Get The App

વસતિ ગણતરી -2026-27 જનગણના કરનારા તમારા બેડરૂમ અને બાથરૂમમાં ડોકિયા કરે એ ઘડી માટે તૈયાર રહેજો!

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
વસતિ ગણતરી -2026-27 જનગણના કરનારા તમારા બેડરૂમ અને બાથરૂમમાં ડોકિયા કરે એ ઘડી માટે તૈયાર રહેજો! 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- મહિલા અનામતનો કાયદો અમલમાં આવ્યા પછી નોંધાયેલી પ્રથમ વસતિ  ગણતરીના સંબંધિત આંકડાઓના આધારે સીમાંકન હાથ ધરાશે

ભા રતમાં કેટલાં ઘરોમાં જાજરૂ છે? કેટલા ઘરોમાં ગેસ કનેક્શન છે અને કેટલા લોકો આજે પણ બળતણ તરીકે છાણાંનો ઉપયોગ કરી રોટલી-ભાખરી શેકીને ખાય છે? શું તમને આવી બધી વાતો જાણવામાં રસ છે? શું તમને એ જાણવાનું ગમશે કે કેટલાક ભારતીય નાગરિકો પતરા અને ઘાસના છાપરાં હેઠળ રહે છે અને કેટલાં જણ પાકા મકાનમાં, સિમેન્ટ કોંક્રિટની છત હેઠળ રહે છે?

જો તમને આ બધી પારકી પંચાતમાં  રસ હોય તો થોડો સમય થોભી જાવ. ૨૦૨૬-૨૭ની વસતીગણતરિ (સેન્સસ) પૂરી થશે પછી આવી અનેક ઝીણી ઝીણી પણ રસપ્રદ ઘરેલું વાતો જાણવા મળશે. કેટલા ઘરમાં ટીવી છે અને કેટલી વ્યક્તિ કારમાલિક છે? ફોનધારકો  કેટલા છે અને કયા ઘરમાં એકથી વધુ સેલફોન છે? અને હા, સેલફોનના વપરાશકારોની વિગતો પણ એકઠી કરાઈ રહી છે. છેક ૧૯૫૧થી દર ૧૦ વર્ષે યોજાતી વસતિ ગણતરી વખતે આ પ્રકારના હાઉસ લિસ્ટીંગનો ડાટા (ઘરગથ્થુ વિગતો) ભેગી કરવામાં આવે છે. આ વિગતો જીવનધોરણ કેટલું  સુધર્યું તેનો અંદાજ આપેે છે. જોકે સેન્સસ-૨૦૨૬-૨૭માં તો ભારત આધુનિકીકરણના પંથે કેટલું આગળ નીકળી ગયું છે તે વધુ ચોક્કસાઈપૂર્વક જાણવા બીજી ઘણી વિગતો એકત્ર કરાઈ રહી છે. માત્ર જાજરૂ અને છાપરાવાળા ઘરની વિગતોથી અટકી ન જતાં વસતિગણતરીના કામમાં રોકાયેલા માણસો ઘરે ઘરે જઈને જાતજાતના સવાલો પૂછે છે. ઘરને નંબર આપીને યાદી બનાવવાનું કામ કરતાં આ એનુમરેટર્સ શહેરો, નગરો, ગામડાં અને નાના કસબામાં પણ ફરી વળશે. બર્ફીલા હિમાલયથી લઈને દૂર દૂરના આંદામાન-નિકોબારમાં વસતા આદિવાસીઓને પણ જનગણનાના આ વિરાટ અભિયાનમાં સાંકળી લેવાશે. વસતિ ગણતરી કરનારા ૨૦૧૧ સેન્સસ વખતે ફક્ત ૨૩ પ્રશ્નો પૂછતાં હતાં. આ વખતે ૩૪  સવાલોનું અલગ પ્રશ્નપત્ર તેઓ ઘરે ઘેર ભરાવડાવશે. 

 વિવિધ ૩૪ જેટલા પ્રશ્નો પણ તૈયાર કરાયા છે. તે મુજબ, પરિવાર પાસે ટેલિફોન, ઈન્ટરનેટ કનેક્શન, મોબાઈલ કે સ્માર્ટફોન, સાઈકલથી માંડી મોટા વાહનો છે કે કેમ તેની વિગતો પણ સામેલ કરાઈ છે. મહિલા અનામતનો કાયદો અમલમાં આવ્યા પછી નોંધાયેલી પ્રથમ વસતી ગણતરીના સંબંધિત આંકડાઓના આધારે સીમાંકન હાથ ધરાશે. તે પછી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે  બેઠકો અનામત રાખતો કાયદો અમલમાં મુકાશે.

આ વખતની જનગણનામાં દરેક વ્યક્તિને પહેલાં અપાતા હતાં તેવા બે ફોર્મ ઉપરાંત એક ત્રીજું ફોર્મ પણ અપાશે. જેનાં અંતર્ગત નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર તૈયાર કરવા માટેની વિગતો એકત્ર કરશે.  એક વખત આ વિધી પૂરી થયા બાદ ભારતનાં તમામ નાગરિકોને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અપાશે. વિશ્વમાં આ પ્રકારની આ સૌથી મોટી કવાયત છે જેમાં એક જ દેશનાં ૧૫ વર્ષથી વધુ વય ધરાવતાં ૮૫ કરોડ નાગરિકોને યુનિક આઈ.નંબર અપાશે. પાછળથી આ તમામ નાગરિકોને એક અલગ ઓળખપત્ર અપાશે.

વસતિ ગણતરીની આ કામગીરી ખૂબ જટિલ છે. દેશનાં કુલ ૩૫ પ્રાંતો, ૬૪૦ જિલ્લા, ૫૭૬૭ તહેસિલ, ૭૭૪૨ શહેરો અને ૬,૦૮,૭૮૬ ગામડાંઓમાં વસતાં તમામ નાગરિકોને આવરી લેવાનો  આ કામ માટે સરકારી અફસરોએ ૨૪ કરોડ ઘરોની મૂલાકાત લેવાની રહેશે. આ વસ્તી ગણતરીમાં ૩૪ લાખ ગણતરી કરનારા, સુપરવાઇઝર અને ૧.૩ લાખ જનગણના હોદ્દેદાર આધુનિક મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સાથે કામ કરશે. આ માટેના એપ્સ કુલ ૧૬ ભાષામાં ઉપલબ્ધ થશે. 

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લડાખ અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં પહેલી એપ્રિલ ૨૦૨૬થી આ કામ શરૂ થઈ ગયું છે. દેશના બાકીના હિસ્સામાં પહેલી માર્ચ ૨૦૨૭થી જાતિઓની ગણતરી અને જનગણના કાર્ય શરૂ થશે. દેશમાં વસ્તી ગણતરી ૨૦૨૧માં કરાવવાની હતી, પરંતુ કોરોનાના લીધે તે કરાઈ શકાઈ ન હતી. હવે પછી આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં કરાવવામાં આવશે.

આ વખતની વસ્તી ગણતરી બે તબક્કામાં પૂરી થશે. પહેલો તબક્કો ઓક્ટોબર ૨૦૨૬માં પૂરો થશે. જ્યારો બીજો અને અંતિમ તબક્કો પહેલી માર્ચ ૨૦૨૭ના રોજ પૂરો થશે. જનગણનાનો પ્રાયમરી ડેટા માર્ચ ૨૦૨૭ સુધીમાં આવી શકે છે. જ્યારે વિગતવાર આંકડા ડિસેમ્બર ૨૦૨૭ સુધીનો સમય લાગી શકે છે. તેના પછી લોકસભા અને વિધાનસભા બેઠકોનું સીમાંકન શરૂ થઈ શકે છે અને આ દરમિયાન મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો અમલ કરી શકાય છે. આમ ૨૦૨૯ની ચૂંટણી પહેલા મહિલાઓ માટે અનામત બેઠકોને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

દેશમાં વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં કરાવવામાં આવે છે. એક હાઉસિંગ સેન્સસ અને બીજું પોપ્યુલેશન સેન્સસ. આ વખતે આખી પ્રક્રિયા ડિજિટલ ટેકનિક પર આધારિત હશે. તેમા મોબાઇલ એપ્સ અને સ્વગણતરીનો વિકલ્પ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી  મુર્મુ અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ  પહેલી  એપ્રિલે જ  જનગણનામાં પોતાનું નામ  નોંધાવી દીધું છે. સેન્સસ- ૨૦૨૬-૨૭ નવી સહસ્ત્રાબ્દીની બીજી વસતિગણતરી છે અને તેને દેશની આર્થિક પ્રગતિ તથા ઉદારીકરણની અસરોનો આયનો માનવામાં આવશે. પહેલી એપ્રિલથી આ ગણતરીની જોરદાર કવાયત શરૂ થઈ ગઈ છે. દેશના સેન્સસ કમિશ્નરે  કહ્યું છે તેમ દેશના ૧૪૫ કરોડથી વધુ નાગરિકોની વસતિગણતરીમાં તેમના જીવનધોરણની અને સામાજિક સાંસ્કૃતિક જીવનશૈલીની વિગતો એકઠી કરાશે. આ કામગીરી માટેની પ્રશ્નાવલીમાં આવાસનો પ્રકાર, ઘર બાંધવા વપરાયેલો માલ, ઓરડાની સંખ્યા, શયનખંડ, રસોડા, જાજરૂની વિગત, વિદ્યુત જોેડાણ, એરકન્ડિશનર, કમ્પ્યુટર, લેપટોપ રાંધણ બળતણ, કચેરીએ પહોેંચવા માટેનું વાહન વગેરે મુદ્દાનો સમાવેશ થાય છે.  આ પ્રશ્નાવલિથી એકત્ર થયેલી વિગતોના તેમ જ સરકારે દાખલ કરેલી નવી નીતિઓની સફળતા-નિષ્ફળતા વિશે મહત્ત્વના તારણો મળી રહેશે. તૈયાર કરાયેલી પ્રશ્નાવલીમાં નર-નારીનાં સંવેદનશીલ મુદ્દાનો સમાવેશ પણ કરાયો છે. મહિલાઓ અને નાગરિકોએ પીવાલાયક પાણી માટે કેટલે દૂર જવું પડે છે તેની વિગતો  પણ મેળવાઈ રહી છે.

દર ૧૦ વર્ષે આપણા દેશમાં વસતિ ગણતરી હાથ ધરવામાં આવે છે જે આ પ્રકારની આખા વિશ્વમાં સૌથી મોટી કાર્યવાહી છે. સરકારે આ કામગીરી માટે આશરે, ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે,  આ રકમ જનગણના કાર્ય માટે નવા હોદ્દાની રચના કરવા, કર્મચારીઓના પ્રવાસભથ્થાં તેમ જ મોંઘવારી  ભથ્થાના ખર્ચને પહોંચી વળવા માટે ખર્ચાશે. આ રીતે આ સેન્સસ પ્રોજેક્ટ માટે વ્યક્તિદીઠ ૮૩.૭૯ રૂપિયાનો ખર્ચ થશે.

ભારતમાં સેન્સસ કાર્યને દુનિયામાં સૌથી મોટું વહીવટદારી કાર્ય ગણવામાં આવે છે. ચીન ભલે વધારે વસતિ ધરાવતું હોય, પરંતુ ત્યાં આ રીતે દર ૧૦ વરસે દેશવ્યાપી ગણતરી થતી નથી. અલબત્ત, ચીનમાં આ કાર્ય નિયમિત રીતે રોજેરોજ કસબાં, ગામડાં નગર અને શહેરી સ્તરે થાય છે. ત્યાંના તમામ પ્રસુતિગૃહ, કબ્રસ્તાન વગેરે જીવન-મરણની રજેરજ માહિતીની નોેંધ રાખે છે તેમ જ સંબંધિત સરકારી દફતરમાં આ માહિતી કમ્પ્યુટરમાં નોંધાતી રહે છે.

ખેર, ભારતમાં આવી યંત્રણા ગોઠવતા વાર લાગશે. આપણા દેશમાં આ જનગણના કામ કેન્દ્ર તેમ જ રાજ્ય સ્તરે સંયુક્ત રીતે પૂરું કરવામાં આવે છે. 

નાગરિકોને લાગે વળગે છે ત્યાં સુધી મહત્ત્વનું એ છે કે સેન્સસના અધિકારીઓ ઘરમાં ક્યારે અને કેટલો સમય ડોકાયા કરશે? ભારત જેવા સ્વતંત્ર  લોકશાહી દેશમાં નાગરિકોની 'પ્રાયવસી' જેવી પણ કોઈ ચીજ હોય કે નહીં! આ વખતે તૈયાર કરાયેલી વિસ્તૃત પ્રશ્નાવલીના જવાબ આપતા જ કેટલાક ઢીલાપોચા માણસો પાણી પાણી થઈ જશે. તમારા ઘરઆંગણે સવાલો પૂછવા અને વિગતો ભરવા આવેલા સેન્સસના સ્ત્રી-પુરુષ કાર્યકરો તમારા હાથમાં એક ફોર્મ પકડાવી તમારા ઘરની અંદર તિરછી નજરે બધુ નિરખ્યા કરશે.

એક અધિકારીએ કહ્યું તેમ  ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ડોટ) પાસે તેમણે કેટલા ફોન કનેક્શન આપ્યા તેની વિગતો તો હોય, પરંતુ આમાંના કેટલા ટેલિફોન ઘરમાં છે અને કેટલાં વ્યાપારી સંસ્થાન કે સરકારી કચેરીમાં વપરાય છે. તેના અલગ આંકડા ઉપલબ્ધ નથી. આ વખતના સેન્સસમાં આ વાત પણ સ્પષ્ટ થઈ જશે.

ભારતમાં હાલ ૧૫ કરોડ ટીવી સેટ વપરાશમાં છે. પણ વસતિગણતરી વખતે મેળવનારી માહિતીથી  એ સ્પષ્ટ થઈ જશે કે સમાજના કયા સ્તરે, કયા વર્ગમાં કેટલાં ટેલિવિઝન છે આ માહિતી ટીવી સિરિયલ બનાવનારા તથા વિજ્ઞાપન એજન્સીઓને ખૂબ ઉપયોગી થઈ પડશે.

પાછલા દસ વરસમાં ભારતભરમાં સ્કૂટર, મોપેડ, મોટરસાયકલ વગેરે દ્વિચક્રી વાહનોનો વપરાશ બહુ વધ્યો છે. સર્વેક્ષણથી આ વાહનના વપરાશની રસપ્રદ વિગતો મળશે તેમ જ આજના કારમાલિકોમાંથી કેટલા ગઈકાલે સ્કૂટર માલિક હતા તેનો ભેદ પણ પરખાઈ જશે. કાર, જીપ, વાન, વગેરેના માલિકોની માહિતી એકત્ર કરવાથી આર્થિક વિકાસના લાભ કયા વર્ગમાં વધુ પહોંચ્યો છે. તેના કારણો શું છે વગેરે બાબતોનું તારણ નીકળી શકશે.  આ સિવાય ઈલેક્ટ્રીક બાઈક કે મોટર વાપરનારાની સંખ્યા પણ ખબર પડશે. ઉપરાંત શહેરોના ભાવિ આયોજનમાં પણ આ માહિતી કામ લાગશે.

આ સેન્સસમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટને લગતી વિગતો મેળવીને પ્રજાની બચત કરવાની ટેવ, બેન્કોની પસંદગી પાછળના ઉદ્દેશ તેમ જ ગામડાઓમાં બેન્કોનું નેટવર્ક વધારવાની જરૂરિયાત વિશે સ્પષ્ટ અંદાજ મેળવી શકાશે. 

આવી જ રીતે વીજળીના વપરાશ બાબત પણ અમુક સવાલો પૂછીને નાગરિકો પાસેથી ઉપયોગી માહિતી એકત્ર કરાશે. ગામડા અને દૂર જંગલો કે પહાડોમાં રહેનારાઓમાંથી કેટલા  લોકો હજુ વિદ્યુત પુરવઠાથી વંચિત છે અને શહેરોમાં વીજળીનો  કયા કયા કામસર ઉપયોગ થાય છે તે પણ ખોળી કાઢવામાં આવશે, આ સિવાય સોલાર સિસ્ટમનો ઉપયોગ કરનારાની  વિગતો પણ એકત્ર કરાશે. ઝૂંપડાઓમાં કે બીજા સ્થળે ગેરકાનુની રીતે થતા વીજળી વપરાશની વિગતો પણ આ સેન્સસમાં બહાર આવશે એવી ધારણા છે.

કોલકાતા, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવાં મહાનગરોમાં આવેલી ઝૂંપડપટ્ટીની સંખ્યા પણ કદી  વ્યવસ્થિત રીતે ગણવામાં આવી નથી. આ વખતની જનગણનામાં ઝૂંપડાની ગણતરી કરી તેમને ક્રમ આપવામાં આવશે. આમ કરવાથી શહેરોમાં અધિકૃત તથા અનધિકૃત રીતે બંધાયેલા ઝૂંપડા, કાચા-પાકા મકાનોનો ખ્યાલ આવશે. અનેક મોટા શહેરોમાં ૫૦ ટકા ઝૂંપડાં અનધિકૃત છે આવા ઘરને નંબર આપવા કે તેની નોંધ લેવા સરકારી અધિકારીઓ તૈયાર થતા નથી, કારણ કે તેમનું માનવું છે કે આવા નંબર આપવાથી આ ગેરકાનુની ઝૂંપડા કે ઘર અધિકૃત બની જશે. પરંતુ આ કામ કરવું આવશ્યક બની ગયું છે. બાદમાં અનધિકૃત ઝૂંપડા મકાનોની વિગતો જે તે શહેરની સુધરાઈને આપી દેવાશે.

જોકે સૌથી મહત્ત્વનું પાસું છે પરિવારના સભ્યોની અંગત બાબતોેનું સર્વેક્ષણ. દરેક ઘરમાં પરિણીત યુગલોની સંખ્યા કેટલી છે, શું દરેક યુગલને અલગ બેડરૂમ ઉપલબ્ધ છે, વગેરે પ્રશ્નો પણ પૂછવામાં આવશે. અમેરિકાના સેન્સસમાં પણ આવા સવાલો પૂછી નાગરિકોની અંગત બાબતોેમાં માથું મારવામાં આવે છે. જોકે સરકાર એવો ખુલાસો કરે છે કે અમે આવી  માહિતી વિષદ્ સામાજિક પ્રશ્નોની છણાવટ કરવા માટે જ એકઠી કરીએ છીએ.

એક વિચિત્ર સવાલ એ પણ પૂછાશે કે તમારા ઘરમાં વાસણ, કપડાં ધોવા માટે વપરાયેલું પાણી છેવટે કેવી રીતે નિકાલ થાય છે? બંધ ગટરમાં ખુલી ગટરમાં કે પછી કોઈ ગટરની સુવિધા જ નથી? ૧૯૯૧ સુધી ઘરમાં અલગ બાથરૂમ હોવું એ એક લક્ઝરી ગણાતી હોવાથી આ બાબતનો પ્રશ્ન આવરી લેવાયો નહોતો. આ વખતના સેન્સસમાં બાથરૂમની વિગતો પણ માગવામાં આવશે!

ગયા વર્ષે પ્રધાનમંડળની સમિતિએ આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સામાજિક અને આથક સશક્તિકરણ અને સમગ્ર રાષ્ટ્રીય પ્રગતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે, વસ્તી ગણતરી પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.

થોડા સમય પહેલા રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા(આરજીઆઇ)એ ટ્વિટર પર જણાવ્યું હતું કે ૨૦૨૬માં પ્રથમ વખત વસ્તી ગણતરી મોબાઇલ એપ દ્વારા કરવામાં આવશે. 

આરજીઆઇએ વધુમાં જણાવ્યું છે કે સેન્સસ એક્ટ, ૧૯૪૮ હેઠળ નાગરિકોના ડેટાની ગોપનીયતા જાળવવામાં આવશે. આ એક્ટની જોગવાઇઓનું પાલન ન કરવા બદલ પ્રજા અને સેન્સસ અધિકારીઓ બંનેને દંડ ફટકારવામાં આવશે.

સમગ્ર પ્રક્રિયાનું સંચાલન અને દેખરેખ માટે એક સમપત પોર્ટલ, સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ડિજીટલ વસ્તી ગણતરી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય સાયબર સુરક્ષા જોગવાઈઓ મૂકવામાં આવી.

આ પ્રકારની માહિતી એકત્ર કરવાનો હેતુ એટલો જ છે કે એના આધારે પ્રજાની સુખાકારી, જીવનધોરણને લગતું ચિત્ર સ્પષ્ટ થાય છે. ૨૦૧૧ની વિગતો જોઈએ તો ખબર પડશે કે ભારતમાં મૂળભૂત જરૂરિયાતની કેટલી ઉપેક્ષા થઈ રહી છે.  ગણતરીમાં આવરી લેવાયેલા સવા પંદર કરોડ ઘરોમાંથી માત્ર ૧૬ ટકા ઘરોમાં પીવાના પાણી, ટોઈલેટ, તથા વીજળી કનેક્શનની સુવિધા હતી. તેમાંય ગ્રામીણ ભારતમાં તો ફક્ત ચાર ટકા ઘરો  આ ત્રણ સુવિધા ધરાવતી હતી. હવે ૨૦૨૬-૨૭ના સેન્સસમાં શું વાત બહાર આવે છે તે જોવાનું રહેશે.

પહેલી માર્ચ,  ૨૦૨૭ ના દિવસે વસતિગણતરીનું કાર્ય સંપૂર્ણ થઈ જતા માહિતીનો ખજાનો તૈયાર થઈ જશે. આખા ડેન્માર્ક દેશની વસતિ જેટલા અફસરો, કારકુનો આ જનગણનાના વિરાટ કાર્યમાં જોતરાયા છે. હવે જોઈએ, તેમની મહેનત કેવો રંગ લાવે છે!