For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ધ સગાન કોન્સ્પિરસી' : 'ફર્મિઝ પેરાડોક્સ' અને 'ડ્રેક ઇક્વેશન'નું રહસ્ય

Updated: Sep 17th, 2022

Article Content Image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

શું બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? બ્રહ્માંડમાં આપણું સ્થાન જાણવાની ઇચ્છા એ માનવીય ઉત્કંઠા છે. હજારો વર્ષોથી લોકોએ આ પ્રશ્ન પર વિચાર કર્યો છે. ખરેખર, પ્રભુ ઇસું ખ્રિસ્તના જન્મના સેંકડો વર્ષ પહેલાં, એનાક્સિમેન્ડર અને એપીક્યુરસ જેવા ગ્રીક ફિલસૂફોએ અનુમાન કર્યું હતું કે 'બ્રહ્માંડ ગ્રહોથી ભરપૂર છે, જેમાંથી ઘણા ગ્રહ જીવનને ટેકો આપી શકે તેવા છે. આ ફિલોસોફીને આગળ વધારવામાં,  આધુનિક વિજ્ઞાાનના મહામાનવ જેવા  એનરીકો ફર્મી અને કાર્લ સગાને  પરગ્રહવાસી વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્લ સગાન કહે છે કે 'આપણે  જે બ્રહ્માંડમાં રહીએ છીએ, તે ખૂબ જ અદ્ભૂત રીતે વિશાળ, ઊંડાણમાં નમ્ર હોય તેવું છે.'  જેમ કે સગાન આપણને વારંવાર યાદ કરાવે છે કે 'બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ ક્ષુલ્લક છે. આપણે બ્રહ્માંડમાં માત્ર  થોડાક દાણાદાર તત્વ  જેવા છીએ. આપણી હાજરી એક મહાન શ્યામ મહાસાગરમાં તેજની ચમક જેવી ક્ષણિક પણ હોઈ શકે છે. અથવા કોઈક રીતે આપણે અહીં રહેવા માટે, આપણી સૌથી ખરાબ વૃત્તિ અને પ્રાચીન તિરસ્કારને પાર કરવાનો રસ્તો શોધીએ છીએ. જેમાંથી આપણે આખરે ગેલેક્ટીક પ્રજાતિ બની ગયા છીએ. આપણે આપણી સૂર્યમાળા જેવા  અન્ય સેંકડો સૂર્ય માળાઓમાં અન્ય પરગ્રહવાસી લોકોને પણ શોધી શકીએ છીએ', અન્ય પરગ્રહવાસી એટલે અદ્યતન સંસ્કૃતિના રહેવાસીઓ, જેને સગાન 'એન્સિયન્ટ એલિયન્સ' કહે છે. ૨૦૧૭માં સગાનનાં 'એન્સિયન્ટ એલિયન્સ' કોન્સેપ્ટ આધારિત  એક પુસ્તક, ડોનાલ્ડ એલ. ઝાયગુટીસે પ્રકાશિત કર્યું છે. જેનું ટાઈટલ છે. 'ધ સગાન કોન્સ્પીરસી'. જેમાં લેખક દાવો કરે છેકે નાસાએ  જાણીજોઈને,  વૈજ્ઞાાનિકો અને લોકો 'એન્સિયન્ટ એલિયન્સ' વિશે વધારે રસ ધરાવતા ન થાય તે માટે પ્રયત્નો કર્યા  હતા.  શું આ વાત સાચી છે? 

'એન્સિયન્ટ એલિયન્સ'

કાર્લ સગાને શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. જ્યાં તેમણે અનુક્રમે ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી હતી. ૧૯૬૦માં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમનું પ્રારંભિક કાર્ય ગ્રહોની ભૌતિક પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. જેમાં ખાસ કરીને શુક્ર અને ગુરુના વાતાવરણ ઉપરના તેમના સંશોધનનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન તેમને પૃથ્વીની બહારના જીવનની સંભાવના અને બહારની દુનિયાની બુદ્ધિમાન પ્રજાતિ (SETI)ની શોધમાં રસ પડયો હતો. જે એ સમયે એક વિવાદાસ્પદ સંશોધન ક્ષેત્ર હતું. કેટલાક વૈજ્ઞાાનિકોએ સગાનના કાર્યની ટીકા કરી  કે SETI પ્રોજેક્ટ લગભગ ચોક્કસપણે નિષ્ફળ  જવાનો છે.' લેખક ડોનાલ્ડ ઝાયગુટી કહે છે કે 'આ સમયગાળામાં કાર્લ સગાને જે સંશોધન કાર્ય કર્યું હતું, તેમાં 'એન્સિયન્ટ એલિયન્સ'નો  પણ સમાવેશ થાય છે. નાસાના આર્થિક યોગદાનથી કાર્લ સગાને એન્સિયન્ટ એલિયન્સ ક્ષેત્રમાં સંશોધન કર્યું હતું. આમ છતાં નાસાએ, લોકોનું ધ્યાન બીજી તરફ દોરાય તેવા કામ કરીને, કાર્લ સગાનનાં સંશોધનને અન્ય વૈજ્ઞાાનિકોની. લોકોની નજરથી દૂર રાખવાનું કામ કર્યું છે. લેખક ડોનાલ્ડ કહે છે કે '૫૦થી વધુ વર્ષોથી તેમના લખાણોનો અભ્યાસ કર્યા પછી, હું મારી જાતને કંઈક અંશે કાર્લ સગાન પર વિદ્વાન માનું છું - પરંતુ તે સંદર્ભમાં હું ભાગ્યે જ એકલો છું. પુલિત્ઝર પુરસ્કાર-વિજેતા લેખક, કાર્લ સગાન વિશ્વભરમાં લાખો વફાદાર અનુયાયીઓ ધરાવતા હતા અને હજુ પણ ધરાવે છે. જેઓ તેમણે લખેલા દરેક પુસ્તકના દરેક શબ્દને ઉત્સાહપૂર્વક ઉઠાવી લેતા હતા. સગાનની SETI માન્યતાઓ, ખાસ કરીને પ્રાચીન એલિયનિઝમ પરના તેમના કાર્ય પર વિશ્વની એકમાત્ર ઓથોરિટી હોવાનો મારો દાવો છે. હું માનું છું કે હું પ્રથમ વ્યક્તિ છું જેણે પ્રાચીન એલિયનિઝમ પરની લેખિત સામગ્રીને પુનઃપ્રાપ્ત કરી અને જાહેર કરી છે. જેને નાસા દ્વારા દબાવી દેવામાં આવી છે. સંતાડવામાં આવી છે.'

સગાનનું સંશોધન

કાર્લ સગાન એક એવી વસ્તુનો પરિચય આપે છે. જેના વિશે એ સમયે ખૂબ જ થોડા લોકો જાણતા હતા. ૧૯૬૨માં નાસાના ભંડોળમાંથી ગ્રાન્ટ મેળવીને તેમણે એક સ્પષ્ટ સંશોધન પેપર ૧૯૬૨માં પ્રકાશિત કર્યું હતું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જિનેટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર કાર્લ સગાને એક દસ્તાવેજી કામ કર્યું હતું. જે કાર્લ સગાન દ્વારા વિકસિત પ્રાચીન એલિયનિઝમના વ્યાપક મોડેલને દર્શાવે છે અને વૈજ્ઞાાનિક પદ્ધતિના તમામ નિયમો અને કડક થીયરીનું પાલન કરે છે. આ સંશોધનપત્રની અન્ય વૈજ્ઞાાનિકો દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. છેવટે વૈજ્ઞાાનિક જર્નલ, 'પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સ'માં પ્રકાશિત થયું હતું. પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સ હજુ પણ વિશ્વના ટોચના અવકાશ વૈજ્ઞાાનિકોના સંશોધનને પ્રકાશિત કરવાના વ્યવસાયમાં છે. વર્ષો બાદ કાર્લ સગાન એક  પ્રખ્યાત વૈજ્ઞાાનિક બન્યા. પરંતુ ત્યારબાદ આ સંશોધનપત્રની કોઈએ ચર્ચા કરી નહીં. આજે હજારમાંથી ભાગ્યે જ એક વ્યક્તિને તેમના આ સંશોધનપત્રની જાણ હશે. તેનાથી પણ ઓછા લોકો જાણતા હશે કે 'તેમણે ૧૯૬૨માં ઇન્ટરસ્ટેલર સ્પેસફ્લાઇટ અને પૃથ્વી પરની ભૂતકાળની એલિયન મુલાકાતો વિશે લખ્યું હતું. તેઓ ૧૯૯૬માં ૬૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા ત્યાં સુધી, ઇન્ટરસ્ટેલર સ્પેસફ્લાઇટ અને પૃથ્વી પરની ભૂતકાળની એલિયન મુલાકાતોમાં પોતાની શ્રદ્ધા ટકાવી રાખી હતી. SETI  રેડિયો ટેલિસ્કોપ વડે એલિયન સિગ્નલ શોધવામાં નિષ્ફળ ગયા પછી એટલે ત્રીસ વર્ષ પછી, સગાન નાસાને અવગણવાની તૈયારી કરી રહ્યા હતા. છેવટે તેમણે મૌન તોડયું અને જાહેરાત કરી કે 'તેમને ખાતરી છે કે પૃથ્વી, કેટલીક પ્રાચીન પરગ્રહવાસી સભ્યતા દ્વારા, મુલાકાત લેવાયેલ ગ્રહ છે.' ઝાયગુટીનો આરોપનો  છે કે '૧૯૬૪માં નાસાના અધિકારીઓએ, પેન્ટાગોનના નિર્દેશનમાં, 'એન્સિયન્ટ એલિયન્સ' માન્યતાને દબાવવાનો ભયંકર નિર્ણય લીધો હતો. સગાનનું સંશોધન પેપર હકીકત છે. સગાનના ‘Intelligent Life in the Universe, બ્રહ્માડના પ્રાચીન એલિયન લખાણો હકીકત છે. તેઓ મૃત્યુ પહેલાં જે છેલ્લા પેપર પર કામ કરી રહ્યો હતાં. તે સ્પેસફેરિંગ એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ્સ વિશે હતું. તે પણ હકીકત છે. 

કાર્લ સગાન : 'જનીનવિદ્યાનાં વિશારદ'?

ઘણા ઓછા લોકો જાણે છેકે 'કાર્લ  સગાને, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જિનેટિક્સના વિઝિટિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા પણ આપી હતી. આ જીનેટિક્સ વિભાગના વડા, વાસ્તવમાં નોબેલ પુરસ્કાર વિજેતા જોશુઆ લેડરબર્ગ હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે ખાતે ખગોળશાસ્ત્રમાં સગાનની મિલર રિસર્ચ ફેલોશિપ સમાપ્ત થવા જઈ રહી છે તે જાણીને, લેડરબર્ગે નાસાને સગાનને પાલો અલ્ટોમાં તેની 'નવી સ્કુલ આફ જિનેટિક્સ'માં સહાયક વિઝિટિંગ પ્રોફેસર તરીકે ટૂંકા ગાળા માટે નિમણૂક આપવા માટે સમજાવ્યું હતું. તેઓ બર્કલેમાં હતા, ત્યારેNASA ગ્રાન્ટ NSG-126-61 દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.  કાર્લ સગાને સંશોધન કર્યું હતું અને ‘Direct Contact Among Galactic Civilizations by Relativistic Interstellar Spaceflight' પ્રકાશિત કર્યું હતું. જેણે તેના પ્રાચીન એલિયન સિદ્ધાંત માટે વૈજ્ઞાાનિક પાયો નાખ્યો હતો. લેડરબર્ગને બહારની દુનિયાના અસ્તિત્વની શક્યતામાં એટલે કે  પરગ્રહવાસી સભ્યતામાં ઊંડો રસ હતો.

સંશોધનપત્રમાં સગાન લખે છે કે 'સુમેરિયનો અને અક્કાડિયનોના અનુગામીઓ બેબીલોનીયન, એસીરીયન અને પર્સિયન હતા. આમ સુમેરિયન સંસ્કૃતિ ઘણી બાબતોમાં આપણા પોતાના પૂર્વજ છે. મને લાગે છેકે જો સુમેરિયન સંસ્કૃતિને સુમેરિયનોના વંશજો દ્વારા દર્શાવવામાં આવે છે, તે અમાનવીય (પરગ્રહવાસી) મૂળની છે. તેની સંબંધિત દંતકથાઓની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ.' સુમેરીઅન દંતકથા સૂચવે છેકે પસયન ગલ્ફના કિનારે, કદાચ પ્રાચીન સુમેરિયન શહેર એરિડુના સ્થળની નજીક, ચોથી સહસ્ત્રાબ્દી પૂર્વે માનવ અને બિન-માનવ સંસ્કૃતિ વચ્ચે સંપર્ક થયો હતો. જેનાં ત્રણ અલગ અલગ પરંતુ ક્રોસ-રેફરન્સ એકાઉન્ટ્સ છે. એલેક્ઝાન્ડર ધી ગ્રેટના સમયે, બેબીલોન શહેરમાં, બેલ-મર્દુકના પાદરી બેરોસસને તેના સમય પહેલાના, હજારો વર્ષ પ્રાચીન ક્યુનિફોર્મ અને પિક્ટોગ્રાફિક રેકોર્ડ્સની તપાસ કરી હતી.' એલિયન્સ પ્રાચીનકાળમાં સંભવત પૃથ્વીની ઉત્ક્રાંતિ દરમિયાન હજારો વખત આપણા ગ્રહની મુલાકાત લે છે. ત્યારબાદ જ્યારે આપણે મનુષ્યો હજી નાના શિકારી સમૂહોમાં પ્રાણીઓની જેમ જીવતા હતા, ત્યારે ભગવાન જેવા એલિયન્સ પૃથ્વી પર આવ્યા અને સુમેરિયનોને લેખન, સ્થાપત્ય, કૃષિ, પશુપાલન, કાયદો, ગણિત, એન્જિનિયરિંગ શીખવ્યું હતું.' જો આ ક્ષેત્રમાં વધારે સંશોધન થાય તો આશ્ચર્યકારક પરિણામ મળી શકે છે.

'ફર્મિઝ પેરાડોક્સ' સગાનની શંકાઓની તરફેણ કરે છે

કાર્લ સગાન માનતા હતા કે '૧૪ અબજ વર્ષ પહેલા શરૂ થયેલા બ્રહ્માંડની  સરખામણીમાં, આપણી સૂર્યમાળાની ઉંમર માત્ર સાડા ચાર અબજ  વર્ષ છે. જ્યારે આપણી આકાશગંગાની  ઉંમર ૧૦ અબજ  વર્ષ છે. પૃથ્વી ઉપર મેઘાવી મનુષ્ય સૃષ્ટિની વાત કરીએ તો તેને એક લાખ વર્ષ પણ થયા નથી. મનુષ્યનાં ટેકનોલોજીના વિકાસની વાત કરીએ તો, તેને માત્ર સો-સવાસો વર્ષ થયા છે. બૌદ્ધિક ગણાતા  હોમોસેપિયન્સનો ૧૦૦ થી ૪૦૦ વર્ષનો ગાળો, કોસ્મિક સ્કેલ પર અન્ય પરગ્રહવાસીઓની  ટેકનોલોજી સાથે સરખામણી કરતી વખતે ખૂબ જ  નાનો ગણાય. આ કારણે જ સગાન માનતા હતા કે 'જો અદ્યતન અને ટેકનોલોજીમાં આગળ પડતા એલિયન્સ ક્યાંય પણ અસ્તિત્વ ધરાવતા હશે તો, તેઓએ પહેલાથી જ ચાર અબજ વર્ષ જૂના નિસ્તેજ વાદળી બિંદુ ('ૅચની મનેી ર્ગા - સગાનનો શબ્દ') જેને આપણે માનવ પૃથ્વી કહીએ છીએ, તેને શોધી  હશે. અને તેની મુલાકાત પણ લઈ ચુક્યાં હશે.  જેના અવશેષો પૃથ્વી ઉપર ક્યાંકને ક્યાંક ધરબાયેલા પડયા છે.  જેને શોધવાની જરૂર છે.  પરગ્રહવાસી કે 'એન્સિયન્ટ એલિયન્સ'ને  અંતરિક્ષની જગ્યાએ, પૃથ્વી ઉપર જ શોધવાની જરૂર છે. ૧૯૪૩ની શરૂઆતમાં ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મી દ્વારા વિકસાવવામાં આવેલ એક સરળ પ્રમેય, 'ફર્મીઝ પેરાડોક્સ' આજે પણ સગાનની શંકાઓની તરફેણમાં એક શક્તિશાળી દલીલ છે. ફર્મીઝ પેરાડોક્સ સમય અને અવકાશના વિશાળ પંથ પર ઘણા ગ્રહો પર જીવનના વિકાસની ઉચ્ચ સંભાવનાને નોંધે છે. સગાન એમ પણ માનતા હતા કે 'જો પૃથ્વી પર જીવનની શરૂઆત કરવામાં પરગ્રહવાસીઓનો  કોઈ રોલ હોય તો, મનુષ્યના ડીએનએમાંથી તેની સાબિતી અને પ્રમાણ મળી શકે તેમ છે.'  પૃથ્વી પર 'એન્સિયન્ટ એલિયન્સ'ની મુલાકાતના સંદર્ભ અને મનુષ્ય ડીએનએમાં એલિયન્સ અંશ શોધવાની કાર્લ સગાનની ખૂબ ઈચ્છા હતી. આ કારણસર તેમણે જીનેટીસ્ટની ભૂમિકા પણ અદા કરી હતી. આ વાત સાંભળીને ઘણાને આશ્ચર્ય થશે. કાર્લ સગાન ખ્યાતનામ ખગોળશાસ્ત્રી હતા કે પછી 'જનીનવિદ્યાનાં વિશારદ'? 

Gujarat