- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- 'આ બાળક એક ક્રૂર શક્તિના શાપનો ભોગ બનશે. તે શાપની અસર તેના જીવનભર રહેશે. તે જેને પણ જોશે અથવા જે તેને જોશે તે કંઈક અંશે શાપનો ભોગ બનશે.'
F ortune brings in some boats that are not steered.'
ક્યારેક-ક્યારેક ભાગ્ય એવી વસ્તુઓ આપે છે જેના પર આપણું નિયંત્રણ નથી હોતું.'
- William Shakespeare
‘Life is what happens to us while we are making other plans.
આપણે આયોજનો કરતા હોઈએ છીએ ત્યારે જિંદગી એનાથી કંઈ બીજું જ કરી દેતી હોય છે.'
- Allen Saunders
‘The Worst curse is to watch everything fall apart and still have to live through it.
સૌથી ખરાબ શાપ છે - બધું તૂટતાં - વિખેરાતાં જોવું અને તે પછી પણ જીવતાં રહેવું.'
‘Being cursed means carrying storms inside while the world sees calm.
અભિશાપિત હોવાનો અર્થ - અંદર તોફાન લઈને બહાર શાંત દેખાવું.'
'આ બાળક એક ક્રૂર શક્તિના શાપનો ભોગ બનશે. તે શાપની અસર તેના જીવનભર રહેશે. તે જેને પણ જોશે અથવા જે તેને જોશે તે કંઈક અંશે શાપનો ભોગ બનશે. તે જ્યા ંજશે ત્યાં એની આજુબાજુ નાની કે મોટી વિપત્તિ ઊભી થશે કે વિનાશ સર્જાશે.' એક જીપ્સી ભવિષ્યવેત્તાના આ શબ્દો જેના જન્મ વખતે બોલાયા હતા તે બાળક બીજું કોઈ નહીં, તે હતો સ્પેનનો રાજા અલફોન્સો - ૧૩મો. એમાં પાછી એક બીજી ઘટના બની જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. સ્પેનમાં એવી માન્યતા છે કે અભિશાપિત વ્યક્તિની આંખોમાં ધ્યાનપૂર્વક નિહાળવાથી આપણો પડછાયો ઉલટો દેખાય છે. રાજકુમારની સંભાળ લેવા માટે રાખવામાં આવેલી એક પરિચારિકાએ તેની આંખોમાં પોતાનો ઊલટો પડછાયો જોયો. તેણે કેટલાકને આની વાત કરી. પછી તો જંગલમાં આગની જેમ આ વાત બધે ફેલાઈ ગઈ. લોકો એનાથી બને ત્યાં સુધી દૂર રહેતા અને અનિવાર્ય સંજોગોમાં મળવાનું થાય તો એની આંખો સાથે આંખો મેળવાનું તો ટાળતા જ હતા.
રાજા અલ્ફોન્સો-તેરમાના જીવનકાળ દરમિયાન એટલી બધી દુર્ઘટનાઓ બની કે પેલા જીપ્સી ભવિષ્યવેત્તાની ભવિષ્યવાણી સાચી જ હતી એમ માનવા વિવશ થવું પડે. ધન-વૈભવ-સત્તાના સૌભાગ્યની સાથોસાથ દુર્ભાગ્ય પણ તેની સાથે વણાયેલું રહ્યું. તેના જન્મથી લઈને ૨૪ એપ્રિલ ૧૯૩૧ સુધી તે સ્પેનનો રાજા રહ્યો. તે જન્મથી જ સમ્રાટ બની ગયો હતો. તેનો જન્મ થયો તેના એક વર્ષ પહેલાં જ તેના પિતા અલ્ફોંસો-બારમાનું મરણ થઈ ગયુંહતું. તેની માતા ઓસ્ટ્રિયાની મારિયા ક્રિસ્ટીનાએ ૧૯૦૨માં એના સોળમા જન્મદિવસે પૂર્ણ સત્તા ગ્રહણ કરવા સુધી રીજેન્ટના રૂપે કાર્ય કર્યું. તેના દુર્ભાગ્યથી રાજકીય અસ્થિરતા, વિદ્રોહ અને હારની વિપત્તિનો સામનો કરવો પડયો. અલફોન્સો-તેરમો ૨૧ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેની છ-છ વાર હત્યા કરવાનો પ્રયાસ થયો. એકવાર પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ લૂબેત સાથે એક સ્વાગત સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે તેની બગી નીચે બોંબ મૂક્યો હતો. તે ફૂટયો ત્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અને મરણ પામ્યા હતા. તેનો જીવ માંડ બચ્યો હતો. ૧૯૦૫માં તે યુનાઇટેડ કિંગ્ડમની રાજકીય મુલાકાતે આવ્યો ત્યારે તેણે કિંગ એડવર્ડ-સાતમા સાથે બંકિગ્હામ પેલેસમાં નિવાસ કર્યો હતો. ત્યાં તે ક્વિન વિક્ટોરિયાની પ્રપૌત્રી, એડવર્ડ સાતમાની સૌથી નાની બેન પ્રિન્સેસ બિયાટ્રિસની પુત્રી વિક્ટોરિયા યુજીન ઓફ બેટનબર્ગને મળ્યો હતો. બન્ને એકબીજાને ગમી ગયા હતા અને ૧૯૦૬માં તેમના લગ્ન થઈ ગયા હતા. લગ્ન સમારંભમાં પણ મુસીબત તો સાથે જ હતી. તેમને અપાયેલા પુષ્પગુચ્છમાં બોંબ હતો. તેનાથી તે દંપતી તો બચી ગયા પણ બીજા અનેક લોકોએ પ્રાણ ગુમાવી દીધા હતા. મેડ્રિડ સ્ટ્રીટમાં નીકળેલા સરઘસમાં આડેઘડ ગોળીબાર કરી તેને મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં તે બચી ગયો. પણ તેને કારણે બીજા અનેક લોકો માર્યા ગયા હતા.
અલ્ફોન્સો - તેરમો ૧૯૨૩માં ઇટાલી ગયો ત્યારે પણ અનેક દુર્ઘટનાઓ બની હતી. તેનું જહાજ જેવું જેનોઆ બંદર પાસે પહોંચવાની તૈયારીમાં હતું ત્યાં એક ભયંકર દરિયાઈ વાવાઝોડું ઉત્પન્ન થયું હતું. તેમાં બંદર પાસે ઊભી રહેલી પાંચ હોડીઓ ડૂબી ગઈ હતી. તેને બતાવવા માટે ઊભી રાખેલી એક સબમરીનનો વિસ્ફોટ થયો હતો. તે વખતે તેનું શાહી સ્વાગત કરવા માટે તોપોની સલામી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન એક તોપ ફાટતાં બાર વ્યક્તિઓનું મરણ થઈ ગયું હતું. ઇટલીની મુલાકાત લઈ તે તેના દેશમાં પાછો જઈ રહ્યો હતો ત્યારે પણ હોનારત સર્જાઈ હતી. તેની ટ્રેન ગ્લેનો સરોવર પાસેથી પસાર થઈ રહી હતી. સરોવરના પાણીને અટકાવી રાખનાર બંધ (Dam) પાસેથી તે ટ્રેન પસાર થઈ તે જ વખેત ૩૦ વર્ષથી અડીખમ ઊભો રહેલો તે બંધ તૂટી ગયો હતો અને ૫૦થી વધારે કુટુંબના લોકો પાણીમાં તણાઈને મરી ગયા હતા.
અલ્ફોંસો અને તેની પત્ની રાજકુમારી વિક્ટોરિયા યૂજેની ઓફ બેટનબર્ગના સાત સંતાનો હતા એમાંથી ચારેક પુત્રોના મરણ થઈ ગયા હતા. અલ્ફોંસોના અનેક ગેરકાયદેસર (illegal) સંતાનો પણ હતા. એક, રોજર મેરી વિંસેટ ફિલિપ લેવેક ડી વિલમોરિન, ફ્રાંસીસી એરિસ્ટોક્રેટ મેલાની ડી ગોફ્રિડી ડી ડોર્ટન દ્વારા, જેના લગ્ન ફિલિપ ડી. વિલમોરિન સાથે થયા હતા. બીજું, ગેરકાયદેસર (નાજાયઝ) સંતાન હતું. જુઆના અલ્ફોંસા મિલન વાઈ કિવોનોન્સ ડી લિયોન, તે અલ્ફોંસોની ગવર્નેસ બિઆટ્રિમ નૂન દ્વારા થયેલું હતું. ત્રીજું સંતાન હતું - આન્ના મારિઆ ટેરેસા રુઇઝ વાય. મોરાગસ, તે સ્પેનિશ અભિનેત્રી કારમેન રુઈઝ મોરાગાસ (Carmen Ruiz Moragas) દ્વારા થયું હતું. તે રીતે લિએન્ડ્રો અલ્ફોંસો લુઈસ રુઈઝ વાય. મોરાગાસ પણ એ જ સ્પેનિશ અભિનેત્રી કારનેસ રુઈઝ મોરાગાસ થકી થયું હતું. કારમેન ગ્રેવિના નામનું સંતાન પણ હતું જે કારમેન ડી નવાસ્ક્યૂઝ (Carmen de Navascues) દ્વારા થયું હતું.
અલ્ફોંસો-તેરમાને, કેટલીક વાર 'પ્લેબોય કિંગ (Play King) 'કહેવામાં આવે છે જેનું એક કારણ સ્પેનિશ અશ્લીલ ફિલ્મોનો પ્રચાર અને સંગ્રહ છે અને બીજું કારણ વિવાહેતર સંબંધો (extramarital affairs) છે. અલ્ફોંસોએ બાર્સિલોનાની પ્રોડક્શન કંપની રોયલ ફિલ્મસના માધ્યમથી અશ્લીલ ફિલ્મોનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે આવી ચાલીસથી સિત્તેર જેટલી ફિલ્મો હતી અને બાર્સિલોનાના ચાઈના ટાઉનમાં અને પોતાના વ્યક્તિગત સ્ક્રિનિંગ વખતે પ્રદર્શિત કરી હતી. તેમાં પૂર્ણ નગ્નતા અને યૌન દ્રશ્યો બતાવાયા હતા. તેમાં અલ્ફોંસો પણ થોડી ભૂમિકા ભજવતો હતો. આના આધારે કેટલાક એવું માને છે કે, અલ્ફોંસો-તેરમો યૌન-વ્યસન (Sexual addiction) ધરાવતો હતો. આમાંથી મોટાભાગની ફિલ્મો પાછળથી ફ્રેંકોના શાસનકાળ વખતે નષ્ટ કરી દેવાઈ હતી.


