- આજકાલ-પ્રીતિ શાહ
- ગણેશન માને છે કે અહીં માત્ર ઘર કે સ્કૂલના બિલ્ડિંગોનું જ નિર્માણ નથી કરવાનું, પરંતુ તેમનું ગૌરવ, સ્વતંત્રતા અને ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે
ત મિલનાડુમાં વિલુપ્પુરમ જિલ્લાના કોનામંગલમ ગામમાં સૃષ્ટિ ફાઉન્ડેશનની સ્થાપના કરનાર કાર્તિકેયન ગણેશન દ્રઢપણે એવું માને છે કે દરેક વ્યક્તિ ચોક્કસ હેતુ અને ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જન્મે છે. સત્તર વર્ષની ઉંમરે પુડુચેરીના એક અનાથાશ્રમમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને બાર વર્ષ સુધી ત્યાં રહ્યા અને કામ કર્યું. એ સમય દરમિયાન તેમણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે બાળકો મોટા થતાં સમાજમાં ગોઠવાઈ જાય છે, પરંતુ જે બાળકો મનોદિવ્યાંગ હોય કે ઓછો વિકાસ થયો હોય, તેઓ ત્યાં જ રહેતા. મનોદિવ્યાંગ બાળકો મુખ્યધારામાં જોડાઈ શકતા નહોતા. પંદર વર્ષનો મનોવૈજ્ઞાનિક તરીકેનો અનુભવ ધરાવતા કાર્તિકેયન ગણેશનને લાગ્યું કે આ યુવાનોનું જીવન માત્ર ભોજન કરવું, દવા લેવી અને ઊંઘી જવું એમાં જ પસાર થઈ જશે! કંઈક ઉકેલ શોધવા તેઓ ૨૦૧૦માં ભારતભ્રમણ કરવા નીકળી પડયા.
ત્રણ વર્ષ સુધી ભારતની શહેર અને ગ્રામીણ વિસ્તારની સંસ્થાઓમાં મનોદિવ્યાંગો કેવી રીતે રહે છે તેનું નિરીક્ષણ કર્યું. તેમણે જોયું કે ભારતમાં જે મનોદિવ્યાંગો છે તેમાંથી પંચોતેર ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. ભોજન, નિવાસ અને આરોગ્યની સેવાઓ આપવાથી ગૌરવપૂર્ણ જીવન જીવાતું નથી. ઉત્તરપ્રદેશનાં ગામડાંમાં રહેતો એક પરિવાર પોતાના મનોવિકલાંગ સંતાનને દસ કિમી. દૂર આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા લઈ જતો હતો. બીજી બાજુ કેરલમમાં તેનાથી તદ્દન વિપરીત દ્રશ્ય જોવા મળ્યું. ડાઉન સિન્ડ્રોમ ધરાવતો યુવાન ખેતરમાં કામ કરતો, પશુઓની સંભાળ રાખતો અને મુક્ત રીતે ફરતો જોવા મળ્યો. કોઈએ એને મનોવિકલાંગનું 'લેબલ' નહોતું લગાડયું.
આ બે વિરોધાભાસી દ્રશ્યોથી કાર્તિકેયન ગણેશને વિચાર્યું કે સમસ્યા વ્યક્તિમાં ક્ષમતા છે કે નહીં તેમાં નથી, પરંતુ તેને કેવા પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે તેમાં છે. તેઓ પ્રવાસમાંથી પાછા અનાથાશ્રમમાં આવ્યા. તેમણે ૨૦૧૩માં તમિલનાડુના કોનામંગલમ ગામમાં દસ એકર જમીન ખરીદી અને ખેતી શરૂ કરવાનું વિચાર્યું અને સૃષ્ટિ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ત્યાં અનબુ નામના છોકરાને બોલાવ્યો. તમિળ ભાષામાં અનબુનો અર્થ પ્રેમ, કરુણા થાય છે. કાર્તિકેયને અનબુને એક બીજ બતાવ્યું અને આંબાનું ઝાડ દર્શાવીને બંનેનો સંદર્ભ સમજાવ્યો, પરંતુ અનબુએ વાતને હસી કાઢી. થોડા દિવસ પછી તેમાં પાંદડા ફૂટયા ત્યારે દોડીને કાર્તિકેયનને બોલાવી લાવ્યો. ધીમે ધીમે શાકભાજી ઊગાડવામાં આવ્યા. બાળકો શાકભાજી લઈને આવતા અને કહેતા કે, 'આજે અમે આ શાકભાજી લાવ્યા છીએ. અમે ઊગાડયા છે, તેથી અમે કહીએ તે રસોઈ થશે.' કાર્તિકેયન કહે છે કે અત્યાર સુધી તેઓ લેનારા હતા, આજે તેઓ કશુંક આપી રહ્યા હતા. જેમાં તેમનો આત્મવિશ્વાસ, ગૌરવ અને ઓળખ છલકાતા હતા. સૃષ્ટિ ફાઉન્ડેશને સૃષ્ટિ વિલેજની રચના કરી છે. ત્રીસ વ્યક્તિનો સ્ટાફ અને સ્વયંસેવકો જેમાં વોકેશનલ માર્ગદર્શકો, તાલીમ પામેલા શિક્ષણવિદો અને મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. તેમની મદદથી એંશી વ્યક્તિ આ વિલેજમાં રહે છે. તેઓ ખેતી કરતા, બેકરી અને ડેરી વિષયક તેમજ હાઉસકીપીંગની સ્કીલ શીખે છે. એમાંથી કેટલાક આથક રીતે પગભર બન્યા છે. અહીં જેમ જેમ મનોવિકલાંગો આવતા ગયા, તેમાં ત્યજાયેલી, અનાથ અને હોસ્પિટલમાંથી આવેલી ીઓની સંખ્યા વધતી ગઈ. આ સ્ત્રીઓ સ્વતંત્ર અને સુરક્ષિત રહે તે માટે સૃષ્ટિ વિલેજ ફોર વિમેન શરૂ કર્યું, જ્યાં આજે અઢારથી પાંત્રીસ વર્ષની વીસ મહિલાઓ ભાડાની જગ્યામાં રહે છે. અહીં પ્રવેશ મેળવવા માટેની યાદી લાંબી છે. પણ જગ્યાના અભાવે અત્યારે વીસ મહિલાઓનો સમાવેશ કર્યો છે. તેમણે સૃષ્ટિ ફાર્મ એકેડેમીની રચના કરી છે. જ્યાં સૃષ્ટિ વિલેજમાં રહેતા લોકો અને સ્ત્રીઓ ખેતી કરે છે. તેમના રસ પ્રમાણે વોકેશનલ કોર્સ શીખવવામાં આવે છે. સૃષ્ટિ દ્વારા મોબાઈલ થેરપી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદ ગ્રામીણ વિસ્તારનાં બાળકોને જુદી જુદી થેરપી આપે છે.
સૃષ્ટિ ઈકો-કેર ફાર્મ અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરીને ટકાઉ ખેતી અને જમીનને ફળદ્રૂપ કરવાના પ્રયાસો થાય છે. અહીં કેટલાક ઉત્તમ સંશોધકોને બોલાવીને સંશોધન કરાવવામાં આવે છે. અહીં ફ્રૂટ ફોરેસ્ટ પ્રોગ્રામ અને લાઈવ ફેન્સિંગ પ્રોગ્રામ માટે ઈટન ઇન્ડિયા ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે. સૃષ્ટિ સ્કૂલનું નિર્માણ કર્યું છે. જેમાં સ્થાનિક બાળકો અને મનોદિવ્યાંગ બાળકોને સાથે તાલીમ આપવામાં આવે છે. તેમના ભોજન, વાંચન અને કમ્યૂનિકેશન પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તે ઉપરાંત સ્પીચ થેરપી, બિહેવીયર થેરપી અને ફિઝીયોથેરપીની સગવડ છે. ભારત સરકાર, સ્પેન, નેધરલેન્ડ અને ભારતની અન્ય સંસ્થાઓના સહયોગથી સ્કૂલનું નવું બિલ્ડીંગ બાંધવામાં આવ્યું છે. ઇન્ક્લુઝીવ પ્રિ-સ્કૂલ, ફાર્મ બેઝ્ડ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ, શોર્ટ ટર્મ કોર્સ, કાફે, ગ્રેવોટર મેનેજમેન્ટ, બાળકો માટે ક્રીડાંગણ જેવાં અનેક કામો ચાલે છે. કાતકેયન ગણેશન માને છે કે અહીં માત્ર ઘર કે સ્કૂલના બિલ્ડિંગોનું જ નિર્માણ નથી કરવાનું, પરંતુ તેમનું ગૌરવ, સ્વતંત્રતા અને ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે.
જીવનપરિવર્તનનું સ્વપ્ન
નક્સલીઓના પ્રદેશની છાપ દૂર કરીને પોતાની સાથે અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન આણીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું
છ ત્તીસગઢનો બસ્તર જિલ્લો ગાઢ જંગલો, સમૃદ્ધ સંસ્કૃતિ, વોટર ફોલ અને આદિવાસીઓની કલા માટે જાણીતો છે, પરંતુ આ જિલ્લો દાયકાઓ સુધી નક્સલી આતંકીઓથી ઘેરાયેલો રહ્યો. સરકારના પ્રયાસોથી નક્સલવાદનો અંત દેખાઈ રહ્યો છે, પરંતુ એ પહેલાંથી કેટલાય લોકો બસ્તરની અસલ ઓળખ ઊભી કરવા અથાક પ્રયત્ન કરી રહ્યા છે. તેમાંની એક છે રઝિયા શેખ. રઝિયાના પિતા શેખ મસ્તાન મલિક મૂળ તો આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહેતા હતા, કામની શોધમાં છત્તીસગઢના જગદલપુરમાં આવ્યા. તેઓ ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બરનું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમની પુત્રી રઝિયા, બે પુત્રો અને ભાઈની બે પુત્રીનો સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. રઝિયાએ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને જગદલપુરની ક્રાઇસ્ટ કાલેજમાંથી માઇક્રોબાયોલોજી વિષયમાં બી.એસસી. કર્યું. તેમના સમાજમાં તો આ ઉંમરે સ્ત્રીઓના લગ્ન થઈ જતા, પરંતુ પિતા જ એને ગુંટૂરમાં આવેલી નાગાર્જુન યુનિવર્સિટી લઈ ગયા અને માસ્ટર્સની ડિગ્રી મેળવી.
રઝિયાનું સ્વપ્ન હતું કે જીવનમાં સફળતા મેળવીને સમાજ તેમજ પરિવાર માટે કંઈક કરવું, પરંતુ વાસ્તવિકતા જુદી હતી. એ જ્યાં ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યાં બસ્તરનું નામ સાંભળીને જ ના પાડી દેતા. નક્સલી હેરાન કરે, તેમનામાં કોઈ આવડત નથી હોતી કે ક્રિયેટિવિટી નથી હોતી. રઝિયા કહે છે કે આવું સાંભળી સાંભળીને તેનામાં પણ નકારાત્મકતા આવતી જતી હતી. તેણે વિચાર્યું કે આવનારી પેઢી પણ આ અનુભવશે. તેને થયું કે આમાં પરિવર્તન ક્યારે આવશે? સગાંવહાલાં લગ્ન કરી લેવાની સલાહ આપતા, પરંતુ રઝિયાએ નક્કી કર્યું કે કોઈ વ્યવસાય કરવો. તેના માટે તેણે સૌથી પહેલાં બસ્તરમાં વસતા લોકોને સમજવાનો પ્રયાસ કર્યો. તેની ભૌગોલિક રચનાનો સર્વે કર્યો. ત્રણ વર્ષ સુધી તેણે આદિવાસીઓના અધિકારો અને સંસ્કૃતિ સિવાય તેમની સાથે જોડાયેલી યોજનાઓનો અભ્યાસ કર્યો. કેટલીય મહિલાઓએ કહ્યું કે મહુઆનો શરાબ પીને પતિ મારે છે. મહુઆના ફૂલનું સંશોધન કર્યું અને તે મંત્રમુગ્ધ બની ગઈ. એમાં આયર્નનું અને અન્ય પોષક તત્ત્વો જોવા મળ્યાં. મહુઆનો ઉપયોગ લીકર બનાવવામાં કરીને ઉદ્યોગો સ્થપાયા, પરંતુ તેની સારી બાજુ જુઓ તો સ્ત્રીઓ, બાળકોને પોષણ આપવામાં ઉપયોગી બને તેવું આ 'ગ્રીન ગોલ્ડ' જીવન બદલી શકે તેવું છે.
ત્રણ વર્ષની મહેનતને અંતે તેણે ૨૦૧૯માં બસ્તર ફૂડ્સ ફર્મ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસનું રજિસ્ટ્રેશન કરાવ્યું. રઝિયા પાસે પૈસા નહોતા, પરંતુ પિતાએ તેના લગ્ન માટે ત્રણ લાખ રૂપિયાની બચત કરી હતી, તેનાથી વ્યવસાય શરૂ કર્યો. મહુઆનાં ફૂલોમાંથી લાડુ, બિસ્કીટ, ચા બનાવી, પરંતુ બન્યું એવું કે જે લોકો માટે તેણે આ ઉત્પાદનો બનાવ્યા તે લોકોએ તેનો અસ્વીકાર કર્યો. 'મહુઆ ખાવાથી નશો થઈ જશે', 'બાળકો કમજોર થઈ જશે' - આવું ઘણું બધું સાંભળવા મળ્યું. રઝિયા બજારમાં ઊભી રહીને કહેતી કે આયુર્વેદમાં અને રામાયણમાં પણ આનું મહત્ત્વ દર્શાવ્યું છે. તેણે રાત-દિવસ મહેનત કરી એક્સ્પો, પ્રદર્શનમાં વસ્તુઓ વેચવા મૂકી. ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉત્પાદનો પહોંચાડવામાં ક્યારેક બગડી જતા. એ બગડે નહીં તેને માટે ત્રીસ હજાર જેટલો પગાર આપીને સંશોધકોને રાખ્યા. તેની કંપનીના મહુઆ લાડુ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કાલકાતા, રાયપુર વગેરે જગ્યાએથી ઑર્ડર મળવા લાગ્યા. પ્રથમ વર્ષે તેની કંપનીએ તેરથી પંદર લાખનું વેચાણ કર્યું, પરંતુ કોવિડ આવતા બધું બંધ થયું. કોવિડ પછીના વર્ષે બાર લાખ રૂપિયા અને આજે એ આંકડો કરોડ ઉપર પહોંચ્યો છે. સૌથી પહેલું કામ તેણે પિતા પાસેથી લીધેલા પૈસા પાછા આપ્યા.
આજે રઝિયા મહુઆ લાડુ, મહુઆ ટી, મહુઆ જ્યુસ ઉપરાંત આંબલીની કેન્ડી, આંબલીનો સોસ, મધ, ઈમલી રસમ બનાવે છે. ગોળનો પાવડર બનાવે છે જે ભોજનમાં, દૂધમાં, ચામાં વાપરી શકાય. સીઆરપીએફના સૈનિકો માટે દલિયા બનાવે છે જેથી ગમે તે પરિસ્થિતિમાં તેઓ ભૂખ્યા ન રહે. જ્યાં મશીન કે ઈલેક્ટ્રીસિટી નથી તેવી જગ્યાએ મહિલાઓને રોજગારી મળે તે માટે ઢેકી ચોખાનું ઉત્પાદન કરે છે. તેમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટને ઢેકી કહેવામાં આવે છે. તેથી તેનું નામ ઢેકી ચોખા છે. આ ઉપરાંત હલ્દી મસાલા વેચે છે. હળદરમાં, મરી, સૂંઠ નાખીને તે બનાવે છે. બાળકોથી માંડીને મોટાઓ દૂધમાં નાખીને પીએ છે. બોર્નવિટાની જગ્યાએ બાળકો હલ્દી મસાલાવાળું દૂધ પીએ છે તેને રઝિયા શેખ પોતાની સૌથી મોટી સફળતા ગણાવે છે. આજે તેમના ઉત્પાદનો લંડન જાય છે. આઠ મહિલાઓ સાથે શરૂ કરેલ બસ્તર ફૂડ્સ સાથે એંશી કર્મચારીઓ કામ કરે છે. સાતસો જેટલી મહિલાઓ આવાં ઉત્પાદનો બનાવે છે અને દોઢથી બે હજાર ખેડૂતો તેમને કાચો માલ પૂરો પાડે છે. રઝિયાએ ટ્રાયબલ ફૂડને એક ઓળખ આપી. ગામમાં રોજગારીની તકો ઊભી કરીને માઈગ્રેશન થતું અટકાવ્યું. નક્સલીઓના પ્રદેશની છાપ દૂર કરીને પોતાની સાથે અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન આણીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.


