Get The App

વલ્લભભાઈની બરફશી ઠંડક નીચે ધગધગતા જ્વાળામુખીનો અણસાર પણ આવ્યો નહીં

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈની બરફશી ઠંડક નીચે ધગધગતા જ્વાળામુખીનો અણસાર પણ આવ્યો નહીં 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- હજુ તો એમણે કાલે જ મુંબઈ છોડયું હતું, ત્યાં જ વલ્લભભાઈને તાર મળ્યો કે દાક્તરને અચાનક ઝવેરબાનું ઑપરેશન કરવું પડયું છે. જો કે ઑપરેશન સફળ થયું છે, અને તબિયત પણ ઠીક હોવાનો તારસંદેશો મળતા એ રાત પૂરતી વલ્લભભાઈને હાશ થઈ

આ ણંદ નજીકના, ગાના ગામના,ત્યાંની વાસનદાસની ખડકીના, એ ખડકીના દેસાઈભાઈ પૂંજાભાઈ પટેલ પરિવારના ઝવેરબા સ્વભાવે નરમ, પરગજુ, ઓછાબોલાં, આજ્ઞાંકિત અને પતિપરાયણ હતા. વલ્લભભાઈ દેશના સરદાર બને એ પહેલાં તો ટૂંકા આયુષ્યે અને ટૂંકા લગ્નજીવને તેઓ ઈશ્વરશરણ પામ્યાં હતા.

એમનું અને વલ્લભભાઈનું લગ્નજીવન દુન્વયી વર્ષોની રીતે તો સત્તરેક વર્ષનું હતું. ઈ.સ.૧૮૯૨થી ૧૯૦૮ સુધીનું. પરંતુ આ ૧૭ વર્ષો દરમ્યાન વલ્લભભાઈ અને ઝવેરબાનું સહજીવન તો માંડ ચારેક વર્ષનું જ રહ્યું હતું. જી હા, આ જાણીને આશ્ચર્ય થાય કે ૧૭ વર્ષના લગ્નજીવન દરમ્યાન આ પતિ-પત્ની સાથે તો માંડ ચાર જ વર્ષ રહ્યાં હશે? બાકીનો સમય ઝવેરબા પિયરના ગાના ગામે કે સાસરીના ગામ કરમસદે, અને વલ્લભભાઈ ગોધરા-બોરસદ વકીલાતના કામે એકલવાયું જીવન વિતાવતાં રહ્યાં હતા.

ઝવેરબાના ૧૮૯૨માં લગ્ન થયા પછી છેક ઈ.સ.૧૯૦૦માં ગોધરા ખાતે સહજીવનનો આરંભ થયો. પણ ગોધરાના બે વર્ષ દરમ્યાન વચલા છ મહિના ત્યાંના ભયંકર પ્લેગને કારણે ઝવેરબાને પિયરવાસ ભોગવવો પડેલો. ઈ.સ.૧૯૦૨માં ગોધરાથી બોરસદ ગયા, ત્યાં માંડ બે વર્ષનું લગ્નજીવન ચાલ્યું,અને ઉપરાઉપરીના વર્ષે બે સંતાનોનો જન્મ થયો. ઈ.સ.૧૯૦૪માં પુત્રી મણિબેન અને ઈ.સ.૧૯૦૫માં પુત્ર ડાહ્યાભાઈ આવ્યા. નોંધાયેલું છે કે આ બંને સુવાવડો ઝવેરબાએ પિયરના ગાના ગામે કરી હતી. એટલે ૧૯૦૪ અને ૧૯૦૫ના વર્ષોમાં એમને સામાજિક બંધનોથી નિહીત વળી પાછો પિયરવાસ. ત્યાં વળી વિઠ્ઠલભાઈ પરદેશ ગયા પછી તરતમાં જેઠાણી સાથેના ગૃહકંકાશને કારણે ઝવેરબાને છેક ૧૯૦૮ના મધ્યભાગ સુધી પિયરવાસ વેઠવો પડેલો. આ રીતે બોરસદના ૧૯૦૨થી ૧૯૧૦ના વર્ષોમાં સુવાવડને કારણે પહેલા બે વર્ષ (૧૯૦૪-૦૫) અને ગૃહકંકાશને કારણે પાછલા અઢી વર્ષ (૧૯૦૬-૦૮) ઝવેરબાના નસીબમાં વલ્લભપતિનો વિયોગ જ લખાયેલો હતો. એમ જ ગણાય કે બોરસદના એ આઠ વર્ષોમાંથી વલ્લભભાઈ અને ઝવેરબા સાથે તો અઢીએક વર્ષ જ રહ્યાં હતા.

છેલ્લે જ્યારે બધું મળીને પરિસ્થિતિ કંઈક શાંત થઈ, વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડથી પરત આવીને મુંબઈની કોર્ટમાં વકીલાત કરવા રોકાયા, તેથી બોરસદમાં વલ્લભભાઈ સાથે રહેતાં વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબા મુંબઈ તબદીલ થયાં, એટલે ઝવેરબાનો બોરસદ આવવાનો માર્ગ મોકળો થયો.

ઝવેરબા ૧૯૦૮ના મધ્યભાગે બોરસદ આવ્યાં તો ખરાં, પણ લાંબુ ટકી શક્યા નહીં. કારણ કે અહીં ધીમે ધીમે તેમની તબિયત લથડવા માંડી. શરુશરુમાં તો પેટની સામાન્ય બિમારી છે, એમ ધારીને વિશેષ ધ્યાન આપ્યું નહીં. એમાં ઘરેલું નુસખા અજમાવવામાં બે-ચાર મહિના વિતાવ્યાં. ત્યાં ખબર પડી કે ઝવેરબાને તો આંતરડાનો મોટો રોગ છે. તેથી ૧૯૦૮ના ડિસેમ્બરમાં વલ્લભભાઈ ઝવેરબાને લઈને મુંબઈ ઉપડયા. મુંબઈ ઠરીઠામ થયેલાં ગુરુબંધુ વિઠ્ઠલભાઈએ મસલત કરીને ઉત્તમ પ્રકારની સારવાર થાય તે હેતુથી બંનેને બોરસદથી મુંબઈ તેડાવી લીધાં હતાં. એ વખતે  તેમનાં પુત્રી મણિબેનની ઉંમર ચાર વર્ષની અને પુત્ર ડાહ્યાભાઈની ઉંમર ૩ વર્ષની હતી. આટલા કૂમળા બાળકોને કોઈના સહારે રાખવાને બદલે ઝવેરબાની સાથે બે  નાના બાળકોને લઈને વલ્લભભાઈ મુંબઈ ઉપડયાં હતા.

ત્યાં જઈને ખબર પડી કે ઝવેરબાને તો આંતરડામાં કેન્સરનો વ્યાધિ વ્યાપી ગયો છે. કામા હોસ્પિટલના હોંશિયાર દાક્તરે તેમને તપાસ્યાં, અને જાહેર કર્યું કે નબળા પડી ગયેલાં ઝવેરબાના શરીરને ઓપરેશન ઝીલી શકે તેવી સ્થિતિમાં આણ્યા પછી જ આગળની સારવાર કરી શકાશે. આ રીતે ઝવેરબાને યોગ્ય હોસ્પિટલમાં ઉત્તમ દાક્તરના હાથે સારવાર શરુ થયેલી જોઈને વલ્લભભાઈનો જીવ હેઠો બેઠો. આ ક્ષણિક હાશકારાની પળોમાં તેમને પોતાની વકીલાતના એક અગત્યના કેસની યાદ આવી. 

તેમાં બનેલું એવું કે આણંદ કોર્ટમાં વલ્લભભાઈના એક અસીલ ઉપર ખૂનના આરોપસર કેસ ચાલતો હતો. થોડા દિવસોમાં જ એ કેસની સુનવણી માટેની તારીખ હતી. વલ્લભભાઈ ત્યાં પહોંચીને જો ધારદાર દલીલો ના કરે, તો પોતાના અસીલને ખૂનના આરોપમાં મોટી સજા થાય તેમ હતું. આથી વલ્લભભાઈએ ઝવેરબાને સારવાર હેઠળ મૂકીને મુંબઈથી બોરસદ જવાનું નક્કી કર્યું. આમે ય દાક્તરે થોડા દિવસ પછી ઑપરેશન કરવાનું જણાવેલું, તેથી એ વચલા દિવસોમાં વલ્લભભાઈ બોરસદ આવી પહોંચ્યા.

હજુ તો એમણે કાલે જ મુંબઈ છોડયું હતું, ત્યાં જ વલ્લભભાઈને તાર મળ્યો કે દાક્તરને અચાનક ઝવેરબાનું ઑપરેશન કરવું પડયું છે. જો કે ઑપરેશન સફળ થયું છે, અને તબિયત પણ ઠીક હોવાનો તારસંદેશો મળતા એ રાત પૂરતી વલ્લભભાઈને હાશ થઈ. 

બીજે દિવસે આણંદની કોર્ટમાં પેલા ખૂનના આરોપવાળા અસીલનો કેસ ચાલ્યો. એની ધારદાર દલીલોમાં વલ્લભભાઈ ગળાડૂબ હતા, અસીલને નિર્દોષ છોડાવવાની અણી ઉપર હતા, જજ વલ્લભભાઈથી પ્રભાવિત થતાં જતાં હતા, ત્યાં જ કોર્ટના એક સેવકે આવીને વલ્લભભાઈના હાથમાં નાની ચબરખી પકડાવી. એ તો ચબરખી કહેતાં અરજન્ટ તાર હતો, મુંબઈથી આવ્યો હતો, તેમાં કામા હોસ્પિટલથી ગંભીર સંદેશો લખાયો હતો, વલ્લભભાઈએ તે વાંચ્યો, તેની ઉપર ક્ષણેકનો વિચાર કર્યો, પણ પછી એ યમસંદેશ સરીખી ચબરખીને કાળા કોટના ગજવે ઘાલીને વલ્લભભાઈ તો મંડયા અસીલને છોડાવવાની ભાંજગડમાં. કોને ખબર હતી કે એ ક્ષણે જણાયેલી વલ્લભભાઈની હિમાલયશી સ્વસ્થતા, વ્યવસાયીશી પરિપક્વતા અને બરફશી ઠંડકની નીચે કેવોક જ્વાળામુખીશો લાવા ઉકળી રહ્યો હશે. વલ્લભભાઈએ કોઈને પણ તેની ગંધસરખી આવવાા દીધેલી નહીં, પણ પેલા કેસની દલીલો પૂરી થયા પછી તેમણે પેલી ચબરખીશો પત્નીઅવસાનસંદેશ જણાવ્યો ત્યારે ભલભલાના હૈયા સ્તબ્ધ થૈ ગયા હતા.