'દીકરી સાપનો ભારો નહીં, ચંદનનો ભારો છે, જે ઘસાઈને બીજાના લલાટે તિલક કરે છે'
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ''દ્યુતિ, મારો આદર્શ ચિંતક ચાર્વાક છે, ખાઓ-પીઓ ને મોજ કરો, કાલ કોણે દીઠી છે! તારા આદર્શો અપનાવી મારે 'સુદામા' નથી બનવું''- અનુજ્ઞાનું મંતવ્ય
''આજે શિવરાત્રિ છે બેટા ?'' પુત્રવધૂ અનુજ્ઞાને સાસુમા સરલાદેવી પૂછે છે.
''તમારી સામે તો કેલેન્ડર છે. પણ ઊભા થવાની તમને આળસ છે. સાવ બેઠાડું થશો તો ઘરના ઊંબરા સુધી પહોંચવાનું પણ મુશ્કેલ બનશે. લો આ તમારાં ચશ્માં બેઠાં-બેઠાં બારે મહિનાનાં ઉત્સવોની યાદી રટયા કરજો. સાસુમા સરલાદેવીને તૂટેલી દાંડીવાળાં ચશ્માં અનુજ્ઞા પકડાવે છે અને બહાર જતાં-જતાં કહે છે: ''હું શિવરાત્રિના ઉપવાસ-બૂપવાસમાં માનતી નથી. એટલે તમારા પુત્ર અનુયોગ સાથે રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું છે. સવારનો વધેલો મોરૈયો ઉપવાસમાં ઠીક રહેશે.- કહી અનુજ્ઞા ચાલતી થાય છે.
જોગાનુજોગ આજે સરલાદેવીના પતિ શિવમંગલની દસમી 'પુણ્યતિથિ' છે. મધમધતા ફૂલ જેવું સુગંધીદાર વ્યક્તિત્ત્વ, અહેસાનનો દરિયો, પ્રેમનો જાણે પ્રશાન્ત મહાસાગર. સ્વર્ગમાંથી ભૂલો પડેલો ફિરશ્તો જાણે ધરતી પર આંટો મારવા આવ્યો હતો.
સમી સાંજ થવા આવી છે. થોડાક સમય પછી પક્ષીઓ પણ ઉડીને સામેના ઝાડ પર કે મકાનના ધાબે જઈને બેસશે. સરલા દેવી પક્ષીઓને ચણ નાખતાં વિચારે છે....સૂર્યદેવ અસ્તાચળ યાત્રા માટે બિસ્તરા-પોટલાં બાંધી રહ્યાં છે. થોડી વાર પછી તેઓ આથમી જશે. આથમનારને વિદાય આપવા ક્ષણભર થોભવાની કોઈને અનુકૂળતા પણ ક્યાં હોય છે ઉદય પામનારની વાહવાહી કરનારાઓની વણઝાર હોય છે પણ અસ્ત પામનારને આશ્વાસ્ત કરવાની કે ખબર અંતર પૂછવાની ફૂરસદ લોકો ફાળવતાં પણ નથી ! સંતો કહે છે જિંદગીમાં ઝેર પચાવતાં શીખો, પણ જેની જિંદગીમાં ઝેર સિવાય કશું જ ન હોય એણે ઝેર પચાવવાની કળા શીખવી પડતી નથી. મારા પતિ શિવમંગલ્ શિવલોકમાં રહેતા હશે પણ એમની પાર્વતીરૂપી પત્ની સરલા બે ટંકના ભોજન માટેય લાચારીપણાનો સામનો કરતી હશે એની એમને કલ્પના પણ ક્યાંથી હોય.
પેન્શનની નાનકડી રકમ એમાં પુત્ર અનુયોગ, પુત્રી દ્યુતિ અને પુત્રવધૂ અનુજ્ઞાનું પૂરું કરવાનું. અનુજ્ઞા પોતે નોકરી કરે. ઠીક-ઠીક મોટી રકમ એને પગારમાં મળે પણ ઘરની બધી જ જવાબદારી સરલાદેવીને માથે. પોતાની પાસ આઠેક લાખની કિંમતનાં ઘરેણાં હતાં. એમાંથી અનુયોગ અને દ્યુતિને ભણાવી-ગણાવી તૈયાર કર્યાં. અનુયોગ પચ્ચીસનો થયો હતો અને દ્યુતિ ૨૩ વર્ષની. વણમાગી સલાહ આપનાર સગાં-વહાલાં સરલાદેવીને કહેતાં: અનુયોગને ભલે થોડો મોડો પરણાવજો પણ દ્યુતિને તો હવે વળાવી દેવી જોઈએ. કહેવતમાં કહ્યું છે ને દીકરી એટલે સાપનો.....
અનુયોગ તરત જ તાડૂકતો. ''તમે લોકો વડીલનારીઓ હોવા છતાં દીકરીનું અપમાન કરો છો. દીકરી તો ચંદનનો ભારો છે, જે ઘસાઈને બીજાના લલાટે તિલક કરે છે. મારી બહેનનું લગ્ન ક્યારે કરવું તે એક ભાઈ તરીકે મારો અને માત્ર મારો અધિકાર છે. વ્યર્થ સલાહો આપી મારી મમ્મીનું મગજ ન બગાડો.
દ્યુતિએ અધવચ્ચે પોતાનું મંતવ્ય જણાવ્યું. મોટાભાઈ, મમ્મીનું શરીર દિવસે-દિવસે લથડતું જાય છે. એટલે પહેલાં તમે લગ્ન કરી લો તો દીકરી જેવી પુત્રવધૂ મળતાં મમ્મીનો ભાર હળવો થાય. મારે હજી પીએચડી કરવું છે. ભાભી આવે એટલે ઘરની જવાબદારીમાંથી હું મુક્ત અને હા, મેં તમારે માટે એક સુકન્યા પણ શોધી કાઢી છે. રંગે રુડી, રૂપે પૂરી દીસંતી કોડીલી-કોડામણી. એક કંપનીમાં ડેપ્યુટી મેનેજરનો હોદ્દો પણ ભોગવે છે.
'પણ એવી યુવતીના પતિ બનવાની મારી લાયકાત શી ? આપણે તેની સાહ્યબી પૂરી ન જ કરી શકીએ.'- અનુયોગે કહ્યું.
મારી સખી અનુજ્ઞા મને વાતવાતમાં કહે છે કે મારે એક નાનકડા પરિવારમાં લગ્ન કરવું છે. તારા ભાઈને હું સારી રીતે ઓળખું છું. એને કહ્યાગરો કંથ બનાવવા મારે ઝાઝી મહેનત નહીં કરવી પડે.''- દ્યુતિએ હસતાં-હસતાં કહ્યું.
'દ્યુતિ, બાકી બધું તો ઠીક પણ આપણી મમ્મીએ પપ્પાજીના અવસાન પછી કેટલી-કેટલી યાતનાઓ સહીને આપણને તૈયાર કર્યા છે. પપ્પાએ લોકોને અમૃતની લહાણી કરી અને મમ્મી ભાગે તો તંગીનું વિષ જ આવ્યું. છતાં તું કહીશ એમ કરીશ બસ, હવે તો ખુશને ? 'હા, મારી રાખડીની લાજ રાખે એવો પ્રેમાળ અને લાગણીશીલ ભાઈ મળે તો કોણ રાજીના રેડ ન થઈ જાય !- દ્યુતિએ કહ્યું...
અને દ્યુતિએ અનુજ્ઞાના પપ્પાને મળી પોતાની ભાવના વ્યક્ત કરી. અનુજ્ઞાના પપ્પા નિખાલસ હતા. એમણે દ્યુતિને કહ્યું: ''દ્યુતિ, તું તારી સખી અનુજ્ઞાને બરાબર ઓળખતી નથી. એ મારકણી ગાય છે. અહંકારનું પૂતળું છે. તારો ભાઈ નમ્ર અને વિનયી છે. બન્નેનું જોડું કેવી રીતે જામશે, એનો વિચાર આપણે કરવો જોઈએ.
એની તમે ચિંતા ન કરશો. મારી મમ્મી સરલાદેવીમાં જેવું નામ તેવા ગુણ છે. અને હું અનુજ્ઞાને મારી રીતે ઘડવામાં પાછી પાની નહીં કરું. હું અનુજ્ઞાની નણંદ નહીં આજીવન મિત્ર જ રહીશ. મને મૈત્રીની તાકાતમાં વિશ્વાસ છે. દ્યુતિએ કહ્યું હતું...પણ આપણે અનુજ્ઞાનો અભિપ્રાય પણ જાણવો જોઈએ. દ્યુતિ વાત પૂરી કરે એ પહેલાં જ અનુજ્ઞા ટપકી પડી. 'દ્યુતિ, તું અને પપ્પા ક્યા કાવત્રાની ચર્ચા કરી રહ્યાં છો ? એણે પૂછ્યું.
એક મારકણી ગાયને ખીલે બાંધવાની. મારી ભાભી બનાવવાની - દ્યુતિએ કહ્યું....
મને પરાણે ખીલે બાંધવાની કોશિશ કરે એને કેમ લાત મારવી એ મને આવડે છે પણ મને પતિ કરતાં તારા જેવી આત્મીય સખી સાથે રહેવામાં રસ છે. તારા ભાઈને હું જાણું છું. મારી જોડે જીભાજોડી ન કરે ત્યાં સુધી હું એનું માન સાચવીશ. બાકી લગ્ન તો ભવેભવનાં બંધન છે, પતિના શાસનમાં પત્નીએ સમર્પિત રહેવું જોઈએ, એવા એક તરફી વિચારોને હું ધિક્કારું છું. દામ્પત્ય એ સ્ત્રી માટે આજીવન વૈતરા બનવાનો પરવાનો નથી. સાસરું એ સ્ત્રીના ભાવનાના ફૂલને કચડવાનું સલામત સ્થળ નથી એ વાતે મને પૂત્રવધૂ બનાવનાર સાસુ-સસરા અને પતિએ યાદ રાખવી જોઈએ. અનુજ્ઞાએ દામ્પત્ય વિશેનું પોતાનું શ્વેતપત્ર બહાર પાડયું... દ્યુતિ, તારી દરખાસ્ત મને મંજૂર છે.. અનુજ્ઞાએ કહ્યું... અને ઉમેર્યું...એક વાત યાદ રાખજે. મારી દ્રષ્ટિએ લગ્ન એ નાચગાન અને બેન્ડવાજાનો અવસર નથી. એટલે તારી મમ્મીને કહેજે કે લગ્નને મારે સામાજિક પ્રસંગ નહીં પણ અંગત પ્રસંગ બનાવવો છે. એટલે જાન લઈને આવવાનો પ્રશ્ન રહેતો નથી !''
''ઓ.કે. હું પણ તારા વિચારોને મળતા વિચારો ધરાવું છું.. મારી મમ્મીને શિવરાત્રિનો દિવસ ખૂબ જ પ્રિય છે એટલે શિવરાત્રિના દિવસે શિવમંદિરમાં ભગવાન શંકરની સાક્ષીએ તારાં લગ્ન ગોઠવીશું. મારી દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મહાન પ્રેમી અને પતિ હોય તો ભગવાન શંકર છે ! પત્ની સતીના યજ્ઞામાં ભસ્મીભૂત થએલા મૃત શરીરને ખભે મૂકી શિવ અશ્રુભીની આંખે પ્રેમ વ્યક્ત કરતા રહ્યા એનો જોટો ઇતિહાસમાં ક્યાંય જોવા ન મળે. અનુજ્ઞા, લગ્ન એટલે જ શિવત્વની સાધના, સ્વાર્થીપણાની નહીં. જોકે આવી બધી આદર્શભીની વાતો તારે ગળે નહીં ઉતરે.'- દ્યુતિએ વાત ટૂંકાવી.
અને શિવરાત્રિના પવિત્ર દિવસે અનુજ્ઞા દ્યુતિની ભાભી બનીને સરલાદેવીની નિશ્રામાં આવી. અનુયોગે લગ્ન બાદ દસેક દિવસ ફરવા જવાની દરખાસ્ત મૂકી ત્યારે એનો ધરાર વિરોધ કરતાં અનુજ્ઞાએ કહ્યું: ''મને એવી નાટકીય વેવલાશ પસંદ નથી. ઓફિસનું કામ બગાડી પોતાની પ્રસન્નતા માટે પલાયનવાદી બનવાનું મને પસંદ નથી. અને હજી તો તારે માથે દ્યુતિના લગ્નની જવાબદારી છે. પૈસો બચાવીશ તો કામ આવશે. બાકી મારા પગાર તરફ સતૃષ્ણ નજરે ન જોઈશ. માણસે પ્રત્યેક કદમ ભવિષ્યની સલામતી ન જોખમાય એ રીતે ભરવું જોઈએ.
એગ્રીડ, ભલે આપણે ફરવા ન જોઈએ, પણ પુત્રના લગ્નની ખુશીમાં મમ્મીની હરિદ્વાર અને કેદારનાથની યાત્રાની ઇચ્છા છે, તો તેને તો જવાની વ્યવસ્થા કરી આપીએ.''
''સસરાજીના પેન્શનની આવકમાંથી ખર્ચ કરવાનું તેમને પોસાતું હોય તો ભલે જાય. બાકી તારી આવક પર સંપૂર્ણપણે મારો હક છે. દ્યુતિએ પણ પીએચડીનાં થોથાં ઉથલાવવાને બદલે નોકરી કરવી જોઈએ. હું દ્યુતિ સાથે ચર્ચા કરી લઈશ.- અનુજ્ઞાએ કહ્યું....અનુયોગ અનુજ્ઞાની ચિત્ર-વિચિત્ર વાતોથી સ્તબ્ધ થઈ રહ્યો હતો.
અઠવાડિયા પછી અનુજ્ઞાએ કહ્યું: દ્યુતિ, હવે આપણા સંબંધ માત્ર મૈત્રીના નથી, ભાભી-નણંદના છે. એટલે હું જે કાંઈ કહું એમાં મૈત્રીને વચ્ચે ન લાવતી. તું સવારના દસ વાગ્યાથી લાયબ્રેરીમાં સંશોધન માટે થોથાં ઉથલાવવા ચાલી જાય છે અને ઘરમાં રસોઈઓ રાખવો પડે છે એ મને પસંદ નથી. રસોઈની જવાબદારી તું અને મમ્મી સંભાળી લો તો ઘણી બચત થઈ શકે. અનુજ્ઞાએ કહ્યું.
ભલે હું નોકરી નથી કરતી પણ મને સંશોધન માટે સ્કોલરશીપ મળે છે જે હું ઘરખર્ચ માટે મમ્મીને આપી દઉં છું...ઉમ્મરને કારણે મમ્મીને નથી આંખે સરખું દેખાતું કે નથી કાને બરાબર સંભળાતું. હું એમની પાસે કશું કામ કરાવા ઇચ્છતી નથી. અને તારે પણ પુત્રવધૂ તરીકે એને ઠારવી જોઈએ. દ્યુતિએ કહ્યું હતું.
''બસ, બસ, આદર્શવાદી વાતો મને સમજાવવાની જરૂર નથી ! જીવનની મારી પોતાની વ્યાખ્યા છે. મારો આદર્શ ચાર્વાક છે. ખાઓ-પીઓ ને મોજ કરો, કાલ કોણે દીઠી છે ! એટલે તારા આદર્શો અપનાવી મારે સુદામા નથી બનવું....કાલથી હું આપણા ઘરનું દેશી સ્વાદનું ખાણું ખાવાને બદલે લંચબોક્ષને અલવિદા કહી કેન્ટિનમાં ખાવાનું શરૂ કરીશ. તમારું દેશીખાણું અનુયોગને અનુકૂળ રહેશે.
સરલાદેવીની ઇચ્છા દાદી બનવાની હતી. બે વર્ષ પ્રતિક્ષા કર્યા બાદ એમણે અનુજ્ઞાને કહ્યું: ''બેટા, તારે હવે માતૃત્વ અંગે વિચાર કરવો જોઈએ. મારા પણ કોડ છે કે હું મારા પૌત્ર-પૌત્રીને હાલરડાં સાથે વહાલથી પોઢાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરું.
હજી જિંદગીનો સ્વાદ મેં પૂરો માણ્યો નથી ત્યાં મને સાંસારિક જવાબદારીમાં નાખી મારી પાંખો કાતરવાની વાત કરો છો. તમારી
ખુશી ખાતર હું મારી સ્વતંત્રતાનું બલિદાન આપવા માગતી નથી. ભગવાન ભારતની ડોશીઓનું માઈન્ડ ક્યારે સુધારશે ? - અનુજ્ઞાએ કહ્યું.
અત્યાર સુધી અનુયોગ સહિષ્ણુ અને શાન્ત રહ્યો હતો. પણ મમ્મીનું હળહળતું અપમાન એ સહન ન કરી શક્યો. એણે કહ્યું, અનુજ્ઞા, દરેક વસ્તુની એક હદ હોય છે તું વાણી કે વર્તનમાં હદ રાખવામાં માનતી જ નથી. તારે મારી મમ્મીને માતાનું ગૌરવ આપવું જોઈએ.
તારી મમ્મી કે મારી મમ્મી હું કોઈની આજ્ઞાધીન બનવા માગતી નથી. કાલથી હું કંપનીના કવાર્ટરમાં રહેવા જઈશ. પાર્ટટાઇમ હસબંડ તરીેક તારે આવવું હોય તો આવજે. કહી અનુજ્ઞા શયનખંડમાં ચાલી ગઈ હતી. અનુજ્ઞાની વાતો સાંભળી સરલાદેવીના હૃદયને પારાવાર આઘાત પહોંચ્યો હતો. એમણે રોઈ-રોઈને રાત પૂરી કરી હતી, ધરતી પરની અંતિમ રાત. અને સંસારને આખરી સલામ કરી અનંતનું શરણું સ્વીકાર્યું હતું..એ હતો શિવરાત્રિનો દિવસ. શિવરાત્રિ દિવંગત્ શિવમંગલની પુણ્યતિથિ સાથે વિધવા પત્ની સરલાદેવીની પુણ્યતિથિ બની ગઈ અને બે વર્ષ પહેલાંની શિવરાત્રિએ છેડાગાંઠણથી બંધાએલાં અનુયોગ અને અનુજ્ઞાના છેડા ગાંઠણમાં બચી હતી માત્ર ગાંઠ.