Get The App

આજનું દુ:ખ ભવિષ્યમાં આવનારા સુખનું કારણ બને છે!

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
આજનું દુ:ખ ભવિષ્યમાં આવનારા સુખનું કારણ બને છે! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'કૃષ્ણએ જ્યારે કશુંક માગવાનું કહ્યું, ત્યારે કુંતી કહે છે કે મારે શું માગવાનું હોય? તમે જ જગતનિયંતા છો, દુ:ખ આપનાર અને ટાળનાર છો.'

ક્યા રેક વિચાર કર્યો છે કે આજ સુધી જેને દુ:ખ માન્યું હતું અને દુ:ખ માનીને ભારે દુ:ખી હતા, તે હકીકતમાં દુ:ખ છે ખરું? વળી એ દુ:ખનું મૂળ કારણ સાવ જૂદું હોય અને આપણે દુ:ખી થતા હોઈએ, તેવું તો નથી થયું ને? જુઓ, ઘણી વાર તો આપણે આપણા મનમાં કોઈ ભયને પોષીએ છીએ અને પછી એનાથી એ દુ:ખ અનુભવતા હોઈએ છીએ. ક્યારેક જગત વિશેના આપણા ખોટા ખ્યાલને કારણે વ્યક્તિ દુ:ખી થતી હોય છે. સામાજિક બંધનો અને બૂરી ટેવો પણ દુ:ખનું કારણ બનતા હોય છે. 

તો વળી કોઈ ભૂતકાળનો વિષાદનો બોજ માથા પર લઈને વર્તમાનમાં વેદનાનાં આંસુ સારતો હોય છે, તો કોઈ વળી જીવનમાં વાસનાઓમાં ડૂબીને કે લાલસાભરી કામનાઓની પાછળ દુ:ખી થઈને જીવનમાં દોડતો રહેતો હોય છે, ક્યારેક માનવી રૂઢિચુસ્તતાને કારણે દુ:ખી થતો હોય છે, તો ક્યારેક એના સ્વભાવથી દુ:ખી થતો હોય છે. 

હકીકતમાં વાસ્તવિક દ્રષ્ટિએ વિચારીએ તો કવિએ કહ્યું છે તેમ, 'દુ:ખ સબકો માંજતા હૈ' અર્થાત્ દુ:ખ એ માનવઆત્માની શુદ્ધિનું મહત્ત્વનું કા૨ણ બની શકે છે. કોઈ વ્યક્તિ પારાવાર દુ:ખ અનુભવતો હોય અથવા તો એ દુ:ખના દરિયામાં ડૂબી ગયો હોય, પરંતુ એ ખરેખર પોતાના દુ:ખ વિશે વિચાર કરે તો ખ્યાલ આવે કે એની કોઈને કોઈ મર્યાદા જ એના દુ:ખનું કારણ બની છે. એ પોતાની મર્યાદા અંગે સભાન બનીને એને દૂર કરવા પ્રયત્ન કરે છે અને ઘણા પ્રયત્નોના પરિણામે એના ચિત્તમાં એક પ્રકારની સ્થિરતા આવે છે અને એના વૈચારિક જગતમાં પ્રૌઢતાનો સંચાર થાય છે. આ રીતે છેક શ્રીમદ્ ભાગવતના સમયથી આ દુ:ખનો મહિમા લાક્ષણિક રીતે સ્વીકારવામાં આવ્યો છે. 

પાંડવોનો અશ્વમેઘ યજ્ઞા પૂર્ણ થયા બાદ શ્રીકૃષ્ણ દ્વારિકા જવા માટે પોતાના ફોઈ કુંતી પાસે આવ્યા અને એ પ્રસંગનું આલેખન કરતા 'શ્રીમદ્ ભાગવત્' કહે છે કે, 'કૃષ્ણએ જ્યારે કશુંક માગવાનું કહ્યું, ત્યારે કુંતી કહે છે કે મારે શું માગવાનું હોય? તમે જ જગતનિયંતા છો, દુ:ખ આપનાર અને ટાળનાર છો.'

આમ છતાં શ્રીકૃષ્ણ કશુંક માગવાનો આગ્રહ કરે છે, ત્યારે માતા કુંતી બોલ્યાં, ''જગન્નાથ! અમે એટલું જ માગીએ છીએ અમને અહર્નિશ દુ:ખ પ્રાપ્ત થાઓ, જેથી અમે આપનું સ્મરણ કરવાનું ન ભૂલીએ. બસ, એ જ વરદાન આપો.''

સારંગપાણિ મંદમંદ હસ્યા અને બોલ્યા, ''તથાસ્તુ.''

માતા કુંતીની આ માગણી એક સાચા ભક્તની માગણી હતી. પણ એનો મર્મ એ છે કે દુ:ખ એ માનવીને ભીતરની દુનિયામાં લઈ જાય છે. અંતર્મુખી બનાવે છે. સુખ માનવીને બહારની દુનિયામાં ભટકતું રાખે છે, ભૌતિકતામાં ડૂબાડેલું રાખે છે, એને ગર્વિષ્ઠ કે છાકટો બનાવે છે, દુ:ખમાં માનવી સતત સભાનતા રાખે છે. દુ:ખ આવતાં એ અહર્નિશ જાગૃતિ સેવે છે. પોતાનાં દુ:ખનાં કારણો જાણવા માટે ઊંડી આત્મખોજ કરે છે અને આ દુ:ખાનુભૂતિમાં જ ઉચ્ચતમ આત્મોપલબ્ધિ શક્ય બને છે. 

અર્જુનને આ દુ:ખાનુભૂતિમાં શ્રીમદ્ ભાગવદ્ગીતા પ્રાપ્ત થઈ. રામાયણ, મહાભારત કે ભાગવત્ જેવા મહાન ગ્રંથોનું પ્રેરણાબળ પણ દુ:ખ છે, આથી કુંતી દુ:ખને ચાહે છે, કારણ કે અંતર્મુખ બનાવતું દુ:ખ અધ્યાત્મ જગતમાં વેદનાનો અભિશાપ નથી, પણ અહર્નિશ પ્રભુસ્મરણનું વરદાન છે. 

આ રીતે દુ:ખ મનુષ્યને આધ્યાત્મિકતા તરફ વાળે છે અને એ આધ્યાત્મિકતાને પરિણામે જ આપણા અનેક સંતો પોતાના જીવનમાં આવેલા દુ:ખથી સહેજે અકળાવવાને બદલે પ્રસન્નતા અનુભવે છે. દરેક વ્યક્તિ પોતાના દુ:ખનું કારણ શોધવા જાય છે અને એ પોતાની ભીત૨માં કારણ શોધે છે, ત્યારે ધીરે ધીરે એ પોતાના આત્મા ભણી પ્રયાણ કરે છે. 

સુખની નજ૨ બહાર ફરતી હોય છે, જ્યારે દુ:ખની દ્રષ્ટિ ભીતરમાં હોય છે અને એટલે માનવીના જીવનમાં દુ:ખ આવે ત્યારે એ આપોઆપ એ પોતાના ભીતરમાં જતો હોય છે. એનું ઉદાહરણ ભગવાન બુદ્ધના જીવનમાં પ્રાપ્ત થાય છે. ધોળે દિવસે વીજળી પડે એ રીતે મહારાણી ઉબ્બરીના જીવન પર પ્રચંડ આઘાત થયો અને એની પ્રાણપ્યારી પુત્રીનું અવસાન થયું. પોતાની પુત્રી ચંદ્રમુખીની યાદમાં એ લગભગ પાગલ જેવી બની ગઈ. ક્યારેક ચોધાર આંસુ સારે તો ક્યારેક સૂનમૂન બનીને બેસી રહે. 

જે સ્મશાનમાં વ્હાલસોયી પુત્રીનો અગ્નિસંસ્કાર કર્યો હતો તે સ્થળે વારંવાર જતી અને પહાડને પણ પીગળાવી દે તેવું આક્રંદ કરતી. એને સાંત્વના આપવાના સઘળા પ્રયાસો નિષ્ફળ ગયા, પરંતુ એક દિવસ આ નગરમાં વિહાર કરતા આવેલા ભગવાન બુદ્ધે આક્રંદ કરતી મહારાણી ઉમ્બરીનું રૂદન સાંભળ્યું અને એણે પૂછતા કહ્યું કે, 'હવે મારી પુત્રી ચંદ્રમુખી વિનાનું જીવન સ્મશાન સમુ વ્યર્થ છે. મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું છે, તો હવે જીવન શા માટે?'

ભગવાન બુદ્ધે કહ્યું, 'તમારી પાસે એક મહાન વસ્તુ છે અને એ છે તમારો આત્મા. તમે એ આત્માનો વિચાર કરો. જે તમને પુત્રીથી પણ વધુ પ્રિય હોવો જોઈએ. એવું પણ બને કે પુત્રીની જેમ તમે તમારો આત્મા પણ ગુમાવી બેસશો.' 

મહારાણી ઉમ્બરી આજ સુધી પુત્રીશોકના વિચારોથી ઘેરાયેલી હતી. એ પહેલી વાર પોતાના આત્માનો વિચાર કરવા લાગી. ભગવાન બુદ્ધના ઉપદેશનો મર્મ પામીને એણે ધીરેધીરે સહજ રીતે સંસાર સંભાળવો શરૂ કર્યો. થોડાક સમય પછી ઉબ્બરી મહિલા બૌદ્ધ વિહારની અધિષ્ઠાત્રી બની અને એનો વ્યક્તિગત મોહ વ્યાપક પ્રેમમાં પરિવર્તન પામ્યો. 

દુ:ખ વિના કોઈપણ ભાવનાને સાંપડતી નથી. ભારતના સર્જકોએ પ્રણયને પણ પીડાથી ખૂબ તપાવ્યો છે. અને એ જ પ્રણયનો પુરસ્કાર કર્યો છે. મહોરેલી વસંતમાં કામદેવની સહાયથી શિવ-પાર્વતીનું મિલન થાય તે કાલિદાસને મંજૂર નથી. દુષ્યંત અને શકુંતલાના પ્રણયને પણ લેખકે વિયોગમાં તપાવ્યો છે. જીવનમાં પડાવનું મહત્ત્વ નથી, પણ માર્ગનું મહત્ત્વ છે. પરિશ્રમનું મૂલ્ય છે, પૈસાનું નહીં. એ માર્ગમાં વિરહની તડપન આવે, આંસુનો પ્રપાત આવે, અકળાવનારી ઇંતેજારી આવે. હૃદયને પીસનારી પીડા આવે, પરંતુ આ ભઠ્ઠીમાં તપ્યા પછી જ સાચું કુંદન ઝળકે છે. 

આ રીતે કહી શકાય કે દુ:ખ દ્વારા માનવી પોતાના મનની ઓળખ પામે છે અને એમાં રહેલી કચાશ દૂર કરી શકે છે. એના અંત:કરણ ૫૨ લાગી ગયેલા કાટને દુ:ખ બરાબર ઘસીઘસીને સાફ કરે છે. આથી દુ:ખને કેટલાક જીવનનું ઔષધ માને છે, એ દવા જેવું છે, ઉગ્ર છે, પણ ગુણકારક છે. વ્યક્તિને કદીક અપ્રિય લાગે છે, પરંતુ એ ઉદ્ધારક છે અને એટલે જ એ દુ:ખમાંથી પોતાના આત્માની પ્રગતિ કરતો હોય છે. 

આપણા સંતોનાં જીવનમાં કેટકેટલાં દુ:ખો આવ્યા, પણ એ દુ:ખો એ સંતોના હૃદયમાં રહેલી પ્રભુભક્તિને કેવી ઊજળી કરી બતાવી. મહાત્મા ગાંધીજીના જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ આવી અને છતાં એ મુશ્કેલીઓ, વિરોધો અને અંગ્રેજોની જોહુકમી સહન કરીને એમણે દેશને આઝાદી અપાવી. 

રામાયણનું સર્જન વેદનાનાં આધારે થયું, ગીતાનું સર્જન અર્જુનના વિષાદ નિવારણ માટે થયું, આપણા જાણીતા સર્જક ધીરુબહેન પટેલ એમ કહેતા હતા કે લખતી વખતે હું ભારે પીડા અનુભવું છું. એટલે એ અર્થમાં દુ:ખથી થતી પીડા એ સર્જનનો પાયો છે અને એવું દુ:ખ કે એવી પીડા મોટરની ફેક્ટરીમાં કામ કરતા મોરિસને થઈ. અનિવાર્ય પરિસ્થિતિને કારણે વિલંબ થતા એના માલિકે રૂઆબ છાંટતા હોય એ રીતે એને ફેક્ટરીમાંથી ચાલ્યા જવાનું કહ્યું. 

માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે એનું રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. 

સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. 

કોઈએ કહ્યું, ''મોરિસ, નોકરી કરવી હોય તો આટલા બધા સંવેદનશીલ થવાય નહીં. માલિક ભલે ઠપકો આપે, આપણે એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખવાનો. આવી વાતોથી મનમાં માઠું લગાડાય નહીં.''

મોરિસ અડગ રહ્યો. પોતાના અપમાનમાંથી નવો આધાર શોધી કાઢયો. એણે બીજે દિવસે પોતાની ફેક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફેક્ટરી ઊભી કરી. માલિકે આપેલાં મહેણાંને પુરુષાર્થના પડકારરૂપે સ્વીકારીને એણે પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું. 

આમ ક્યારેક એક ક્ષણે આવતું દુ:ખ બીજી ક્ષણે ચાલી જતું હોય છે. જીવનમાં કશું જ સ્થાયી હોતું નથી એમ દુ:ખ પણ અસ્થાયી હોય છે. એની સાચી સમજ હોય તો માનવીને માટે નિરાશા, હતાશા કે વેદના એ દુ:ખનું કારણ નથી બનતા, પરંતુ ભવિષ્યમાં આવનારા સુખનું સાધન બને છે.

(ક્રમશ:)