Get The App

વારસો નહીં વ્હાલમાં ભાગ આપો... .

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
વારસો નહીં વ્હાલમાં ભાગ આપો...                           . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'મમ્મી, તમે મોટાભાઈને છોડી દો. તમે મારી સાથે ચાલો. આપણે કેર ટેકર રાખી લઈશું અને અમે પણ સાથે હોઈશું તો તમારે કોઈ વાતની ચિંતા નહીં રહે.' 

'ટી ની બેટા, બે દિવસ પછી વિકાસ અને વંદનના પપ્પાની પંદરમી તિથિ છે. તે દિવસે વહેલી આવી જજે, આપણે વીસ માણસનું ભોજન બનાવીને એક જગ્યાએ આપવા જવાનું છે.' - મનીષાબેને કહ્યું અને ટીનીએ હામી ભરી અને રોટલી બનાવવા લાગી.

મનીષાબેન નિવૃત્ત શિક્ષિકા. તે સ્વભાવે થોડા કડક અને શિસ્તમાં માનનારા. મનીષાબેન આ ઘરમાં એકલા જ રહેતા હતા. તેમના પતિ સુરેશચંદ્ર તો દોઢ દાયકા પહેલાં જ ઈશ્વરશરણ થઈ ગયા હતા. તેમનો મોટો દીકરો લંડનમાં અને નાનો દીકરો પુણેમાં પોતાના વસ્તાર સાથે વસી ગયો હતો. 

મનીષાબેન બંનેના ઘરે થોડો થોડો સમય જઈ આવ્યા પણ તેમના સ્વભાવને અનુકુળ વાતાવરણ ન મળતા તેઓ ત્યાં રહી શક્યા નહીં. દીકરા અને વહુઓ જે રીતે રહેતા હતા તેવી જિંદગી તેમને ફાવે તેમ નહોતી. તેથી તેઓ પોતાના જ ઘરે એકલા અને વટથી રહેતા હતા. તેમનું પોતાનું સરસ પેન્શન આવતું હતું અને સુરેશચંદ્રનું પણ પેન્શન આવતું હતું. તેથી તેમને આર્થિક બાબતે કોઈ ચિંતા નહોતી. 

તેમને હવે ખાસ કામ કરવું નહોતું તેથી ટીનીને રાખી લીધી હતી. ટીની પાસેની ચાલીમાં જ રહેતી હતી. તે સવારે આઠ વાગ્યાથી આવી જાય અને રાત્રે દસ વાગ્યે જાય. ત્યાં સુધી અહીંયા જ રહેવાનું, ખાવાનું, પીવાનું, ઘરનું કામ કરવાનું અને મનીષાબેન કહે તે કામ કરવાના અથવા તો તે કહે એ રીતે મદદ કરવાની. કંઈ જ કામ ન હોય તો મનીષાબેનને ભગવદ ગીતા વાંચીને સંભળાવવાની.  

તેમનો આ સંબંધ એકદમ રોલરકોસ્ટર હતો છતાં મજાનો હતો. મનીષાબેન તેને કામવાળાની જેમ નહીં પણ ઘરની દીકરીની જેમ જ રાખતા હતા. ટીનીના પરિવારને આ કામ બદલ પગાર મળી જતો જ્યારે ટીનીને ગમતી વસ્તુઓ, કપડાં, કેટલાક પૈસા પોકેટ મની તરીકે અલગથી મળી જતા. મનીષાબેન અને ટીની બંને ખુશ હતા.

આ ટીની બે દિવસ બાદ સવારે આઠ વાગ્યે પહોંચી ત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગઈ. સાહેબની તિથિ હોવા છતાં આંગણાના ઝાંપા બંધ હતા. બહાર તુલસી ક્યારે દીવો થયો નહોતો. તે આંગણામાં આગળ આવી તો ઘરનો દરવાજો પણ બંધ હતો. ટીની થોડી મુંઝવણમાં મુકાઈ અને બીજી તરફ તેને ખોટા વિચારો પણ આવવા લાગ્યા. તેણે આઠ-દસ વખત બેલ માર્યો પણ દરવાજો ખુલ્યો નહીં. ટીની બહારની તરફ નીકળી અને બાજુના મકાનમાં ગઈ.

'જયામાસી તમે બેનને જોયા છે? ઘરનો દરવાજો બંધ છે. બેલ મારું છું તો કોઈ ખોલતું પણ નથી.' - ટીનીએ બાજુના મકાનમાં જઈને પૃચ્છા કરી.

'મેં તો જોયા નથી પણ કદાચ આટલામાં ક્યાંક ગયા હશે. થોડીવારમાં આવી જશે. એવું હોય તો અહીંયા બેસ. આજે ચા મારી સાથે પીજે. એના પપ્પા તો કોલેજ જતા રહ્યા.' - જયાબેને જવાબ આપ્યો.

'માસી એવું નથી. આજે સાહેબની તિથિ છે અને મને વહેલા આવવાનું કહ્યું હતું. વીસ માણસનું જમવાનું બનાવવાનું છે. બેન ક્યાંય આવી રીતે વહેલા જાય અને તે પણ એકલા એવું યાદ નથી મને.' - ટીનીના અવાજમાં ચિંતાભળી.

ટીની ત્યારબાદ સોસાયટીના બીજા બે-ચાર ઘરમાં પૂછી આવી પણ કોઈને મનીષાબેન વિશે ખબર નહોતી. ટીનીને હવે ચિંતા થવા માંડી હતી. મનમાં ખોટા વિચારોનો મારો ચાલ્યો હતો. તે ફરી મનીષાબેનના ઘર તરફ આવી ત્યાં જ જયામાસી દોડીને આવ્યા.

'મનીષાબેનને એસ્ટિડન્ટ થયો છે. હાલ હોસ્પિટલથી ફોન આવ્યો છે. ચાલ આપણે જવું પડશે.' - જયાબેન બોલ્યા અને બંને ઝડપથી સોસાયટીની બહાર જવા લાગ્યા. સોસાયટીની બહાર આવીને બંને રીક્ષામાં ગોઠવાયા અને જોતજોતામાં તો હોસ્પિટલ પહોંચી ગયા.

'સાહેબ શું થયું બેનને? બેન ક્યાં છે, મારે જોવા છે. એમને બહુ વાગ્યું તો નથી ને?' - ટીનીએ રિસેપ્શન ઉપર ઊભેલા ડોક્ટરને કહ્યું. ડોક્ટર તેની સામે જોતો રહ્યો.

'સાહેબ હમણાં કોઈ ઈમર્જન્સીમાં પેશન્ટ આવ્યું છે? મનીષાબેન નામ છે. મને ફોન આવ્યો હતો એટલે અમે આવ્યા.' - જયાબેને ફોડ પાડયો.

'હા હમણાં એક માજીને લાવ્યા છે. એક્સિડન્ટનો કેસ છે. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. પહેલામાળે જતા રહો.' - ડોક્ટરે જવાબ આપ્યો અને ટીનીએ સીડીઓ ઉપર દોટ મૂકી. બંને પહેલામાળે પહોંચ્યા તો સામે દિવ્યેશભાઈ દેખાયા. તે ઓપરેશન થિયેટરની બહાર જ ઊભા હતા.

'મનીષાબેનને કોઈ રીક્ષાવાળો ટક્કર મારીને જતો રહ્યો છે. બંને હાથમાં વાગ્યું છે. સર્જરી માટે લઈ ગયા છે.' - દિવ્યેશભાઈ બોલ્યા.

'થયું કેવી રીતે? સવાર-સવારમાં એ ક્યાં ગયા હતા?' - ટીનીએ સવાલ કર્યો.

'હું સવારે દૂધ લેવા નીકળ્યો ત્યારે વિવેકાનંદ ગાર્ડનના ચાર રસ્તે ભીડ જોઈ. મેં ભીડની વચ્ચે જઈને જોયું તો મનીષાબેન રસ્તા ઉપર ચત્તાપાટ પડયા હતા, પીડાથી કણસતા હતા. અમે એમ્બ્યુલન્સ બોલાવી અને સીધા અહીંયા આવી ગયા. લોકો કહેતા હતા કે, કોઈ રીક્ષાવાળો અથડાવીને નાસી ગયો.' - દિવ્યેશભાઈએ કહ્યું. 

લગભગ કલાક બાદ ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા. સ્ટ્રેચર ઉપર મનીષાબેનને પણ લાવ્યા. તેઓ બેભાન હતા અને બંને હાથમાં પ્લાસ્ટર લગાવેલા હતા. ડોક્ટરે છ મહિનાનો આરામ જાહેર કરી દીધો અને પંદર દિવસે બતાવવા આવવાનું કહી દીધું. ટીની ત્યાં જ હોસ્પિટલમાં રોકાઈ ગઈ. બે દિવસમાં ડિસ્ચાર્જ મળી ગયો અને બંને ઘરે આવ્યા.

ટીનીએ વિકાસ અને વંદન ભાઈને ફોન કરીને માહિતી આપી પણ બંનેમાંથી કોઈની પાસે અમદાવાદ આવવાનો સમય નહોતો. વિકાસે તો પૈસા મોકલાવવાનું કહીને કોઈ કેર ટેકર રાખવાનું કહી દીધું. ટીનીએ ના પાડી દીધી. વંદને પંદર દિવસ પછી આવવાનો વાયદો કર્યો. 

ટીની સ્થિતિ સમજી ગઈ અને ત્યાં જ રોકાઈ ગઈ. તેણે ત્યારબાદ મનીષાબેનની ભરપૂર ચાકરી કરી. વંદન પંદર દિવસનું કહીને મહિને આવ્યો અને ખબર કાઢીને નીકળી ગયો. જતા-જતા તેણે ટીનીના હાથમાં દસ હજાર મુક્યા પણ ટીનીએ લેવાની ના પાડી દીધી. 

ટીની અને મનીષાબેન હવે એક જ ઘરમાં અને એક જ રૂમમાં રહેતા હતા. બંને એકબીજાના સાથી હતા. આ રીતે છ મહિના ક્યાં પસાર થઈ ગયા ખબર જ ન પડી. પ્લાસ્ટર નીકળ્યું, ફિઝિયોથેરાપીના સેશન ચાલ્યા, અન્ય કસરતો અને ધીમે ધીમે મનીષાબેન પહેલા જેવા સ્વસ્થ થઈ ગયા. 

'બેન હવે હું ઘરે જઈ આવું? આઠ મહિના થઈ ગયા. એકાદ વખત મારા માવતરને મોઢું બતાવી આવું.' - ટીનીએ કહ્યું.

'તારે જવું હોય તો જા પણ એમને કહેજે કે હવે તું અહીંયા જ રોકાવાની છું. તારી બહુ આશા ન રાખે. તેમને પગાર મળી જશે પણ ટીની નહીં મળે.' - મનીષાબેને કહ્યું. ટીની આશ્ચર્ય સાથે તેમની સામે જોઈ રહી હતી. 'સારું. કહેતી આવીશ. આવતીકાલે સવારે આવીશ હવે. એક દિવસ તો મને પણ માવતર સાથે રહેવા મળે.' - ટીનીએ કહ્યું અને હસી પડી. મનીષાબેનના ચહેરા ઉપર પણ સ્મિત આવી ગયું. ટીની એક દિવસ માટે ઘરે જઈને આવી અને ફરી મનીષાબેનના સાનિધ્યમાં રહેવા લાગી. 

દિવસો પસાર થતા હતા. દિવાળી આવી અને બંને દિકરા તહેવારો ઉજવવા મમ્મી પાસે આવ્યા. મનીષાબેનને આ વખતે બંનેને જોઈને જરાય ઉત્સાહ થયો નહીં. તેઓ સામાન્ય રીતે આવ્યા તેમ રહ્યા. દિવાળી પૂરી થઈ અને છોકરાઓએ જવાની વાત કરી. 

'મમ્મી, તમે મારી સાથે ચાલો. અમે બંને બાળકો માટે કેર ટેકર રાખી છે. તે તમારું પણ ધ્યાન રાખશે. લંડનમાં અહીંયાથી વધારે સારી સુવિધાઓ છે. તમને કોઈ વાતની ખોટ સાલસે નહીં' - વિકાસે કહ્યું.

'ભાઈ હું આવી તો જાઉં પણ તારી બાયડીને ગમશે?'

 - મનીષાબેને કહ્યું અને વિકાસનું મોઢું સિવાઈ ગયું.

'મમ્મી, તમે મોટાભાઈને છોડી દો. તમે મારી સાથે ચાલો. આપણે કેર ટેકર રાખી લઈશું અને અમે પણ સાથે હોઈશું તો તમારે કોઈ વાતની ચિંતા નહીં રહે.' - વંદન બોલ્યો.

'દીકરા તારી બાયડીના મતે તો હું જ કેર ટેકર છું. તને યાદ નથી શું-શું વિત્યું હતું?' - મનીષાબેન ફરી બોલ્યા અને વંદન પણ એકદમ ચુપ થઈ ગયો.

'હું ક્યાંય જવાની નથી. અહીંયા મારી ટીની સાથે રહીશ. બીજી મોટી વાત આ ઘર હવે ટીનીને આપવાનું નક્કી કર્યું છે. મારી ગેરહાજરીમાં આ ઘરની માલિક ટીની હશે. મારા તમામ દાગીના પણ ટીનીના જ હશે. રોકડ રકમ અને બાકીના જે રોકાણ છે તે તમારે વહેંચવા હોય તો વહેંચી લેજો.' - મનીષાબેન બોલ્યા.

'બેન, આવો અન્યાય ના કરો. મને તમારા વારસામાં ભાગ ન હોય. મારે મન તો તમે માવતર છો. મેં તો માવતરની લાગણીથી સેવા કરી છે. મારે તમારા વારસામાં ભાગ નથી જોઈતો. મને તો દીકરી તરીકે તમારા વ્હાલમાં ભાગ આપો એટલે હું ખુશ.' - ટીની બોલી અને મનીષાબેન ઊભા થઈને તેને ભેટી પડયા. બંનેની આંખો ભિંજાઈ ગઈ.