- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- દેવી માની સાધના પૂર્ણ કર્યા પછી જો ભગવાન વિષ્ણુની સાધના કરવામાં આવે, તો પરમતત્ત્વ સાધકના ચિત્તમાં સ્થાયી થઈ જાય છે
શ્રી અર્થાત્ લક્ષ્મી. શ્રી અર્થાત્ જેમનો આશ્રય લઈ શકાય તે. શ્રી અર્થાત્ માતા. શ્રી અર્થાત્ સમૃદ્ધિ. સનાતન હિંદુ ધર્મના પ્રત્યેક વૈદિક અને તાંત્રિક સ્તોત્રની પૂર્વે 'શ્રી'નો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, શ્રીસિદ્ધકુંજિકા સ્તોત્ર, શ્રી લલિતા સહસ્ત્રનામ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે.
श्रीवत्सवक्षां: श्रीवासः श्रीपतिः श्रीमतांवरः ।।
श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावन ।
श्रीधरः श्रीकरः श्रेयः श्रीमांल्लोकत्रयाश्रय ।
શ્લોક ક્રમાંક ૬૪.૫ અને ૬૫)
શ્રીવિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુના ઘણાં નામોની આગળ 'શ્રી'નો પ્રયોગ થયો છે. આગળ વધતાં પહેલાં 'ભગવાન' શબ્દનો અર્થ જાણી લેવો જોઈએ. શાસ્ત્રોએ ષડ્ ભગ અર્થાત્ છ પ્રકારના વિશિષ્ટ ગુણો અંગે વાત કરી છે. આ છ ગુણનો સમન્વય કોઈ વ્યક્તિમાં એકસાથે જોવા મળવો દુર્લભ છે. મુખ્યત્વે ઈશ્વરના પ્રમુખ અવતારોમાં આ ગુણોની ઉપસ્થિતિ જોવા મળે છે. કયા છે ષડ્ ભગ? એ છે : સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈરાગ્ય, કીર્તિ, ધર્મ અને જ્ઞાન.
ઐશ્ચર્ય ધરાવનારી વ્યક્તિમાં વૈરાગ્યભાવ નથી જોવા મળતો. કીર્તિ અને સમૃદ્ધિ ધરાવનારા મનુષ્ય પાસે ધર્મ અને જ્ઞાન પણ હોય જ એવું જરૂરી નથી. આ છ વિરોધાભાસી લાગતાં ગુણોની હાજરી જેમાં જોવા મળે, એ કોઈ સામાન્ય આત્મા ન હોઈ શકે. સંપત્તિ, સ્વજન, યશ, પ્રસિદ્ધિ હોવા છતાં જે સંપૂર્ણપણે ધર્મમય, જ્ઞાનસભર જીવન જીવી શકે, વૈરાગ્યભાવમાં સ્થિત રહી શકે, એકઝાટકે સઘળું ત્યાગી શકે, સર્વ પ્રત્યે સમતા દાખવી શકે, સઘળા જીવાત્મામાં ઈશ્વરના દર્શન કરી શકે, વિકારો-વૃત્તિ-વિચારો પર જેનું સંપૂર્ણ નિયંત્રણ હોય અને સ્વયં પરમ તેજસ્વી, પરમ તપસ્વી પણ હોય એ બાબત સામાન્ય મનુષ્યમાં પ્રાપ્ત થવી શક્ય નથી. આ છ 'ભગ' ધરાવનારને આપણે 'ભગવાન' કહીએ છીએ. યોગયોગેશ્વર શ્રીકૃષ્ણ, આદિગુરુ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ એ એવા નામો છે, જેમણે મનુષ્ય તરીકે પંચમહાભૂતથી બનેલાં શરીરમાં જન્મ લીધો હોવા છતાં 'ભગવાન'ની સંજ્ઞા મેળવી લીધી.
મૂળ મુદ્દા પર પરત ફરીએ. ભગવાનના એક નામ 'શ્રીવત્સવક્ષા'ના શાબ્દિક અને માર્મિક અર્થ અંગે કેટલાક અઠવાડિયાં અગાઉ વાત કરી ચૂક્યા બાદ આજે 'શ્રીવાસ' સાથે આ યાત્રાને આગળ વધારીએ.
દેવી મા લક્ષ્મી અર્થાત્ 'શ્રી' સ્વયં જેમના ઉરમાં નિવાસ કરે છે, એ છે 'શ્રીવાસ' અર્થાત્ ભગવાન વિષ્ણુ. મોટાભાગના ભીંતચિત્રોમાં આપે જોયું હશે કે મા લક્ષ્મી એકલા હોય, ત્યારે ઊભા દર્શાવાયા હશે; પરંતુ ભગવાન વિષ્ણુ સાથે હોય, ત્યારે ક્યાં તો એમની સાથે બેઠેલા દર્શાવાયા હશે અથવા તો પછી એમના ચરણકમણોની સેવામાં! માત્ર મા લક્ષ્મીને આહ્વાન આપવાથી એ ચંચળ સ્વભાવ સાથે પધારે છે, અને થોડા સમય પછી વિદાય પણ લઈ લે છે, પરંતુ જો એમની સાથોસાથ ભગવાન વિષ્ણુની પણ આરાધના કરવામાં આવે, તો મા લક્ષ્મીનો નિવાસ સ્થાયી થઈ જાય છે. તંત્રસાધનાનું મૂળ રહસ્ય પણ આ જ છે : દેવી માની સાધના પૂર્ણ કર્યા પછી જો ભગવાન વિષ્ણુની સાધના કરવામાં આવે, તો પરમતત્ત્વ સાધકના ચિત્તમાં સ્થાયી થઈ જાય છે. સાધક અંતે સાધ્ય બની જાય છે. મા લક્ષ્મી પણ સ્થાયીભાવમાં રહેવા માટે, નારાયણભાવમાં રહેવા માટે ભગવાન વિષ્ણુની નિરંતર ઉપાસના કરે છે. આથી જ, તંત્રશાસ્ત્રોમાં મહાવિદ્યાઓની ઉપાસનાની સાથોસાથ એમના ભૈરવની ઉપાસનાનું પણ ખૂબ મહત્ત્વ છે. સર્વોચ્ચ તંત્રવિદ્યા - શ્રીવિદ્યા સાધનાની પૂર્ણાહુતિ શ્રીરુદ્રમ્ વિના સંભવ નથી.
એક વખત શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક ઓમ સ્વામીને આ અંગે પૂછયું હતું. ઓમ સ્વામીનો ઉત્તર હતો કે, 'શ્રીરુદ્રમ્'ની સાધના કર્યા વિના શ્રીવિદ્યા સાધના માત્ર એક સામાન્ય દેવી ઉપાસના બનીને રહી જાય છે. શ્રીવિદ્યાના મર્મને સંપૂર્ણ રીતે પામવો હોય તો, શ્રીરુદ્રમ્ એનું એક અભિન્ન અંગ છે.
ઘણી વખત સાધકો આ બાબતે રૂઢિચુસ્ત હોય છે. પોતાના ઈષ્ટની સાધના સિવાયના એકપણ વિષયોમાં એમને રુચિ નથી હોતી, પરંતુ એક ખરો સાધક એ હોય છે જે સભામધ્યે વૈષ્ણવ હોય, પહેરવેશથી શૈવ જણાતો હોય અને અંગત જીવનમાં શાક્તપંથનું અનુસરણ કરતો હોય! કહેવાનો અર્થ છે કે ખરા સાધકનો બાહ્ય દેખાવ જોઈને અંદાજો લગાવવો અઘરો થઈ પડે કે તેની આસ્થા કયા દેવી અથવા દેવતામાં હશે.


