Get The App

તમામ ઉંમ્ર કા હિસાબ માંગતી હૈ જિંદગી .

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
તમામ ઉંમ્ર કા હિસાબ માંગતી હૈ જિંદગી                           . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- 'ઉમરાવ જાન'નાં ગીતો આશા ભોંસલેના કંઠમાં ખીલી ઉઠયાં છે તે સાચું, પણ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉર્દૂ કવિ અખલાક મોહમ્મદ ખાન 'શહરયારે' લખેલાં આ ગીતોના શબ્દો અત્યંત જાનદાર છે તે પણ એટલું જ સાચું.  

સો લોકોને આશા ભોંસલેનાં ટોપ-ટેન ગીતોનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવે તો, આ સોએ સો લિસ્ટમાં 'ઉમરાવ જાન'ના એક કે એક કરતાં વધારે ગીતો ચોક્કસપણે હોવાનાં. મિરઝા હદી રુસ્વાની નવલકથા પર આધારિત, મુઝફ્ફર અલી દિગ્દર્શિત અને રેખા દ્વારા અભિનિત આ ક્લાસિક ફિલ્મનાં ક્યા પાસાના વખાણ કરવા? કોના ન કરવા?

'ઉમરાવ જાન'ની કથા તમે જાણો છો. લખનૌની ઉમરાવ જાન નામની તવાયફની આ કથા છે, જે શરીર વેચતી સ્ત્રીના સ્તરથી ઘણી ઉપર ઉઠી ચૂકી છે. એ  સુંદર નર્તકી તો છે જ, પણ સાથે સાથે ઉત્તમ કવયિત્રી પણ છે. નાનપણમાં પારિવારિક અદાવતનો ભોગ બનવું, વેશ્યાવાડામાં વેચાઈ જવું, ક્રમશ: ઊંચી સર્જનાત્મક શક્તિ ધરાવતી તવાયફ તરીકે જાણીતા બનવું, એક કરતા વધારે વખત પ્રેમમાં પડવું, દર વખતે પ્રેમભગ્ન થવું, અને આખરે આકસ્મિકપણે પોતાના વતન પહોંચી જવું કે જ્યાં હજુય એની બુઢી મા જીવી રહી છે. વતનના લોકો તો ઉમરાવને એક તવાયફ તરીકે જ ઓળખે છે અને જુએ છે, પણ ઉમરાવ પોતાના ઘરે જવા જવા માગે છે. એ ઘરે જેની સાથેનું સંધાન વર્ષો પહેલાં સંપૂર્ણપણે તૂટી ચૂક્યંુ હતું. ઉમરાવ પોતાના પરિવારને મળે તે પહેલાં, ફિલ્મના ક્લાઈમેક્સમાં, એક અદ્ભુત ગીત આવે છે. ખય્યામે કંપોઝ કરેલાં 'ઉમરાવ જાન'નો તો બધાં ગીતો અદ્ભુત છે, પણ આ અંંતિમ ગઝલમાં નાયિકાનું કારુણ્ય, એની એકલતા, એની અસહાયતા એવી તીવ્રતાથી ઝિલાયાં છે કે 'આહ! વાહ!' કર્યા વગર રહી ન શકાય.      

'ઉમરાવ જાન'નાં ગીતો આશા ભોંસલેના કંઠમાં ખીલી ઉઠયાં છે તે સાચું, પણ આ ગીતોના શબ્દો પણ એટલા જ જાનદાર છે તે પણ એટલું જ સાચું. જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતી ચૂકેલા ઊંચા દરજ્જાના કવિએ ફિલ્મનાં ગીતો લખ્યાં હોય ત્યારે એમાં પૂછવાપણું શું હોય. આ ઉર્દૂ કવિનું નામ છે, અખલાક મોહમ્મદ ખાન જેમણે 'શહરયાર' તખલ્લુસ ધારણ કર્યું હતું. 

ગઝલનો ઉઘાડ આ રીતે થાય છે- 

યહ ક્યા જગહ હૈ દોસ્તો, 

યે કૌન સા દયાર હૈ,

હદ-એ-નિગાહ તક જહાં, 

ગુબાર હી ગુબાર હૈ. 

દયાર એટલે દ્વાર અથવા પ્રદેશ, ઇલાકો. હદ-એ-નિગાહ એટલે નજર જ્યાં સુધી પહોંચી શકે છે તેટલો વિસ્તાર, ગુબાર એટલે ધૂળની ડમરી અથવા રણમાં ઉઠતી આંધીને કારણે સર્જાઈ જતું રેતીનું વાદળ. 

કવિ લખે છે અને આશાતાઈ ગાય છે કે, દોસ્તો, આ કઈ અજાણી જગ્યા છે? અહીં હું કેવી રીતે પહોંચી ગઈ? આ અપિરિચિત પ્રદેશમાં જ્યાં સુધી મારી નજરે પહોંચે ત્યાં સુધી ફક્ત ધૂળની ડમરીઓ જ દેખાય છે. કશું સ્પષ્ટ નથી. વાત અહીં જીવનની થઈ રહી છે. જીવનનો ધારાપ્રવાહ આપણને ક્યારેક એવી જગ્યાએ, એવી સ્થિતિમાં પહોંચાડી દે છે કે જ્યાં શૂન્ય થઈ જવાય, ગૂંચવાઈ જવાય. ખબર ન પડે કે હવે કઈ દિશામાં આગળ વધવાનું છે. કશું દેખાતું ન હોય, ભવિષ્ય ધૂંધળું હોય. 

'શહરયાર' આગળ લખે છે- 

યે કિસ મકામ પર હયાત, 

મુઝકો લે કે આ ગઈ,

ના બસ ખુશી પે હૈ જહાં, 

ના ગમ પે ઇખ્તિયાર હૈ.

મકામ એટલે મંઝિમ, હયાત એટલે જીવન - અસ્તિત્વ, બસ એટલે વશ - નિયંત્રણ, અને 

ઇખ્તિયાર એટલે અધિકાર - આદેશ. 'શહરયાર' લખે છે કે જિંદગી મને આ કેવી જગ્યાએ લઈ આવી છે જ્યાં મારી લાગણીઓ પર મારો કશો જ કાબૂ રહ્યો નથી? નથી હું મારી રીતે આનંદમાં રહી શકતો, કે નથી હું મારી રીતે ઉદાસ થઈ શકતો. મારાં સુખ-દુખ પણ હવે મારાં રહ્યાં નથી. શું મારી લાગણીઓ પર પણ મારો અધિકાર રહ્યો નથી? મારા મનમાં ઉઠતા ભાવ શું કાયમ આસપાસની પરિસ્થિતિ અને લોકોની ગુલામ થઈને જ રહેશે? આ તે કેવી અસહાયતા! એક હોય છે બાહ્ય ગુલામી, પણ આવી સ્થિતિમાંય અંદરની ખુમારી અકબંધ રહી શકે છે... પણ કવિ અહીં આંતરિક ગુલામીની વાત કરે છે, જે વધારે ભીષણ છે.  

આગળ લખે છે- 

તમામ ઉંમ્ર કા હિસાબ માંગતી હૈ જિંદગી,

યે મેરા દિલ કહે તો ક્યા, કે ખુદ સે શર્મસાર હૈ... 

હૃદય સોંસરવી ઉતરી જાય તેવી વેધક પંક્તિઓ છે આ. મૃત્યુ પછી ચિત્રગુપ્ત ચોપડો લઈને આવે ત્યારે ખરા, પણ જિંદગી તો જીવતેજીવ હિસાબ કરશે, અત્યાર સુધી જીવાયેલાં તમામ વર્ષોનો હિસાબ માગશે. શું કર્યું આ પચાસ-સાઠ-પિચોતેર કે પિચ્યાસી વર્ષમાં? જીવન સાર્થક રહ્યું કે એળે ગયું? પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરવાની કમસે કમ કોશિશ કરી? જે સંભાવનાઓ દેખાતી હતી તેને સાકાર કરવાનો પુરુષાર્થ કર્યો? પ્રેમ કરી શક્યા? પ્રેમનો ખરો અર્થ સમજી શક્યા? બંધનો તોડી શક્યા? મુક્તિ તરફ આગળ વધી શક્યા? જો આમાંનું કશું કરી શક્યા ન હો, જીવન વેડફી નાખ્યું હોય તો લાજ આવવી જોઈએ (શર્મસાર એટલે લજ્જિત.)   

અંતિમ પંક્તિઓ છે-

બુલા રહા હૈ કૌન મુઝકો ચિલમનોં કે ઉસ તરફ,

મેરે લિએ ભી ક્યા કોઈ ઉદાસ બેકરાર હૈ...

ચિલમન એટલે પડદો. તો આ કોણ છે જે મને બોલાવી રહ્યું છે? આ કોનો પોકાર છે? જિંદગીમાં ભેંકાર એકલતા જોઈ છે, ખાલીપો અનુભવ્યો છે... તો પછી હવે આ કોણ મને સાદ દઈ રહ્યું છે? એવું કોઈ છે ખરું જે મારી રાહ જોતું હોય? જે મને મળવા માટે ઉત્સુક હોય?  અહીં વાત દાર્શનિક બની જાય છે. જે હજુય પડદાની પાછળ છે, જેના હોવાની મને કેવળ પ્રતીતિ થઈ રહી છે તે પરમ સત્ય છે, પરમ-આત્મા છે. તે મારું સ્વ-ત્વ, મારો માંહ્યલો છે. હવે સમય આવી ગયો છે પડદો હટાવવાનો. શું હું ક્યારેય મારા પરમ સત્યની, પરમ-આત્માની સન્મુખ થઈ શકીશ? શું તે શક્ય છે?  

કેટલો સુંદર ભાવ... કેવા અર્થપૂર્ણ શબ્દો. ઘેરા વિષાદભાવ સાથે શરૂ થયેલું ગીત આખરે એક આશાના કિરણ પર, એક ફિલોસોફિકલ હાઇ પોઇન્ટ પર આવીને વિરમે છે. 

'ઉમરાવ જાન'ની ઔર એક ગઝલ 'જુસ્તજૂ જિસકી થી ઉસકો તો ન પાયા હમને, ઇસ બહાને મગર દેખ લી દુનિયા હમને...' - આમાં પણ ભારોભાર વિષાદભાવ છે. જુસ્તજૂ એટલે શોધ. આપણને સૌને પ્રેમની, રાધર, પ્રેમની દિવ્યતાની શોધ હોય છે. આ પ્રેમ આપણે હાડ-માંસના માણસમાં શોધતા રહ્યા, પણ પછી ખબર પડે છે કે ખરેખર તો આપણે જે પરમ દિવ્યતાને શોધી રહ્યા હતા તે આપણી ભીતર જ છે. થયું એવું કે આપણે બહાર શોધતા રહ્યા ને આ શોધમાં ને શોધમાં આખી દુનિયા જોવાઈ ગઈ.  

કબ મિલી થી કહાં બિછડી થી હમેં યાદ નહીં,

જિંદગી તુઝકો તો બસ ખ્વાબ મેં દેખા હમને... 

જીવન ક્યારેક હાથમાં પકડાય છે, ક્યારેક છૂટી જાય છે. હવામાં પીંછું આમતેમ ઉડતું હોય તેમ સંયોગો આપણને નચાવ્યા કરે છે. જે કેવળ સંજોગોને આધીન હોય તેને પૂર્ણવિકસિત, સંપૂર્ણ-સ્વતંત્ર જીવન કેવી રીતે કહેવાય? તો શું આદર્શ જીવન કેવળ કલ્પનામાં, સપનામાં જ સંભવ છે? પ્રશ્ન કઠિન છે, અને એનો ઉત્તર આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે...

આશા ભોંસલેએ વ્યક્તિગત જીવનમાં ઘણા ચડાવઉતાર જોયા, કેટલીય વાર જીવન એમના હાથમાંથી છૂટી ગયું, કેટલીય વાર સંજોગોને આધીન રહેવું પડયું, પણ ત્રણ તત્ત્વો હંમેશા એમની સાથે રહ્યાં - એમનંુ સંગીત, એમની શ્રેષ્ઠતા, એમનું સાતત્ય. જીવનમાં જો શ્રેષ્ઠતાનું સાતત્ય જળવાઈ રહે તો પછી બીજી કશી ચિંતા કરવાની જરૂર રહેતી નથી, ખરું? 

શો-સ્ટોપર 

બોમ્બ ફિલ્મ (ધૂરંધર)માં ફૂટયા, પણ (ઈર્ષ્યા)ના ધૂમાડા ફેલાયા બાન્દ્રાથી જુહુમાં. 

- ઝાકિર ખાન 

(સ્ટેન્ડ-અપ કોમેડીઅન, એન્કર)