Get The App

આશા નંબર વન : જબ છાયે મેરા જાદૂ..કોઈ બચ ના પાયે!

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
આશા નંબર વન : જબ છાયે મેરા જાદૂ..કોઈ બચ ના પાયે! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- આપણે આફતો સામે અડીખમ કેવી રીતે રહી શકીએ એવું શું શીખવાનું છે આશાની આગેકૂચમાંથી? કેવી કેવી અનોખી કમાલ છુપાયેલી હતી એમના ગીતોમાં? 

'મા રી માતા, શ્રીમતી આશા ભોંસલે વિશેની મારી સૌથી પહેલી યાદ રાતના બહુ મોડેથી વાગતી ડોરબેલના થોડા ઝબકારા જેવી છે. એક રડતી સ્ત્રી મને વહાલથી ભેટીને પાછી સુવડાવી દેતી, અને એક બંધ દરવાજા પાછળથી કોઈ અજીબ ગીત વારંવાર ગવાતું હોય એવો અવાજ આવતો... હું અંદર જવા માટે દરવાજો પછાડતી, પણ સંગીત અટકી જવાની તૈયારીમાં જ હોય ત્યાં કોઈ માણસ મને નિર્દયતાથી પકડીને ત્યાંથી ખેંચી લેતો.

પાછળથી મને સમજાયું કે આ મારા પિતાના જીવનનો રોજિંદો ક્રમ હતો ઃ  ઘરના ગુજરાન માટે 'આઈ'ના ગાવામાં જે કંઈ પણ અડચણ આવે તેને દૂર રાખવી. મેં મારા પિતાને મારી યાદોમાંથી સાવ ભૂંસી નાખ્યા છે, અને તેમની સાથે-સાથે મારા પોતાના બાળપણનો કેટલોક હિસ્સો પણ. અમારા જૂના રસોઈયા પાસેથી મેં જે દર્દનાક કિસ્સાઓ સાંભળ્યા છે, આના વિશે બસ એટલું કહેવું જ પૂરતું છે કે, આ એવો જ વિષય છે જેણે વર્ષોથી સ્ક્રિપ્ટ રાઇટર્સ અને નવલકથાકારોને વાર્તાઓ પૂરી પાડી છે - જેમાં એક દબાયેલી અને લાચાર સ્ત્રી પર અસહ્ય અત્યાચારો ગુજારવામાં આવતા હોય. 

નાની ઉંમરે આઈ જાણે અચાનક જ પોતાની તાકાત ઓળખી ગયા અને પોતાના માટે ઊભા થયા. એક દિવસ તેમને અચાનક એ વાતનો અહેસાસ થયો કે તેમની આ ત્રીજી પ્રેગ્નન્સી અને એ પણ છેવાડાના મહિનાઓમાં, તેમનું શરીર રોજબરોજની એ મારપીટ હવે કદાચ વધુ સહન નહીં કરી શકે, જે રોજેરોજ તેમના ભાગે આવતી હતી. તેમણે પોતાની કમાણીનો એક-એક પૈસો, પોતાનો બંગલો, ગાડી અને પોતાના કપડાં સુદ્ધાં ત્યાં જ છોડી દીધા. સ્વાભાવિક છે કે, તેમના આ રીતે 'ઘર છોડી જવા' વિશે ઇન્ડસ્ટ્રીમાં તરત જ જાતજાતની અફવાઓ ઉડવા લાગી હતી. અને મને ખાતરી છે કે જ્યારે આનંદ મોટો થયો અને બિલકુલ (સદનસીબે, માત્ર દેખાવમાં જ) અમારા પિતા જેવો દેખાવા લાગ્યો, ત્યારે ઘણા લોકો નિરાશ પણ થયા હશે.

શરૂઆતમાં તો તેમની બહુ ઓછી ઝલક જોવા મળતી, કારણ કે તેમણે બમણી મહેનત કરવી પડતી હતી. તેમણે બધું જ શૂન્યમાંથી ઊભું કરવાનું હતું અને ઉપરથી ઘરમાં જમાડવા માટે વધુ એક સભ્ય ઉમેરાયું હતું. આમ તો અમારું ઘર સજાવવામાં, અમને સારામાં સારી સ્કૂલોમાં ભણાવવામાં અને બધી જ સુખ-સગવડોથી અમને લાડ લડાવવામાં તેમણે કોઈ કસર નહોતી છોડી, છતાં મને હંમેશાં એવું જ લાગતું કે મને તેમનો પૂરતો સમય નથી મળ્યો. ઘણાં વર્ષો પછી મેં તેમને પૂછયું, 'આઈ, તમારી પાસે તમારી સગી મા અને બહેનોના ઘરનો આશરો તો હતો જ, તો પછી તમારું પોતાનું અલગ ઘર વસાવવાની આટલી બધી ઉતાવળ કેમ હતી? એના કરતાં તમે અમને થોડો વધારે સમય ના આપી શક્યા હોત?'

એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેમણે તરત જ જવાબ આપ્યો, 'હું ફરી ક્યારેય કોઈની દયા કે ઓશિયાળા બનીને જીવવા માંગતી નહોતી. તમારા ત્રણેય માટે પણ એ એટલું જ નુકસાનકારક સાબિત થાત. મારે તમને તમારા પોતાના ઘરમાં મોટા કરવા હતા, અને એવી આઝાદી સાથે જે માત્ર ને માત્ર હું જ તમને મા તરીકે આપી શકું.'

જો મારે મારી માતાને એક શબ્દમાં વર્ણવવી હોય, તો એ શબ્દ હશે 'જિદ્દ' ઃ મનસ્વી હઠ ! કામ જેટલું વધુ મુશ્કેલ હોય, તેઓ એટલી જ વધારે લગનથી એની પાછળ મંડી પડે. જેમ કે, પોપ-ગુ્રુપ 'ધ વેસ્ટ ઇન્ડિયા કંપની'ના સભ્ય તરીકે પશ્ચિમી સંગીતની દુનિયામાં તેમનું પગલું. એક દિવસ એમના દીકરા આનંદે સાવ સહજતાથી તેમને જાણ કરી કે તેણે ડીલ ફાઇનલ કરી દીધી છે અને એક મહિનાની અંદર તેમણે કમ્પોઝ કરવાનું છે.ગાવાનું છે. બ્રિટિશ સંગીતકારો અને ટેકનિશિયનો સાથે કામ કરવાનું છે. રેડિયો ટીવી પર લાઇવ ઇન્ટરવ્યુ આપવાના છે. અને આ બધું જ અંગ્રેજીમાં, અને એ પણ છેક ઇંગ્લેન્ડમાં !  

ક્યારેય શાળાનું પગથિયું ન ચડેલી, અને અંગ્રેજીનું એક આખું વાક્ય ના બોલતી એવી એક આધેડ ઉંમરની સ્ત્રી માટે મને આ બધું અશક્ય લાગતું હતું. હું તો સાવ ગભરાઈ ગઈ હતી, ગભરામણના માર્યે આખો મહિનો મારું પેટ ખરાબ રહ્યું,  જ્યારે તેઓ રોજ નિયમિતપણે સવારે ૪ વાગ્યે ઊઠીને, વોકમેન ભરાવીને કલાકો સુધી 'સ્પોકન ઇંગ્લિશ'ની કેસેટો સાંભળતા રહ્યા. અને કમાલ જુઓ, તેમણે આ બધું જ કરી બતાવ્યું ઃ તેમના ગીત 'આવે મારિયા' સાથે ટોપ-૨૦' ચાર્ટમાં એન્ટ્રી મારી, બ્રિટિશ અને જર્મન ટેલિવિઝન પર દેખાયા, રેડિયો ઇન્ટરવ્યુમાં એકદમ સ્પષ્ટતાથી વાત કરી, બ્રિટિશ પ્રેસને પણ સંબોધી - અને આ બધું જ જરાય ગભરાયા વગર, પોતાના એ જ શાનદાર અંદાજમાં!'

***

આશા ભોંસલેની દીકરી વર્ષા લેખિકા અને પત્રકાર હતી. એણે લખેલા મા ઉપરના લાંબા અંગ્રેજી લેખમાંથી ચૂંટેલા અંશોનો આ અનુવાદ છે. ગયા બુધવારે અનાવૃતમાં આરંભેલી આશાકથાનો અધ્યાય આગળ ચલાવતા પહેલા, માના જીન્સની સાથે જીદ દીકરીમાં આવ્યા હોત તો આશાને આજે પણ અંજલિ આપવા એ જીવતા હોત. પણ દુર્ભાગ્યે ૨૦૧૨માં મમ્મી સિંગાપોર હતા ત્યારે મુંબઈ પ્રભુકુંજ ખાતે લતામાસીની સામેના જ ફ્લેટમાં રહેતી વર્ષાએ પિસ્તોલમાંથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી ! ડિપ્રેશનની સારવાર તો એની ચાલુ હતી જ, એના ગાઢ મિત્ર ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષના અવસાન બાદ એકલી મા ભેગી રહેતી વર્ષાનો અવસાદ વધી ગયેલો. આશાએ પછી થોડો સમય સંગીતકાર રહી પાયલોટ બની ગયેલા પુત્ર હેમંતને ૨૦૧૫માં કેન્સરમાં ગુમાવ્યો. 

સંતાનોના મોતનો આઘાત બહુ અઘરો હતો આશાતાઈ માટે. પોતે ડિપ્રેશનમાં સરી પડે એવા તમામ સંજોગો છતાં અણનમ રહ્યા ને ભણાવીને સુવિધામાં ઉછેરેલી દીકરી જિંદગીનો જંગ હારી જાય એ કેવો આઘાત હોય ! પણ એ ભાંગી ના પડયા. મુકાબલો, એ પણ મુસ્કાન સાથે એ એમની બચપણથી ફિતરત હતી. એક સમયે ગણપતરાવ ભોંસલે, ઓ. પી. નય્યર અને આર.ડી. બર્મન વચ્ચે ઓલમોસ્ટ એમના લવે મેરેજ મરાઠી ફિલ્મો ડબલ મિનીંગ કોમેડી માટે આઇકોનિક દાદા કોંડકે સાથે નક્કી થવાના હતા. રિલેશન તૂટી ગયા, પણ મૂવ ઓન વિથ સ્માઈલ. એમનું જીવન જ જાણે એક મોટીવેશન હતું. એ શાનદાર જીવ્યા. નીડર જીવ્યા. અપરણિત હોવા છતાં લતાજીએ આખી જિંદગી સફેદ સાડીમાં કાઢી અને લગ્ન સંબંધ વિચ્છેદ તથા છેલ્લા પતિના મૃત્યુ પછી પણ છેક છેલ્લે સુધી જાહેરમાં આશા કલરફૂલ સાડીઓ ડાયમંડ જ્વેલેરી બધાથી સરસ જાજરમાન રીતે સજ્જ થતા. અને સૌથી મહત્વનું. વેમ્પના કેબ્રે ગીતો કોઈ ફરિયાદ વિના એવા ગાયા કે વર્સેટાઈલ હીરોઈન સિંગર બની ગયા. એ પણ સતત અપગ્રેડ કરતા રહીને પોતાને !

અને કેવું પાવરફુલ કામ કરી બતાવ્યું ! સેંકડો ઉદાહરણો છે. એક જ ધૂન પર બે ગીતો બને એવું હિન્દી ફિલ્મોમાં વારંવાર બન્યું છે, પણ એક જ સંગીતકાર હોય, એક જ ગાયિકા હોય ને એક જ ધૂનમાં માત્ર ત્રણ વર્ષના ગાળામાં બે આજે પણ યાદગાર ગીતો બન્યા હોય એવો ચમત્કાર આશાની ગાયિકીને લીધે થયેલો ! ઓ.પી.નય્યરે જ કમ્પોઝ કરેલા બે ગીતો 'યે હૈ રેશમી ઝુલ્ફોં કા અંધેરા, ના ગભરાઈએ...જહાં તક મહેક હૈ મેરે ગેસૂઓં કિ ચલે આઇએ' ( મેરે સનમ, ૧૯૬૫) અને 'આઓ હુઝુર તુમ કો સિતારોં મેં લે ચલૂં ( કિસ્મત, ૧૯૬૮) સાવ સરખું કમ્પોઝિશન છે ! પણ આશાએ સિફતથી અભિનેત્રીઓની માદકતા મુજબ એને અલગ ટચ માત્ર ગાવામાં આપ્યો છે. હવે ફરી વાર આંખો મીંચીને (એટલે મધુબાલાનું દિવ્ય સૌંદર્ય ખલેલ ના કરે ) છેક ૧૯૫૦ની 'હાવરાબ્રિજ' નું એવરગ્રીન 'આઇયે મહેરબાં...બૈઠીયે જાને જાં' સાંભળજો. એ જ ઓ પી નય્યર અને એ જ આશા ! જે પેલી બેઉ ધૂનોની સોર્સ ફાઈલ જેવી બંદિશ છે. ને વળી ત્રણે ગીતની થીમ પણ એકઃ ગમતા નરને નારીનું આકર્ષણમાં તરબોળ આમંત્રણ ! છે લતા મંગેશકર સહીત એક પણ સિંગરમાં એવો પાવર કે લગભગ સરખા ત્રણ ગીતોને માત્ર ગાવામાં એવી રીતે અલગ પાડી દે કે ત્રણે એમની અંજલિમાં એકસાથે ટીવીવાળા બતાવે !

સિનિયર બર્મનસાહેબે ૧૯૫૭માં દેવ આનંદ નૂતનની  'પેઈંગ ગેસ્ટ'ના 'ઓ નિગાહેં મસ્તાના' ગીત ગાવા આશાને બોલાવ્યા ત્યારે એમને મૂંઝવણ થઇ. ગીતમાં કોઈ શબ્દો જ નહોતા એમના ભાગે ! દુનિયામાં ક્યાંય શબ્દો વગરના ડયુએટમાં ફિમેલ સિંગર છવાઈ ગઈ હોય એવું ભાળ્યું છે ? બેકગ્રાઉન્ડમાં આલાપ બનીને રહી જાય બહુ બહુ તો. પણ આ ગીતમાં આશાનું માત્ર હમમમ હાઆહાઆહા એવું 'હમિંગ' જ (કિશોરના યોડલીંગની માફક) એવું છવાઈ જાય છે કે ગીતમાં એની હાજરી સતત વર્તાયા કરે. એકવાર સાંભળ્યું હોય તો મનમાં ગુંજ્યા જ કરે ફિમેલ વોઈસ સાથે !

એક વાર એસ ડી બર્મને આશા 'જ્વેલથીફ' માટે રાત અકેલી હૈ ગીત વાંચીને મનમાં ગોઠવતા હતા ત્યારે પાસે આવીને કાનમાં અચાનક જોરથી નાના છોકરાંને રમાડતા હોય એમ બૂમ પાડી. સફાળા ચોંકી જઈને આશાએ કહ્યું કે 'દાદા, આ શું કરો છો ?' હસીને સચિનદેવ બર્મન કહે, મારે આ ગીતમાં અદ્દલ આવી જ ઈફેક્ટ જોઈએ. લોકોને ઝાટકો લાગવો જોઈએ તારા ગાયનમાં ઉપાડ કર એટલે. હવે સાંભળજો એ ગીત ફરીથી. 

નુસરત ફત્તેહ અલી ખાન એકદમ અલગ અલૌકિક સૂફી અને મૌલિક ગાયક સંગીતકાર. ડાયરેક્ટર રવૈલે 'ઔર પ્યાર હો ગયા' ફિલ્મના સંગીત માટે પાકિસ્તાનથી ભારત બોલાવેલા ત્યારે એમની જબરી લોકપ્યિતા. એમણે ગીતકાર જાવેદ અખ્તરને એક પોતાની સ્પેશ્યલ તાનવાળી ધૂન સંભળાવી કે આના પર લાહોરમાં કોઈ ગીત લખી નથી શક્યું, તમે પ્રયાસ કરો. જાવેદ અખ્તરે ગીત તો લખી દીધું પણ એ ફિમેલ વોઈસમાં ગાય કોણ? કારણ કે ધૂન નુસરત જેના માટે વિશ્વવિખ્યાત હતા એવા પેલા ફાસ્ટ તરન્નુમની હતી. રેપ મ્યુઝિકની જેમ બ્રેથલેસ ગાવું પડે. વળી ફિલ્મી સોંગના મીટરમાં બધાને ઉચ્ચાર સમજાય, ઐશ્વર્યા રાય શૂટ કરે ત્યારે શોભે ને પાંચ મિનીટમાં પૂરું પણ થાય એમ ! આશાને બોલાવવામાં આવ્યા. જાવેદસા'બની આંખોદેખી વાત મુજબ પહેલા તો ધૂન સાંભળીને એમના ચહેરાનો રંગ ઉડી ગયો. એમને ખબર પડી ગઈ કે આ તો ટફ જોબ છે મોટી ઉંમરે ગાયિકા માટે. પણ બીજી જ મિનિટે એમની આંખોમાં શિકાર પર તરાપ માટે સજ્જ વાઘણ જેવો ભાવ આવ્યો. લાંબુ કશું બોલ્યા વિના મક્કમ હા પાડીને ચેલેન્જ ઉપાડી લીધી ! હવે સાંભળજો એ 'થોડા સા પગલા થોડા દીવાના' ગીત!

સાવ નાની ઉંમરે સલૂન નહિ તો કોલ્હાપુરથી મુંબઈ આવીને પુરુષોની હજામતની દુકાનમાં જઈ બિન્દાસ મનગમતા વાળ કપાવી આવેલા. માતાએ દીકરીને ફટકારી તો સામો જવાબ ફટકારેલો : 'મારવાથી કપાયેલા વાળ કંઈ સરખા નહી થઇ જાય, ને આટલો શું ગુસ્સો. પાછા ઉગી જશે!' ટોટલ ચિલ ફેક્ટર હતું આ ભૂલથી સ્વર્ગમાંથી નીચે સરકી ગયેલા સ્ટારમાં ! એ જ કહેતા મને આશા ભોંસલે ને મંગેશકર ને એવું બધું કહેવા કરતા કરતા માત્ર આશા કહેવાનું. હું સેલ્ફ મેઈડ છું. જસ્ટ આશા ! ( એનું મહદ્ અંશે પાલન આ બધું લખતી વખતે કરેલું છે !) આશાએ આયખાના છેલ્લા દસકામાં ઘર બદલ્યું. દીકરા આનંદના પરિવાર સાથે પોશ મોડર્ન ફ્લેટમાં રહેવા ગયા ને ગ્રાન્ડચિલ્ડ્રનના ચહેતા દાદી બનીને રહ્યા. એમની બેહદ સુંદર અને મલ્ટીટેલેન્ટેડ પૌત્રી ઝાનાઈ જો જેનઝી ગણાય. પણ એમની સૌથી સ્વીટ સહેલી પ્રોગ્રામમાં જવાનું હોય કે ફેરફુદરડી ફરવાનું હોય કે લાઈફ એડવાઈઝ લેવાની હોય એ નાઈન્ટી પ્લસના આશાદાદી હતા !

દીકરા હેમંતનો પુત્ર ચૈતન્ય પણ સંગીતમાં. બાળકો માટે મ્યુઝિક બનાવે છે અત્યારે. પણ એણે એક એના આલ્બમ માટે રોક એન્ડ રોલ 

ગાવા માટે દાદીને કહેલું. દાદીએ શરત મૂકી, લાડ બધા ઘરમાં. સ્ટુડીયોમાં પ્રોફેશનલ. મતલબ પૈસા લેવા એમ નહિ, કામની શિસ્તમાં આઘુંપાછું ના ચાલે. પછી દાદીએ પૌત્ર પાસેથી રીતસર સમજણ મેળવી એને જોઈતું હતું એવા મોડર્ન ટ્રેન્ડના ગીતની ! હોમવર્ક કર્યું ને આધુનિક યુવા પેઢીને ગમતા નવા રોક સોંગ્સ સાંભળીને રિયાઝ કર્યો ! એ કહેતા કે ગળું એક જ છે, બહુ નાજુક વોકલ કોડ્સ છે. રિપ્લેસેબલ નથી. જીમમાં જઈને શરીરને કસરત આપો એમ એને બરાબર તાલીમથી સાચવવાના છે. મધરાતે પણ નવરા પડે તો ઘેર બેઠા બેઠા ગાય. પ્રાણાયામ કરવા પર ખાસ ભાર આપે. સુદેશ ભોંસલેને એમણે જ મેલડી મેર્ક્સમાં પરફોર્મ કરતા જોઇને આરડી બર્મનને ભલામણ કરીને કામ અપાવેલું. પણ એ કહેતા કે નકલ કરવાથી ક્યારેય મહાન ના બની શકાય. તમારું કામ અસલ હોવું જોઈએ.

નોન વેજ ફૂડ ખાવાના જ નહિ બનાવવાના પણ જબરા શોખીન આશા માનતા કે ગીતનું અસ્થિપિંજર યાને સ્કેલેટોન સંગીતકાર બનાવે છે. એમાં મસલ્સ એન્ડ સ્કીનથી એને ઘાટ ગીતકાર અને એરેન્જર્સ (વાદકો/સાજીંદા) આપે. પણ ગાયક એને પોતાના અવાજથી શણગારે. જાણે વસ્ત્રો અને આભૂષણોથી એનો ઠાઠમાઠ નિખારે. અને એ જ કમાલ હોય છે ગાયકીનો. ૧૯૭૧માં 'દમ મારો દમ, મિટ જાયે ગમ' સોંગ કેવી રીતે આશાએ ફિલ્મમાં ધરાર રખાવ્યું હતું એની વાત તો ગયા લેખમાં કરી, પણ મૂળ 'ટુમોરો નેવેર નોઝ' બીટલ્સના ગીતની ગૂ્રવ નોટ્સની હલકી અસર લાગે એવું એ ગીત આશાએ આરડીની ટયુન પર એવું જમાવ્યું કે એ ચિરયુવા ગીત બની ગયું છે. એના પરથી રમેશ સિપ્પીના દીકરાએ એ જ નામની ફિલ્મ ૨૦૧૧માં બનાવી એમાં એ રિમિક્સ થયું. બસ્ટા રાઈમ્સ અને ટ્રીકી જેવા ઈન્ટરનેશનલ રેપર્સે એનાં તાલે દુનિયા નચાવી. ક્રોનોસ ક્વાર્ટેટ દ્વારા આશા સાથે રિરેકોર્ડ કરાયું. એપલે આઇફોન ૧૩ લોન્ચની બેકગ્રાઉન્ડ ટયુનમાં એની ગિટાર વગાડી અને અત્યારે 'ધુરંધર'માં પણ ફરી વાગ્યું! હજુ કોઈ પણ ડિસ્કોમાં જાવ એ ચાલે છે. 

કારણ કે આશા ખુદ બહારથી એના શબ્દોમાં 'ભૂખ્યા છોકરાની સામે જોઇને એને ઝટ જમાડવા માટે ચિંતા કરતી મધ્યમવર્ગની મરાઠી માતા હતી' પણ ભીતરથી એ અલ્લડ ઝૂમતી દુનિયાથી બેપરવાહ ઝિન્નત અમાન હતી. એટલે એની ઈશ્વરમાં અતૂટ આસ્થા (હરે રામ હરે કૃષ્ણ) જોડે જ પેલી રેબેલ સેલ્ફ (દુનિયા ને હમ કો દિયા, દુનિયા કો હમને દિયા ક્યા, હમ સબ કી પરવાહ કરે ક્યૂં ?) એક જ શ્વાસમાં પડઘાય છે. જરાક ઉણી ઉતરતી ગાયિકામાં આ મેજિક ના આવત. કારણ કે એની અંદર આશા જીવી એવું કલરફૂલ ને જખમી જોખમી છતાં ખુદની મુખ્તારી પર ટટ્ટાર એ અંગત અનુભૂતિ ભળી ના હોત ! હવે તમે કહેશો કે એ તો અત્યારની કોઈ શ્રેયા ઘોષાલ કે શિલ્પા રાવ પણ કરી દેત, તો એ પછી ઉડે જબ જબ ઝૂલ્ફે તેરી કે ઝૂમકા ગિરા રે કે જિંદગી એક સફર હૈ સુહાના કે રાધા કૈસે ને જલે કે કમબખ્ત ઈશ્ક હૈ જો કે રેશમી સલવાર કુર્તા જાલી કા કે મૌસમ મસ્તાના રસ્તા અનજાના કે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા કે જુસ્તજુ જિસ કી થી કે  જાને દો ના પાસ આઓ ના કે ચાલો બુલાવા આયા હૈ કે ભંવરા બડા નાદાન રે કે જબ જબ તુમ્હે ભુલાયા કે એ બરખા બહાર કે મૈં ચલી મૈં ચલી કે લે ગઈ લે ગઈ દિલ લે ગઈ લે ગઈ કે રંગીલા રે કે છોટી સી કહાની સે બારિશો કે પાની સે કે મુજે રંગ દે રંગ દે કે જાને જાં કે આજ કી રાત કોઈ આને કો હૈ કે દુનિયા મેં લોગો કો કે દો લફ્ઝોં કિ કે હંગામા હો ગયા કે ઇન્તેહા હો ગઈ ઇન્તેઝાર કી કે ખાલી હાથ શામ આઈ હૈ, ખાલી હાથ જાયેગી વગેરે વગેરે બધું જ એક વ્યક્તિ ગાઈ શકે ? આ તો જાણે ધરતીના તમામ ૩૬૦ અક્ષાંશ રેખાંશ એક જ સફરમાં કબજે કરવા જેવો વિરાટ ચક્રવર્તી વિજય થયો !

આ વૈવિધ્યની અસલ ઓરીજીનલ સરતાજ ક્વીન માત્રને માત્ર આશા હતી. દૂસરા કોઈ નહીં. ના લતા પણ નહિ. માત્ર અભિપ્રાય નહિ પણ ફકત છે કે સરખામણી કરો તો આશા લતા કરતા ચડી જાય. કૈસે? વેઇટ ફોર ધ નેક્સ્ટ. 

પણ ત્યાં સુધીમાં એમણે જાવેદ અખ્તરને કહેલી લાજવાબ શીખ યાદ રાખજો. મનની શાંતિ ક્યારેય રિલેશન યાને સબંધોમાં શોધવાની નહીં. કામમાં યાને વર્કમાં શોધવાની ! ડિસ્ટર્બ થાવ તો કામમાં જાત ખૂંપાવી દેવી, માણસો પાસેથી ઝાઝી અપેક્ષા રાખ્યા વિના ! વર્ક ઈઝ હિલીંગ થેરેપી. 

ફાસ્ટ ફોરવર્ડ 

સ્વરસ્વામિની આશાના જીવનમાંથી એમણે જ કહેલા ત્રણ સૂત્રો અપનાવવા જેવા જે આપણી ગરદન પણ ૯૨ વર્ષે એમની હતી એવી ટટ્ટાર રાખે ઃ એક, આપણી રસોઈમાં નમક ખૂટે તો મોળું ખાઈ લેવાની ટેવ પાડવી પણ પાડોશીની ઘેર નમક માંગવા જવું નહિ. બે. દાણા વેરતા જાવ, ચણવાવાળા દાણા સારા હશે તો શોધીને આવી જશે. ત્રણ, શક્તિ વધારવી હોય તો જગતનાં અભિપ્રાયોની ઉપેક્ષા કરતા શીખો.