- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- ફિલ્મમાં યુનિવર્સલ અપીલ કહેવાય એ બધું જ હતું. એક બેરોજગાર યુવાન, એક સુંદર લવ-સ્ટોરી, એક મર્ડર પ્લાન, સાથે સાથે મજેદાર હળવી કોમેડી અને મેસજ તો ખરો જ
૧૯ ૮૯માં આવેલી 'પુષ્પક' જેવી ફિલ્મ, સેઈમ સ્ટોરી અને સેઈમ રીતે જો હોલીવૂડમાં બની હોત તો એને અડધો ડઝન ઓસ્કાર એવોર્ડ તો મળ્યા જ હોત. એટલું જ નહીં, એ ફિલ્મને આપણા જ દેશમાં વિદેશી ફિલ્મો વિશે લખનારા લેખકો એને ન ભૂતો ન ભવિષ્યતિનો ઈલ્કાબ આપીને આજની તારીખે પણ એની આરતી ઉતારતા હોત!
છતાં ભારતની પોતાની ફિલ્મોની માર્કેટિંગની ઓછી આવડત, પોતાનાં ઢોલ નહીં પીટવાની આદત અને ખાસ તો 'દેશી' ચીજ હોય તે કદી એ એટલી 'મહાન' હોઈ જ ના શકે એવી ગુલામી માનસિકતાને કારણે 'પુષ્પક' જેવી ફિલ્મને ઓસ્કાર તો છોડો, ભારતમાં જ તેની જેટલી કદર થવી જોઈતી હતી તે થઈ નહીં.
તમને થતું હશે કે 'પુષ્પક'ને આટલી બધી ગ્રેટ ગણાવવાનું કારણ શું? તો ગણવા માંડો....
પહેલી વાત તો એ કે સાયલન્ટ ફિલ્મ એટલે કે ડાયલોગ વિનાની ફિલ્મો જ્યારે અગાઉ બનતી હતી ત્યારે એમાં સ્ટોરી સમજાવવા માટે અને ખાસ તો પાત્રો 'બોલતાં' હોય ત્યારે 'કવિ શું કહેવા માગે છે' તેના માટે વચ્ચે વચ્ચે લખાણ લખેલાં કાર્ડ નાંખવા પડતા હતાં. ખુદ મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લીનની ફિલ્મોમાં પણ આવાં 'કાર્ડ' વાપરવાં પડતાં હતાં.
પરંતુ પુરી ૧૩૧ મિનિટની આ સાયલન્ટ મુવીમાં ક્રેડિટ ટાઈટલ્સ સિવાય એક અક્ષર પણ પણ લખીને બતાડવાની જરૂર પડી નથી! (યાદ રહે, ચાર્લી ચેપ્લીનની લાંબામાં લાંબી સાયલન્ટ ફિલ્મ 'ધ કીડ' બાવન મિનિટની હતી ) બીજી બાજુ ૧૯૭૬માં આવેલી હોલીવૂડની 'સાયલન્ટ મુવી' માત્ર ૮૭ મિનિટની હોવા છતાં એમાં દર ત્રીજી-ચોથી મિનિટે 'કવિ શું કહેવા માગે છે' તે જણાવવા માટે કાર્ડઝ આવતાં હતાં. મતલબ કે એ 'ઇંગ્લીશ સાયલન્ટ' મૂવી હતી!
'પુષ્પક'ની માસ્ટરી ક્યાં હતી? તો તમે આજે પણ જુઓ તો સમજાશે કે ફિલ્મનાં તમામ દ્રશ્યો જ એવાં છે જ્યાં સંવાદ બોલવાની જ જરૂર નથી! ૧૩૧ મિનિટની આખે આખી ફિલ્મનાં તમામ દ્રશ્યો 'આવાં રાખીને એક મજેદાર, હળવી છતાં સંવેદનશીલ સ્ટોરી કહેવી એ કંઈ જેવી તેવી સિદ્ધિ કહેવાય? ફિલ્મનું એકમાત્ર દ્રશ્ય, જ્યાં ખુની ટીનું આનંદ પોતે ખૂન કરવામાં નિષ્ફળ શા માટે ગયો, તે બોલીને સમજાવી રહ્યો છે પરંતુ ડીરેક્ટર સંગીતમ શ્રીનિવાસે તે વખતે કેમેરો બારીના કાચની પાછળ રાખ્યો છે! (જેથી સંવાદ સંભળાતો નથી, છતાં બારીની બહાર ઊભેલો કમલ હાસન, અને ફિલ્મ જોનાર પ્રેક્ષક આસાનીથી સમજી જાય છે કે કવિ શું કહી રહ્યા છે.)
ફિલ્મની બીજી મહત્ત્વની વાત એ હતી કે અહીં 'કોમેડી' હોવા છતાં સ્હેજ પણ 'લાઉડ' કે સ્થૂળ નથી. જુની સાયલન્ટ કોમેડીઓ 'સ્લેપ-સ્ટિક' મેથડથી બનતી હતી. મતલબ કે કોઈ પડે, કોઈ ગબડે, કોઈને માર પડે, કોઈના ચહેરા ઉપર કેક ચોપડાઈ જાય, ધમાચકડી, પકડાપકડી અને સરકસના જોકરો જે રીતે પ્રેક્ષકોને હસાવતા હોય એવી હરકતો તે વખતે અનિવાર્ય હતી. અરે, ૧૯૭૬માં હોલીવૂડમાં બનેલી 'સાયલન્ટ મુવી' પણ આવી જ સ્થુળ ધમાચકડી કોમેડીથી ભરપૂર હતી. જ્યારે અહીં એક તો કમલ હાસનની 'નેચરલ કોમેડી' અને ટાઈમિંગની મઝા હતી અને ઉપરથી ડીરેક્ટર સંગીત શ્રીનિવાસનો એવો સ્પેશીયલ ટચ હતો કે આખી ફિલ્મમાં ક્યાંય એવું નથી લાગતું કે એ લોકો તમને જબરદસ્તીથી તમારી બગલમાં ઘૂસીને ગલગલિયાં કરાવી રહ્યા છે.
બેશક, ફિલ્મમાં ખડખડાટ હસાવે એવાં દ્રશ્યો પણ હતાં જ. જેમકે પેલું બસ-સ્ટોપવાળું દ્રશ્ય, જ્યાં કમલ પેલા કીડનેપ કરેલા સમીર ખખ્ખરના મળ ભરેલું બોક્સ પરફ્યુમ છાંટીને તે સ્ટોપ પર છોડી ગયો છે, તેને એક અજાણ્યો માણસ કોઈ સુગંધીદાર ગિફ્ટ સમજીને ઘરે લઈ તો જાય છે, પણ બીજા દિવસે એવું જ બોક્સ જોતાંની સાથે તેને જે રીતે ઉબકા આવવા લાગે છે!
આમ છતાં 'પુષ્પક' એક અલગ જ લેવલની ઉમદા ફિલ્મ શા માટે છે? તો એ છે ફિલ્મમાં ઠેરઠેર મુકાયેલાં અદ્દભુત છતાં સાવ સરળ રીતે મેસેજો આપતાં દ્રશ્યો. યાદ કરો પેલા બ્રિજ ઉપર બેઠેલા ભિખારીને, કમલ હાસન બિચારો પોતાના ખિસ્સામાં બચેલો છેલ્લો રૂપિયાનો સિક્કો ઉછાળીને પોતાની મજબૂરી દેખાડે છે ત્યારે પેલો ભિખારી પોતાના શર્ટની બાંયમાંથી, ખિસ્સામાંથી અને છેલ્લે ભોંય પર પાથરેલા કંતાન નીચેથી દસ-વીસ રૂપિયાની નોટો બતાડીને રીતસર પોતાની અમીરીનું પ્રદર્શન કરીને કમલ હાસનની મજાક ઉડાડે છે. પરંતુ એ જ અમીર ભિખારી જ્યારે ત્યાં જ મરી ગયો છે ત્યારે તેની લાશ ઉપાડયા પછી પોલીસ પેલું કંતાન ખંખેરે છે અને નીચેથી જે સેંકડો રૂપિયા હવામાં ઉડતા બતાડયા છે... આહાહા... એ જ તો આખી ફિલ્મનો સેન્ટ્રલ મેસેજ છે કે પૈસો આખરે છે શું? કેમકે અતિશય ધનવાન સમીર ખખ્ખર પણ સુખી નથી.
અથવા યાદ કરો પેલો ફાઈવ સ્ટાર હોટલની રૂમનો સીન, જ્યાં ભૂખ્યો કમલ હાસન બબ્બે ડઝન ચોકલેટોથી ભરેલી ટ્રે જોવામાં એટલો બધો લલચાઈ જાય છે કે એકપણ ચોકલેટ સરખી રીતે ખાઈ શકતો નથી! મેસેજ સટલ છતાં સટીક હતો કે આ ઓવરચોઈસની દુનિયામાં માણસ છેવટે તો ભૂખ્યો જ રહી જાય છે.
પણ ડીરેક્ટરની ખુબી જુઓ, ફિલ્મમાં ગરીબીમાં પણ ઓવરચોઈસ બતાડયો છે! કમલ હાસન સવારની હાજતે જવા માટે ત્રણ ટોઈલેટની લાઈનોમાં ઊભો છે. દરેક વખતે પોતે જે લાઈનમાં જાય છે તેના સિવાયનું જ ટોઈલેટ ખાલી થાય છે! પણ છેલ્લે ? ત્રણે ત્રણ ટોઈલેટો ખાલી થઈ જાય છે! ત્યારે કમલ એમાંથી ઓછું ગંદુ ટોઈલેટ પસંદ કરવા માટે ત્રણેમાં ડોકીયાં કરે છે!
ફિલ્મમાં ઠેર ઠેર બ્લેક કોમેડીના ચમકારા છે. જેમકે કમલ હાસનને પેલી મોંઘી એરકન્ડીશન્ડ હોટલનાં રૂમમાં ઊંઘ નથી આવતી એટલે તે પાછો પોતાની ખોલીમાં જઈને બાજુના ખખડધજ સી ગ્રેડ ફિલ્મ થિયેટરનો ઘોંઘાટ રેકોર્ડ કરીને પાછો આવે છે!
ફિલ્મમાં યુનિવર્સલ અપીલ કહેવાય એ બધું જ હતું. એક બેરોજગાર યુવાન, એક સુંદર લવ-સ્ટોરી, એક મર્ડર પ્લાન, સાથે સાથે મજેદાર હળવી કોમેડી અને મેસજ તો ખરો જ. પુષ્પકની સૌથી મહત્ત્વની ખાસિયત એ હતી કે કંઈપણ સમજાવવા માટે કોઈપણ ભાષાની જરૂર જ નથી. છતાં ન તો આપણે એને એક ઈન્ટરનેશનલ લેવલે રીલિઝ ના કરી શક્યા, કે ન તો ભારતના ચાંપલા ફિલ્મ વિવેચકો એની પુરતી કદર કરી શક્યા.
આજે પણ આ ફિલ્મ વાયરલ કલ્ટ બની શકે છે. ખેર, જો ફિલ્મનો કોમેડીને વધારે એન્જોય કરવી હોય તો યુ-ટયુબમાં અમુક દ્રશ્યો ૧.૨૫ની સ્પીડે જોજો. ખરેખર મજો મજો થઈ જશે...
= પુષ્પકને શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
= ટીનુ આનંદવાળો સુપારી કિલરનો રોલ અગાઉ અમરીશ પુરીને ઓફર થયો હતો પરંતુ ટીનું આનંદે એમાં પોતાનો સ્પેશીયલ કોમિક ટચ ઉમેરીને રોલને વધુ મજેદાર બનાવ્યો હતો.
= ૨૦૧૧માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ 'ધ આર્ટિસ્ટ' પણ સાયલન્ટ મુવી હતી. જે કોમેડી નહીં પણ અતિશય નાટકીય પ્રકારની કરુણ લવ સ્ટોરી હતી. સ્ટોરીને સમજાવવા માટે વારંવાર કાર્ડઝ આવતાં હતાં. છતાં ફિલ્મને પાંચ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા.! બોલો.
= ૩૫ લાખમાં બનેલી પુષ્પકે ભારતમાં ૧ કરોડની કમાણી કરી હતી.


