For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'રાણીબા'નો ખજાનો : લોહી ને લૂંટની તારાજી પર બેઠેલું બ્રિટિશ રાજ!

Updated: Sep 18th, 2022


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- કવીન એલિઝાબેથના દેહાંત બાદ વળી કોહીનૂર જેવી ભારતથી તફડાવી લેવાયેલી 'ધરોહરો' પાછી મેળવવાની માંગ બુલંદ બની છે!

ગ્રી સના રળિયામણા પાટનગર એથેન્સમાં વિરાટ એક્રોપોલિસ મ્યુઝિયમ છે. જેટલું વિશાળ છે, એટલું ભવ્ય નથી. કારણ ત્યાં અઢી હજાર વર્ષ જૂના પાર્થેનોનના અવશેષોની મુલાકાત લો તો સમજાય. જેની આખેઆખી દીવાલ જ ત્યાં નથી, પણ એ જોવી હોય તો યુરોપનો શેન્જેન વિઝા પડતો મૂકી, બ્રિટિશ વિઝા કરાવીને યુકે જવું પડે. ત્યાં લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં એ જોવા મળે! એટલે તો એ ટૂચકો છે કે અંગ્રેજોથી પિરામીડ ઉંચકાયા નહિ, બાકી એ જોવા ઈજીપ્તને બદલે લંડન જવું પડત!

સ્ટાર ઓફ આફ્રિકા જેવા વિરાટ (કોહીનૂરથી ય મોટા) હીરાથી નેપોલિયનના રોઝેટા સ્ટોન સુધી જગતની કેટકેટલીય બેશકીંમતી વિરાસતોનો ખજાનો તાજેતરમાં અધધધ સિત્તેર વરસ તાજ ભોગવી (રાજ કર્યું એમ તો કેમ કહેવાય?) દિવગંત થયેલા રાણી એલિઝાબેથ પાસે એટલે કે બ્રિટિશ રાજ પાસે પડયો છે. એટલે તો હમણાં જ રવીના ટંડને જોન ઓલિવરની ટ્વીટને આગળ કરી જેમાં એવું કહેવાયું છે કે, 'બ્રિટીશ મ્યુઝિયમ એ તો ક્રાઇમ સીન છે!'

એલિઝાબેથના ભરપૂર આયુષ્ય બાદ નિધન પછી બ્રિટનમાં રમૂજી મીમ્સ સિવાય પેલેસ પર દેખાયેલા મેઘધનુષ અને અંતિમ વિધિના કાફલા પર પડેલા સૂર્યકિરણ સુધીની ચર્ચાઓ થઈ. એમ તો આફ્રિકાથી અમેરિકા સુધીના સંશોધકોએ 'કોલોનિયલ બ્રિટિશ રૂલ' યાને વિલાયતી સામ્રાજ્યવાદ સામે વિદ્રોહી અવાજ પણ ઉઠાવ્યો. ભારત તો પૂર્ણ સ્વતંત્ર થઈ ગયું પણ ઘણા બ્રિટિશ તાબામાં રહેલા કોમનવેલ્થ દેશો એવા છે, કેનેડાથી ન્યુઝીલેન્ડ સુધીના કે જ્યાં ચૂંટાયેલી સરકારો રાણીના નામે શપથ લેતી હોય કે કરન્સી નોટ પર પણ બ્રિટિશ ક્વીન હોય!

એમ તો ભારતને એની સમૃદ્ધિ માટે બ્રિટિશ રાજના સમયમાં 'જ્વેલ ઇન ધ ક્રાઉન' કહેવાતું. મુગટનો મુખ્ય ચમકતો હીરો. સ્કોલર શશી થરૂરે બ્રિટિશરોએ ભારતમાં ચલાવેલી ઉઘાડી લૂંટ પર આખું પુસ્તક લખ્યું છે, જે વાંચવાની ભલામણ આ કટારમાં થઈ પણ ગઈ છે. રેઢાં ખેતરમાં 'ભેલાણ' કરવા જંગલી આખલા ઘૂસે એમ બ્રિટિશરો ભારત આવ્યા ત્યારે મુઘલકાળ મુખ્ય ગણાય પણ ભારતની સમૃદ્ધિ ઓછી નહોતી થઈ. આજે વર્લ્ડ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં ત્રણ ટકા હિસ્સો ધરાવતા ભારતનો ત્યારે વિશ્વની કાચી રાષ્ટ્રીય પેદાશમાં હિસ્સો ૨૫%ની આસપાસ એટલે આખી દુનિયાના ચોથા ભાગનો હતો. ઇનફેક્ટ, ઇસ્તંબુલ ખાતે ભારતથી માલ ભરી જતા આરબ વેપારીઓએ કાળા મરીના ભાવમાં પાંચ શિલિંગનો વધારો કર્યો, એમાં તો મસાલાનું ડાયરેક્ટ ટ્રેડિંગ કરવા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી (યોગાનુયોગે જે હવે એક ભારતીય મૂળના વેપારીએ લઈ લીધી)

ફિલ્મોનો શોખ હોય (ને હોવો ય જોઈએ હોં!) તો 'પાઇરેટ્સ ઓફ  ધ કેરેબિયન'માં ચાંચિયા જેક સ્પેરો સામે મૂળ વિલન ગોરા સાહેબોના રાજની ઇસ્ટ ઇન્ડિયા કંપની છે! ચાંચિયાઓને ય લૂંટી લેનારા હાકેમો કેવા હશે? જસ્ટ એક દ્રષ્ટાંત ૭ સપ્ટેમ્બર, ૧૬૯૫ના રોજ જ્યારે ભારતમાં મુઘલ શાસન હતું અને ત્યારે ય હુન્નર તથા કૃષિ પેદાશોને લીધે સમૃદ્ધિની રેલમછેલ હતી (સ્ટીલ. ગળી, મલમલ, તેજાના, ખાંડ બધું જ જગતની પહેલા અહીં મળતું! સોના ને હીરા સહિત!) ત્યારે ગંજ-એ-સિવાઈ નામનું જહાજ અંગ્રેજી ચાંચિયાઓએ લૂંટયું સુરતથી યમન ૯૦૦ મુસાફરોની સાથે. સોનુ, ચાંદી અને રત્ન- ઝવેરાતનું મૂલ્ય આશરે એ સમયના છ લાખ પાઉન્ડ (આજના ૪૦ કરોડ અમેરિકન ડોલર થયા, જેને રૂપિયા માટે ૮૦થી ગુણવા પડે!) જેટલું હતું! આ દોલત કેવી લખલૂટ કહેવાય એનો અંદાજ એ કે ૧૬૮૮ની સાલમાં ઇંગ્લેન્ડમાં એવરેજ એન્યુઅલ સેલરી ૩૨ જી હા, ફક્ત બત્રીસ સ્ટર્લિંગ પાઉન્ડ હતી!

આ તો એક દિવસનો, એક જહાજનો ખજાનો થયો. અંગ્રેજ રાજ શરુ થયું પછી તો બે હાથે જાજમથી ઝુમ્મર સુધીની વસ્તુઓ થકી એમની જીડીપી મજબૂત કરતી લૂંટ ચાલી. ભારતમાંથી વિદાય થતી વખતે અઢી લાખ પાઉન્ડ લઈ નીકળેલા રોબર્ટ ક્લાઇવે તો વળી જાહેરમાં કહ્યું કે, આથી ક્યાંય તોસ્તાન ખજાનો એ દેશમાં છે એમ તો સોનારૂપાના હીરા લૂંટી જતા આક્રમણો મહમૂદ ગઝનવીથી શરૂ થયેલા પણ કોઈને સવાલ નથી થતો કે દર વખતે લૂંટ બાદ અક્ષયપાત્રની જેમ ભારત ફરી સમૃદ્ધ કેવી રીતે થતું?

જવાબ છે ભારતનું ગ્રામીણ અર્થતંત્ર. ઇસ્લામિક આક્રાંતાઓ લૂંટી જતા પણ રૂરલ ઇકોનોમીને હાથ નહોતા અડાડતા. ઉત્પાદનમાં મોસમની ભૌગોલિક મહેરબાની અને વારસાગત વધેલા તથા સચવાયેલા કસબને લીધે ભારત સંપૂર્ણ સ્વાવલંબી અને પ્રચંડ હતું, જે આજે આટલી આઝાદી ને ટેક્નોલોજી પછી પણ થયું નથી. ઉસ્તાદ અંગ્રેજો એ બધું ચૂસીને ૧૯૪૭માં ગયા ત્યારે છોતરાં ગોટલાંની જેમ દેશ ભૂખડીબારશ જેવો કરી ગયા, એટલે ગાંધીજીએ આત્મનિર્ભર સ્વદેશી સ્વરાજ ગામડાથી શરૂ કરવાની હાકલો કરેલી.

ઠીક છે, એ બધું ગયું એમાં એ નાયાબ હીરો કોહ-ઇ-નૂર યાને પ્રકાશનો પર્વત પણ ગયો જે બધાની જીભે છે. હમણાં જ ક્વીનના અવસાન બાદ બે જગ્યાએથી એના માટે દાવા થયા. પૂર્વમાંથી પુરીના જગન્નાથ મંદિર અને દક્ષિણમાંથી વારાંગલના ભદ્રકાલી મંદિર!

કોહીનૂરની દાસ્તાન લાંબી લેખણે અગાઉ લખી છે, એ ખાસ્સી દિલચસ્પ છે પણ હાલ પૂરતો ક્વિક રિકેપ કરવાનો છે. પણ એ ખ્યાલ હોવો જોઈએ કે ૧૮મી સદી સુધી જગતમાં હીરા માત્ર અને માત્ર ભારતમાંથી આવતા! એ પછી બ્રાઝિલમાં હીરાની ખાણ મળી ને બાદમાં ઓસ્ટ્રેલિયા ને કોંગો જેવા આફ્રિકન પ્રદેશ હીરા ઉત્પાદનમાં ક્યાંય આગળ નીકળી ગયા. ઘણા માયથોલોજીકલ રીતે કોહીનૂરને કૃષ્ણ પર જે ચોરવાનું આળ નખાયેલું એ સ્યમંતક મણિ જ કોહીનૂર ગણે છે. જેના થકી અંતે કૃષ્ણને સત્યભામા અને જાંબવતી બે જીવનસંગિની પ્રાપ્ત થયેલી. આ હીરાને અપશુકનિયાળ ઠેરવતી દાસ્તાનો તૂતન ખામેનના મમી જેવી જગજાહેર છે, અને માત્ર સ્ત્રીઓ જ ધારણ કરે તો શ્રાપ લાગતો નથી એ પહેલાં પુરુષો બરબાદ થઈ જાય છે, એવું માનવામાં આવે છે!

વેલ, નદી કિનારેથી મળ્યો હોવાનું મનાતો ને એ સમયે સાતસો કેરેટનો ઇંડા જેવડો હીરો ગણાતો કોહીનૂર માળવાના રાજા પાસેથી પોતાના સજાતીય પાર્ટનર ગણાતા મલેક કાફૂર થકી ખીલજીએ છીનવી લીધો ને એ બાદમાં મુઘલો પાસે પહોંચ્યો એવું કહેવાય છે. એક કિવદંતી ચાલુક્ય રાજા પુલકેશી દ્વિતીયના ભદ્રકાલી મંદિરેથી એ ઉત્તર ભારતના રજવાડાઓમાં પહોંચ્યો અને શાહજહાંને ભેટ ધરાયો એવી છે. શોખીનમિજાજ શાહજહાંએ સુલેમાન ઉર્ફે સોલોમીનના દંતકથામય 

સિંહાસન જેવું ભવ્યાતિભવ્ય મયુરાસન પોતાના માટે તાજમહાલ કરતાં ચાર ગણા ખર્ચે વર્ષો બાદ તૈયાર કરાવેલું. જેમાં સેંકડો હીરા, માણેક, નીલમ, પોખરાજ, પન્ના વગેરે સાથે ટોચ પર કોહીનૂર હીરો ઝગારા મારતો હતો!

'ગેમ ઑફ થ્રોન્સ' જેવી સિરિયલ બને એ રીતે રોમાંચક દાસ્તાન કોહીનૂરની વર્ણવતું ફાઇનલ લેટેસ્ટ ઓથેન્ટિક રિસર્ચ સાથે અંગ્રેજીમાં અનીતા આનંદ અને વિલિયમ ડીલરિમ્પલે લખ્યું છે. શાહજહાંના મયુરાસનની ખ્યાતિ આસપાસ ફેલાઈ કારણ કે ત્યારે એશિયામાં સૌથી મજબૂત સામ્રાજ્ય ભારતનું હતું અને એ બન્યાના સો વર્ષે નબળા પડેલા મુઘલો પર આક્રમણ કરી ૧૭૩૯માં દિલ્હી પર હુમલો કરનાર પર્શિયન (ઇરાનિયન) લૂંટારો નાદિરશાહ ક્રૂર કત્લેઆમ કરી લખલૂટ દોલત લૂંટી ગયો. ૭૦૦ હાથી, ૪૦૦૦ ઊંટ અને ૧૨,૦૦૦ ઘોડા પર લાદી નાદિરશાહ બધું લઈ ગયો (માત્ર દિલ્હી સલ્તનતનો ખજાનો!) ત્યારે મયૂરાસન એણે ભંગાવી નાખેલું પણ તિમૂર રૂબી નામનો એક માણેક અને કોહીનૂર પોતાના કાંડે રાખેલો. પછી તો અહમદશાહ દુર્રાનીએ નાદિરશાહ પાસેથી એ પડાવી લીધો અને ૭૦ વર્ષ એ અફઘાનિસ્તાન રહ્યો. ને જેની પાસે રહ્યો એનો દુઃખી લોહિયાળ અંત જોતો ગયો. ૧૮૧૩માં પંજાબના મહારાજા રણજીતસિંહ ખાસ્સા શક્તિશાળી, અને અફઘાની શાહ સુજાને કેદ પકડી ટોર્ચર કરી કોહીનૂર નીચોવીને એમણે કઢાવ્યો પણ રણજીતસિંહના કમનસીબે એમના સામ્રાજ્યને બહુ મહાન બનાવે એ પહેલાં એમના મૃત્યુ પછી એ વિવાદોમાં ઘેરાઈ ગયું. ૧૮૩૯માં એમના મોત બાદ એ હીરો મંદિરમાં જડાવાને બદલે ચાર વર્ષમાં ચાર ઉમેદવારો સિંહાસનમાં આવ્યા, એમાં પડયો રહ્યો. ચાલાક અંગ્રેજોનો ડોળો એના પર હતો જ. રાણી જિંદ કૌર માત્ર દસ વર્ષના બાળરાજા દુલીપસિંહને બેસાડી, કાંડુ આમળી સંધિ કરી પંજાબની સાથે કોહીનૂર પણ ઇંગ્લેન્ડ ભેગો કરી દીધો!

પછી તો એ મહારાણી વિક્ટોરિયા પાસે પહોંચ્યો અને ૧૮૫૧માં શાહી પ્રદર્શનમાં મુકાયો ત્યારે મૂળ કદથી સંકોચાઈને કપાતા કપાતા ૧૯૧ કેરેટના રહેલા એ હીરાને આતુરતાથી જોવા ઉમટેલી પબ્લિક નિરાશ થઈ. હીરો નામ મુજબ તેજસ્વી રહ્યો નહોતો. સાધારણ દેખાતો હતો. જૂન ૧૮૫૧ના બ્રિટિશ 'ટાઇમ્સ'માં છપાયું કે આ તો મામૂલી કાચ જેવો લાગે છે!

એ વાંચી પ્રિન્સ આલ્બર્ટ, યાને ક્વિન વિક્ટોરિયાના પતિએ ફરીથી એને પોલિશ કરાવ્યો ને ઉઠાવ તથા તેજ આપતા 'બ્રિલિયન્ટ કટ' બાદ વિક્ટોરિયાએ પોતાના બ્રોચમાં જડાવ્યો, પછી પુત્રવધૂ એલેક્ઝાન્ડ્રાના તાજમાં ગયો. જ્યાંથી એ હજુ મોજુદ છે એ પ્રવાસીઓ એ જોઈ શકે છે! (ગુજરાતી નવલકથાનો કોઈ નાયક લંડન જઈને ટાવર ઑફ લંડનમાંથી કોહીનૂર લઈ આવે એવો ઇમેજીનેટિવ પ્લોટ કેમ નથી?)

માત્ર કોહીનૂર જ શા માટે? આવું તો કેટલું ય આપણું બ્રિટનમાં ખાનગી અને સરકારી સંપત્તિ તરીકે સચવાયું છે. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં શાહજહાંનો જેડમાંથી બનેલો બેનમૂન રૂપેરી વાઈન જાર યાને સુરાહી છે. ટીપુ સુલતાનની તલવાર તો વિજય માલ્યા થકી આવી ગઈ. પણ ટીપુનો વાઘ અને 'રામ' લખેલી વીંટી જેવી ઘણી ચીજો પરદેશમાં છે. ઇથોપિયન મેન્યુસ્ક્રિપ્ટ સાથે બ્રિટિશ મ્યુઝિયમમાં ૧૮૫૯થી અમરાવતી માર્બલ્સ પહોંચી ગયા છે. આખી આરસની કોતરેલી દીવાલો!

૨૦૧૪ પછી 'ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટ' બાદ અનુજ સક્સેનાની એનજીઓ ને ભારત સરકારે ઘણું પાછું મેળવ્યું છે. હજુ ત્યાં મહારાજા રણજીતસિંહનું સિંહાસન છે. ૨.૩ મીટર ઉંચી ૫૦૦ કિલો વજનની ગુપ્તયુગની સુલતાનગંજથી મળેલી તાંબાની મૂર્તિ બર્મિંગહામ મ્યુઝિયમમાં છે.

પણ આ મામલે અમુક બ્રિટિશ પુરાતત્ત્વવિદની દલીલો એવી છે કે, 'ખોટી રીતે આ બધું અહીં આવ્યું એ બરાબર પણ અહીં એ સચવાયું છે. મ્યુઝિયમોમાં યુરોપ કે અમેરિકામાં એ કીંમતી જણસોની સલામતી છે. ઘણા ગરીબ નાના દેશોને એમની ચીજ પાછી આપો તો ય સાચવી શકતા નથી. ખરાબ થઈ જાય છે કે ત્યાંથી પછી લૂંટાઈ જાય છે. જે- તે સંસ્કૃતિના નામ સાથે મ્યુઝિયમમાં મુકાય તો ગ્લોબલ ન્યુ જનરેશન સામે પ્રચાર- પ્રસાર જે- તે દેશનો જ થયા કરશે. ને એ રીતે એ દેશની મુલાકાત ન લેનારા ય એ દેશની સમૃદ્ધ વિરાસત ઓળખતા થશે.'

વાતમાં દમ તો છે. ડિજીટલી સંસ્કૃતિ સંસ્કૃતિના જાપ જપતા મર્કટોની મેદની વધે છે, પણ ગુજરાતમાં જ ખસ્તાહાલ પડેલા શિલ્પો, દરવાજાઓ, વાસણો જેવી એન્ટિક દુર્દશા જોઈને ખ્યાલ આવે કે કલ્ચર આપણા માટે બીજા ઉપર પછાડવાની મર્યાદાની લાઠી અને ઘેટાંશાહીનો એક્સ્ટેન્ડેડ ઇગો છે. અમુક ફેમસ ચીજોની નોંધ લેવાય અને દેખરેખ થાય, પણ નિખિલ સિંહ રાજપૂતે બનાવેલી 'બ્લડ બુદ્ધા' ડોક્યુમેન્ટરી જુઓ તો ખબર પડે કે ૨૦૧૪થી ૨૦૧૮ સુધીમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની બધેથી આવેલી ૨૮ અણમોલ ચીજો પુરાના કિલા ખાતે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ભંડકિયામાં ધૂળ ખાય છે! માત્ર સનાતન સનાતન સ્ટીકર લગાડવાને બદલે કેટલાને થોડા પાનાઓ સાચા વાંચવામાં કે મ્યુઝિયમમાં જવામાં રસ છે? કવીનની પહેલા આ રૂચિ મરણ પામી છે!

ફાસ્ટ ફોરવર્ડ

''સોનાની કસોટી આગથી થાય છે, સ્ત્રીની કસોટી સોનાથી થાય છે. પુરુષની કસોટી સ્ત્રીથી થાય છે!'' (સેનેકા, રોમન ફિલોસોફર)

Gujarat