FOLLOW US

ગોદડીમાં પારિવારિક પ્રેમ પ્રતીકાત્મક રીતે સચવાયો છે!

Updated: Mar 18th, 2023


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ઉનાળામાં અગાસી ઉપર ગોદડી  પાથરવામાં આવે ત્યારે તે ચંદ્રમાની ચાંદની કાયામાં ઉતારી લઈને માણસને જે શીતળતા આપે છે એ અનન્ય હોય છે!!

આ જે તો 'ડામચિયો' ગોદડીઓ સમેત નામશેષ થઈ રહ્યો છે ત્યારે ગોદડીની ગાથા માંડવાનું મન થાય છે. એ ગોદડી શબ્દના મૂળમાં ગોદ શબ્દ હોવો જોઈએ. મૂળ અંગ 'ગોદ' ને 'ડી' લાડવાચક પ્રત્યય દ્વારા માણસની કાયાને હૂંફ આપનાર ગાભા દ્વારા બનેલો પદાર્થ એ ગોદડી.

'ગોદ' શબ્દમાં જ હૂંફ છે - આત્મીયતા છે. માતાના ખોળાને અને ગામના પાદરને પણ ગોદ - ગોદરું કહીએ છીએ તે અમસ્તુ કહેવાતું હશે? કવિ ઉમાશંકરે 'ગુજરીની ગોદડી' વિશે લખેલું પણ અહીં આપણી પોતિકી ગોદડીની વાત કરવી છે.

વિચિત્ર પ્રકારની વાસ જેમાં ભળેલી છે તે ગોદડી, ચાના દાળ-શાક, કઢીના ડાઘા જેમાં ઠરેલા છે એ ગોદડી. નાનાં ભાઈભાંડુની ફી-ફી - છી-છી જ્યાં છંટાઈ છે એ ગોદડી. એ ગોદડીમાં ભાઈ-બેનના શૈશવની સ્મૃતિઓ સચવાઈ છે. ઘરનાં સદસ્યો એ ગોદડીની હૂંફમાં મોટાં થયાં છે. એ ગોદડીની કાયાના પ્રત્યેક બખિયે માનાં ટેરવાં ટૌકે છે. ગોદડીમાં પારિવારિક પ્રેમ પ્રતીકાત્મક રીતે સચવાયો છે. બેનનું ફ્રોક, ભાઈનું પહેરણ, બાપાની બંડી-ધોતિયું, બાનો સાડલો એ બધું જ એક દોરે પરોવાયેલું. એક ટાંકે બંધાયેલું-સંધાયેલું... બાપા ગયા પછી પણ તેમની સ્મૃતિ ગોદડીમાં સચવાઈ રહી છે છબી થઈને. બેન પણ પરણીને સાસરે ગઈ પણ ગોદડીમાં નાની બેબી થઈને સચવાઈ રહી છે. ગોદડી અમસ્તી નથી હોતી, એમાં આલબમની જેમ સ્મૃતિઓ સચવાઈ છે. સમય પણ સચવાયો છે. સાડીમાં શોભતી આજની બેન ફ્રોકમાં કેવી લાગતી, કે ફ્રોક તેને કેવું લાગતું ! તેનો હિસાબ એ ડામચિયે સચવાયેલી ગોદડી જ આપે.

ગોદડી જિર્ણ થઈ ગયેલાં કપડાંનું નૂતનરૂપ છે. એ વેસ્ટમાંથી બેસ્ટનો ઉત્તમ નમૂનો છે, જે અતીતનું ભાવવર્તુળ રચી આપે છે. એની ત્રિજ્યામાં સ્નેહ પડયો છે અને જે પરિઘમાં પરિવારનો સરવાળો કરી આપે છે.

ગોદડી સ્મરણોને સજીવ કરે છે. પરિવારના સભ્યોની વહી ઉકેલે છે. ગોદડીમાંથી આત્મીયતાનો હિસાબ હાથ લાગે. શિયાળામાં ગોદડી સાથે સગપણ ગાઢ થાય, ઉનાળામાં એમાં ઓટ આવે. ગોદડીની યાત્રા ડામચિયેથી ઢોલિયે... આંગણેથી ઓરડે... ગોદડીને જેટલી આંગણાની ઓળખાણ એટલી ઓરડા - ડામચિયાની પણ... ઢોલિયા - ખાટલા સાથે એને નાતો... ગોદડીનો કર્મયોગ ઢોલિયાની ઢાલ થવાનો અને ડામચિયાનું સોપાન રચવાનો... ઢોલિયે બેસનારની વૃત્તિ પ્રવૃત્તિનો પરિચય યજમાનને આવે તે પ્હેલાં ગોદડીને આવી જતો હોય છે. ગોદડીનેય આંખો અને હૃદય બંને હોય છે. ગોદડી બનાવતાં કોઈ ફૂલ સોયના ટેરવે વીધાઈ જાય તો ગોદડીએ ચીસ પાડી નથી. ગોદડીની ઉદારતા એ ઘણા આઘાતો ઉગરી ગયા છે. થાક્યા પાક્યા કૈં કેટલાય સભ્યોનો થાક તેણે મૂંગા દાકતરની જેમ હરી લીધો છે. ગોદડીમાં વૃક્ષ જેટલી જ ઉદારતા છે. વૃક્ષ ધરતીને વળગેલું છે ગોદડી ઘરને વળગેલી. દોરા ટાંકતાં પહેલાં એની ખોળમાં ગાભા સમતલ પથરાય પછી એને ગોળ ગોળ વાળી 'ડોસો' બનાવી દેવાય... પછી પાથરી ટાંકા લેવાય... એ પાછા સરખે અંતરે... ભૂતકાળ ઉપર વર્તમાનની ભાત પડે... પણ ભૂતકાળ તો જીવતો જ રહે...

ગોદડીમાં શૈશવ, યૌવન અને વૃદ્ધત્વ ત્રણેય એક દોરે પરોવાયેલાં હોય ! આખો પરિવાર જેમ ઘરમાં નિવાસ કરે તેમ ગોદડીમાં પણ દેખાય ! બે ભાઈઓ મોટા થઈને ભલે વિભક્ત રહે, વિખૂટા પડી ગયા હોય પણ ગોદડીએ બંને ભાઈઓને સાચવી રાખ્યા હોય ! એમાં ભાઈ-બહેન માબાપ- બધાં એકસાથે નિવાસ કરે... ગજબનો પરિવાર પ્રેમ !

ગોદડી સ્મરણોને સાચવે છે - કોઈના ત્યાં જાન આવે ત્યારે ઘરેઘરેથી ગોદડીઓ ભેગી કરાય. છેડા ઉપર ગળીથી ટૂંકાક્ષરી નામ લખીને ગામને ચોરે થપ્પી કરાય જાનૈયા એની ઉપર સૂઈ જાય... કોઈક અવળચંડા બૂટ પણ સાફ કરે !! ગોદડી કંઈ બોલે નહિ.

ગોદડીનો જન્મ જ ગૃહિણીની જેમ કેવળ સેવાભાવનો. ગોદડી એક અર્થમાં માણસે પોતે પોતાના માટે તૈયાર કરેલું આરામગૃહ છે. ગોદડી બગલમાં મારી, ગમે ત્યાં જઈ સૂઈ શકાય. ખેતરમાં કે ધાબે... ગોદડીને કારણે થાક છૂ થઈ જાય છે. સવારે જે તાજગીનો અનુભવ કરવામાં આવે છે તેમાં ગોદડીનો ફાળોય નાનોસુનો હોતો નથી. ગોદડીના ભાગ્યમાં વરસે એકાદ-બે વાર ન્હાવાનું આવે ત્યારે એનો ન્હાવાના આનંદ કરતાં ધોકાના મારનો ઝાઝો અનુભવ થતો હોય છે. ગરમ-ગરમ પાણીમાં એના દેહને દઝાડાય ત્હોય એ ચૂં કે ચા કરતી નથી. સુકાવા તારની કે કાંટાની વાડે નંખાય ત્હોય એ ક્યાં ફરિયાદ કરે છે ?

કેટકેટલા પ્રકારની ગોદડી :- ગરીબની ગોદડી, સંતની ગોદડી, કંતાનની, રૂની, કપડાંની, ગાભાની અને ભાગિયાની બધાની જુદી જુદી ગોદડી. ગોદડીવાળા ગુરુ પણ હોય છે અને ગોદડીવાળા મહાત્માઓનો પણ તોટો નથી.

ગોદડીને ઋતુ ઋતુના અનુભવો હોય છે. શિયાળામાં એ ઠરી જાય ક્યારેક તપી જાય, ક્યારેક પલળી જાય, ક્યારેક શ્વાન ખેંચી જાય, ગલુડિયાં ચાવી જાય... ગોદડીને આત્મીયતા ગળે છે એ માણસ ભૂખી છે... શ્વાન પણ માણસ થઈને તેમાં બેસે તો ના નથી પાડતી. ઉનાળામાં અગાસી ઉપર એ પાથરવામાં આવે ત્યારે તે ચંદ્રમાની ચાંદની કાયામાં ઉતારી લઈને માણસને જે શીતળતા આપે છે એ અનન્ય હોય છે !! ચોમાસામાં એ ભીંજાઈ જાય છે - પણ આપે છે તો હૂંફ... મહેમાનો અને પરિવારજનોનો સાથ તેણે ક્યારેય છોડયો નથી. ડામચિયો તેનું પિયર છે. તેના પિયરનું નામ ઓરડો છે. ડામચિયા ઉપરથી તે શિસ્તનો પાઠ અને ઢોલિયેથી આવકારનો વિવેક શીખે છે - એ ગાભાનો નૂતન અવતાર જ નહિ પણ ગુણોનો ભંડાર પણ છે.

Gujarat
Magazines