Get The App

મનુષ્યનાં મગજમાં મૃત્યુ સમયે શું બને છે?

Updated: Jun 18th, 2022

GS TEAM

Google News
Google News
મનુષ્યનાં મગજમાં મૃત્યુ સમયે શું બને છે? 1 - image

- દુનિયાભરમાં 'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ'ના અસંખ્ય કિસ્સા

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ત મે ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે, તેની આંખો સામેથી  ભૂતકાળની મહત્વની ઘટનાઓ, એક ફ્લેશબેક માફક પસાર થતી જોવા મળે છે.  શું વાસ્તવમાં આવું થવું શક્ય છે? કેટલાક દાયકાઓથી ન્યુરો સાયન્ટિસ્ટના  મનમાં અનેક સવાલો પેદા થઈ રહ્યા છે? મનુષ્ય મૃત્યુ પામતો હોય ત્યારે તેના મગજમાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોય છે?  શુ તે કોઈ  ભ્રમણા  એટલે કે ઇલ્યુઝનમાંથી પસાર થાય છે?  કેટલીકવાર મૃત્યુના દ્વારે પહોંચી ગયેલ મનુષ્ય કે દર્દીને અનોખા પ્રકારનો અનુભવ થાય છે. જેને 'નિયર ડેથ  એક્સપિરિયન્સ' કહે છે. મૃત્યુના આરે ઉભેલી વ્યક્તિને  લાગે છે કે 'તે તેના શરીરમાંથી બહાર નીકળીને  હવામાં  તરી રહી છે. તેની આજુબાજુ ઊભેલા સગા સંબંધીઓ અને સમગ્ર ભૌતિક દુનિયાનું દર્શન કરી રહી છે. પરંતુ કોઈને તેનાં ત્યાં હાજર હોવાનો અણસાર સુધ્ધા આવતો નથી.' વ્યક્તિને શરીરમાંથી બહાર નીકળીને અલગ પ્રકારનો અનુભવ થાય છે તેને 'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ' કહે છે. મૃત્યુ સમયે પેદા થતી ભ્રમણા કે ઇલ્યુઝન, 'નિયર ડેથ  એક્સપિરિયન્સ' અને 'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ' સામાન્ય માનવીથી માંડીને સાયન્ટીસ્ટ સુધી દરેક માટે  કુતૂહલનો વિષય રહ્યો છે. તાજેતરમાં  ન્યુરોસાયન્ટિસ્ટના એક ગ્રુપ દ્વારા 'ફ્રન્ટીયર્સ ઇન એજિંગ ન્યુરોસાયન્સ' જર્નલમાં, મૃત્યુ પામતી વ્યક્તિના મગજમાં ચાલતી પ્રક્રિયાઓને લગતું  સંશોધન પત્ર પ્રકાશિત કરવામાં આવ્યું છે. અધ્યાત્મથી પેરા સાયકોલોજી, રહસ્યવાદથી માડીને શામનવાદી પ્રેક્ટિસમાં ઇલ્યુઝન, નિયર ડેથ  એક્સપિરિયન્સ અને 'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ' એક રહસ્ય અને  કુતૂહલનું  અનુભવજન્ય  પરિમાણ માનવામાં આવે છે.  જેમાં માનવ તેનું  ભૌતિક શરીર છોડીને  બહાર નીકળી  પોતાના સૂક્ષ્મ શરીર એટલે કે એનર્જી બોડીનો અનુભવ કરે છે. મનુષ્ય મગજમાં મૃત્યુ સમયે શું બને છે?

મેડિકલ સાયન્સમાં મૃત્યુ એટલે... 

ઓક્ટોબર ૨૦૧૭માં વિજ્ઞાાનીઓએ શોધી કાઢયું હતું કે શરીરે જીવનના ચિહ્નો દર્શાવવાનું બંધ કર્યા પછી વ્યક્તિની ચેતના કામ કરવાનું ચાલુ રાખે છે. તેનો અર્થ એ છે કે દર્દીઓ તેમના પોતાના મૃત્યુથી વાકેફ હોઈ શકે છે. કેટલાક એવા પુરાવા મળ્યા છે, જે સૂચવે છે કે 'જે કોઈ મૃત્યુ પામ્યું છે. તે વ્યક્તિ ડૉક્ટરો દ્વારા થતી દર્દીના મૃત્યુની જાહેરાત પણ સાંભળી શકે છે. ન્યુ યોર્ક યુનિવર્સિટી લેંગોન સ્કૂલ ઓફ મેડિસિનની એક ટીમે યુરોપ અને યુ.એસ.માં એવા લોકો ઉપર સંશોધન કર્યું હતું.  જેઓને કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનવું પડયું  હતું. તેમનું રુધિરાભિસરણ તંત્ર ફરીથી સક્રિય  થતા, તેઓ મૃત્યુના  મુખમાં જઈને  પાછા આવે છે.

અભ્યાસના લેખક ડૉ. સેમ પાર્નિયાએ કહ્યું કે : 'આવા કિસ્સામાં  દર્દી, ડોકટરો અને નર્સોને કામ કરતા જોવાનું વર્ણન  પણ કરે છે. તેમની વચ્ચે ચાલતો વાર્તાલાપ સાંભળે છે. તે સમયના દ્રશ્યનું  વર્ણન પણ કરે છે. ટેકનિકલિ  જે લોકો મૃત્યુ પામ્યા છે. તેવા દર્દીઓ ત્યારબાદ, તેમની આ યાદોને પછી તબીબી અને નર્સિંગ સ્ટાફ સાથે શેર કરીને વિગતની ચકાસણી પણ કરે છે.

તબીબી ભાષામાં જ્યારે હૃદય ધબકતું નથી ત્યારે ડૉક્ટરો મૃત્યુ જાહેર કરે છે. હૃદય ધબકતું બંધ થાય કે તે પછી તરત જ મગજમાં જતો રક્ત પુરવઠા કપાઈ જાય છે. દર્દી ગૅગ રિફ્લેક્સ અને પ્યુપિલ રિફ્લેક્સ સહિત મગજનો સ્ટેમ રીફ્લેક્સ ગુમાવી દે છે. મગજનો સેરેબ્રલ કોર્ટેક્સ, જે પાંચ ઇન્દ્રિયોમાંથી મળતી માહિતી, અને  વિચારવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. તે પણ તરત જ  ફ્લેટ / ચોપટ  થઈ જાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે 'આનો અર્થ એ છે કે 'બેથી ૨૦ સેકન્ડની અંદર, ઇલેક્ટ્રિક મોનિટર પર, મગજનાં તરંગો જોવા મળશે નહીં. પરંતુ મગજના ચેતા કોષોને સંપૂર્ણ નષ્ટ થતા અને મૃત્યુ પામતા સમય લાગે છે. હૃદય બંધ થયા પછી, મગજમાં રહેલ ચેતા કોષોના આ જોડાણને નષ્ટ થતાં કલાકો લાગી શકે છે.'

'લાઇફ રિકોલ' : અંતિમ ક્ષણોમાં જિંદગીની ઝલક

તમારા આખા જીવનને એક સેકન્ડની જગ્યામાં જીવવાની કલ્પના કરો. વીજળીના ચમકારાની જેમ, તમે તમારા શરીરની બહાર છો, તમે જે યાદગાર ક્ષણો પસાર કરી હતી તે જોઈ રહ્યાં છો. આ પ્રક્રિયા, જેને 'લાઇફ રિકોલ' તરીકે ઓળખવામાં આવે છે, તે મૃત્યુની નજીકનો અનુભવ મેળવવા જેવી જ હોઈ શકે છે. આ અનુભવો દરમિયાન અને મૃત્યુ પછી તમારા મગજમાં શું થાય છે? તે એવા પ્રશ્નો છે, જે સદીઓથી ન્યુરોસાયન્ટિસ્ટોને મૂંઝવણમાં મૂકે છે. જો કે, ફ્રન્ટીયર્સ ઇન એજિંગ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલ નવો અભ્યાસ સૂચવે છેકે 'તમારું મગજ મૃત્યુના દરમિયાન અને પછી પણ સક્રિય અને સંકલિત રહી શકે છે. આ સમગ્ર ઘટનામાં મગજ, અગ્નિપરીક્ષામાંથી પસાર થવા માટે ગોઠવેલ  એક કોમ્પ્યુટર પ્રોગ્રામ માફક વર્તે છે.

૮૭ વર્ષના દર્દીને વાઈનો રોગ થયો હતો. તબીબો તેની સારવાર કરી રહ્યા હતા. એસ્ટોનિયાની યુનિવર્સિટી ઓફ ટાર્ટુના ડૉ. રાઉલ વિસેન્ટે અને સહકર્મીઓએ દર્દીની સારવાર માટે સતત ઇલેક્ટ્રો એન્સફાલોગ્રાફી (ઈઈય્)નો ઉપયોગ કર્યો હતો. આ રેકાર્ડિંગ દરમિયાન, દર્દીને હાર્ટ એટેક આવ્યો. તેનું મૃત્યુ થયું. આ અણધારી ઘટનાએ, વૈજ્ઞાાનિકોને પ્રથમ વખત મૃત્યુ પામેલા માનવનાં મગજની પ્રવૃત્તિને રેકોર્ડ કરવાની સોનેરી તક પૂરી પાડી હતી. સંશોધનપત્ર પ્રકાશિત કરનાર વૈજ્ઞાાનિકોની ટીમ દ્વારા, મૃત્યુ પામતા નવ દર્દીનાં મગજના સિગ્નલો  મોનીટર કરવામાં આવ્યા હતા. બર્લિન, જર્મની અને સિનસિનાટી, ઓહિયોના દરેક દર્દીને મગજની ઘાતક ઈજાઓ થઈ હતી. તેમને બચવાની કોઈ આશા ન હતી. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી હતી કે  'દર્દીઓના મગજમાં ઇલેક્ટ્રોડ્સનું પ્રત્યારોપણ કરીને, મૃત્યુ  સમયે મગજમાં ચાલતી  પ્રક્રિયા અને મૃત્યુની ઘટના વચ્ચેનો સંબંધ શોધી શકશે.' દર્દીનું હૃદય ધબકતું બંધ થઇ જાય તેની પાંચ મિનિટ પછી પણ તેમના મગજના કોષો અથવા ચેતાકોષ પોતાની કામગીરી બજાવતા રહે છે. સંશોધકોએ શોધી કાઢયું છે કે 'આપણા મગજમાં 'સ્પ્રેડિંગ ડિપ્રેશન' તરીકે ઓળખાતી વિદ્યુત પ્રવૃત્તિનાં તરંગો, મૃત્યુ પહેલાંની અંતિમ ક્ષણો નજીક હોવાની આગાહી કરે છે.'

'સ્પ્રેડિંગ ડિપ્રેશન' : અંતિમ ક્ષણો નજીક હોવાની આગાહી

મૃત્યુ પામેલા દર્દીઓમાં મગજની પ્રવૃત્તિની તપાસ કરતા નિષ્ણાતોએ બ્રેઈન એક્ટિવિટીમાં અચાનક  આવતો  ઉભરો જોયો છે. જે આપણા સૌથી મહત્વપૂર્ણ અંગના જીવલેણ શટડાઉન પહેલા દેખાય છે. સરળ ભાષામાં કહીએ તો શરીરના મહત્વપૂર્ણ અંગો અચાનક શટડાઉન થાય છે ત્યારે, મગજમાં ઇલેક્ટ્રિકલ બ્રેઈન એક્ટિવિટી ખૂબ જ વધી જાય છે. મગજના કોષો ન બદલી શકાય તેવા અંતિમ મૃત્યુને ભેટે તે પહેલાં જ, ન્યુરોન એક્ટિવિટી, 'સ્પ્રેડિંગ ડિપ્રેશન'ની એક અંતિમ લહેરમાં  બદલાઈ જાય છે.

રુધિરાભિસરણ પ્રક્રિયા અટકી પડે છે ત્યારે, મગજના કોષોમાં સંગ્રહિત ઇલેક્ટ્રોકેમિકલ ઊર્જાના ખૂટવા લાગે છે.  મગજમાં ઝેર મુક્ત થવાની પ્રક્રિયાઓની શરૂઆત  થાય છે. જ્યારે લોહી વહેતું બંધ થઈ જાય છે, ત્યારે ન્યુરોનને કાર્ય કરવા માટે બળતણ તરીકે જરૂરી ઓક્સિજનથી મળતો નથી. ચેતાકોષો દ્વારા આયનોને અલગ રાખવા માટે ઉપયોગમાં લેવાતી મિકેનિઝમ્સ નિષ્ફળ થવા લાગે છે.

જ્યારે આવું થાય છે, ત્યારે મગજના કોષો, અનામત ઉર્જા વાપરીને, મગજમાં વિદ્યુતરાસાયણિક ઉર્જાનો વિશાળ જથ્થો છોડે છે. કારણ કે ચેતાકોષો દ્વારા  મહત્તમ ઇલેક્ટ્રો કેમિકલ એનર્જીને બળતણ  તરીકે ખેંચવાનો 'આ છેલ્લો  નિષ્ફળ પ્રયાસ' હોય  છે. આ પ્રક્રિયાને 'સ્પ્રેડિંગ ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. જે ચેતાકોષોમાં હાયપરએક્ટિવિટી દ્વારા ચિહ્નિત થાય છે. ત્યારબાદ અચાનક બાયોલોજીકલ સાયલેન્સ /  જૈવિક મૌન  ફેલાઈ જાય છે.

મગજની બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય. જે આખરે મનુષ્યના મગજને મૃત્યુ તરફ દોરી જાય છે. જો આ દરમિયાન રુધિરાભિસરણની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવે તો, માનવ શરીર પુનર્જન્મ પામી ફરી જીવંત બની શકે તેવી શક્યતા રહેલી છે. યુનિવર્સિટી ઓફ સિનસિનાટીની કોલેજ ઓફ મેડિસિન અને સંશોધન ટીમના સભ્ય ડો. જેડ હાર્ટિંગ્સે ન્યૂઝવીકને જણાવ્યું હતું કે 'જે રાસાયણિક ફેરફારો મગજના કોષોને મૃત્યુ તરફ દોરી જાય છે. તેની  શરૂઆત વિધ્રુવીકરણથી શરૂ થાય છે.' મેડીકલ સાયન્સ પાસે બ્રેઈન ડેથનું સો ટકા નિદાન કરવાની  કોઈ નિશ્ચિત પદ્ધતિ નથી. પરંતુ આ સંશોધન ભવિષ્યમાં સુધારેલ નિદાન અને સારવાર પ્રક્રિયાઓ તરફ  અવશ્ય  લઈ જશે.

'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ'

મૃત્યુ પામતી વ્યક્તિને મૃત્યુની નજીક હોવાનો અનુભવ (NDE) થાય એ વાત સાચી છે. જ્યાં મગજ મૃત્યુ તરફ સંક્રમણ કરે છે. ત્યારે દર્દી વ્યક્તિલક્ષી યાદોનો તીવ્રતાથી અનુભવ કરે છે. દર્દીને  શરીરમાંથી બહાર નીકળી ગયા હોવાનો  આભાસ થાય છે.  તે ધ્યાન અવસ્થામાં હોય તેવું અનુભવે છે. મગજના કોષોને ઓક્સિજન મળતો બંધ થવાથી  વિવિધ પ્રકારની ભ્રમણા થવાની પણ શક્યતા રહેલી છે.  આ ઉપરાંત મૃત્યુની થોડી ક્ષણો પહેલાં, ઉપર દર્શાવેલ સંશોધન પ્રમાણે, મગજમાં ચાલતી પ્રક્રિયાઓમાં એક પ્રકારનો ઝડપી વધારો થાય છે.  જેના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિને અનોખો આહલાદક કે કષ્ટદાયક અનુભવ પણ થઈ શકે છે.  જેને અતિવાસ્તવ (સરીયલ) તરીકે વર્ણવવામાં આવે છે.   જેમાં  મેમરી રિકલ્સ, દિવ્ય અને શરીરની બહારના અનુભવો, આભાસ અને ધ્યાનની અવસ્થા સાથેની મનોહર જીવન સમીક્ષા, જેવી ઘટનાનો સમાવેશ થાય છે.

આ ઘટનાની ન્યુરોફિઝીયોલોજીકલ સાબિતીઓ અસ્પષ્ટ છે. વૈજ્ઞાાનિકોને એવી ધારણા છેકે 'મગજ મૃત્યુ સમયે 'બેભાન' અવસ્થામાં જતાં, મગજમાં એક્ટિવિટી વધી જતા,  મગજમાં ભૂતકાળની ફ્લેશબેક શરૂ થવાની શક્યતા રહેલી છે. મૃત્યુ પામનાર આંખો બંધ હોવા છતાં દ્રશ્ય જોઈ શકે છે. તે ૩૬૦ ડીગ્રી વિઝન માણી શકે છે.  એક સાથે આગળ અને પાછળ જોઈ શકે છે.  ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થાનો અનુભવ કરી શકે છે. તેમને શરીરની બહાર હવામા લટકતા હોય તેવો અનુભવ  થાય છે. 

તેમના અંગ કોઈપણ દિશામાં લંબાતા હોવાનો આભાસ થાય છે.  લંબાતા અંગો લાકડા, ધાતુ, કાચ વગેરેમાંથી આરપાર પસાર થઈ શકે છે. પરંતુ તેમના અંગોના હલનચલનની મર્યાદા, ભૌતિક શરીરથી ૧૫થી ૨૦ ફૂટનાં  અંતરે ખતમ થઇ જાય છે. જેને અધ્યાત્મની ભાષામાં 'ઇથરિક શરીર' કહે છે તે, ભૌતિક શરીરથી વધારે દૂર નીકળી જાય છે. ત્યારે ભૌતિક શરીરનું મૃત્યુ થવાનો સૌથી મોટો ખતરો રહેલો હોય છે. પેરાસાયકોલોજી અને ઓક્યુલ્ટિઝમના ક્ષેત્રોના લેખકોએ લખ્યું છે કે  ‘OBEs મનોવૈજ્ઞાાનિક નથી. મનુષ્ય આત્મા, ભાવના અથવા સૂક્ષ્મશરીરને  ભૌતિક શરીરથી અલગ કરી શકે છે. અને દૂરના સ્થળોની મુલાકાત લઈ શકે છે. મૃત્યુની અંતિમ અવસ્થાનું સંપૂર્ણ વૈજ્ઞાાનિક સત્ય  અને સાબિતી, વૈજ્ઞાાનિકો મેળવી શકતા નથી. અહીથીજ  પરામનોવિજ્ઞાાનનો  વિસ્તાર શરૂ થાય છે.