Get The App

પપ્પાનું હોવું એટલે... સખા, સંવર્ધક અને સહનશીલતાનું શિલ્પ

Updated: Jun 19th, 2022

GS TEAM

Google News
Google News
પપ્પાનું હોવું એટલે... સખા, સંવર્ધક અને સહનશીલતાનું શિલ્પ 1 - image

- આજે ફાધર્સ ડે : સંતાન વયમાં, હોદ્દામાં કે શ્રીમંતાઈમાં ગમે તેટલું મોટું બને પિતા માટે હજુ તે બાળસહજ સંતાન જ હોય છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- સંખ્યાત્મક નહીં ગુણવત્તાસભર જીવન અમીટ છાપ છોડી દેતું હોય છે

- મુસાફિર હું યારો... એક મસ્ત પપ્પાની વાત

'પ પ્પા... મને 'પરિચય' ફિલ્મ જોવા લઈ જાવ.' પુત્રએ કાકલૂદી કરી. વેકેશનમાં મામાને ઘેર રહેવા આવેલો ભાણેજ પણ ફિલ્મનો જબરો આશિક હોઈ આવી માંગણીમાં જોડાઈ ગયો. એમ તો મમ્મીને પણ એ ફિલ્મ જોવાની તીવ્ર ઇચ્છા હતી જ. તેણે રસોડામાંથી સુર પુરાવ્યો 'લઈ જાવને... આમ પણ વેકેશન છે.' પપ્પાએ જરા પણ નમતું નહીં જોખવાના મક્કમ નિર્ધાર મુજબ કહ્યું 'હજુ પંદરેક દિવસ પહેલાં તો ફિલ્મ જોઈ હતી... ફિલ્મ જોવા નહીં જવાય.'

પપ્પા કાલથી તો ચારેક દિવસ માટે ઑફિસના કામે બહાર જવાના હતા. આજે મનાવી લેવાય તો ઇચ્છા પૂરી થઈ જાય તેવી સંતાનોમાં ચટપટી હતી. વહેલી સવારથી ફિલ્મ જોવા જવાનો પ્રસ્તાવ ઠુકરાવી દેવાતા સંતાનો પપ્પાની નજરમાં નિરાશ અને રિસાઈ ગયેલા મોં સાથે ફરવા લાગ્યા. એમ કરતા સવારના દસ વાગતા જ પપ્પા અમારી તરકીબોથી પ્રભાવિત ન થયા હોય તેમ સ્થિતપ્રજ્ઞા મુદ્રા સાથે ઓફિસે જવા નીકળ્યા.

ઓફિસ જતી વખતે ભાણાએ કહ્યું, 'બે દિવસમાં તો હું પાછો મારે ઘેર ચાલ્યો જઈશ.' પપ્પા પર તેની આ દલીલની કંઈ અસર જ ન પડી.

છોકરાઓ અને ભાણેજની ઉંમર ૧૨- ૧૪ વર્ષ હોઈ એકલા જવાની આમ પણ પરવાનગી મળે તેમ નહોતી.

હજુ પપ્પા સાંજે ઓફિસેથી પરત આવશે એટલે તેમને પીગળાવવાના નુસ્ખાઓ અંગે ઘરના સભ્યોએ વિચાર્યું.

પપ્પા આવતા જ છોકરાઓએ તેમને સંભળાય તેમ 'પરિચય' ફિલ્મના ગીતો ગાવાના શરૂ કર્યા. ફિલ્મમાં જીતેન્દ્ર અને બાળ કલાકારના રમૂજી દ્રશ્યો છે તેની મિત્રો પાસેથી જાણેલી વાતો કરવા માંડયા. પપ્પાનું આમાં કંઈ ધ્યાન ન હોય તેવું લાગ્યું.

નાનું ગામ એટલે મંદિર તો નજીક જ હતું. બધા રાત્રે આઠેક વાગે ભોજન લઈને મંદિરે જવા નીકળ્યા. મંદિરનો રસ્તો છોકરાઓ માટે લોભામણા માર્ગ જેવો હતો. કેમ કે વચ્ચે જ 'પરિચય' ફિલ્મ (૧૯૭૨)માં બતાવતું થિયેટર હતું. છોકરાઓ લાળ ટપકતી સ્થિતિમાં તેના મનભાવન હોર્ડિંગ જોતા રહ્યા. કેટલાક પ્રેક્ષકો રાત્રિના ૯.૩૦ના શૉ માટેની ટિકિટ લેવા લાઇનમાં અત્યારથી જ ઉભા રહી ગયા હતા. છેલ્લી વખત મરણિયો પ્રયાસ કરતા સંતાનો અને ભાણેજે ભારે હિંમત એકઠી કરીને કહ્યું : 'અમે લાઇનમાં ઉભા રહી જઈએ.'

પપ્પાએ કપાળ પર તંગ કરચલીઓ પાડીને કહ્યું, 'ના પાડીને... આ પિક્ચરો તો આવતા રહેશે.' મમ્મીએ પ્રયત્ન કર્યો કે, 'છોકરાઓને ગમે તેવી ફિલ્મ છે.' પપ્પાએ કહ્યું : 'ના, છોકરાઓ કહે એટલે દરેક વખતે માનવાનું ?'

વીલે મોંએ સંઘ મંદિરે પહોંચ્યો. કદાચ ભગવાન પણ અમારી મદદે નહી આવતા દર્શન પણ કમને કર્યા. પપ્પા તો જાણે કંઈ બન્યું જ ન હોય તેમ જુદી જુદી ક્રિકેટ સહિતની રસપ્રદ વાતો છેડતા હતા. છોકરાઓને તેમાં કોઈ રસ નહોતો. પપ્પા આજે કંઈક વિશેષ કઠોર જણાતા હતા. મંદિરથી ઘર ચાલતા ૧૫ જ મિનિટ દૂર હતું. ફરી રસ્તામાં થિયેટર આવ્યું પણ વેકેશન હોઈ બહાર 'હાઉસ ફૂલ'નું બોર્ડ ઝુલતું હતું. છોકરાઓના હૃદય પર વજ્રઘાત થયો તેમ લાગતું હતું.

પપ્પા જોડે અબોલા લીધા હોય તેમ રાત્રે નવેક વાગે ઘેર પરત થયા. હજુ નવા કપડા ઉતારતા હતા ત્યાં જ પપ્પાએ થોડું સ્મિત મોં પર લાવતા કહ્યું :'કપડાં ના બદલશો તમારે 'પરિચય' જોવા નથી જવું ?' અમે તો બધા ખુશીથી ઝુમી ઊઠયા. પણ પછી તરત જ ઠંડા પડી ગયા. અત્યારનો શૉ તો હાઉસફૂલ છે. ફિલ્મ કઈ રીતે જોઈ શકાશે ? પપ્પા કદાચ અમારી મજાક ઉડાવતા હોય તેમ લાગ્યું.

ત્યાં જ પપ્પાએ તેમના પાકિટમાંથી ફિલ્મની ટિકિટો કે જે તેમણે સવારે ઓફિસે જતા બુક કરાવી હતી તે બતાવી. થિયેટર તો ૧૫ મિનિટ જ દૂર હતું. બધા જવા માટે તૈયાર જ હતા. મમ્મી પણ ફિલ્મ જોવાની ખુશી સાથે હળવેકથી બોલી... 'તમે પણ...'

પપ્પાએ ધાર્યું હોત તો સાંજે ઓફિસથી આવીને પણ ટિકિટ લાવ્યા છે તેમ કહી શક્યા હોત. સવારથી જ સીધી હા પાડી દીધી હોત. મંદિર જતા રસ્તામાં થિયેટર આવ્યું ત્યારે પણ સરપ્રાઇઝ આપી શક્યા હોત. પણ, છેક ઘેર આવીને એમણે ટિકિટો બતાવી અને ફરી થિયેટર પર લઈ ગયા. રાત્રે ૯.૩૦નો શૉ હતો.

આજે પણ સંતાનો, ભત્રીજા, ભાણેજો આ સ્વર્ગસ્થ પિતાને યાદ કરે છે. ખાસ કરીને 'પરિચય'નું ગીત 'મુસાફિર હું યારો' સાંભળવામાં આવે ત્યારે આંખો ભીની થઈ જાય છે.

પપ્પાની શિસ્ત અને સંસ્કાર આપવાની પણ હળવી શૈલી હતી. બોધ આપવાની જગ્યાએ પોતે જ ઉદાહરણરૂપ બનતા, તેમાં સામેલ થતા. પોતે જ ઝગમગ, ચાંદામામા, રમકડું વાંચે, વાંચી સંભળાવે. ક્રિકેટની વાતો કરે. એપોલો ચંદ્રયાનની ઉડાણ થયાની (૧૯૬૯) રેડિયો કોમેન્ટરી 'વોઇસ ઓફ અમેરિકા' સ્ટેશન ઝીલીને બધાને ભેગા કરીને સંભળાવે અને તે જ અરસામાં જે તે વિષયનું પ્રકાશિત સાહિત્ય લાવે. ઘરના સભ્ય વાંચે કે નહી પણ ઘરમાં લાઇબ્રેરીના પુસ્તકો, ચાર- પાંચ સામયિકો ટેબલ પર રાખે જ.

પપ્પાની રમૂજ વૃત્તિ, વાત્સલ્યમાં ટીખળ ઉમેરવાની તેમજ મમ્મી (તેમના પત્ની) જોડે કોઈ કોઈ વખત શરારત કરવાની શૈલી નિરાળી હતી. પ્રભાવ ખરો પણ કઠોર, ખોફ, કંટાળાજનક વ્યક્તિ તરીકેનો નહીં. આજકાલના ઘણા પપ્પાએ ઘેર પરત આવવાના હોય ત્યારે સંતાનો તેમની નજરથી બચવા તેમના રૂમમાં લપાઈ જતા હોય છે. ખરેખર પ્રત્યેક પપ્પાએ એવું બનવાનું છે કે ઘરમાં ઊર્જા અને ઉલ્લાસનું વાતાવરણ છવાઈ જાય. આજના કયા પપ્પા તેમના સંતાનો જોડે કે પત્ની જોડે બાળસહજ હસી મજાક કરી શકે છે ? કોઈ વખત સરપ્રાઇઝ ખુશી આપે છે ? મિત્રની જેમ નવી પેઢીના સંતાનોની દુનિયા અંગે પૂછીને મિત્ર બનીને રહે છે ? નાના બાળકો પાસેથી મોબાઇલ, કમ્પ્યુટર, કેમેરા કેમ ચલાવાય તેની જાણકારી મેળવે છે ? તેમની સાથે ફિલ્મ જોવા, વિડિયોગેમ્સની વાતો કરે કે રેસ્ટોરાંમાં લઈ જાય છે ? માતા-પિતા જ હવે સંતાનો હવે મોટા થઈ ગયા છે તેમ કહીને તેમને પોતાનાથી દૂર કરી દેતા હોય છે. સંતાનોએ હંમેશા માતા-પિતા જોડે ભલે તેઓ ગમે તેટલા મોટા માણસ થયા હોય, સંતાનની જેમ રહેવું જોઈએ. સવાલ તમે તેઓની કાળજી લો છો તે અભિવ્યક્ત કરવાનો છે. પણ આજકાલ બંને પક્ષે બિનજરૂરી ગંભીરતા, માતાપિતાનું વડીલપણું, તો સંતાનોમાં ક્યાં સુધી અમને નાના ગણશો જેવી ઉદ્ધતાઈ જોવા મળે છે.

પતિ કે પત્ની વચ્ચે દિવસ દરમિયાન કુટુંબીઓ કે બહારની દુનિયામાં દિવસ દરમ્યાન શું બન્યું તેનો સંવાદ નથી થતો હોતો. તો બીજી તરફ મમ્મી- પપ્પા અને સંતાનો વચ્ચે પણ આવી જ સ્થિતિ છે. જો આ પાયાના અને સૌથી નજીકની વ્યક્તિ જોડે વિમુખ બનીને વાતચીત કે ખબર અંતરની, કોઈના ફોન અંગેની વાતો થતી ન હોય તો તે ઘરા સભ્યોમાં સહજ ખુલ્લાપણું, પ્રસન્નતા અને હળવાશભર્યું વાતાવરણ તો ક્યાંથી રહે ? કોઈ વખત તમારી જાતને પૂછો કે તમે 

કોની જોડે મુત્સદ્દીગીરી કે ચાલાકી કરો છો ? આના થકી તમે આખરે શું મેળવવા માગો છો ? મોબાઇલ, કમ્યુનિકેશન, ટ્વિટર, ફેસબુક કે બ્લોગ આ રીતે જુઓ તો બકવાસ છે. તમારા ઘરના અંગત પાંચેક જણા સિવાય તમે આખી દુનિયાની મૈત્રી અને સ્નેહ ટકાવતી માહિતીને નજીક રાખો તે કેવું ?

સમાજમાં બીજું એક દુષણ એ વધતું જાય છે કે કોઈની સારી, પ્રશંસાપાત્ર કે સફળતાની વાતોનો પ્રસાર જ નહી કરવાનો અને જો તે જ વ્યક્તિની કોઈ નકારાત્મક વાત હોય તો વાયુવેગે ફેલાવવાની. તે વ્યક્તિ મળે તો પણ તેણે મળેલી તાજેતરની સિદ્ધિ- સફળતાનો ઉલ્લેખ જ નહીં કરવાનો.

ઘરને હળવું રાખવાની જવાબદારી નવી પેઢીના પપ્પાઓની છે. આપણા લેખના પપ્પા જેવા સમજુ બનવાની છે. ફરી આ લેખના નાયક પપ્પાની વાત કરીએ તો પપ્પાએ તેમના સંતાનોમાં કુુુટુંબના સભ્યો, પાડોશીઓ જોડે ગૌરવ અને સદ્ભાવ થાય તેવી વાતો અને વાતાવરણ રાખ્યું હોઈ મોટા થઈને તેમના સંતાનોને પણ બધા પ્રત્યે પ્રેમ અને આદર રહ્યો.

પપ્પા મારી મમ્મીને પ્રસન્ન કરવા મહિનામાં એકાદ વખત ઑફિસેથી એક- બે કલાક ઓચિંતા વહેલા આવી જતા. કંઈક ખાવાનું પણ લાવતા હતા. આજે નોકરી ધંધામાં વ્યસ્તતા ચોક્કસ વધી છે પણ વર્ષમાં ચાર- પાંચ વખત તો પપ્પા તેમના સંતાનો કે તેમની પત્નીને વહેલા આવીને સરપ્રાઇઝ આપી શકે છે. ઘણાં તો કામ નહી હોવા છતાં તેમના ધંધાના સ્થળે રાત્રે ૯.૩૦ સુધી બેસી રહેતા હોય છે. મોટા ભાગના સાંજે ઑફિસેથી આવીને મોડી રાત્રિ સુધી ઘરની બહાર નીકળી જાય છે. રોજ નહી પણ અમુક દિવસે તો પત્ની કે બાળકો માટે ચેન્જ લાવી શકાય. અંબાણીથી માંડીને અમેરિકાના પ્રમુખ ઓબામા પણ આટલા વ્યસ્ત નથી હોતા.

પપ્પા પણ ઘરમાં બિનજરૂરી ગંભીર અને સંવાદ માટે નજીક જ ન આવી શકાય તેવા બંધિયાર અને બોર બનતા જાય છે. ઘરમાં જે પણ વાતો થાય છે તેમાં ખુલાસા અને ફરિયાદ વધુ હોય છે.

જો તમારી યાદને ચિંરજીવ બનાવવી હોય તો બધા કરતા હોય તો તમે જે કરતા હોય તે જ તમે ભલે કરતા પણ તેમાં કોઈ હળવી શૈલી ઉમેરો.

'પરિચય' ફેઇમ પપ્પા સરકારી કર્મચારી હોઈ ચારેક દિવસના ઓડિટ પ્રવાસમાંથી પરત આવે એટલે સંતાનોને એ આતુરતા રહેતી કે તેઓ શું ખાવાનું લાવે છે ?

ઘેર પરત આવીને પપ્પા નાની બેગમાંથી કપડાં, ફાઇલો ખાલી કરતા જાય. આજુબાજુ વીંટળાયેલા સંતાનોને જેમ જેમ બેગ ખાલી થતી જાય તેમ તેમ ધ્રાસ્કો વધતો જાય. પપ્પા કંઈ ન લાવ્યા ? તેમ પૂછતાં જ તેઓ બેગના એક ખૂણામાંથી કાગળ વીંટેલું પેકેટ આપે. સંતાનો ખુશ થઈને ખોલે તો તેમાં તેમના વીંટાળેલા સ્લીપર હોય !

'આજે દુકાન બંધ થઈ ગઈ હતી તેથી કંઈ લાવી ન શક્યો.' તેમ કહેતા બેગ બંધ કરીને મૂકી દેતા. નિરાશા સાથે પાંચેક મિનિટ વીતી હોય ત્યાં જ ફરી બેગ ખોલીને બીજા એક ખાનામાંથી પેકેટ આપતા કહે કે, 'લો, આ ટોસ, નાન ખટાઈ અને ખારી ખાવ' ઘરમાં ફરી ખુશીનું મોજું ફરી વળતું. માત્ર સંતાનો માટે જ નહી, મારી મમ્મી માટે પણ કઈ વખત સાડી કે હોઝિયરી આઇટમ આ રીતે પપ્પા ખરીદીને લાવી આપતા.

પપ્પા મહાભારત, રામાયણ કે ઓખાહરણના પ્રેરક પ્રસંગોના પુસ્તકો વાંચીને બધાને સંભળાવતા. હોમવર્ક પર પણ ધ્યાન આપતા. ભત્રીજા કે ભાણેજો મેટ્રિકમાં પાસ થાય તો ઘેર શરબતની પાર્ટી યોજીને પાડોશીને આમંત્રણ આપતા હતા. તેમની આગવી શૈલીથી બહારગામ રહેતા ભાણેજો કે ભત્રીજાઓને મેટ્રિકની પરીક્ષા દરમિયાન શેરડીનો રસ પીજે તેમ જણાવીને રૂા. પાંચનો મની ઓર્ડર પણ કરતા હતા.

આવા પપ્પાએ તેમના સંતાનો અને સગા- સ્નેહીઓ જોડે માત્ર ૪૪ વર્ષની આવરદા પૂરી કરીને આકસ્મિક ચિરવિદાય લીધી હતી. આમ છતાં તે વખતના ૧૨- ૧૪ વર્ષના સંતાનો અને કુટુંબીના તે જ વયના બાળકો આજે પણ તેમની યાદો અને સંસ્કારોનો વારસો હળવી શૈલી સાથે આગળ ધપાવતા ખુદ ઉદહરણીય સિનિયર વયના બની ચૂક્યા છે. તમે સંતાનો જોડે અલ્પ સમય વિતાવો તો પણ અમીટ છાપ પાડીને આગળ જતા ખુદ ઉદાહરણીય છાપ પાડી શકો છો.

તમારા સંતાનો અને સ્નેહીઓ જોડે પારદર્શક, સહજ છતાં હળવી શૈલીનું જીવન વ્યતીત કરવાનો સંકલ્પ કરો. તમે એટલું વિચારો કે સંખ્યાત્મક નહી, ગુણવત્તાસભર જીવનને સહુ યાદ કરતા હોય છે. કોઈ વ્યક્તિ વિદાય લે તે પછી તેને લોકો કઈ રીતે યાદ કરતા હોય છે તે વિચારો , સતત આ ગીત યાદ રાખો 'મુસાફિર હું યારો...'

(અહીં જે પપ્પાના સંસ્મરણો પ્રસ્તુત કર્યા છે તે લેખકના પિતાશ્રી સ્વ. સનતભાઈ કચ્છીના છે.)