Get The App

દેશમાં ફાઈવ-ડે વીકનું વર્ક કલ્ચર કેટલું ઉપયોગી?

Updated: Jan 19th, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં ફાઈવ-ડે વીકનું વર્ક કલ્ચર કેટલું ઉપયોગી? 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારતનું અર્થતંત્ર હજુ અમેરિકા-ચીનથી ક્યાંય પાછળ છે. દુનિયાના ત્રીજા નંબરના અર્થતંત્ર બનવા માટે આપણે જર્મની સાથે સ્પર્ધામાં છીએ, ત્યારે માત્ર 40 કલાક કામ કરવાથી 'કામ' બનશે નહીં...

પરિશ્રમ અને થાક.

આમ તો આ બંને સમાનાર્થી શબ્દો છે, પરંતુ એના ગર્ભિત અર્થમાં થોડો ફરક છે. કંઈક કામ કર્યા પછી શારીરિક-માનસિક થાક હોય પણ કામનો સંતોષ હોય તો એ પરિશ્રમ છે. કામ કર્યા પછી એમાંથી હેપીનેસ મળી ન હોય, સંતોષ મળ્યો ન હોય તો એ થાક છે. જે કામમાં હેપીનેસ હોય એ પરિશ્રમ છે, જે કામ કરવા ખાતર થાય એનો થાક લાગે છે. સંતોષ વગરનો થાક વારંવાર લાગે તો ઓક્યુપેશનલ સ્ટ્રેસ ફીલ થાય છે.

ઓક્યુપેશનલ સ્ટ્રેસ એટલે નોકરી-ધંધાને લગતી ચિંતા. ધારણા કરતાં વધુ કલાકો ન ગમતું કામ કરવાથી શરીર અને મન પર જે અસરો થાય છે તેને સાયકોલોજીની ભાષામાં ઓક્યુપેશનલ સ્ટ્રેસ કહેવાય છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન તો ત્યાં સુધી દાવો કરે છે કે દુનિયામાં વર્ષે સાત લાખ લોકોનાં મોતનું સીધું કે આડકતરું કારણ આ ઓક્યુપેશનલ સ્ટ્રેસ છે.

વેલ, આ પ્રકારનો થાક તો ન લાગે જો વ્યક્તિ ગમતું કામ કરે. ગમતા કામમાં કલાકોની કોઈ લિમિટ બાંધવાની જરૂર રહેતી નથી. અમુક કામ દિવસમાં પાંચ કલાક કરવાથીય હાંફી જવાય, અમુક કામ ૧૦-૧૦, ૧૨-૧૨ કલાક કર્યું હોય તોય થાક લાગતો નથી.

અત્યારે દેશમાં વ્યક્તિએ કેટલી કલાકો કામ કરવું જોઈએ એની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતમાં અને દુનિયામાં લોકો સરેરાશ કેટલી કલાકો કામ કરે છે એ જાણવા જેવું છે.

***

ગયા વર્ષે ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ ૭૦ કલાક કામ કરવાની સલાહ આપી હતી. એ વખતે કર્મચારી પાસેથી કેટલું કામ લેવું જોઈએ એની ચર્ચા જામી પડી હતી. નારાયણ મૂર્તિના નિવેદનની ટીકા કરનારાઓની દલીલ કરી: 'યુરોપના દેશોમાં સપ્તાહના કામના કલાકો ૪૦થી ઘટીને ૩૬-૩૩ થવા માંડયા છે. ભારતના ઉદ્યોગપતિઓ કર્મચારીઓને નિચોવી લેવા માટે ૪૮ કલાકને બદલે ૭૦-૭૦ કલાકો કામ કરાવવા ઈચ્છે છે.' નારાયણ મૂર્તિની વાતમાં સહમત થનારા લોકો કહેતા હતા: 'ભારત જેવા વિકાસશીલ દેશમાં ફાઈવ ડે વીકનું વર્ક કલ્ચર ન ચાલે. તેનાથી દેશની આર્થિક પ્રગતિને તો ફટકો પડશે જ, વ્યક્તિગત રીતેય માણસની પ્રગતિ અટકી જાય છે. ભારત જેવા દેશમાં હજુ એક-બે કમાનારી વ્યક્તિ પર આખાય પરિવારની જવાબદારી હોય છે ત્યારે ઓછા કલાકો કામ કરવાથી બધી જરૂરિયાતો, સોશિયલ રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ શકે નહીં.'

વિવાદ વધ્યા પછી નારાયણ મૂર્તિએ ખુદ પોતાના નિવેદનનો બચાવ કરતાં કહેલું કે હું મારી યુવાનીમાં અને એ પછીય દિવસના ૧૫-૧૬ કલાકો કામ કરતો હતો. કરોડો લોકોએ પોતાની કરિઅર માટે કે પરિવારની આર્થિક સુરક્ષા માટે આઠ કલાકથી વધુ કામ કરવું પડે છે.

હવે વર્કિંગ અવર્સને લઈને ફરીથી વિવાદ જાગ્યો છે એલ એન્ડ ટીના ચેરમેન એસ. એન. સુબ્રમણ્યમના નિવેદનથી. કર્મચારીઓને સંબોધતા સુબ્રમણ્યમે કહ્યું: 'હું તમારી પાસે રવિવારે કામ નથી કરાવી શકતો એનો મને અફસોસ છે. તમે ઘરે બેસીને કેટલી વાર સુધી પત્નીનું મોં જોઈ શકશો. પત્ની કેટલી વાર સુધી તમારો ચહેરો જોયાં રાખશે? એના કરતાં ઓફિસમાં આવીને સપ્તાહમાં ૯૦ કલાક કામ કરવું જોઈએ.' આ સ્ટેટમેન્ટ આવ્યું ત્યારથી કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ તેમના ઓપિનિયન આપી રહ્યાં છે. પત્નીઓને નીરખ્યા કરવાની વાતે તો સોશિયલ મીડિયામાં મીમ્સનો વરસાદ થયો.

આ નિવેદન પછી દેશના કોર્પોરેટ વર્લ્ડમાં કેટલી કલાકો કામ કરવું જોઈએ એની ડિબેટ ચાલી છે. ઘણાં ઉદ્યોગપતિઓ ૯૦ કલાક કામની વાતમાં અસહમત થયા. ઘણાંએ હળવા અંદાજમાં કહ્યું કે તેમને ઘરે બેસીને પત્નીને જોવામાં વાંધો નથી. વિપક્ષના નેતાઓએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું ને સરકાર કર્મચારીઓનું શોષણ થતું જોયા રાખે છે એવો આરોપ લગાવ્યો.

***

વેલ, ભારત જેવા દેશમાં યુરોપ-અમેરિકાની જેમ ફાઈવ-ડે વીકનું ૩૫-૪૦ કલાકનું વર્ક કલ્ચર ચાલે તેમ નથી એ હકીકત સ્વીકારવી રહી. અમેરિકા અને ચીનથી ભારતીય અર્થતંત્ર ક્યાંય પાછળ છે. જર્મની સાથે ત્રીજા નંબરના અર્થતંત્ર માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતમાં સૌથી વધારે યંગ વર્કફોર્સ છે. તેમની પાસેથી દિવસમાં આઠ કલાકના હિસાબે ૪૮ કલાક કામ લેવાથી જ નિર્ધારિત આર્થિક લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે તેમ છે. ફાઈવ-ડે વીક લાગુ કરીનેય કામના કલાકો ઓલમોસ્ટ આટલા જ રાખવા પડે.

ઘણાં સમયથી દેશમાં ૪૦ કલાકના વર્ક કલ્ચરની હિમાયત થાય છે. એક દલીલ એવીય છે કે ૧૨-૧૨ કલાક કામ કર્યા પછી ફાયદો કંપનીઓને થશે, કર્મચારીઓને શું ફાયદો? યે ભી સહી હૈ! કર્મચારીઓને વધુ કામનું વધુ વળતર મળે તો જ બંને પક્ષે વિન વિન સિચ્યુએશન થાય. શોષણ ન થાય એ રીતે - સુબ્રમણ્યમ કહે છે એમ ૯૦ કલાક નહીં- પરંતુ સપ્તાહમાં ૫૫-૬૦ કલાક કામ કરાવીને, એનું કર્મચારીઓને યોગ્ય વળતર આપીને દેશના વર્કફોર્સની વર્કિંગ કેપેસિટી વધારી શકાય છે. એ કર્મચારીઓ, કંપનીઓ અને દેશના ભવિષ્ય માટે વધુ સારો વિકલ્પ ગણાશે.

આઝાદી પહેલાં અંગ્રેજોએ દિવસમાં ૧૨ કલાક કામ કરાવવાનો કાયદો બનાવ્યો હતો. ૧૯૪૮ના ફેક્ટરી એક્ટ લાગુ પડયો ત્યારથી કર્મચારી પાસે સપ્તાહમાં ૪૮ કલાકથી વધુ કામ કરાવી શકાય નહીં. એક દિવસની રજા આપવી ફરજિયાત છે. દિવસમાં મેક્સિમમ નવ કલાક કામ કરાવી શકાય ને એમાં એક કલાકનો બ્રેક આપવો જરૂરી છે. એ સિવાયનું કામ કરાવ્યું હોય તો ઓવરટાઈમનો જુદો પગાર આપવો કમ્પલસરી છે.

ભારતના કર્મચારીઓ સૌથી વધુ કામ કરે છે એવી એક માન્યતા છે. જે થોડી સાચી પણ છે. દેશમાં સત્તાવાર રીતે નવ કલાકની સામે સરેરાશ દરેકને ૪૦-૪૫ મિનિટ વધુ કામ કરવાનું થાય છે. પોતાનો સ્વતંત્ર ધંધો કરતાં સેંકડો લોકો દિવસમાં ૧૨ કલાકથીય વધુ કામ કરે છે. ભારતીયો મહેનતું છે એ વાત પણ ખરી, તેમ છતાં સૌથી વધુ કામ કરતા દેશોમાં ભારત ટોપ-૧૦માં તો નથી જ. ભારતીય કર્મચારીઓ સપ્તાહમાં એવરેજ ૪૭.૬ કલાક કામ કરે છે. આ સમય નિયમ ૪૮ કલાકથી થોડી મિનિટો ઓછો છે. ભૂતાન, યુએઈ, લેસોથો, કોંગો જેવા દેશોમાં કર્મચારીઓ સરેરાશ સપ્તાહમાં ૫૦થી ૫૫ કલાક કામ કરે છે. કતાર, લેબેનોન, મોંગોલિયા, જોર્ડન જેવા દેશોમાં કર્મચારીઓ પાસે વધુ કામ લેવામાં આવે છે. ઘણાં દેશોના કાયદામાં દિવસમાં ૧૦ કલાક કામ લેવાની છૂટ મળે છે. 

પણ બિન સત્તાવાર રીતે ચીનના કર્મચારીઓ સર્વાધિક કામ કરે છે. ચીને તો ૯૯૬ના મોડલને લાગુ પાડયું હતું. ૯૯૬ એટલે સવારે નવ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી અને એ રીતે છ દિવસ કામ કરવું. ટૂંકમાં કર્મચારીઓ પાસે છ દિવસ સુધી ૧૨-૧૨ કલાક કામ કરાવીને ચીને બેજોડ આર્થિક તરક્કી કરી છે. ૭૨ કલાકના ચીનના વર્કિંગ મોડલની ઈલોન મસ્ક જેવા કેટલાય ઉદ્યોગપતિઓ પ્રશંસા કરી ચૂક્યા છે.

આટલા એકધારા કામથી કર્મચારીઓની સોશિયલ લાઈફ ગંભીર ખતરામાં પડી શકે. તેમના પર ઓક્યુપેશનલ સ્ટ્રેસનો ખતરો રહે છે. એવું ન થાય તે માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી કંપનીઓની રહે છે. પરંતુ જે લોકો ઉદ્યોગ સાહસિકો છે, જે લોકો પોત-પોતાના ક્ષેત્રમાં બેહદ સફળ છે એ બધા જ ૧૨થી વધુ કલાકો કામ કરે છે.

પણ હા, આટલું કામ કરતાં લોકોને તેમનું કામ ગમે છે. અથવા તો તેઓ જે કામ કરે છે એને મનથી સ્વીકારી લીધું છે. કદાચ એટલે જ તેમને એમાં થાક લાગતો નથી. એ કામ તેમના માટે પરિશ્રમ બની રહે છે ને પરિશ્રમ હંમેશા પારસમણિનું કામ કરે છે, એટલે સફળતા મળ્યા વગર રહેતી નથી. 

સૌથી ખુશહાલ દેશના લોકો સર્વાધિક પરિશ્રમ કરે છે

હેપીનેસ અને વર્ક કલ્ચરને સીધો સંબંધ છે. દુનિયામાં સૌથી લાંબું જીવતા પાંચ બ્લૂ ઝોનના લોકો સખત મહેનત કરે છે. તેમના દીર્ધાયુ પાછળ સખત કામ અને સાદું-પોષ્ટિક ભોજન બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કામના કલાકોની વાત હોય તો ભૂતાનના લોકો સપ્તાહમાં સરેરાશ ૫૪-૫૫ કલાક કામ કરે છે. યુરોપની સરખામણીમાં ભૂતાનના લોકો સપ્તાહમાં ૧૫-૧૭ કલાક વધુ કામ કરે છે, છતાં ઓક્યુપેશનલ સ્ટ્રેસની સમસ્યા ભૂતાનમાં નથી. ઈનફેક્ટ, ભૂતાન દુનિયાના સૌથી ખુશહાલ દેશોમાં શુમાર થાય છે. ભૂતાન માટે આનંદની ભૂમિ એવો શબ્દપ્રયોગ થાય છે. ભૂતાન આનંદની ભૂમિ તો છે જ, સાથે પરિશ્રમની ભૂમિ પણ છે.

બીજા વિશ્વયુદ્ધ સુધી અમેરિકામાં નવ કલાકનું વર્ક કલ્ચર હતું

ઔદ્યોગિક ક્રાંતિના સમયે કેટલી કલાકો કામ કરાવવું એનો કોઈ નિયમ ન હતો. લેબર લૉનો ઈતિહાસ ૧૦૦ વર્ષથી જૂનો નથી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી મજૂર સંગઠનો બન્યા. મજૂર અધિકારોની જાગૃતિ આવી એટલે સપ્તાહમાં એક દિવસની રજાનો વિચાર જન્મ્યો. જોકે, કામના કલાકો તો સપ્તાહમાં ૭૨થી ૮૦ સુધી રહેતા હતા. અમેરિકાના વર્ક કલ્ચરના આજે દુનિયાભરમાં ઉદાહરણો અપાય છે, પરંતુ એ જ અમેરિકા આજે જે આર્થિક વિકાસની ઈમારત પર ઉભું છે એમાં ૯ કલાકના વર્ક કલ્ચરની ચાવીરૂપ ભૂમિકા હતી. ૧૮૭૦થી ૧૯૪૦ના ગાળામાં અમેરિકામાં સપ્તાહમાં છ દિવસ, નવ કલાક કામ કરાવાતું હતું. આજે અમેરિકન નાગરિકો એનાથી અડધું કામ પણ કરતા નથી. મૂળ અમેરિકન નાગરિકો સપ્તાહમાં માંડ ૩૫ કલાક કામ કરે છે. એટલે જ અમેરિકામાં વિદેશી નાગરિકોને ઊંચા વળતરથી વધુ કલાકો કામ કરવાની તક મળે છે.

Tags :