Get The App

વસંત ગ્રીષ્મના મજિયારા શેઢેથી

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
વસંત ગ્રીષ્મના મજિયારા શેઢેથી 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ચૈત્ર કેલેન્ડરનાં પાનાં ઉપરથી 'આવજો' કરે છે, પણ એને ગ્રીષ્મના પ્રભાવ સાથે, વૈશાખનો આવકાર પણ મળી રહ્યો છે. બંને ક્રિયાઓ-ઘટનાઓ એકસાથે ભજવાઈ રહી છે

જુ ઓ તો ખરા, જતા ચૈત્રના ચહેરા ઉપર વૈશાખનું વ્હાલ દેખાઈ રહ્યું છે. ચૈત્ર-વૈશાખ સાવ પાડોશી. બંનેનો શેઢો મજિયારો એ મજિયારા શેઢા ઉપર લીમડો અને આંબો બંને છે. ચૈત્ર કંઈ લીમડા ઉપર માલિકીભાવ દાખવતો નથી અને આંબો કેવળ વૈશાખનો નથી. આંબાની ઉપર આવતી કેરી ભલે વૈશાખી ફળ કહેવાય પણ એની ગંગોત્રી ચૈત્રના ક્યારામાં રહેલી છે. ચૈત્ર-વૈશાખ વચ્ચે ક્યારેય મારા તારાની તકરાર થઈ નથી. ઋતુઓ વચ્ચે તો કેવળ સંવાદ જ હોય છે. વૈશાખી ડાળી ઉપર ક્યાંક ચૈત્ર ઝુલા ખાય તો વૈશાખ કંઈ ઉતારી ન દે, અને ચૈત્રની જાજમ ઉપર વૈશાખી તડકાને અડ્ડો જમાવવાની છૂટ હોય છે. કેરીનો પરવાનો માત્ર ગ્રીષ્મ પાસે જ નથી હોતો, વસંત અને વર્ષા પણ એનો અચૂક લાભ લઈ શકે છે. ચૈત્રની જાજમ ઉપર વૈશાખ ઠેકડા મારે તો ? તૃષાને જન્માવે, કૂણી કૂંપળ બાળે તો ચૈત્ર કંઈ પોલિસ કેસ કરતો નથી. બંને ઋતુઓ દેરાણી જેઠાણી નહિ, સગી મા જણી બહેનો છે.

સંવાદ એ પ્રકૃતિનો સ્વભાવ છે. શીમળા, કેસૂડા, ગરમાળા, ગુલમહોર માત્ર ફાગણના જ થોડા છે ? ચૈત્ર અને વૈશાખ સુધી એની પ્રતિષ્ઠા પહોંચે છે. શીમળો પર્ણોને પરાજિત કરી પુષ્પો માટે જગ્યા કરી આપે છે તો લીમડો પીળાં પર્ણો ખેરવી નાખી વૈરાગી થયા પછી સંસારી થઈ જાય છે. શીમળા અને લીમડા ઉપર ચૈત્રનો અધિકાર ખરો, મમતા ખરી પણ તેથી કંઈ વૈશાખના ભાગ્યમાં એનું કંઈ જ ના હોય એવું જડબેસલાક બનતું નથી. કોઈ ઋતુને પોતાના વૃક્ષોનું અભિમાન હોતું નથી. વૈશાખની પ્રતિષ્ઠા આંબાને કારણે છે અને ચૈત્ર લીમડાથી પ્રતિષ્ઠિત થયો છે. તેમ છતાં બંને વૃક્ષોનો સદ્ભાવ બંને વસંત અને ગ્રીષ્મની ઉપર સંવાદી ભૂમિકામાં જોઈ શકાય. પીપળાનાં કૂણાં પર્ણો જાણે પીપળાનાં તેજપુષ્પો ! એટલો ચળકાટ અને નાજૂક કુમાશ વૈશાખ સળગાવી નાખતો નથી. ચૈત્રની ચાદરમાંથી વૈશાખની રજકણો મળે છે. રૂપાળી કન્યાનાં લંબકર્ણપુષ્પો ધારણ કરેલો ગરમાળો ફાગણમાં મ્હોરે, ચૈત્રમાં કોળે ને વૈશાખમાં વિખરાય છે ! કોલેજમાં નવી દાખલ થયેલી રૂપાળી કન્યકા ઉપર સૌનું ધ્યાન ખેંચાય એમ ગ્રીષ્મ નામની કોલેજમાં મોગરો ધ્યાન ખેંચે છે. મોગરાની માયાનો કેટલો મોટો વિસ્તાર છે ! હેમંતની શીતળતાને જોઈ ગ્રીષ્મ ક્યારેય દ્વેષ ના કરે.... આનંદ કરે.

ભલે, તમારી ડાયરીનાં પાનાં ઉપરથી ચૈત્ર આથમ્યો. એ ચૈત્ર કેલેન્ડરનાં પાનાં ઉપરથી 'આવજો' કરે છે, પણ એને ગ્રીષ્મના પ્રભાવ સાથે, વૈશાખનો આવકાર પણ મળી રહ્યો છે. બંને ક્રિયાઓ-ઘટનાઓ એકસાથે ભજવાઈ રહી છે. પેલો પવન એ ઘટનાઓનો સાક્ષી છે. જે પવને વૃક્ષો ઉપરથી પર્ણો ખેરવ્યાં એ વૃક્ષો ઉપર જ પવનની સાક્ષીએ કૂપળો ફૂટી એ પર્ણો-પુષ્પો બને છે તે પણ પવનની સાક્ષીમાં જ !! ચૈત્ર જઈ રહ્યો છે લીમડા ને લીલાછમ્મ બનાવીને, યૌવન આપીને ! એ જઈ રહ્યો છે કેસૂડાં, શીમળા અને ગરમાળાનો આશ્લેષબંધ શિથિલ કરીને ! ફૂલોનો વૈભવ છોડીને ! આમ ચાલ્યા જવાનું કોઈને પોષાય ? ઋતુઓ પાસેથી એ જ શીખવાનું છે. રાગ અને ત્યાગ બંને તેની પાસે છે. જેટલી ઝડપથી રાગ-ભોગ કરે છે એટલી જ સહજતાથી ઐશ્વર્યને 'આવજો' કરીને ઋતુઓ ચાલી જાય છે. એ અર્થમાં ઋતુઓ યોગી જેવી ! વૃક્ષો સંતો જેવાં ! પાંદડાં પીળાં થઈ ખરી જાય, પછી નવી કૂંપળો ફૂટે નવા આકારે પર્ણો પુષ્પો પાંગરે... પ્રકૃતિમાં ભારે સંવાદ હોય છે. 

રણને ઊંટ સાથે, જંગલને ઝાડ સાથે, દરિયાને ચંદ્ર સાથે સંવાદ જ હોય છે. શીમળાની કાંટાળી ડાળ ઉપર પ્રગટેલા રાતાં ફૂલોનો પણ સંવાદ છે. જેમ ઉષા-સંધ્યાનાં આભલાં નૂતન રંગો ધારણ કરે છે એ રંગોમાં પણ ઋતુઓનું જ મિશ્રણ હોય છે, ચૈત્રનાં સૂનકાર અને વૈશાખી ભૂખરો તડકીલો રંગ બંનેને આંખોમાં આંજીને સંવાદી આકાશ બેઠું છે. ચૈત્રના મંડપમાં પાથરેલી તડકાની જાજમ ઉપર વૈશાખના જાનૈયા ગોઠવાઈ જાય તો ચૈત્ર થોડો કોઈને ના પાડે ? ન પાડે. ચૈત્રની રાયણને વૈશાખી આંબા સાથે પ્રેમ થઈ જાય તો તેને ઋતુઓ આવકારે છે, કોઈને ય નાતબહાર નથી મુકતી ! વૈશાખી આંબે ટહુકતી કોયલને ચૈત્રી લીમડો કાઢી નથી મૂકતો ! ઋતુઓની ડાળી ઉપર 'ર્શ ઈશ્ઇરૂદ કે 'કોઈએ, અહીં વાહન પાર્ક કરવાં નહિ' એવાં બોર્ડ જોવા નથી મળતાં... વિદાય લેતાં રાતાચોળ શીમળા જેવાં તડબૂચ અને મીઠી મધ જેવી સક્કર ટેટી જેવો તડકો આ સમયે જ વધુ પાંગરે છે. એમાં ચૈત્રની ચાહત પણ છે અને વૈશાખનું વ્હાલ પણ. મહુડાના મધુ પુષ્પોમાં જે માદકતા છે અને મોગરાના જે મોહકતા છે એમાં ચૈત્ર અને વૈશાખ બંનેનું ગૌરવ છે. પ્રકૃતિ શાણી છે એને લય અને વિલયમાં સંવાદ સાધતાં આવડે છે. બોગનવેલનાં ગંધ વગરનાં રંગીન પુષ્પો ગમે તે ઋતુનો માંડવો શોભાવે છે. 'બારમાસી' શું છે ? બધી ઋતુને સાનુકૂળ આવતું પુષ્પ !! રતુંબડી ગોરસ આમલીના વૃક્ષ ઉપર કાતરા ઝુલે છે. રતુંબડી બોરસલ્લી ફળવતી બની છે ! ઘઉં કોઠારે પહોંચ્યા છે - બટાટાએ ખેતરો ખાલી કર્યાં છે. રાઈ પાકી ગઈ છે. વરિયાળી પાકી રહી છે. પહાડોનાં હાડ તપ્યાં છે. રણની કાયામાં તાવ છે - ધૂળિયો વંટોળ એ તાવને તાવીજ બાંધે છે. કેરીઓ નવવધૂની જેમ ડાળી ઉપર શણગાર સજીને ઊભી છે. એનો રંગ પણ દિવસે દિવસે પલટાય છે. લીમડાની ડાળી ઉપર હવે જુઓ લીંબોળીઓ હિલ્લોળાય છે ! ઝાડને છાંયે વટેમારગુ લાંબા થયા છે. ચૈત્રનો ચળકાટ ધરતીની જાજમ ઉપર હજુ પથરાયેલો જ છે, અને એની ઉપર વૈશાખી વટ્ટ, વ્યવહાર અને વરણાગીપણાં અડ્ડો જમાવીને બેસી ગયાં છે. ત્યારે કહેવાનું મન થાય છે ઋતુઓ આપણા જેવી ઇર્ષાળુ નથી હોતી. પરસ્પર સંપીલી હોય છે.