Get The App

મૌનની મથામણ સ્વયં એક ઘોંઘાટ .

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
મૌનની મથામણ સ્વયં એક ઘોંઘાટ                         . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- મન છે ત્યાં સુધી મૌન નથી. જ્યાં સુધી મૌનને ખોજનાર સાધક છે ત્યાં સુધી મૌન નથી. મનની શિસ્ત દ્વારા તાલીમ પામેલું અને કેળવાયેલું હોય તે મૌન નથી

મૌન તો મનની બધી જ યાંત્રિકીની પાર છે; મન તેને પામી ન શકે. તેથી જ મનના મૌન સુધી પહોંચવાના બધા તરકટો ઘોંઘાટ છે. 

- જે. ક્રિષ્ણમૂર્તિ

અર્થાત્, મન છે ત્યાં સુધી મૌન નથી. જ્યાં સુધી મૌનને ખોજનાર સાધક છે ત્યાં સુધી મૌન નથી. મનની શિસ્ત દ્વારા તાલીમ પામેલું અને કેળવાયેલું હોય તે મૌન નથી. જે મન; અહીં અને ત્યાં, આ અને તે, ગઈકાલ અને આવતીકાલ, સ્થળ અને સમયના દ્વૈત અનુભવતું હોય ત્યાં મૌન નથી. અરે, શું છે અને શું હોવું જોઈએ તે ભેદ અનુભવતી વ્યક્તિ પણ મૌન ન પામી શકે. આપણો સૌનો અનુભવ છે કે સભાઓ સૌથી વધુ અશાંતિ ફેલાવનાર શબ્દો છે- શાંતિ રાખો. અનન્ય સંબુધ્ધ એવા જે. કૃષ્ણમૂર્તિ કહેતા મૌન એક એવી શૂન્યતા છે જ્યાંથી બધી જ સભરતા વહે છે. આવો, આપણે બૌદ્ધ ધારાના અજહન ચાહ(ઈ.સ. ૧૯૧૮ થી ૧૯૯૨) નામના એક થાઈ સાધુના એક સંવાદના સાક્ષી બનીએ, જે મૌનને સમજાવી દે છે.

તેમના મઠમાં એક યુવાન સાધક મૌન-ધ્યાન-એકાંત શીખવા આવેલો. એક સવારે તે સાડા ત્રણ વાગે ઉઠયો પણ મઠની બહારના વિસ્તારમાંથી કોઈ ઉત્સવ નિમિત્તે નાચવા-ગાવાનો અવાજ આવી રહ્યો હતો. સવારે પેલો સાધક ગુરુજી અજાહન ચાહ પાસે ફરિયાદ લઈને ગુસ્સા સાથે ઘસી ગયો... 

'સાધક : ગુરુજી, આ ઘોંઘાટ મારી ધ્યાન, મૌન, એકાંતની સાધનામાં ખલેલ પાડે છે.

અજાહન ચાહ : બેટા, અવાજ તને ખલેલ નથી પાડતો પણ તું ઘોંઘાટમાં વિઘ્ન નાખે છે. તારો ઘોંઘાટ માટેનો અભાવ અને તેની  સામેની તારી  પ્રતિક્રિયા તને વિચલિત કરે છે. ઘોંઘાટ તો ઘોંઘાટ જ હોય છે પણ તું વ્યક્તિ મટીને ઘોંઘાટ બની જાય છે.'

કદાચ, આપણા કેન્દ્રમાંથી આપણને પરિઘ તરફ ઢસડી જતી કોઈપણ વસ્તુ ઘોંઘાટ છે. મૌનની ખોજ, આગ્રહ કે મથામણ પણ અંતત: ઘોંઘાટ છે અને ઘોંઘાટ સામેનો આપણો પ્રતિકાર જ મૌનને અશક્ય બનાવે છે. જ્યાં સુધી, આ મૌન છે અને આ મૌન નથી તેવી સીમા દોરનાર છે ત્યાં સુધી મૌનની સંભાવના જ નથી. મૌનની ઈચ્છા, આકાંક્ષા, ઝંખના કે ધખારો સ્વયં એક ઘોંઘાટ છે. 'સ્વ' એક વિશ્વ છે માત્ર વ્યક્તિ નથી. આ 'સ્વ'ના રૂપાંતરણ કે બદલાહટના પ્રયાસમાંથી ક્યારેય મૌન અવતરતું નથી. જ્યાં કોઈ આશય, આશા અપેક્ષા હોય ત્યાં મૌન શક્ય નથી. ટૂંકમાં હું અને મૌન બંને સાથે રહી શકતા નથી.

અનેક ચિંતન-મનની ધારાઓ તો એમ જ માને છે કે પરમની ભાષા તો મૌન જ છે. પણ એમ લાગે છે કે શબ્દની પ્રખરતા અને મૂખરતાની ગંગોત્રી પ્રગાઢ મૌનમાં છે. જેમને મૌનનો અર્થ નથી પમાતો તેમને શબ્દનો અર્થ નથી સમજાતો. કેટલીક સંબુધ્ધ ચેતનાઓનો ઠહરાવ મૌનમાં જ હોય છે. તે મૌન બેઠા હોય તો પણ કશુંક  કહેતા હોય છે. કોઈ પહોંચેલી અને પામેલી વ્યક્તિ કહે છે :

દસ્તક ઔર આવાજ તો કાનોં  કે લિયે હૈ 

જો રૂહ કો સુનાઈ દે ઉસે  ખામોશી કહેતે હૈ!