- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- હરિયાણાનો 23 વર્ષનો પહેલવાન સુજીત ચાલુ વર્ષે સળંગ 10 મુકાબલા જીતવાની સાથે એશિયન ચેમ્પિયનશિપ સહિત ત્રણ મેજર સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રકની હેટ્રિક સર્જી ચૂક્યો છે
વ રસોથી સ્થગિત થઈ ગયેલા જળમાં પડેલી વરસાદના પહેલા છાંટા સમાન હોય છે. જેમ વરસાદનો એક છાંટો સ્થિરતામાં ડુબેલા જળમાં વલયના આંદોલનો થકી જીવંત બનાવી દે છે. તેવી જ રીતે વહેલી પરોઢનું પહેેલું કિરણ ચોતરફ અંધકારથી ઘેરાયેલા જગતમાં ઉજાસના આગમનનો તોખાર બનીને આવે છે અને તેના થકી જ ચેતનાના સંચારનો પ્રારંભ થાય છે, જે ધીરે ધીરે વિસ્તાર પામતો જાય છે. ભારતીય કુસ્તી પણ છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓમાં જાણે મૂકદર્શક સમાન બની રહી જોવા મળી હતી. વળી, દેશમાં પણ કુસ્તીની ચર્ચા અખાડા કે પહેલવાનોના વિશિષ્ટ પ્રદર્શનોથી વિપરિત વિવાદો અને આરોપ-પ્રત્યારોપથી ઘેરાયેલી રહી હતી. જોકે હવે ભારતીય કુસ્તીને દમદાર પહેલવાન સુજીત કલકલે ફરી ગૌરવ અપાવવાનું બીડું ઝડપ્યું છે.
ભારતીય કુસ્તીના ઉભરતા સિતારા સુજીત કલકલે માત્ર ૨૩ વર્ષની ઊંમરે જ તેના સાતત્યપૂર્ણ દેખાવ અને પ્રભાવશાળી પહેલવાનીને સહારે વૈશ્વિક સ્તરે આગવું આકર્ષણ જમાવ્યું છે. સુજીતે તાજેતરમાં જ કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતને ફ્રિસ્ટાઈલ કેટેગરીની ૬૫ કિગ્રા વજનવર્ગની સ્પર્ધામાં સ્વર્ણિમ સિદ્ધિ અપાવી હતી. જે ભારતીય પહેલવાને એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં છેલ્લા ત્રણ વર્ષમાં જીતેલો પહેલો સુવર્ણચંદ્રક હતો. જ્યારે પુરુષોની ૬૫ કિ.ગ્રા વજનવર્ગની સ્પર્ધામાં ભારતનો પુરુષ પહેલવાન સાત વર્ષ બાદ સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહ્યો હતો અને સુજીતે આ સાથે બજરંગ પુનિયાની બરોબરી કરી હતી. એશિયન અને વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં આગવો પ્રભાવ પાડનારા બજરંગ પુનિયાએ ઓલિમ્પિકમાં પણ કાસ્ય ચંદ્રક મેળવ્યો હતો અને હવે સુજીતે તેની જ કેટેગરીમાં આગવી સફળતા હાંસલ કરતાં પરંપરાગત ભારતીય રમતમાં આગવી કુશળતા દર્શાવી છે. બિશ્કેક ખાતેની એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સુજીતે શાનદાર જીતનો સિલસિલો આગળ ધપાવતા પ્રભાવશાળી વિજય મેળવ્યા હતા. ફાઈનલમાં તેનો સામનો ઉઝબેકિસ્તાનના ઉમીદજોન જાલોલોવ સામે હતો. આ બંને પહેલવાનો વચ્ચે જ ગત વર્ષે અંડર-૨૩ કેટેગરીમાં વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં ૬૫ કિગ્રા વજન વર્ગની ફાઈનલ રમાઈ હતી, જેમાં સુજીતે એક તરફી મુકાબલામાં ૧૦-૦થી ઉમીદજોનને મહાત આપી હતી. એક વર્ષ બાદ સિનિયર એશિયન ચેમ્પિયનશિપમાં તેવા જ પ્રભુત્વનું પુનરાવર્તન કરતાં સુજીતે ૮-૧થી ફાઈનલમાં જીત હાંસલ કરી હતી.
સુજીતની આ સિદ્ધિ એટલા માટે વિશિષ્ટ છે કારણ કે તેણે આ ટાઈટલ જીતવાની સાથે ચાલુ વર્ષે તમામ ૧૦ મુકાબલા જીતવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વળી, સતત ૧૦ વિજયની સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણની હેટ્રિક પણ પૂર્ણ કરી હતી, જ્યારે કુસ્તીની સર્વોચ્ચ સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગમાં તેનો આ ઓવરઓલ પાંચમો ચંદ્રક હતો. સુજીતે ચાલુ વર્ષ અગાઉ ક્રોએશિયામાં યોજાયેલી ઝાગ્રેબ ઓપન કુસ્તી ચેમ્પિયનશિપમાં અને તે પછી અલ્બેનિયાના તિરાના ખાતે રમાયેલી પ્રતિષ્ઠિત મુહમેત મેલો કુસ્તી ચેમ્પિયનશિપમાં એક પણ મુકાબલો ગુમાવ્યા વિના સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. તેમાંય ઝાગ્રેબ ઓપનમાં તો સુજીતે હરિફ પહેલવાનને એક પણ પોઈન્ટ જીતવા દીધો નહતો અને તકનિકી રીતે પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ રજુ કર્યું હતુ.
આંતરરાષ્ટ્રીય કુસ્તીના બે પ્રકાર છે, જેમાં ગ્રીકો-રોમન અને ફ્રિસ્ટાઈલ કુસ્તીનો સમાવેશ થાય છે. ગ્રીકો-રોમન કુસ્તીમાં પહેલવાનોના મજબુત બાંધાનું વિશેષ મહત્વ હોય છે. જેના કારણે કુસ્તીના આ પ્રકારમાં ભારતીય પહેલવાનોનો સફળતાનો ઈતિહાસ મર્યાદિત છે, પણ ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો આગવો દબદબો જોવા મળ્યો છે. ભારતના તમામ ઓલિમ્પિકના ચંદ્રકો અને વર્લ્ડ ચેમ્પિયનશિપના ચંદ્રકો ફ્રિસ્ટાઈલ કુસ્તીના જ છે અને સુજીતે પણ તે જ સિલસિલાને આગળ ધપાવ્યો છે. ભારતના પરંપરાગત ફ્રિસ્ટાઈલ પહેલવાનો તાકાતને વધુ મહત્વ આપે છે, જ્યારે સુજીતની શૈલી અલગ છે. તે પોતાની ચપળતા, અસરકારક ફૂટવર્ક તેમજ આધુનિક તકનિક પર વધુ આધાર રાખે છે અને આ કારણે તે સમકાલીન પહેલવાનોનો ચઢિયાતો જોવા મળી રહ્યો છે.
સુજીતની સફળતા અને ખેલાડી તરીકેના ઘડતરમાં તેના પિતા અને ભૂતપૂર્વ પહેલવાન દયાનંદની ભૂમિકા પાયારુપ રહી છે. સુજીતની સફર હરિયાણાના ભિવાનીમાં આવેલા ઈમ્લોતા નામના ગામથી શરૂ થઈ. દયાનંદ ખુદ પણ પહેલવાન હતા અને તેઓ ગ્રીકો-રોમન કુસ્તીની સ્પર્ધામાં ઉતરતા. તેઓએ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી હતી અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેમણે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પહેલવાન તરીકે તેઓએ રશિયા, ઈરાન અને અમેરિકા સહિતના દેશોનો પ્રવાસ ખેડયો હતો અને આ પ્રવાસ દરમિયાન તેમણે ભારતીય પહેલવાનો કઈ બાબતમાં હરિફો કરતાં ઉણા ઉતરે છે, તે અંગેની એક વિસ્તૃત નોંધપોથી તૈયાર કરી હતી. દયાનંદનો અનુભવ ભારતીય કુસ્તીને પુન:જીવીત કરવામાં પાયારુપ બન્યો.
તેમના પગલે જ સુજીતે બાળપણમાં અખાડામાં ડગ માંડયા. નવ વર્ષની ઉંમરે તેની પદ્ધતિસરની તાલીમ શરુ થઈ અને ત્યાર પછી તો તેણે ક્યારેય પાછું વળીને જોયું જ નથી. આ દરમિયાન જ દયાનંદે પુત્રને વધુ મોટા પડકારો માટે તૈયાર કરવા માટે સુશીલ કુમારના કોચ મહાબલી સતપાલની દેખરેખ હેઠળ તૈયાર કરવા માટે છત્રસાલ સ્ટેડિયમમાં તાલીમ માટે મુક્યો. ભારતીય કુસ્તીની આંગણવાડી તરીકે ઓળખાતા છત્રસાલ સ્ટેડિયમમાં સુજીતને અખાડાને બદલે મેટ પર રમાતી આંતરરરાષ્ટ્રીય કુસ્તીનો અનુભવ મળ્યો. તેની સાથે સાથે. વિશ્વસ્તરની સ્પર્ધામાં ચંદ્રકો જીતી ચૂકેલા ખેલાડીઓના માર્ગદર્શનના કારણે પણ સુજીતની સફર ઝડપથી આગળ વધવા માંડી.
પિતા દયાનંદ અને સાથી પહેલવાનોએ તેની આંખોમાં ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું સ્વપ્ન રોપ્યું. આ જ કારણે સુજીતે બાળપણમાં પોતાની તકનિકને વધુ મજબુત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તે થોડો ઉદાસીન રહ્યો. આખરે રાષ્ટ્રીય સ્તરની જુનિયર સ્પર્ધામાં શાનદાર દેખાવ કરનારા સુજીતની સ્પર્ધા અંડર-૨૩ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી અને ત્યાં તેણે સુવર્ણચંદ્રક જીતી લીધો. આ સુવર્ણ સફળતાએ તેનો આત્મવિશ્વાસ વધાર્યો. આ પછી વર્લ્ડ અંડર-૨૦ ચેમ્પિયનશિપમાં કાંસ્ય સફળતા મેળવી અને તે જ વર્ષે અંડર-૨૩ એશિયન ચેમ્પિયનશિપમાં તેને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો.
જુનિયર કુસ્તીમાં વૈશ્વિક અને એશિયન સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતવાની સાથે તેનો આત્મવિશ્વાસ પણ વધવા માંડયો. તેણે ૨૦૨૪માં અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૭૦ કિ.ગ્રા વજન વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો. અલબત્ત, તે જ વર્ષે યોજાનારા ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવા માટે તે હોટફેવરિટ મનાતો હતો. જોકે, કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાનારા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લેવા માટે સુજીત સહિતના પહેલવાનો દુબઈ એરપોર્ટ પર અટવાઈ પડયા. દુબઈમાં તોફાની પવનોની સાથે ભારે વરસાદ ત્રાટક્યો અને આ કારણે તેમની ફ્લાઈટ રદ થઈ હતી. તેઓ એકાદ દિવસ બાદ બિશ્કેક પહોંચ્યા પણ ત્યાં તેઓને ભાગ લેવાની પરવાનગી ન મળી અને આખરે સુજીત પણ અન્ય પહેલવાનોની સાથે પેરિસ ઓલિમ્પિકની ફ્લાઈટ ચુકી ગયો.
ઓલિમ્પિકમાં પ્રવેશથી વંચિત રહેલા સુજીત માટે આ સમય અકળાવનારો હતો. જોકે તેના પિતા અને કોચિસે તેને આગામી પડકારો માટે તૈયાર કરવા તરફ ધ્યાન આપ્યું અને તેમના પ્રયાસો થકી જ સુજીતે આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. આ પછી તેણે ફરી ૬૫ કિગ્રાની સ્પર્ધામાં પુનરાગમન કર્યું હતુ અને ગત વર્ષે તો અંડર-૨૩ની વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં સુવર્ણ સફળતા મેળવી. હવે તેણે એશિયન ચેમ્પિયનશિપમાં સિનિયર કેટેગરીમાં સફળતા મેળવીને આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતાડવાની આશા જગાવી છે. કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતનો એકમાત્ર સુવર્ણ ચંદ્રક સુશીલ કુમારના નામે નોંધાયેલો છે. જે તેણે ૨૦૧૦માં જીત્યો હતો. હવે સુજીત તેની બરોબરી કરવા માટે કમર કસી રહ્યો છે.


