- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- આસક્તિના ચહેરા પર વિજયનો પ્રકાશ રેલાયો હતો. શરણના હૃદયમાં સંઘર્ષનાં મોજાં ગરજતાં હતાં, એનું અંતર વલોવાતું હતું. જિંદગીએ આપેલો વિષપ્યાલો એ ચૂપચાપ ગટગટાવી ગયો હતો
- શરણ કંઈ મહાદેવ નહોતો, ઝેર જીરવવાની માણસની તાકાત કેટલી?
આ સક્તિ ઘરમાં આવી ત્યારથી શરણના ઘરનું કિલ્લોલમય વાતાવરણ ક્લેશની આંધીમાં ઘેરાઈ ગયું હતું. શરણે વારંવાર પોતાની વાણી, વર્તન અને આસક્તિ સાથેના પોતાના વ્યવહારને તપાસવાની - મૂલવવાની કોશિશ કરી જોઈ, પણ પ્રત્યેક પળે તેને લાગ્યું હતું કે પોતાની સરળતા, નમ્રતા અને વિનયશીલતાને જ આસક્તિ દુર્ગુણ સમજતી હોય તો આગળ વિચારવા જેવું ક્યાં રહ્યું ?
આર્થિક રીતે પોસાતું ન હોવા છતાં આસક્તિની ઈચ્છાને માન આપીને શરણે રસોઈયાને એપોઇન્ટ કરી દીધો હતો. છૂટક કામ કરતા નોકરને આસક્તિએ ફૂલટાઇમ માટે રોકી લીધો હતો. નોકર અને રસોઈયાને વાણી, વર્તન અને રીત-ભાતની ટ્રેઇનિંગ આપવાનું કામ આસક્તિએ જાતે ઉપાડી લીધું હતું. લગ્ન પછી આસક્તિએ ઘરમાં પ્રવેશતાંની સાથે જ ઘરની સજાવટ પ્રત્યે અણગમો વ્યકત કર્યો હતો. ઘરમાં આવતાંની સાથે જ નવા ફર્નિચરનો ઓર્ડર આપી દીધો હતો... બારી - બારણાં જૂના પડદાને બદલે નવા પડદા સીવડાવવા નાખી દીધા હતા. ચાદર, ઓશિકાનાં કવર બધું જ નવું. શરણ મૂંગા મોઢે બધું જોઈ રહ્યો હતો.
ઘરમાં બધું આસક્તિની ઈચ્છા મુજબ ગોઠવાઈ ગયુ, પણ પૂજાન રૂમમાં શરણના મમ્મીએ ખડી કરી 'દેવલાં'ની બટેલિયન આસક્તિથી સહન થતી નહોતી. આસક્તિ સેવા-પૂજાને બહારનો દેખાવ માનતી હતી. કશી સમજણ કે તર્ક વગર વિવિધ પ્રકારનાં રૂપ, રંગ, આકાર, પ્રકારના ચહેરા-મહોરાંવાળા દેવતાઓનો મેળો આસક્તિને પસંદ નહોતો. સવારમાં જાતજાતનાં કામો કરવાના હોય ત્યારે આસક્તિના સાસુમા વૃંદાદેવી સેવા-પૂજા જેવા બિન-ઉત્પાદક કામમાં પુરા બે કલાક વેડફે એ આસક્તિની બુધ્ધિમાં ઊતરતું નહોતું... હા, આસક્તિને એ વાતની શાંતિ હતી કે પૂજાનો રૂમ એ જ સાસુમાનો બેડ રૂમ અને ડ્રોઇંગ રૂમ બધું જ હતો.
ઊંડી ઉતરી ગયેલી આંખો, રૂની પૂણી જેવા સફેદ વાળ અને ઈસ્ત્રી વગરના પહેરેલાં વસ્ત્રો સાથે સાસુમા ડ્રોઈંગરૂમમાં એકાએક ટપકી ન પડે એનો ખાસ ખ્યાલ રાખવા માટે તેણે નોકરને સૂચના આપી હતી. સ્નાન કરીને પૂજાગૃહમાં પ્રવેશ્યા બાદ કોઈપણ કારણોસર બહારના વિસ્તારમાં ફરકવાની તેમને મનાઈ હતી.
જ્યારે આસક્તિના પપ્પા તેના વિવાહની વાત માટે શરણના ઘરે આવ્યા હતા, ત્યારે શરણે લાગણીથી છલકાતા શબ્દોમાં કહ્યું હતું : 'જુઓ, મુરબ્બી, મારી મમ્મી મારા પપ્પાજી પણ છે અને મિત્ર પણ તેઓ મારું સર્વસ્વ છે. મમ્મીજીની આંખે જોઈને આ જગતને જોવાનું હું શીખ્યો છું. પપ્પાના અવસાન પછી મમ્મીએ મને જીવ કરતાં અધિક જાળવ્યો છે. મને પિતૃપ્રેમની ખોટ ન સાલે માટે નારી મટી તેઓએ નરનું રૂપ ધારણ કરી લીધું હતું. મમ્મીએ પોતે નોકરી કરીને મને ઉછેર્યો છે. આજે એ જવાબદારીના અંચળાથી મુક્ત કરી મારે એમને ચેન, આરામ અને શાંતિની જિંદગી અર્પવી છે. આસક્તિ એ જવાબદારી નિભાવી શકવા તૈયાર હોય તો મારે ત્યાં મોકલજો. મારી અને મમ્મીજી વચ્ચે દીવાલ બનનારની નહીં, પણ સેતુ બનનારની મારે જરૂર છે.'
અને આસક્તિના પપ્પા શરણનો પોતાની માતા પ્રત્યેનો પ્રેમ જોઈને ગદ્ગદ્ થઈ ગયા હતા. એમણે એટલું જ કહ્યું હતું : 'શરણ, તમે જરાપણ ચિંતા ના કરશો. સંતાનના જીવનમાં માતા-પિતાનું શું મૂલ્ય હોય છે, એ મારી આસક્તિ સારી રીતે જાણે છે. તે સેતુ બનવાના હેતુથી જ તમારા ઘરમાં આવી રહી છે.'
અને શરણ તથા આસક્તિના લગ્ન સંપન્ન થઈ ગયા હતા. આસક્તિએ સાસરે આવીને જોયું કે શરણના મન પર તેની મમ્મી વૃંદાદેવી સંપૂર્ણપણે છવાયેલા છે. ઊંઘતા મમ્મીજી, જાગતા મમ્મીજી, હરતાં-ફરતાં મમ્મીજી બસ આખો દિવસ શરણ પોતાની મમ્મીજીના ગુણગાન કર્યા કરતો હતો. જ્યારે તે નવરો પડે ત્યારે એક જ ધમકી આપ તો : 'આસક્તિ, જે દિવસે તું મમ્મીજીને નારાજ કરીશ, તે દિવસે તારો પગ આ ઘરમાં નહીં હોય.'
આસક્તિને ધીરે ધીરે લાગવા માંડયું કે મમ્મીજી પોતાના સુખના માર્ગનો કાંટો છે. મમ્મીજી જો ગામડે મોકલી દેવામાં આવેલાવિધવા કાકીના સાથે રહેવા જતા રહે તો તે નિરાંતે જીવી શકે. એટલે આસક્તિએ નાની-મોટીવાતોમાં છણકા-છાકોટા દ્વારા મમ્મીજીને પજવવાનું શરૂ કર્યું. શરણના મમ્મીએ પોતાની એકની એક પુત્રવધૂના આગમનના કેવાં મીઠાં સ્વપ્ન જોયાં હતાં ! પણ આસક્તિના આગમન સાથે ઘરની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. શરણના પપ્પાના અવસાન બાદ વર્ષોથી સાથે રહેતાં વિધવા કાકીમાને જાકારો મળ્યો. શરણે આસક્તિને ઘણું સમજાવી, પણ આસક્તિએ સાફ શબ્દોમાં જણાવ્યું : 'શરણ, પહેલાંની વાત અલગ હતી. જ્યારે ઘરમાં દેખરેખ રાખવા માટે એક સ્ત્રીપાત્રની જરૂર હતી. મમ્મીજીને પણ કંપની મળે. પણ હવે તો હું આવી ગઈ છું, તો વિધવા કાકીમાને અહીં ગોંધી રાખવાની શી જરૂર ? એમને પણ સ્વતંત્ર રીતે રહેવાની છૂટ મળવી જોઈએ. તમારે જો કાકીમાને મદદ કરવી હોય તો જરૂર કરજો. ગામમાં તમારું ઘર છે ત્યાં જઈને કાકીમા રહેશે. તમારું ઘર પણ સચવાશે.'
અને અંતે સિત્તેર વર્ષના કાકીમાને એકલાં રહેવા ગામ જવું પડયું હતું.
શરણના મમ્મી સંસ્કાર અને સૌજન્યની મૂર્તિ હતા. તેઓ હંમેશાં કહેતા : 'આસક્તિ જરા જુદા વાતાવરણમાંથી આવી છે એટલે અહીંના વાતાવરણમાં સેટ થતાં વાર લાગે તે સ્વાભાવિક છે. શરણ, તું ચિંતા છોડ. અમારા પ્રશ્નો અમે ફોડી લઈશું. આસક્તિ મારી દીકરી જેવી છે. એટલે મા-દીકરીના મામલામાં તારે વચ્ચે પડવાની જરૂર નથી. મારા કારણે તું આસક્તિ સાથે ઝઘડો કરે તે મને મંજૂર નથી. મનની મોટાઈ જાળવનાર જ મોટો માણસ કહેવાય. અને કાકીમા ગામડે ગયાં એ એક જોતાં તો સારું જ થયું. ઘરની દેખરેખ રાખવા માટે કોઈ તો હોવું જોઈએ ને ! કાકીમા ગયાં તેનો રંજ પણ તું મનમાં ના રાખીશ. બસ, તું અને આસક્તિ ખુશ રહો એ જ મારી અભિલાષા છે.' ત્યારે શરણના મમ્મી વૃંદાદેવીને ખબર પણ નહોતી કે આસક્તિ
પોતાનો આક્રમક પંજો હવે તેમની પર જ ઉગામવાની છે. આસક્તિએ બહાના શરૂ કર્યા. તેણે કહ્યું : 'શરણ, ચાર રૂમનું મકાન હવે સાંકડું લાગે છે. તું સવારે ઘેરથી નીકળી જાય છે અને મોડી રાત્રે ઓફિસેથી પાછો ફરે છે. તારી કંપની તો મમ્મીજીને મળતી નથી. પછી તેઓ અહીં આપણી સાથે રહે કે કાકીમા સાથે ગામડે રહે તેથી શો ફેર પડવાનો હતો ? ઘરડાંને ઘરડાંની કંપની મળે, તો જ મજા આવે. મમ્મીજીને કાકીમા સાથે રહેવાનું તું સમજાવી શકે, તો મારે મારી જીભે કડવાશ ન લાવવી પડે. અને જો મમ્મીજીનું પૂજાગૃહ કમ બેડરૂમ ખાલી થાય તો પછી હું આપણા બાળકો માટે વિચારી શકું. બાકી આવા નાનકડા ઘરમાં બાળકને જન્મ આપીને મારે તેના નસીબમાં સંકડાશનો અભિશાપ નથી લખી દેવો.'
આસક્તિના આ શબ્દો શરણના મમ્મી વૃંદાદેવીના કાને પડયા હતા અને તેઓ અચાનક ધુ્રસકે ધુ્રસકે રડી પડયા હતા, ત્યારે શરણે પોતાની મમ્મીનાં આંસુ લૂછતાં કહ્યું હતું : 'મમ્મીજી, આ ઘર તમારું છે. તમને તમારા ઘરમાંથી જવાનું કહેવાનો હક મને પણ નથી.'
થોડા સમય માટે આસક્તિ ચૂપ થઈ ગઈ, પણ તે ગમે રીતે શરણને મમ્મીની લાગણીના વળગાડમાંથી મુક્ત કરવા માગતી હતી. શરણના મમ્મી ક્યારેય શરણને મૂકીને સાંજે જમતાં નહોતા. આખો દિવસ શરણ તેની જોબમાં બીઝી હોય, પણ સાંજનું ભોજન સૌ સાથે કરે, એવો શરણના મમ્મીનો આગ્રહ. પણ આસક્તિએ પૂજાગૃહમાં ફોલ્ડીંગ ટેબલ બનાવડાવીને એ નિયમને એક ઝાટકે સમાપ્ત કરી નાખ્યો. આસક્તિ સાંજે શરણના આવતાં પહેલાં જ તેના મમ્મીને એકલા જ જમાડી દેતી હતી. શરણ મમ્મીના જમવા વિષે પૂછે તો 'મમ્મીજીએ પોતે જ જમવાનું વહેલું માંગ્યું અને પોતાના રૂમમાં જમી લીધું' એવો ખોટો રિપોર્ટ આસક્તિ આપતી.
હંમેશા સાથે જમવાનો આગ્રહ રાખનાર મમ્મી આમ એને મૂકીને જમી લે એ વાત શરણના ગળે ઊતરતી નહોતી. શરણને દુ:ખી જોઈને એના મમ્મી કહેતા : 'બેટા, પાંખો ફૂટેલા પંખીને એની મુજબનો માળો બનાવવાનો અધિકાર છે. માળાની આકૃતિ રચવાની દ્રષ્ટિમાં શરણ તું મારો પુત્ર છે એ વાત સાચી, પણ તારી જિંદગીનો પહેલો રોલ પૂરો થયો - પુત્ર તરીકેનો. હવે તારો બીજો રોલ શરૂ થાય છે, પતિ તરીકેનો. એ રોલનું દિગ્દર્શન આસક્તિ જ કરી શકે, હું નહીં. પ્રેક્ષક તરીકે યોગ્ય આલોચના કરવાની મને છૂટ, પણ સૂચનોનો સ્વીકાર-અસ્વીકાર કરવાનો હક તો દિગ્દર્શકને જ હોઇ શકે. બેટા, તું મારી ચિંતા છોડ. અને આસક્તિ તથા તારા ભવિષ્ય વિષે વિચાર, તારા દામ્પત્યજીવનને નજર સમક્ષ રાખ.'
અને એક દિવસ સવારે વૃંદાદેવીએ પોતે જ કાકીમા સાથે ગામડે રહેવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી... અને મક્કમતાથી તેમણે શરણને મનાવી લીધો હતો. શરણને ખબર હતી કે પોતાને પળવારે ય પોતાનાથી અલગ કરવાનું સામર્થ્ય મમ્મીની એ વહાલ નીતરતી આંખો અને લાગણીભીના હૃદયમાં નહોતું, છતાં ભારે હૈયે શરણે મમ્મીને વિદાય આપી હતી.
આસક્તિના ચહેરા પર વિજયનો પ્રકાશ રેલાયો હતો. શરણના હૃદયમાં સંઘર્ષનાં મોજાં ગરજતાં હતાં, એનું અંતર વલોવાતું હતું. જિંદગીએ આપેલો વિષપ્યાલો એ ચૂપચાપ ગટગટાવી ગયો હતો.
પરંતુ શરણ શંકર નહોતો, ઝેર જીરવવાની માણસની તાકાત કેટલી ? અંતરને કોરી ખાતી વેદનાએ શરણના જીવનમાંથી આનંદ છીનવી લીધો હતો. અકથ્ય પીડા માણસને તોડવાનું મજબૂત હથિયાર છે. વેદના માણસને અંદરથી એવી રીતે વહેરી નાખે છે કે એનું સઘળું સામર્થ્ય હણાઇ જાય. શરણ સૂનમૂન રહેવા લાગ્યો હતો. તેનું વજન સતત ઘટતું જતું હતું.
પણ આઝાદીનો ઉત્સવ ઉજવતી આસક્તિને એની સાથે કશી જ લેવા-દેવા જ નહોતી. આસક્તિ માટે લગ્નજીવન, એ પરિણીતા તરીકેનું મહોરું લટકાવવાની ખીંટી માત્ર હતું. શરણના હૃદય પર પડતો દરેક ઉઝરડો તેના ધરતી પર શ્વાસ લેવાના કુલ આંકડામાં ઘટાડો કરવાનું નિમિત્ત બનતો જતો હતો.
આસક્તિ બીમાર શરણ પર એક દિવસ ત્રાટકી હતી : 'મને ખબર હતી કે તું તારા મમ્મીજીને અહીં પાછા લાવવા માટે બીમારીનું નાટક કરીશ. પણ હું ભોટ નથી. તારી કે તારા મમ્મીની કોઈ ચાલને સફળ નહીં થવા દઉં. તારા મમ્મીના અહીં અડિંગા લગાવવાના કોડ કદી સફળ નહીં થાય, સમજી ગયો ને ?'
શરણ કશું જ બોલ્યા વગર આસક્તિ સામે જોઈ રહ્યો. એની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી.
આસક્તિએ શરણના મમ્મીને તેની માંદગી વિષે કશી જાણ નહોતી કરી. અને શરણ નાટક કરે છે. તેમ કહીને ડૉક્ટરને બતાવવાની પણ એને જરૂર લાગી નહોતી. પરંતુ શરણનું કથળતું સ્વાસ્થ્ય જોઇને એક પરોપકારી પડોશીએ ફોન કરીને શરણના મમ્મીને જાણ કરી હતી. શરણના બીમારીના સમાચાર સાંભળીને તરત જ શરણના મમ્મી અને કાકીમા આવી પહોંચ્યા હતા.
એમને જોઈને આસક્તિએ કહ્યું હતું : 'મમ્મીજી, આખી રાત તમારા નામની માળા જપતા તમારા સુપુત્રએ મને ઊંઘવા નથી દીધી. હવે આવી જ ગયા છો તો સંભાળો તમારા શ્રવણકુમારને. અને કાકીમા તમે સંભાળી લો તમારો કીચનનો ચાર્જ, તમારાં બન્નેના અહીં પાછા ફરવાનાં અરમાન પૂરા થયા હવે તો ખુશને ?
શરણ વૃંદાદેવી તરફ ટગર ટગર જોઈ રહ્યો હતો. વૃંદાદેવી દોડીને શરણને ભેટી પડયા હતા. શરણે તેનો કશો પ્રતિભાવ ન આપ્યો.
વૃંદાદેવીએ શરણનો હાથ પકડીને કહ્યું, 'બેટા, જો હું આવી ગઈ છું. આપણા ઘરે તારી પાસે.' પણ શરણ વૃંદાદેવીને ઓળખી ન શક્યો. અંતરને કોરી ખાતી વેદનાએ એનું માનસિક સંતુલન છીનવીને ભ્રાન્ત ચિત્તના રોગીની પંક્તિમાં હડસેલી દીધો હતો. જીવની જેમ જાળવી રાખેલું શરણનું સારાપણું ચોધાર આંસુએ રડતું હતું.


