તિને મેળવવાની માનસિકતા ધરાવે છે. આને માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.  

થો ડા સમય પૂર્વે  પનવેલમાં  એક ગમખ્વાર  ઘટના બની. ૧૮ વર્ષની એક તરુણી રોજની માફક કોલેજ જતી હતી. તેની સાથે તેના પિતા સદાશીવ કાંચન પણ હતા. અચાનક એક યુવક આ તરુણીની નજીક ગયો..... તેની  ખૂબ નજીકથી ચાલવા લાગ્યો.....   પેલી તરુણીએ અચાનક જ તેનાથી થોડા અંતરે ચાલતા પિતાને ઊંચા અવાજે કહ્યું : ''આ જ છે પેલો યુવાન જે સતત મારો પીછો  કરે  છે, છેડતી કરે છે....''  દીકરીની આ ફરિયાદ સાંભળી પિતા સદાશીવ આગળ આવ્યા. તેમણે  પેલા યુવકને ખખડાવ્યો કે તુ મારી દીકરીનો પીછો કરી તેને પરેશાન કેમ કરે છે...??

બસ આટલું સાંભળતા જ પેલો યુવકનો મિજાજ સાતમા આસમાને ગયો.  તેણે સામે ઊભેલા બુઝુર્ગ પિતાની  ફરિયાદ કાને ધરવાને બદલે સીધો જ વળતો હુમલો કર્યો. ૫૩ વર્ષના  સદાશિવ કાંચનને પેલા યુવકે એટલો ઢોર માર માર્યો કે તેઓ રસ્તા પર જ ઢળી પડયા. તેમને બ્રેઈન હેમરેજ થયું અને છેવટે હોસ્પિટલમાં મોત થયું.   અભિષેક નામનો આ ૨૫ વર્ષનોે  યુવક વ્યવસાયે મિકેનીકલ એન્જિનિયર છે. અને દોઢ  વર્ષથી આ તરુણીનો પીછો કરતો હતો.

હવે  બીજો એક કિસ્સો જુઓ. પડછાયાની જેમ એ શખ્સ  એક શ્રીમંત ઘરાનાની યુવતી મોના (નામ બદલ્યું છે)  પીછો કરી રહ્યો હતો. આજે તો તેણે હદ જ કરી. સિગ્નલ પર મોનાની ગાડી ઊભી હતી ત્યારે હાથ અંદર નાખી તેણે ગાડીની ચાવી જ કાઢી નાખી. ભયને લીધે  ગભરું  મોનાના માથા પર પરસેવો વળી ગયો. તે   થરથર  ધુ્રજવા લાગી. આ નરપિશાચને તેના આ ડરથી એક પ્રકારનો ક્રુર આનંદ મળતો હતો. આ ભયે તેની જિંદગીના આગામી બે વર્ષ સુધી તેનો પીછો છોડયો નહીં. તે જ્યાં જતી ત્યાં આ શખ્સ તેની પાછળને પાછળ ફરતો તે સમયે  તે દિલ્હી યુનિવર્સિટીમાં વકીલાતનું ભણી રહી હતી. એકાદવાર તો તે તેના ઘરમાં પણ ઘૂસી ગયો હતો. સૂમસામ રસ્તા પર તે તેની છેડતી કરવા પણ પ્રયત્ન કરતો. પણ મોનાએ કોઠું ન આપતા આ મવાલી યુવકની દાળ ગળી નહીં. તેણે જુદા જુદા પોલીસ સ્ટેશન પર એક, બે વાર નહીં પરંતુ પાંચ વાર ફરિયાદ કરી. તેણે દિલ્હીના પોલીસ કમિશનરને પણ પોતાની વિતક કથા વર્ણવી. પરંતુ તેનો પીછો કરનાર યુવક સિનિયર પોલીસ ઓફિસરનો પુત્ર હોવાથી તેની ફરિયાદ કોઈએ કાને ધરી નહીં. છેવટે    બે  વર્ષ પૂર્વે   શિયાળાના એક દિવસે આ નિર્દોષ યુવતી પર તેના જ ઘરમાં બળાત્કાર કરવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી.

તમને થશે કે અમે આ એક રૂવાંટા ઊભા થઈ જાય એવી ફિલ્મ કહાની જણાવી રહ્યા છીએ. પરંતુ આ એક સત્ય ઘટના છે. ભારતના પાટનગરમાં બનેલી આ ઘટનામાં બળાત્કારીની વાસનાનો ભોગ બની જાન ગુમાવનાર કમનસીબ યુવતી માત્ર ૨૩ વર્ષની હતી અને તેનો પીછો પકડી તેને પરેશાન કરનાર યુવકનું નામ છે સંતોષકુમાર સિંહ.  લાંબા કાનૂની મૂકદમા પછી  આજે આ અપરાધી સમાજમાં  છૂટો  ફરે છે.

એકાંત રસ્તા પર પાછળ સંભળાતા પગના અવાજો, ઘર નીચે ઊભા રહેતા 'હીરો લોગ', કોલેજ કે ઓફિસ સુધી પીછો કરતા ભેદી યુવાનો... આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરનાર યુવતીઓની સંખ્યા ઘણી હશે. આમાંની કેટલીક યુવતીઓ પોતાની જાતને બચાવી શકી હશે તો કેટલીક યુવતીઓની દશા  મોના જેવી પણ થઈ હશે.

થોડા  વર્ષ  અગાઉ અભિનેતા શાહિદ કપૂરના ઘરે જવા ઇચ્છતી વાસ્તવિકતા નામની યુવતીને સુરક્ષા કર્મચારીઓએ અટકાવી ત્યારે તેણે સોસાયટીની દીવાલ ફાંદીને તેના ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો ત્યારે અભિનેતાએ નાછૂટકે પોલીસ બોલાવવી પડી હતી. હકીકતમાં આ યુવતી વિતેલા જમાનાના જાણીતા અભિનેતા રાજ કુમારની પુત્રી છે. તે સર્વત્ર શાહિદ કપૂરનો પૂછો કરતી રહેતી હતી. તેણે પોતાનું ઘર પણ ્અભિનેતાના રહેઠાણ પાસે લઈ લીધુ ંહતું. વાસ્તવિકતા શાહીદના ઘરની બહાર ઊભી રહેતી અને આવતાં-જતાં લોકોને કહેતી કે તેણે અભિનેતા સાથે વિવાહ કરી લીધાં છે.

હકીકતમાં બન્ને એક જાણીતી ડાન્સિંગ સ્કુલમાં એક સાથે નૃત્યની તાલીમ લેવા જતાં હતાં ત્યારથી તેને શાહીદ ગમવા લાગ્યો હતો. ધીમે ધીમે તેની ચાહત વળગાડ જેવી બની ગઈ અને તે શાહીદની પાછળ પાછળ ફરવા લાગી. મહત્ત્વની વાત એ છે કે તે એક સારા પરિવારની યુવતી છે. તેણે કરણ રાઝદાનની ફિલ્મ 'એઈટ'માં કામ પણ કર્યું હતું.

અહીં આપણને સહેજે પ્રશ્ન થાય કે ઉચ્ચ ખાનદાનની સુખી વ્યક્તિ આવું શા માટે કરતી હશે? આના જવાબમાં મનોચિકિત્સકો કહે છે કે ગમતી વ્યક્તિનો પીછો કરવાની મનોવૃત્તિ માનવીમાં હંમેશાંથી રહી છે. પરંતુ અગાઉ તેના વિશે ખાસ ચર્ચા નહોતી થતી. આ એક એવી સામાજિક આપત્તિ છે જેનો આરંભ નિરૂપદ્રવી હોય છે, પણ ધીમે ધીમે તેની લત લાગી જાય છે જે છેવટે ગંભીર માનસિક વ્યાધિમાં પરિણમે છે. સામાન્ય ઓળખાણને મિત્રતા માની લેવામાં આવે છે અને સહજ દોસ્તીને પ્રેમ. એક તરફી પ્રેમ કરનાર વ્યક્તિ સતત સામી વ્યક્તિ પીછો કરે છે. જ્યારે તેની લાગણીઓની અવગણના કરવામાં આવે ત્યારે તે હિંસક પણ બની જાય છે. તેમને જ્યારે તેમની મનપસંદ વ્યક્તિ નથી મળતી ત્યારે તેઓ તેની હત્યા કરવા સુધી જઈ શકે છે.

એવું નથી કે આ સમસ્યા માત્ર ભારતમાં જ છે. હોલીવૂડ ગાયિકા બ્રિટની સ્પિઅર્સને તેનો જાપાનનો સ્ટોકર (પીછો કરનાર) સેક્સ ટોઈઝ મોકલતો. જ્યારે અભિનેતા માઇકલ ડગ્લાસની એક પ્રશંસક તેની પત્નીને ધમકીભર્યા ઈ-મેલ મોકલતી. જોકે પશ્ચિમી દેશોમાં આવા બનાવોનો નિવેડો કાનૂની અને મનોવૈજ્ઞાનિકોની મદદથી લાવવામાં આવે છે.

 સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો કહે છે કે સ્ટોકિંગને અટકાવી શકાય નહીં, પરંતુ સ્ટોકરને તાત્કાલિક કાઉન્સેલરની મદદ મળવી જોઈએ. વાસ્તવમાં આવા લોકો આત્મવિશ્વાસના અભાવ, નિરાશા કે અન્ય કોઈ માનસિક રોગથી પીડાતા હોય છે. તેથી તેમને યેનકેન પ્રકારણે કાઉન્સેલર પાસે લઈ જવાં જરૂરી હોય છે.

મહત્ત્વની વાત એ છે કે સ્ટોકિંગ ફક્ત સેલિબ્રિટીઓ પૂરતું જ સીમિત નથી. આપણને છાશવારે એવા કિસ્સા સાંભળવા મળે છે જેમાં પીછો કરનારી વ્યક્તિ પડોશી, સહકાર્યકર, સહપ્રવાસી કે વિદ્યાર્થી સુધ્ધાં હોય છે, હા, ઘણાં સ્ટોકરોએ એ વાત કબૂલી છ ેકે તેઓ ફિલ્મોમાં હિરો કે હિરોઈનને એકબીજાની પાછળ પડતાં જુએ છે અને છેવટે એકમેક સાથે મળી જતાં ભાળે છે ત્યારે તેઓ એમ માની બેસે છે કે તેમને પણ તેમના વાસ્તવિક જીવનમાં ગમતી વ્યક્તિ આ રીતે જ મળી જશે. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે સ્ટોકરોમાં વિકૃતિના બીજ ફિલ્મોને કારણે રોપાય છે.

એક ફોરેન્સિક સાઇક્રિયાટ્રિસ્ટ કહે છે કે અત્યાર સુધી સ્ટોકરોને એવી રીતે સારવાર આપવામાં આવતી હતી જેવી રીતે નશીલા પદાર્થો કે આલ્કોહોલના બંધાણીઓને આપવામાં આવતી હોય છે. સ્ટોકિંગનો જરા સરખો અનુભવ પણ ન ધરાવતા હોય એવા પ્રેક્ટિશનરો સ્ટોકરોને સારવાર આપે ત્યારે તેઓ સ્ટોકરની માનસિક વિકૃતિના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન નથી કરતાં. સ્ટોકરનો ઉદ્દેશ, તેની પાછળ રહેલા જોખમનો વિચાર નથી કરતાં.

જ્યારે નિષ્ણાતો સ્ટોકરોને પાંચ જૂથમાં વહેંચે છે. તેઓ માને છે કે બધા સ્ટોકરોની સમસ્યાઓ એકમેક કરતાં અલગ હોય છે. પ્રત્યેક સ્ટોકર માનસિક રીતે બીમાર નથી હોતો. પરંતુ તેમનું વ્યક્તિત્વ એકદમ વિચિત્ર હોય છે. તેઓ આ પાંચ પ્રકાર ગણાવતાં કહે છે કે ઘણાં સ્ટોકરો પોતાની ગમતી વ્યક્તિ સાથે ગાઢ સંબંધ બાંધવા ઇચ્છતા હોય છે. પરંતુ જ્યારે તેમને સામી વ્યક્તિ પાસેથી જોઈતો પ્રતિભાવ નથી સાંપડતો ત્યારે તેઓ મનોરોગી બની જાય છે.

ઘણાં સ્ટોકરો અત્યંત ક્રોધી હોય છે. તેઓ તેમની ગમતી વ્યક્તિને કોઈ પણ રીતે ભય પમાડવાનો પ્રયત્ન કરે છે. આવા સ્ટોકરોના નિશાના પર તેમને ઉતારી પાડનાર બોસ, તબીબ, ધારાશાસ્ત્રી કે અન્ય કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. 

ત્રીજા પ્રકારના સ્ટોકરો માટે ભૂતપૂર્વ સંબંધો સ્ટોકિંગનું કારણ બની જાય છે. જ્યારે કેટલાંક કેસમાં સ્ટોકર તેની ગમતી વ્યક્તિ સાથે તેની ગમતી વ્યક્તિનું મન જાણ્યા વિના કે સામાજિક શિસ્ત જાળવ્યા વગર તેની સાથે ડેટિંગ કરવા માગતો હોય છે. તેઓ એ વાત સમજવા કે માનવા તૈયાર નથી હોતાં કે સામી વ્યક્તિને તેના પ્રત્યે એવી લાગણી નથી જેવી તે તેને માટે અનુભવે છે. પાંચમા પ્રકારના સ્ટોકરોમાં બદલાની ભાવના ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. તેઓ પીડિત વ્યક્તિ પાછળ હુમલો કરવા, તેના ઉપર બળાત્કાર કરવા કે તેની હત્યા કરવા માટે જ પડે છે.  કાંઇ ન વળે તો તે યુવતી પર એસિડ ફેંકવા જેવી વિકૃત ચેષ્ટા કરે છે આવું ગુનાઈત માનસ ધરાવતા સ્ટોકરો મહિનાઓ કે વર્ષો સુધી પીડિત વ્યક્તિનો પીછો કરતાં રહે છે. એવા પણ કિસ્સા નોંધવામાં આવ્યાં છે જેમાં સ્ટોકર ૪૦-ચાળીસ વર્ષ સુધી સંબંધિત વ્યક્તિને પીડે છે. આવી સ્થિતિમાં પીડિત વ્યક્તિ સતત ભયના ઓથાર હેઠળ જીવે છે. ફોરેન્સિક સાઇક્રિયાટિસ્ટો માને છે કે આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાને બદલે તેમનું ફરજિયાત પુનર્વસન કરવું જોઈએ. ચાહે તેના માટે કેટલો પણ ખર્ચ કેમ ન થાય.

અલબત્ત, પુનઃવસન પછી પણ ગુનાઈત માનસ ધરાવતો સ્ટોકર ફરીથી સંબંધિત વ્યક્તિ પર હુમલો નહીં કરે કે તેની હત્યા કરવાનો પ્રયત્ન નહીં કરે તેની ખાતરી નથી હોતી. પરંતુ ફોરેન્સિક સાઇક્રિયાટિસ્ટોના મત મુજબ ટૂંકા ગાળાની જેલની સજાને કારણે પરિસ્થિતિ વધુ વણસે છે. જો તેના પુનર્વસનની કામગીરી કર્યા વિના તેને છોડી મૂકવામાં આવે તો તેની માનસિક તાણમાં વૃદ્ધિ થાય છે જે તેની હેરાનગતિ કરવાની વૃત્તિને ઉત્તેજન આપે છે.

સ્ટોકરોને સજા કરવાને બદલે તેમની સારવાર કરી તેમનું પુનઃવસન કરવાની કામગીરી બજાવતી ઉત્તર લંડનમાં આવેલી વિશ્વની એકમાત્ર હોસ્પિટલમાંથી મળેલી આંકડાકીય માહિતી મુજબ દર પાંચ માનુનીએ એક સ્ત્રી તેના જીવનમાં ક્યારેક તો સ્ટોકિંગનો ભોગ બને જ છે. જ્યારે પુરુષોમાં આની સંખ્યા દસે એક છે. પરંતુ આ સંખ્યામાં હવે ઝપાટાભેર વૃદ્ધિ થઈ રહી છે. આનું કારણ આપતાં અહીંના નિષ્ણાતો કહે છે કે સેલિબ્રિટીઓ પ્રત્યે વધતો જતો અનુરાગ, ઇન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ત થતી પ્રત્યેક જાતની માહિતી તેમજ ભીડમાં પણ અનુભવાતી એકલતાના પ્રતાપે સ્ટોકિંગમાં વધારો થયો છે.

વર્ષ ૨૦૦૩માં પોપ સિંગર બ્રિટની સ્પિઅર્સને ૪૧ વર્ષીય સ્ટોકર સાહસિકો શિઝાવાએ સેંકડો પ્રેમપત્ર અને ફોટા મોકલ્યા હતા. તે અમેરિકન ટુરિસ્ટ વિઝા લઈને બ્રિટની પાછળ ૩૭ શહેરોમાં ફર્યો હતો. તેણે  બ્રિટની ક્યાં જવાની છે તેની જાણકારી ઇન્ટરનેટ પરથી મેળવી હતી.

અભિનેતા બ્રાંડ પીટની ૧૯ વર્ષની પ્રશંસક બારી વાટે તેના ઘરમાં પહોંચી ગઈ હતી. બ્રાડના કેર ટેકરે તેને પકડી પાડી ત્યારે તેની પાસેથી ભૂત-પિશાચ પરનું એક પુસ્તક મળ્યું હતું. તેણે એક મસમોટી સેફટી પીનને રિબિનો વડે શણગારી હતી અને કહ્યું હતું કે તેણે અભિનેતા માટે આ ડોલ બનાવી છે. જોકે તેને ત્રણ વર્ષ માટે તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

બોલીવૂડ અભિનેત્રી કંગના રાણાવત જે જિમમાં જતી હતી તે જિમમાં જ આવતા આકાશ ભારદ્વાજ અદાકારા પર મોહી પડયો હતો. તેણે છ મહિના સુધી સતત કંગનાને પ્રેમપત્રો લખ્યાં. પરંતુ પરિસ્થિતિ હાથ બહાર જતી જોતાં એક જિમ ઇન્સ્ટ્રકટરે તેને કંગનાને હેરાન કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે હિંસા પર ઉતરી આવ્યો હતો. તેણે કંગનાને એમ કહીને ગાળાગાળ કરી હતી કે તે શા માટે તેને પ્રેમ નથી કરતી. 

વિદ્યા બાલનની ફિલ્મ 'ધ ડર્ટી પિકચર' રજૂ થઈ ત્યાર બાદ તેનો દિવાનો બનેલો ૨૦ વર્ષનો એક યુવક તેના ખાર ખાતે આવેલા ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે અભિનેત્રી ત્યારે ઘરમાં નહોતી તેથી તે ત્યાંથી એમ કહીને નીકળી ગયો હતો કે હું ફરી પાછો આવીશ. 'ધ ડર્ટી પિકચર'ની સફળતા પછી તે નિયમિત રીતે અભિનેત્રીના સેટ પર પણ જવા લાગ્યો હતો. જોકે પોલીસે તેને પકડયો હતો, પણ તેની સામે કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યાં.

આ એક એવો અપરાધ છે જે કરૂણતામાં પરિણમે છે. બધા સ્ટોકર જે તે વ્યક્તિ માટે અજાણ્યા નથી હોતા. બ્રિટનમાં વર્ષે દહાડે ૧૦૦ જેટલી મહિલાઓની હત્યા તેમના ભૂતપૂર્વ પ્રેમી/પતિના હાથે થાય છે. આમાંની ત્રીજા ભાગની મહિલાઓને સ્ટોકિંગ કર્યા પછી મોતને ઘાટ ઉતારવામાં આવે છે.

જોકે ફોરેન્સિક સાઇક્રિઆટ્રિસ્ટો માને છે કે સ્ટોકિંગ પાછળનું કારણ   મોટા ભાગે કવચ હેઠળ ઢંકાયેલું હોય છે. તેથી સ્ટોકરોને સમજાવટથી, ક્રોધને કાબૂમાં રાખવાની સારવારથી તેમજ ડીપ રિલેકસેશન થેરપી દ્વારા સારવાર આપી શકાય. તેઓ કહે છે મોટા ભાગના સ્ટોકર માનતા હોય છે કે તેઓ પીડિત વ્યક્તિને પ્રેમ કરે છે. તેમણે તેમની અઢળક લાગણી તેમની પાછળ લૂંટાવી દીધી હોવા છતાં સામી વ્યક્તિએ તેના પ્રેમની કદર નથી કરી. તેઓ એક દાખલો આપતાં કહે છે કે તેમના એક દરદીએ માત્ર બે અઠવાડિયાના સંબંધ પછી સંબંધિત યુવતીનો ૧૨ વર્ષ સુધી પીછો કર્યો હતો. પણ હવે તેને સમજાય છે કે તેણે જે માર્ગ અપનાવ્યો હતો તે ખોટો હતો. પરંતુ તેમને જ્યારે આ સત્ય સમજાય છે ત્યારે ઘણંુ મોડું થઈ ગયું હોય છે, તેમના જીવનના કિંમતી વર્ષો કોઈકનો પીછો કરવા પાછળ વેડફાઈ ગયા હોય છે. સાથે સાથે આ સમય દરમિયાન પીડિત વ્યક્તિ પણ સતત ભયના ઓથાર હેઠળ જીવી હોય છે. 

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ જણાવ્યું  હતું કે અમે જાણીએ છીએ કે કોઈપણ જાતની દેખીતી ઈજા ન પહોંચાડતો આ ગુનો પીડિત વ્યક્તિને   ભારે નુકસાન પહોંચાડી શકે છે. આમ છતાં આ અપરાધ માટે વેગળો કાયદો ન હોવાથી અમે નિઃસહાય બની જઈએ છીએ.

આમ છતાં આપણે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી કે આ એક એવો મનોરોગ છે જેને ખાળી શકવો મુશ્કેલ છે, એટલું જ નહીં, તેની સારવાર પણ કઠિન છે.

Gujarat