Get The App

દુનિયામાં હાઈવે ટોલથી બમણો મેરીટાઈમ ટોલ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
દુનિયામાં હાઈવે ટોલથી બમણો મેરીટાઈમ ટોલ 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ઈરાને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતાં જહાજો પર ટોલ વસૂલવાનું શરૂ કર્યું તેનો ભારે વિરોધ થયો. જો આ રીતે દુનિયાભરમાં કુદરતી નહેરોમાંથી ટોલ ઉઘરાવવાનું શરૂ થાય તો શું થાય?

સેં કડો વર્ષો પહેલાંની આ લોકવાર્તા છે. ઈટાલી પાસે આવેલી મેસિનાની ખાડીમાં સ્કીલા નામની છ હાથવાળી રાક્ષસી અને કેરિબ્લિસ નામનો રાક્ષસ હાહાકાર મચાવતા હતાં. આ માર્ગમાંથી નીકળતા જહાજે નાવિકોનું બલિદાન આપવું પડતું. જો નાવિકોનું બલિદાન ન મળે તો વહાણ એ ખાડીમાં ડૂબી જતું. હોમરના મહાકાવ્ય ઓડિસીમાં આ ગ્રીકની દંતકથાનો ઉલ્લેખ થયો છે. પ્રાચીન ગ્રીકના નાવિકો આ ખાડીમાંથી નીકળતા નહીં. એમ મનાતું કે ખાડી પસાર કરવી હોય તો સ્કીલા અને કેરિબ્લિસ એનો ટોલ વસૂલીને જ વહાણને પસાર થવા દેશે.

ઉત્તર યુરોપમાં રહેતા વાઈકિંગ લોકોમાં પણ ટોલની એક કથા બહુ પ્રચલિત હતી. દરિયામાં ઉતરતા ખલાસીઓ એક સિક્કો હાથમાં રાખતા. મધદરિયે પહોંચે એટલે એ સિક્કો દરિયામાં પધરાવીને દરિયાઈ રાણીને ટોલ આપતા. એમ માનતા કે સિક્કો ન આપતા જહાજને ડૂબાડવા માટે દરિયાની રાણી તોફાન લાવશે. ઉત્તર યુરોપના પ્રાચીન લોકગીતોમાં આ કથાનો ઉલ્લેખ જોવા મળે છે.

સદીઓ પહેલાં ભારતમાં વેપારીઓ દરિયાઈ માર્ગે વેપાર માટે નીકળતા ત્યારે રત્નાકર દરિયાની પૂજા કરતા. એ વખતે પણ કિમતી ધાતુઓ, ખાસ તો સિક્કા દરિયામાં પધરાવવામાં આવતા. એમ કહેવાતું કે દરિયાનું પૂજન કર્યા વગર વહાણ નીકળે તો વરુણ દેવ વહાણને ડૂબાડી દેશે! આ કથામાં સીધા ટોલની વાત નથી, પરંતુ સુરક્ષાના બદલામાં એક પ્રકારનું ભાવનાત્મક વળતર આપવાની વાત છે.

જેમ ગ્રીક રાક્ષસોને ટોલ આપતા અને જેમ વાઈકિંગ્સ સમુદ્રની રાણીને કર આપતા એવા જ કર હવે દુનિયાના સમુદ્રોમાં ઠેર-ઠેર વસૂલવાનું શરૂ થાય તો નવાઈ નહીં રહે. ઈરાને શરૂઆત કરી દીધી છે, તુર્કી જેવા કેટલાય દેશો રાહ જોઈને બેઠાં છે.

***

૨૭૦૦થી ૩૦૦૦ વર્ષ પહેલાં આજના ઈરાક આસપાસ એસીરિયા નામનું સામ્રાજ્ય હતું. એના રાજાએ એક પહાડીથી બીજી પહાડી સુધી સામાન પહોંચાડવા માટે વચ્ચે ટોલ વસૂલવાની વ્યવસ્થા રાખી હતી. પ્રાચીનકાળે લોથલ બંદરે આવતા જહાજો પાસેથી સ્થાનિક ટેક્સ વસૂલવામાં આવતો હતો એવુંય ઈતિહાસકારો કહે છે. ઈજિપ્તના રાજાઓ રાતા સમુદ્રના માર્ગે પ્રવેશતા વેપારીઓ પાસેથી ટેક્સ લેતા હતા. રોમનો પહેલી સદીમાં ૨૫ ટકા જેવો ભારે સમુદ્રી ટેક્સ ઉઘરાવતા હતા. ગ્રીકમાં ૨૫૦૦ વર્ષ પહેલાં પાટનગર એથેન્સમાં પ્રવેશતા પહેલાં પાયરિયસ બંદરે જહાજો રોકવામાં આવતા. સામગ્રી એથેન્સ પહોંચાડવી હોય તો પાયરિયસ બંદરે વેરો ચૂકવવો પડતો. વિદેશી જહાજ અંદર ઘૂસી ન જાય તે માટે એથેન્સને પાયરિયસ અને ફલેરમ એમ બે બંદરો સાથે જોડતા છીછરા જળમાર્ગ વચ્ચે દીવાલ બનાવાઈ હતી.

૭મી સદીના ગ્રીક ઈતિહાસકારોએ નોંધ કરી છે કે એશિયા અને અરેબિયામાં સમુદ્રનો ટેક્સ આપવો પડતો હતો. તે સમયની ટેક્સ વ્યવસ્થાને ખૂબ જ અસરકારક ગણાવીને ગ્રીક ઈતિહાસકારોએ આ વિસ્તારના વખાણ પણ કર્યા હતા. સિલ્કરૂટથી ભારત-ચીન સાથે વેપાર કરતાં વેપારીઓ ભારત-ચીનના રાજાઓને વેપારના બદલામાં જુદા જુદા સ્વરૂપે ટેક્સ આપતા હતા. ઘણી વખત નજરાણું આપીને પણ વેપારની પરવાનગી મેળવતા હતા.

બ્રિટનમાં ૧૫મી સદીમાં લંડનના બંદરે વહાણો રોકવાના બદલામાં ટેક્સ વસૂલતું હતું. બ્રિટનના કાંઠે જહાજો રોકી રાખવા હોય કે સર-સામાન લેવો હોય તો જહાજ લાંગરવા માટે ચોક્કસ રકમ આપવી પડતી હતી. બ્રિટનથી પ્રેરિત થઈને ફ્રાન્સે ૧૬મી સદીમાં અદ્લ એવી જ ટેક્સની પદ્ધતિ ગોઠવી હતી. મર્સેલીના બંદરે જહાજો આવે ત્યારે કર લેવામાં આવતો હતો. બદલામાં જહાજની સાર-સંભાળ કરી આપવામાં આવતી.

આજનું ઈરાન જ્યારે પર્શિયા ગણાતું હતું ત્યારે છેક અઢી હજાર વર્ષ પહેલાં પર્શિયન ગલ્ફમાંથી પસાર થતાં વેપારીઓ પાસેથી ટોલ લેતા હતા. પર્શિયાની ખાડી ઓળંગવામાં મદદ કરવાના બદલામાં વિદેશી વેપારીઓ, જહાજીઓ રાજાને કંઈની કંઈક ભેંટ આપતા હતા. બદલામાં રાજાના નાવિકો વેપારીઓની સાથે ખાડી પૂરી થાય ત્યાં સુધી જતા હતા.

ઈરાને એ જ પ્રાચીન સિસ્ટમ જાણે પાછી લાવવી હોય એમ હવે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજોને સેફ પેસેજ આપવાના બદલામાં ટોલની માંગણી શરૂ કરી છે અને એના કારણે દુનિયામાં સમુદ્રી ટોલના નિયમોની ચર્ચા શરૂ થઈ છે.

***

'ટોલ' શબ્દ ગ્રીક 'ટેલોસ' એટલે કે ટેક્સમાંથી જર્મનીમાં અને ત્યાંથી અંગ્રેજીમાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈથી મોડર્ન ટોલની સિસ્ટમ બ્રિટને ૧૭મી સદીમાં ગોઠવી હતી. બ્રિટનના અમુક ગેટથી અંદર પ્રવેશવા માટે જે રકમ લેવાતી તેને ટોલ લેવાયો એમ કહેવાતું. એ સિસ્ટમ પછી હાઈવે ટોલ બનીને દુનિયાભરમાં ફેલાઈ ગઈ.

સમુદ્રમાં પ્રાચીન સમયમાં ભલે ટેક્સ લેવાતો હતો, પરંતુ સમુદ્રના વેપારને મુક્ત રાખવાનો નિર્ણય સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના પછી લેવાયો હતો. દરિયાઈ માર્ગનો વેપાર મુક્ત અને સલામત રાખવા માટે ગાઈડલાઈન બનાવાતી રહી હતી અને ૧૯૮૨માં સભ્ય દેશોને માન્ય એવો કાયદો અમલી બનાવ્યો હતો. દરિયાનો ૧૨ નોટિકલ માઈલનો વિસ્તાર જે તે દેશની જળસીમા ગણાયો અને એ સિવાયના વિસ્તારને વૈશ્વિક વેપાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો. સુએઝ કે પનામા જેવી માનવસર્જિત નહેરો બાંધવામાં તોતિંગ ખર્ચ થયો હોય એટલે અને વળી એ નહેરોના કારણે લાંબો માર્ગ ટૂંકો થઈ જતો હોવાથી તેમને ટોલ વસૂલવાની છૂટ આપવામાં આવી, પરંતુ કુદરતી ખાડીઓને મુક્ત વેપાર હેઠળ ટોલ ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો. ૧૭૨ દેશો એમાં સહમત થયા.

તે છતાં હવે દરિયાઈ માર્ગે થતાં અબજોના વેપારમાંથી ટોલ વસૂલીને તોતિંગ કમાણી થઈ શકે એવા વિચારે ઈરાન-તુર્કી જેવા ઘણાં દેશો ટોલ સિસ્ટમ લાગુ પાડવા અધીરા બન્યા છે. અત્યારે સુએઝ અને પનામા એ બે માનવસર્જિત નહેરો ટોલ વસૂલે છે. સુએઝને વર્ષે ૧૦ અબજ ડોલરનો ટોલ મળે છે ને પનામા ટોલથી આઠ અબજ ડોલરની કમાણી કરે છે. આ બંને ટોલ નાકા વર્ષે ૧૮ અબજ ડોલર વસૂલી લે છે.

જો આ પદ્ધતિથી પોત-પોતાની જળસીમા નજીક ટોલ વસૂલવામાં આવે તો માતબર કમાણી થઈ શકે એવા વિચાર સાથે ઘણાં દેશો મેરિટાઈમ ટોલની હિમાયત કરી રહ્યા છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એની પ્રતિક્રિયામાં ઈરાને હોર્મુઝની ખાડીના માધ્યમથી થતો વેપાર અટકાવી દીધો. જહાજો માટે હોર્મુઝની ખાડી બંધ થઈ જતાં અબજો ડોલરનો સામાન મધદરિયે અટવાઈ પડયો. જહાજો સલામત પસાર કરાવવાના બદલામાં ઈરાને ટોલ ઉઘરાવવાનું શરૂ કર્યું એવી ફરિયાદ ઉઠી. સંયુક્ત રાષ્ટ્રસંઘે તુરંત ૧૯૮૨ના કાયદાનો હવાલો આપીને આ ટોલ વસૂલીને ગેરકાયદે ગણાવી.

***

ઈન્ડોનેશિયાએ ૨૦૧૫માં સી-ટોલ પ્રોગ્રામ અમલી બનાવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ એક ટાપુથી બીજા ટાપુમાં જતાં જહાજો પાસેથી ટોલ લેવામાં આવે છે. જોકે, વૈશ્વિક માલવાહક જહાજો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવતો નથી. ઈન્ડોનેશિયા-મલેશિયા પાસે મલક્કાની ખાડીમાંથી દુનિયાનો ૨૫ ટકા જેટલો વેપાર થાય છે. જો ઈરાનના વાદે ચડીને આ દેશો ટોલ વસૂલવાનું શરૂ કરે તો અબજોનો વેપાર પ્રભાવિત થાય.

તુર્કીમાં જહાજો પાસેથી સીધી રીતે ટોલ નથી લેવાતો, પરંતુ તુર્કીની ખાડીમાંથી નીકળતા જહાજો કે બંદરોએ આવતા જહાજોએ મેઈન્ટેઈનન્સના ભાગરૂપે સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. તાઈવાનની ખાડીમાંથી સેંકડો જહાજો પસાર થાય છે. ચીન ત્યાં ટોલ વસૂલે તો દુનિયાના ૨૨ ટકા વેપારને અસર થાય. જગતમાં આવા તો દોઢેક ડઝન કુદરતી નાકા છે. જો એનો કબજો લઈને બધા દેશો ટોલ વસૂલવા લાગે તો શું થાય?

સંયુક્ત રાષ્ટ્રસંઘે યોગ્ય રીતે જ ચિંતા વ્યક્ત કરી છે કે કુદરતી નહેરોમાં બધા દેશો ટોલ વસૂલવાનું શરૂ કરે તો મેરિટાઈમ ટ્રાન્સપોર્ટેશનની કરોડરજ્જુ ભાંગી જાય. મુક્ત સમુદ્રી વેપારનો યુગ પૂરો થઈ જાય. દરિયાઈ વેપારમાં મોટો ટોલ ચૂકવવાનો આવે તો દુનિયામાં મોંઘવારી 'મહામારી' બની જાય! 

ભારત : ટોલ કલેક્શનનું ઉભરતું માર્કેટ

ટોલ વસૂલીમાં ભારત અત્યારે આખી દુનિયામાં 'મોડલ' બની ચૂક્યું છે. આખી દુનિયામાં હાઈવે ઓથોરિટીને ભારતની ઈલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમના ઉદાહરણો આપીને 'ધંધો' વધારવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણાં દેશમાં ૨૦૨૪માં ૬૪,૮૦૦ કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન હતું એ ૨૦૨૬ના અંતે વધીને ૮૨,૯૦૦ કરોડ રૂપિયા થઈ જશે. દેશના ૯૮ ટકા વાહનો ફાસ્ટેગ હેઠળ આવરી લેવાયા તેની સીધી અસર ટોલ કલેક્શન પર પડી છે. ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં ટોલ કલેક્શન ૨૭,૯૦૦ કરોડ રૂપિયા હતું. આ તો હજુ શરૂઆત છે. સરકારને અપેક્ષા એવી છે કે ૨૦૨૯-૩૦ના નાણાકીય વર્ષમાં ટોલ કલેક્શન વધીને ૧,૩૦,૦૦૦ કરોડને પાર થઈ જશે. ટોલની કમાણીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ ટોચના પાંચ રાજ્યો બની ગયા છે.

જગતને 12 અબજ ડોલરની હાઈવે ટોલની આવક

૧૯૨૪માં ઈટાલીએ પહેલી વખત હાઈવે ટોલ વસૂલવાનું શરૂ કર્યું ત્યારથી છેલ્લી એક સદીથી બધા જ દેશો હાઈવે ટોલ વસૂલી રહ્યા છે. સુવિધાજનક રસ્તા બની જાય કે તરત જ ટોલ લેવાનું શરૂ થઈ જાય છે. રોકડ આપીને વાહનોને ટોલ બૂથ પરથી પસાર કરાવી શકાય એવી ગ્લોબલી સિસ્ટમ છે, પરંતુ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનના કારણે આવકનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. ૨૦૨૩માં બધા દેશોએ મળીને ૯.૪૫ અબજ ડોલર વસૂલ્યા હતા. ઈલેક્ટ્રોનિક ટોલની સિસ્ટમ લાગુ પડી રહી છે તેમ ટોલ કલેક્શનમાં અણધાર્યો વધારો થયો છે. માત્ર બે જ વર્ષમાં ૨૦૨૫ના અંતે આ આંકડો ૧૨ અબજ ડોલર થઈ ગયો છે અને ૨૦૩૩ એટલે કે સાત-આઠ વર્ષમાં આ ટોલ બમણાથી વધીને ૨૭ અબજ ડોલર થઈ જશે.