- એક પાયલોટને બચાવવાનો ખર્ચ ' 2400 કરોડ અને સેંકડો નિર્દોષ બાળકો જીવતાં દફનાઈ જાય તે રીતે હોસ્પિટલ અને શાળા પર મિસાઈલ અને બૉમ્બ વર્ષા!
- હોરાઈઝન-ભવેન કચ્છી
- 'યુદ્ધ એ સત્તાધીશોની રમત છે જેમાં સામાન્ય માણસ પ્યાદુ બને છે'
આતશબાજીની જેમ ફેંકાતી એક મિસાઈલની કિંમત ' 20 કરોડ હોય છે : કલાકમાં ' 200 કરોડ મિસાઈલમાં જ ફૂંકી મરાય છે
અ મેરિકા દ્વારા ઈરાનમાં પટકાયેલા ફાઈટર જેટના પાયલોટ અને એરમેનને બચાવવાની તાજેતરની ઘટના એક અત્યંત જટિલ અને ખર્ચાળ સૈન્ય ઓપરેશનનું ઉદાહરણ છે.નજીકના ભવિષ્યમાં આ દિલધડક ઓપરેશન આધારિત હોલીવુડ ફિલ્મ બનશે જ તેમ કહી શકાય. અમેરિકન આવા ઓપરેશન થકી વિશ્વને બતાવવા માંગે છે કે તેઓ કંઈ હદે તાકાતવર છે.
બચાવ કામગીરી
અમેરિકાનું 'F-15 E - સ્ટ્રાઈક ઇગલ' ફાઈટર જેટ ઈરાનમાં પટકાયું હતું. તેમાં સવાર પાયલોટ અને વેપન સિસ્ટમ્સ ઓફિસરને બચાવવા માટે અમેરિકાએ કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ મિશન લોન્ચ કર્યું હતું.
પાયલોટ જ્યાં પટકાયો હતો તે વિસ્તારની આસપાસ સુરક્ષા પૂરી પાડવા માટે અમેરિકાએ મોટી સંખ્યામાં ફાઈટર જેટ્સ અને હવામાં જ ઈંધણ ભરી શકે તેવા ૪૮ જેટલા રિફ્યુઅલર વિમાનો તૈનાત કર્યા હતા. બચાવ કામગીરી માટે ખાસ પ્રકારના કમાન્ડો અને હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. આ વિમાનો દુશ્મનની રડાર સિસ્ટમથી બચીને નીચી ઉડાન ભરવામાં અને ખતરનાક પરિસ્થિતિમાં સૈનિકોને કાઢવા માટે સક્ષમ હોય છે.
પોતાના જ વિમાનોનો નાશ
ઓપરેશન દરમિયાન જ્યારે બે MC-130J વિમાનો ટેકનિકલ ખામીને કારણે ઈરાનની ધરતી પર ફસાઈ ગયા, ત્યારે અમેરિકાએ તેની ગુપ્ત ટેકનોલોજી દુશ્મનના હાથમાં ન જાય તે માટે તે વિમાનોને બોમ્બથી ઉડાવીને પોતે જ નાશ કર્યો હતો.
ઓપરેશનનો ખર્ચ
'વોલ સ્ટ્રીટ જર્નલ' અને 'ધ ગાર્ડિયન' મુજબ, આ મિશનમાં થયેલો કુલ ખર્ચ૩૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૨૫૦૦ કરોડથી વધુ હોવાનું મનાય છે. જે બે
MC-130J વિમાનો નાશ પામ્યા, તે દરેકની કિંમત લગભગ $100 મિલિયન( રૂ. ૯૦૦ કરોડ)થી વધુ હતી.
F-15 જેવા ફાઈટર જેટને હવામાં રાખવાનો ખર્ચ કલાકના આશરે
(રૂ. ૩૬ લાખ) થાય છે. જ્યારે ૪૮ રિફ્યુઅલર વિમાનો કલાકો સુધી હવામાં રહ્યા, ત્યારે માત્ર ઈંધણનો ખર્ચ જ કરોડોમાં પહોંચ્યો હતો.
એક મધ્યમ અંતરની ગાઈડેડ મિસાઈલની કિંમત રૂ. ૧૮થી ૨૦ કરોડ રૂપિયા હોય છે.એકાદ કલાકમાં અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશો ફટાકડાની જેમ ૧૫-૨૦ મિસાઈલ ફૂંકી મારતા હોય છે.
આટલી રકમમાં ૨૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ બનાવી શકાય છે. એ પણ જાણી લો કે યુક્રેન - રશિયાના યુદ્ધનો દરરોજનો ખર્ચ ૫૦થી ૧૦૦ કરોડ ડોલર જેટલો થાય છે.
આની સામે 'યુનો' વામણું
સમગ્ર વિશ્વની શાંતિ માટે કામ કરતી સંસ્થા યુનાઇટેડ નેશન્સનું વાર્ષિક બજેટ માત્ર ૩.૫ અબજ ડોલર છે. બીજી રીતે કહીએ તો અમેરિકા તેના પાયલોટને બચાવવા માટે જે ઇં૩૦૦ મિલિયન ખર્ચે છે, તે 'યુનો' ના વાર્ષિક બજેટના ૧૦% જેટલી રકમ છે!
આટલો મોટો ખર્ચ કેમ?
અમેરિકાની સૈન્ય ફિલોસોફી 'નો આર્મી મેન શુડ લેફ્ટ બિહાઇન્ડ' (કોઈપણ સૈનિકને પાછળ ન છોડવો) પર આધારિત છે.તેઓ કહે છે કે પાયલોટ માત્ર એક સૈનિક નથી, પરંતુ એક વ્યૂહાત્મક સંપત્તિ છે. એક અનુભવી પાયલોટને તૈયાર કરવા માટે ૧૨ વર્ષનો સમય અને કરોડો ડોલરની ટ્રેનિંગ પાછળ ખર્ચાય છે. તેથી, તેને બચાવવા માટે કરવામાં આવતો ખર્ચ એ સૈનિકોના મનોબળ અને દેશની છબી માટે એક પ્રકારનું રોકાણ માનવામાં આવે છે.
એક પાયલોટને બચાવવા માટેના આ હદના ઓપરેશનને જોઈને એક ક્ષણ માટે આપણને માનવ જીવનના મૂલ્ય પર ગર્વ થાય છે. પણ બીજી જ ક્ષણે યુદ્ધમાં માર્યા ગયેલા હજારો નિર્દોષ નાગરિકો, સ્ત્રીઓ અને બાળકોના જીવ લેતી તસ્વીર કે સમાચાર જાણીને હૃદય દ્રવી ઉઠે છે કે આવી વિસંગતા કેમ?
એક પાયલોટનું મૂલ્ય
ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે જ્યાં એક વ્યક્તિને બચાવવા માટે આખા દેશની તિજોરી ખોલી દેવામાં આવી હોય. અમેરિકાના ઇતિહાસમાં ૧૯૯૫ની સ્કોટ ઓ'ગ્રેડી (Scott O'Grady) ની ઘટના જાણીતી છે. બોસ્નિયામાં તેમનું એફ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. તેમને બચાવવા માટે અમેરિકાએ આખી મરીન ટુકડી, સેટેલાઇટ સર્વેલન્સ અને કરોડો ડોલરનું ઈંધણ ખર્ચી નાખ્યું. જ્યારે તેઓ હેમખેમ પાછા આવ્યા ત્યારે તેમનું સ્વાગત એક હીરો તરીકે થયું. આને વ્યક્તિગત માનવતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ભૂતકાળમા વીયેતનામ સાથેના યુદ્ધ વખતે પણ આવા સર્ચ ઓપરેશન થયા હતાં.
અમેરિકા જ નહીં રશિયા, જર્મની, બ્રિટન પણ ભૂતકાળમાં એક પાયલોટ કે સૈનિકને બચાવવા આવું કરી ચુક્યા છે. આ પાછળનું મનોવિજ્ઞાન એ છે કે સૈનિકોનો નૈતિક જુસ્સો ટકી રહે. પરંતુ અહીં પ્રશ્ન નૈતિકતાનો નહીં, પણ 'પસંદગીની માનવતા'નો છે.
જ્યારે કોઈ પાયલોટને બચાવવા કરોડો ડોલરનું રેસ્ક્યુ મિશન લોન્ચ થાય છે, ત્યારે તે જ અરસામાં અમેરિકાના બોમ્બમારાથી કોઈ ઈરાનની હોસ્પિટલ કે શાળામાં ૨૦૦ બાળકો મરી રહ્યા હોય છે. આ તે કેવી સભ્યતા છે જ્યાં રક્ષકનો જીવ કિંમતી છે અને રક્ષિત (નાગરિક) નો જીવ માત્ર 'કોલેટરલ ડેમેજ' (યુદ્ધમાં થતું આડકતરી નુકસાન) છે.
સ્ટાલિનનું વાક્ય
રશિયાના ક્રૂર શાસક જોસેફ સ્ટાલિને એકવાર કહ્યું હતું કે, 'એક વ્યક્તિનું મૃત્યુ એ દુર્ઘટના છે, પણ લાખોનું મૃત્યુ એ માત્ર એક આંકડો છે.' આજે ૨૧મી સદીમાં આ વાક્ય વધુ પ્રસ્તુત લાગે છે. સીરિયા, ઇરાક, અફઘાનિસ્તાન કે હાલમાં ગાઝા અને યુક્રેનના યુદ્ધો પર નજર નાખો. દરરોજ ટીવી પર પટ્ટી ચાલે છે કે 'આજે આટલા લોકો માર્યા ગયા'. લોકો સમાચાર વાંચીને આગળ વધી જાય છે. પરંતુ જો કોઈ અમેરિકન કે યુરોપિયન નાગરિકને બંદી બનાવવામાં આવે, તો આખું વિશ્વ તેની ચિંતામાં ડૂબી જાય છે. એવું લાગે છે કે માનવ જીવનનું મૂલ્ય ભૌગોલિક સીમાઓ કે પાસપોર્ટના રંગ પર નિર્ભર થઈ ગયું છે.
નાગરિકો પ્યાદા
વિખ્યાત લેખક એરિક મારિયા રેમાર્ક તેમના પુસ્તક 'All Quiet on the Western Front' માં લખે છે કે યુદ્ધ એ સત્તાધીશોની રમત છે જેમાં સામાન્ય માણસ પ્યાદુ બને છે. પાયલોટને બચાવવાનું ગૌરવગાન કરવામાં આવે છે કારણ કે તે રાષ્ટ્રવાદના મોહક પેકેજિંગમાં આવે છે. પરંતુ યુદ્ધમાં મરતા નિર્દોષ નાગરિકો માટે કોઈ રાષ્ટ્રગીત વાગતું નથી, કોઈ ઝંડો નમતો નથી.
તેઓ એમ પણ લખે છે કે, યુદ્ધ એ એવા લોકો વચ્ચેનો લોહીનું ખેલ છે જેઓ એકબીજાને ઓળખતા પણ નથી, પરંતુ એવા લોકોના કહેવાથી લડે છે જેઓ એકબીજાને ઓળખે છે પણ લડતા નથી.
અધમ બચાવ
પ્રખ્યાત ચિંતક નોમ ચોમ્સ્કીએ પણ કહ્યું છે કે શક્તિશાળી રાષ્ટ્રો પોતાની હિંસાને 'લોકશાહીના રક્ષણ' તરીકે ઓળખાવે છે, જ્યારે બીજાની હિંસાને 'આતંકવાદ' કહે છે. આ બેધારી તલવાર જેવી નીતિએ માનવતાના બે ભાગ પાડી દીધા છે : એક એવા લોકો જેમના જીવ કિંમતી છે, અને બીજા એવા લોકો જેમના મૃત્યુની નોંધ પણ લેવી જરૂરી નથી.
ટેકનોલોજી વિરુદ્ધ સંવેદના
આજે આપણી પાસે એવા ડ્રોન છે જે હજારો કિલોમીટર દૂર બેસીને પિન-પોઈન્ટ ચોકસાઈથી હુમલો કરી શકે છે. પરંતુ એ જ ટેકનોલોજી જ્યારે 'કોલેટરલ ડેમેજ' (નિર્દોષોના મોત) કરે છે, ત્યારે તેને યુદ્ધની અનિવાર્યતા ગણાવી દેવામાં આવે છે.
અર્થતંત્રનું ગણિત
યુદ્ધ એ અત્યારે વિશ્વનો સૌથી મોટો બિઝનેસ છે. સ્ટોક માર્કેટમાં સંરક્ષણ કંપનીઓના શેર ત્યારે ઉછળે છે જ્યારે ક્યાંક યુદ્ધની જ્વાળાઓ ભભૂકે છે. આ એવો વિરોધાભાસ છે જ્યાં વિનાશમાં વિકાસ શોધવામાં આવે છે.પાયલોટને બચાવવા માટે કરોડો ખર્ચાય છે, જ્યારે કાટમાળ નીચે દબાયેલા બાળકને બચાવવા માટે કોઈની પાસે જેસીબી મશીન મોકલવાનો પણ સમય નથી. આ આધુનિક વિશ્વની વરવી વાસ્તવિકતા છે.
ઉકેલ પર ચિંતન
આપણે એક એવી દુનિયા બનાવી રહ્યા છીએ જ્યાં મશીનો વધુ સ્માર્ટ થઈ રહ્યા છે અને માણસો વધુ ક્રૂર. જો આપણે ખરેખર સભ્ય કહેવાતા હોઈએ, તો આપણે માનવ જીવનના મૂલ્યના માપદંડો બદલવા પડશે.
પાયલોટ હોય કે શરણાર્થી બાળક, દરેકના જીવનું મૂલ્ય સરખું હોવું જોઈએ.
જે દેશો યુદ્ધના મેદાનમાં શક્તિ પ્રદર્શન કરે છે, તેમની જવાબદારી નિર્દોષોના મોત માટે પણ નક્કી થવી જોઈએ. સામાન્ય નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે યુદ્ધ માત્ર વિનાશ લાવે છે, પછી ભલે તેને ફિલ્મી અંદાજમાં ગમે તેટલું ભવ્ય બતાવવામાં આવે.
જ્ઞાન પોસ્ટ
'યુદ્ધ કોઈને નથી પૂછતું કે કોણ સાચું છે, તે માત્ર એ જ નક્કી કરે છે કે કોણ બાકી બચ્યું છે.' - બર્ટ્રાન્ડ રસેલ?' તલવારની ધાર પર ક્યારેય સભ્યતાના ફૂલ ખીલતા નથી.'?
'શાંતિ એટલે માત્ર યુદ્ધની ગેરહાજરી નથી, પણ ન્યાયની હાજરી છે.'
- માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર


