Get The App

જીવન-સંધ્યા .

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
જીવન-સંધ્યા                                       . 1 - image

- ચંડીદાન ગઢવી

- 'જીવ્યા કરતાં જોયું ભલું. આ શરીર સાથ આપે ત્યાં સુધી ફરી લઈએ. મનેય સિત્તેર પૂરાં થયાં. અને આનેય પાંસઠ વટી ગયાં. આ તો વળી ઈશ્વરની દયા કે...'

'ઝાં પો ઉઘાડો ને !' 'કેમ ? કોનું કામ છે ?' સુહાસ પુસ્તક બંધ કરી, ચશ્મા ઉતારી ઊભો થયો. 'આમ કેમ કહો છો ? થાકી ગઈ છું ને તરસ પણ ખુબ લાગી છે. જલ્દી ખોલો.'

'પરંતુ તમે છો કોણ ? અને આમ કોઈના ઘરમાં...' સુહાસ દરવાજા પાસે આવી કુતૂહલ મિશ્રિત આશ્ચર્યથી આગંતુક તરફ જોઈ રહ્યો.

'શું ગાંડાં કાઢો છો ? હું હું તમારી પત્ની... શારદા !' તે અંદર હાથ નાખી હેન્ડલ ઉઘાડવા મથી રહ્યાં.

'માફ કરજો બહેન ! તમને કોઈ ગેરસમજ થઈ લાગે છે. તમે મારી પત્ની કેવી રીતે હોઈ શકો ? હું તો તમને ઓળખતો પણ નથી !' સુહાસ હોઠ પર આંગળી મૂકી, શારદાબેનને પગથી માથા સુધી નજર ફેરવી રહ્યો. 'ઘર ભૂલ્યા લાગો છો.'

'શું તમે ય મશ્કરી કરો છો... બહુ થયું.... તમાશો ક્યાં સુધી કરશો.. આજુ બાજુ બધાં સાંભળશે' શારદાબેન સ્હેજ થોથવાયાં.

એટલામાં બંનેની રકઝક કાને પડતાં, આસપાસ રહેતા બે-ચાર વડીલો અને પ્રૌઢ મહિલાઓ ત્યાં એકઠાં થઇ ગયાં.

'શું છે સુહાસભાઈ ! કોની સાથે માથા કૂટ કરો છો ?' પડોશી હસુમતીબેન સહજ ભાવે તાકી રહ્યાં.

'જુઓને કાકી ! ક્યારના નાટક કરે છે, ઝાંપો ખોલાવોને ?' શારદાબેન કરગરતા અવાજે ઢીલાં પડી ગયાં.

'કાકી ! જુઓને કોઈ અજાણ્યાં મેડમ મારી ઘરવાળી હોવાનો દાવો કરી ઘરમાં ઘૂસી જવા માગે છે. હું મારી વાઈફને ન ઓળખું તેવું બને ? શું કહો છો ?' સુહાસ ઠાવકાઈથી સહુ તરફ નિહાળી રહ્યો.

'પણ સુહાસ !' બળવંતકાકા શારદાબેન તરફ હાથ લંબાવી રહ્યા, 'આ શારદા તારી પત્ની જ છે. અમે પચ્ચીસ વરસથી તો જોઇએ જ છીએ!'

'કાકા ! તમને ખબર છે ?' સુહાસ શાંત સ્વરમાં ઝાંપા પર હાથ ટેકવી રહ્યો.

અત્યારે આવી ટોળકીઓ 'લૂટેરી દુલ્હનો' પધરાવી જાય છે. ને તે બે-ચાર દિવસમાં હાથસાફ કરી ગાયબ થઈ જાય છે. બોલો !'

'બેટી શારદા !' મને લાગે છે કે, રાતવરત આનો પગ કોઈ કુંડાળામાં પડી ગયો લાગે છે, તેથી તેની યાદશક્તિ જતી રહી હોય. કોઈ ભુવાને બોલાવી લીએ. તરત જ ઠેકાણે આવી જશે.' બળવંતકાકા સાંત્વન આપી રહ્યાં.

'પણ કાકા ! શારદાબેન ગળગળાં થઈ ગયાં.' હજુ એક માસ પહેલાં, મારા બાપુ બિમાર હતા તે એમની ખબર કાઢવા, મને મૂકવા સ્ટેશને આવ્યા હતા. ત્યારે સાજાસારા હતા ને આમ અચાનક ...

'એક મિનિટ !' સુહાસ ટટ્ટાર થઈ નિશ્ચયાત્મક બની ગયો, 'મારી પત્ની તો ક્યાંય ગઈ જ નથી. તે તો ઘરમાં જ છે !'

'થોડો ટાઈમ હું શું બહાર ગઈ ને તમે બીજીને ઘરમાં ઘાલી દીધી ??'

શારદાબેન ગુસ્સાથી ધગી ઊઠયાં. લાલચોળ આંખોમાંથી આગ વરસવા લાગી. 'એ મારી શોક્યને હવે હું જ બા'ર કાઢીશ.' ઝાંપાનું હેન્ડલ જોરથી ખોલી ધસમસતાં અંદર આવ્યાં.

'હા, હા, અમે સહુ તારી સાથે જ છીએ.' ટોળુ અંદર ધસી આવ્યું. ઘરનો ખૂણે ખૂણો તપાસી લીધો. 'મારી ગેરહાજરીમાં પડદા ય કરી લીધા. આમાં સંતાડી છે, એમને !' શારદાબેન આક્રમક મિજાજમાં ડોક ઘુમાવી રહ્યાં. 'તો આજ તો હવે આ પાર કે પેલે પાર.' ખૂન્નસભરી આંખે જોઈ રહ્યાં. એકી ઝાટકે પડદો ખસેડી લીધો. 'ક્યાં છે, રાંડ ! બહાર નીકળ, પારકા માટીના ઘરમાં પેસી જતાં લાજ ના'વી ? શારદાબેન બરાડી ઊઠયાં. 'ક્યાં છે બોલો.' સુહાસ દિવાલ સામે આંગળી ચીંધી રહ્યો, 'તારી સામે તો છે !!'

'ત્યાં તો અરીસો છે.' શારદાબેન ગુસ્સાભરી દ્રષ્ટિએ સુહાસ તરફ જોઈ રહ્યાં. 'એમાં તો છે !' સુહાસ સ્મિત કરી રહ્યો. 'એમાં તો હું છું.' શારદાબેન મૂંઝવણ ભરી નજર સહુ તરફ ફેરવી રહ્યાં.

'એક ઘો તો ઘરમાં ઘાલી છે ને શું હું મૂરખો છું કે...!' સુહાસ હાસ્યની છોળો ઉડાડી રહ્યો. સહુ તેની સાથે જોડાઈ ગયાં. 'હા બેટી !' બળવંતકાકા હસતા હસતા તેની પાસે આવ્યા. 'સુહાસની સાથે અમે ભેગા મળી આ પ્લાન ગોઠવ્યો હતો. મજા આવી ને ?'

'શું કાકા તમે પણ ! .... મારો તો જીવ નીકળી ગયો. તમારા ભત્રીજાએ તો મારાં હાંજાં ગગડાવી નાંખ્યાં.' શારદાબેન ઢીલાંઢસ થઈ સોફામાં ફસડાઈ પડયાં. શરમની સાથે ભોંઠય અનુભવતાં બધાં તરફ દ્રષ્ટિ કરી રહ્યાં.

'લ્યો હવે, અમરતને બધાંએ મળી રસોઈ તૈયાર રાખી છે. જમી લો અને આરામ કરો. અમે જઈએ.' સહુ તાલીઓ લેતાં વિખરાયાં.

***

કેવા મોજ મસ્તી અને આનંદના દિવસો હતા... ! સુહાસભાઈ ઉદાસ બની ગયા. એ હતી ત્યાં સુધી એનું મૂલ્ય ન સમજાયું! અચાનક ગુમ - ચુપ, જરા પણ અણસાર આવવા ન દીધો! .. ચાલી ગઈ! અનંત ખાલીપો અને ઝુરાપો ! પાંચ વરસમાં તો મારી દુનિયા જ .. અરે દુનિયા શું હું જ સમૂળગો બદલાઈ ગયો...! નહિતર આ દાઢી.. ચોળાયેલાં વસ્ત્રો - આ નાસ્તો પતે એટલે દાઢીનો સામાન ટેબલ પર ગોઠવી દીધો જ હોય ! અને સ્નાન કરી રહું ત્યાં ઇસ્ત્રીબંધ કપડાં હાજર જ હોય... સહેજે કશુંય ન ચલાવી લે... હું ક્યારેક 'ચાલશે' કહી સુસ્ત બનું તો.. 'રિટાયર થયા પછી જિંદગી પૂરી થઈ ગઈ ? અરે હવે તો નિરાંત અને આનંદના દિવસો આવ્યા. શેષ જિંદગી જીવી લો મસ્તીથી !' કહી પ્રેમભર્યો ઠપકો આપતી. તેની લાગણી અને ભાવભર્યું સાયુજ્ય જિંદગીનો અતૂટ હિસ્સો બની ગયા... સુહાસભાઈ બારીમાંથી દૂર ઢળતા સૂરજનો ક્ષીણ થતો પ્રકાશ ખિન્ન નજરે નિહાળી રહ્યા... દિવસ તો જેમ તેમ .. લાફીંગ કલબમાં.. સાંજે મંદિર- બગીચાના ઓટલે બાંકડે હમઉમ્ર વરીષ્ઠો સાથે વીતી જતો.. પરંતુ રાત... ! રાત વેરણ બની જાય છે. અંધકારની દીવાલો વચ્ચે અસ્તિત્વ ભીંસાય છે. પડખાં ફરી કંટાળુ એટલે લાઈટો કરી લગ્નના આલ્બમમાં ડૂબવા મથુ છું.. પાણી પીવાના બહાને રસોડામાં આંટા મારી.. હવે થાકી જવાય છે. ભીંતે લગાવેલ તેની તસવીર ક્યાંય સુધી બસ... જોઈજ રહું છું! ક્યારેક સોસાયટીના નાકા સુધી જવા નીકળું છું... પણ જાણે હવે ઈચ્છાઓજ મરી પરવાની છે.. કશી ઇચ્છા જ થતી નથી.

'પપ્પા!' સુનંદા બેગ મૂકી ડ્રોઇંગ રૂમમાં આવી. 'કેમ છો ?' સુહાસભાઈનાં ચરણ-સ્પર્શી બાજુમાં બેઠી. વ્યથાભરી નજર તેમની પર ફેરવી રહી 'કેવા થઈ ગયા છો ?'

'અરે! એ બધું છોડ!' સુહાસભાઈના મુરઝાયેલા ચહેરા પર આનંદ છવાઈ ગયો. 'જમાઈરાજ કેમ છે ? તારાં સાસુ-સસરા અને તારાં બે તોફાની બારકસો...!'

'બધ્ધાં મજામાં છે અને સહુ ઈચ્છે છે કે તમે અમારી સાથે રહો. આમ એકલવાયું ન જીવાય ! હું તમને લેવા જ આવી છું.' સુનંદા મક્કમતાથી બોલી રહી.

'પણ બેટા ! દીકરીને એના ઘેર વિદાય કર્યા પછી તેના ઘરનું પાણી પણ ન પીવાય. આપણી એ સંસ્કૃતિ છે. અને હું પણ એમાં માનું છું... સુહાસભાઈને આગળ બોલતા અટકાવી સુનંદા તેમની તરફ ફરી, 'જો પિતાની મિલકતમાં પુત્રીનો કાનૂની હક છે તો તેમની સેવા કરવાની ફરજ ખરી કે નહિ ?'

સુનંદાના સ્વરમાં સચ્ચાઈનો રણકો હતો. 'મારે બીજું કંઈ સાંભળવું નથી. તમારે આવવાનું જ છે.'

પરંતુ પિતા એકના બે ન થયા. પુત્રી નિરાશ થઈ ગઈ... 'તો પછી મારી એક વાત તમારે સ્વીકારવી જ પડશે. મારા સોગંદ !'

સુહાસભાઈ પૂચ્છક દ્રષ્ટિ કરી રહ્યા.

'જીવન સંધ્યા' સંસ્થા તરફથી પ્રતિવર્ષ જીવનસાથી પસંદગી મેળો યોજાય છે. તેમાં પાછલી વયમાં જીવનસાથી ગુમાવી બેઠેલ સ્ત્રી-પુરુષો માટે ફરીથી કોઇ સાથી ઢૂંઢવાની તક અપાય છે. તેમાં તમારે તમને યોગ્ય પાત્ર પસંદ કરવું પડશે બોલો ! મંજૂર ? ... આ બેમાંથી જે સારું તે તમારું.' સુનંદા આદેશાત્મક મુખમુદ્રાથી તેમની તરફ તાકી રહી.

'પરંતુ બેટા ! લોકો મને ચૂંટી ખાય... જો ને ! ઘરડા ઘડપણે કેવા ધખારા ઉપડયા છે ! હવે તો દેવ-દર્શન, ભજન-કીર્તન, જાત્રા કે માળા ફેરવવાની હોય કે ઘોડે ચઢવાનું ! - શો જમાનો આવ્યો છે !! ... કહી મારી ફજેતી કરે ને હસે ! અત્યાર સુધી મેળવેલ માન-મરતબો બધું એકી ઝાટકે...!'

'જુઓ પપ્પા !' સુનંદા ટટ્ટાર થઈ 'લોકો તો બે બાજુ બોલે ! એમને થોડુ વેઠવાનું છે ? અને સમાજમાં તો કેવું છે કે કોઈના દુ:ખે દુખી થવાનો ડોળ કરે પણ કોઈના સુખે સુખી ન થાય.. મોટે ભાગે આવું જ હોય છે...! ... તમને ય પેલા બાપ-દીકરા અને ટટ્ટુનો ટૂચકો ખબર હશે.' સુનંદા હસી રહી. 'બાપ-દીકરો ટટ્ટુ લઈ સામે ગામ જઈ રહ્યા'તા. દીકરાને તેના પર બેસાડી ચાલતા બાપને જોઈ મોં મચકોડતા, 'જુઓને ! આજનાં બે શરમ છોકરાં, ઘરડા બાપને ચલાવી પોતે ટટ્ટુ પર બેઠા છે ! છોકરાએ ઉતરી બાપને બેસાડયો. તો બિચારા છોકરાને બેસાડવાનો હોય કે બાપને ! બંને ટટ્ટુને દોરી નીચે ચાલવા લાગ્યા. તો .. કેવા મૂરખ છે આ પિતા-પુત્ર ?... છતા ઘોડે ચાલી રહ્યા છે... તો પછી ઘોડુ કેમ રાખ્યું છે ? ... બિચારા બાપ-દીકરો ટટ્ટુને નદીમાં પધરાવી ચાલી નીકળ્યા... લોકો તો આવા છે ! બોલો હવે !?'

'સારુ માતાજી તમે જીત્યાં. એમાં નામ નોંધાવી દો. બસ !!' સુહાસભાઈએ નમતું જોખ્યું.

સુહાસભાઈ, સુનંદા અને જમાઈ સાથે સમયસર તૈયાર થઈ ટાઉનહોલ ખાતે પહોંચી ગયા...

ઠીક ઠીક સંખ્યા હતી. પિતા-પુત્રી ચોમેર નજર ફેરવી રહ્યાં. ત્યાં થોડે દૂર, પ્રૌઢ, જાજરમાન અને ઠસ્સાદાર મહિલા બેઠાં હતાં. સુનંદાની નજર તેમના પર ઠરી. પિતાને તે તરફ સંકેત કરી ચાલી.

'નમસ્તે બહેન !' સુનંદા તેમની બાજુમાં બેઠી. 'આ મારા પપ્પા છે. પાંચ વરસ પહેલાં મારી મમ્મી ગુજરી ગઈ. હું એકનું એક સંતાન મારે સાસરે છું. તે સરકારી નોકરીમાંથી નિવૃત્ત છે ! આર્થિક રીતે કોઈ સંકટ નથી. જો આપ તે દિશામાં વિચારો તો...'

'હા ! મારા પતિ પણ થોડા વરસ પહેલાં જ અવસાન પામ્યા છે. બંને પુત્રો વિદેશ સ્થાયી છે. મને ત્યાં નથી ફાવતું. પણ મને મૂકીને જવા તેમનું મન માનતું નથી. તેથી લગ્ન કરી કોઈ સહારો પસંદ કરવાનો આગ્રહ કરે છે... મને પણ તે યોગ્ય લાગે છે.' સુભદ્રાબેન નિખાલસતાથી સુહાસભાઈને નિહાળી રહ્યાં.

બંનેને પૂછ-પરછ દરમિયાન, જાણે પોતાનો જ જીવનસાથી નવા અવતારે ફરીથી આવી ગયો છે તેવી અનુભૂતિ થઈ.

'હું તમને શારદા કહું તો ચાલશે ને !' સુહાસભાઈ ના સ્વરમાં ભીનાશ ભરી ઊર્મિ છલકાતી હતી.

'હું તમને શુભ કહું તો વાંધો નથી ને !' સુભદ્રાબેન પણ લાગણીભરી દ્રષ્ટિ માંડી રહ્યાં.

***

'સુહાસભાઈ ! ઘરમાં છો કે નહિ ?' બળવંતકાકા લાકડીના ટેકે ધીમાં ડગ ભરતા આવી પહોંચ્યા.

'આવો આવો કાકા !' સુભાષભાઈ તેમને સત્કારી રહ્યા... 'અમારી સાથે ચા-નાસ્તામાં જોડાવ.'

'સુભદ્રાબેન ઝડપથી ચાનો કપ અને નાસ્તો ટી-પોચ પર મૂકી સામે સારસ-બેલડીના રંગમાં ભંગ તો નથી પાડયો ને ?' કાકા મજાકભર્યું હસી રહ્યા.

'શું તમેય કાકા...!' સુહાસભાઈ ક્ષોભ અનુભવી રહ્યા.

'જ્યારે જોઉં ત્યારે ઘરને તાળુ.. પૂછીએ તો કે 'પ્રવાસે ગયાં છે. ક્યારેક રાજસ્થાન તો ક્યારેક મહારાષ્ટ્ર ! તો વળી સાઉથમાં પણ સંભળાયા.' બળવંતકાકા મીઠું હસી રહ્યા, 'ઘરમાં તો પગ ટકતો જ નથી તમે તો ભઈ ! જુવાનિયાંને ય શરમાવી દીધાં હોં કે !

'જુઓ કાકા !' સુહાસભાઈ કાકા તરફ ઝૂક્યા, 'જીવ્યા કરતાં જોયું ભલું. આ શરીર સાથ આપે ત્યાં સુધી ફરી લઈએ. મનેય સિત્તેર પૂરાં થયાં. અને આનેય પાંસઠ વટી ગયાં. આ તો વળી ઈશ્વરની દયા કે...' બળવંતકાકા વચ્ચે જ બોલી ઊઠયા, 'હું તો મજાક કરું છું.' થોડા ગંભીર બની ગયા. 'તારી વાત સાચી છે. આ અમે..' પછી જોઈશું' માં વૃધ્ધ થયા ત્યાં સુધી કયાંય ન જઈ શક્યા. હવે ઘણુંય જવું છે 'પણ..' ઉનો નિ:શ્વાસ સરી પડયો.. 'અરે ! વાતોમાં તને કહેવાનું ભૂલી ગયો. સોસાયટીમાંથી બધાં પરિવારો એ હરિદ્વાર જવાનો કાર્યક્રમ  ગોઠવ્યો છે. જો તમે જોડાવ તો... !'

'અરે ! કાકા, નેકી ઔર પૂછપૂછ ! અમે હવે ત્યાંનું જ ગોઠવવા વિચારી રહ્યાં હતાં.' સુહાસભાઈ સુભદ્રા તરફ દ્રષ્ટિ કરી રહ્યા. 'હા કાકા ! અમારુ નામ લખી લો...' સુભદ્રાબેને ઉત્સાહથી પ્રત્યુત્તર વાળ્યો.

હરિદ્વારમાં બધાં મંદિરો અને આશ્રમોની મુલાકાત લઈ વિદાય લેતાં પહેલાં ગંગા સ્નાન કરવા ઘાટે પહોંચ્યાં પ્રથમ મહિલાઓ અને બાળકો સ્નાન કરવા તૈયાર થયાં. પુરુષો થોડે દૂર ચાની લારી પર ચુસ્કી લગાવી રહ્યા.

સહુ સ્નાનમાં મગ્ન હતાં.. સુભદ્રાબેન સ્હેજ આગળ વધી નીચેના પગથિયાં પર જતાં હતાં ત્યાં ચીકણી પગથાર પરથી તેમનો પગ લપસ્યો અને ગંગાજીના તીવ્ર વેગથી વહેતા પ્રવાહમાં પડયાં... મહિલાઓ અને બીજાલોકો રાડારાડ કરી બચાવો બચાવોની રાડો પાડવા લાગ્યાં. પુરુષો હાંફળા-ફાંફળા દોડી આવ્યા. પળવારમાં તો ગંગાજીના પવિત્ર જળના ધસમસતાં પ્રવાહમાં દેખાતાં બંધ થઈ ગયાં.

સુહાસભાઈ પથ્થરની મૂર્તિ બની ફાટી આંખે જડવત બની ગયા. સહુ તેમને ખભાથી પકડી હલાવી રહ્યા. 'સુહાસભાઈ સુહાસભાઈ !'

ત્યાં અચાનક જ તે ગર્જી ઊઠયા, 'શારદા ! પહેલાં પણ મને છેતરી ને ચાલી ગઈ'તી, ને આજે પણ.. !' કોઈ કંઈ સમજે તે પહેલાં તે અકલ્પ્ય દોટ મારી છલાંગ લગાવી 'તને નહિ જવા દઉં'ની ચીસો પાડતા પ્રવાહમાં ખાબક્યા. સહુ સ્તબ્ધ બની ગયા.

***

સુનંદા અને જમાઈ, સુહાસભાઈની વિશાળ તસવીરની બંને બાજુ ગોઠવાયેલા શારદા અને સુભદ્રાબેનની તસવીરો પણ ગુલાબના હાર ચઢાવી સુનંદા છુટ્ટા મોંએ રડી રહી. 'દીકરીના ઘરનું પાણી પીવું નહોતું એટલે...' સુનંદાને ડૂમો ભરાઈ ગયો.. પતિ તેની પીઠ પસવારી રહ્યો.