For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંગીતની સફર રેડિયોથી 'હેલો ગૂગલ' સુધીની

Updated: Sep 18th, 2022

Article Content Image

- ઈયરફોન કાનમાં ભરાવી  કુલ 1000 વોટ્ઝનો અવાજ અને સ્માર્ટફોન પરથી સુરીલી સરગમ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- અગાઉના વર્ષોમાં સંગીત પરિવારને હળવા વાતાવરણ સાથે જોડી રાખતું હતું : જો ઘરને ઘર જેવું બનાવવું હોય તો બધાને ગમે તેવું ગીત- સંગીત પરિવારના બધા સભ્યો સાંભળી શકે તેમ અડધો કલાક તો માણવું જ જોઈએ

વિ શ્વરભરના ૨૨ કરોડથી વધુ ગ્રાહકો ધરાવતી મ્યુઝિક એપ 'સ્પોટીફાઇ' અને 'નિલ્સેન'એ સર્વે હાથ ધરેલો કે ભારતમાં શહેરોના નાગરિકો ક્યારે અને કેવા પ્રકારનું ગીત- સંગીત સાંભળવાનું પસંદ કરે છે. સ્વાભાવિક રીતે સૌથી વધુ નાગરિકો તેમના ઘેર હોય ત્યારે સંગીતને માણે છે. ભારતના ૮૧ ટકા નાગરિકો શ્રાવ્ય કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી કોઈને કોઈ ગીત- સંગીત સાંભળે છે. તેમાંથી ૭૧ ટકા નાગરિકો એવા છે કે જેઓ ઘરમાં તેમનું કામ કરતા સંગીતની સફર ખેડે છે. કાનમાં ઇઅર ફોન ભરાવી ૬૯ ટકા કર્મચારીઓ સંગીતના સથવારે ઓફિસમાં કામ કરે છે.   ઘર કે જીમમાં વર્કઆઉટ વખતે   ૭૫ ટકા નાગરિકો સંગીત સાંભળતા હતા તે આંક હવે ૫૦ ટકા થઈ ગયો છે. કેમ કે યોગા અને ધ્યાનનો સમય વધતો જાય છે. એક રસપ્રદ તારણ એવું નીકળે છે કે અગાઉ ઘેર પૂજા કરતી વખતે બધા શાંતિ પસંદ કરતા હતા. જાતે જ સ્તુતિ, મંત્રો, પ્રાર્થના થાય તો જ ઘરમાં પરમ સંતોષ થતો પણ હવે ૪૮% ઘરો એવા છે કે જ્યાં પૂજા કનરાર વ્યક્તિ તેના ઘર મંદિરમાં દિવો- અગરબત્તી કરે, બે હાથ જોડી લે અને જે ભગવાન કે ગુરુમાં શ્રદ્ધા હોય તેની આરતી, ભજનો, નામકીર્તન, સત્સંગ અને આરતીની ઓડિયો શરુ કરી દે છે. નાનકડા મંદિરમાં દીપ પ્રગટાવવાના દીવેટના ડબ્બા કે માચીસની બાજુમાં સ્માર્ટ ફોન પરથી પહેલા ભક્તિ, સંગીત અને પૂજા પૂરી કર્યા પછી પોપ મ્યુઝિકની જમાવટ થાય. હવે તો મંદિરોમાં પણ નિશ્ચિત સમયે ટાઇમર સેટ કર્યું હોય આરતી અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર શરુ થઈ જાય. નગારા- ઢોલ પણ મશીન વગાડે. વિદેશના અમુક મંદિરો કે શ્રીમંતોના ઘરમાં તો આરતી કરનાર પૂજારી નહિ મળતા હોઈ હવે રોબોટ આરતી કરતા થયા છે. આધુનિક પૂજા- અર્ચન પર લેખનો વિષય સરકી ન જાય તે યાદ આવતા ફરી સંગીતના સર્વે પર આવી જઈએ. હા, ૮૦ ટકા નાગરિકો કારમાં ડ્રાઇવ કરતી વખતે સંગીત, ટ્રાફિક ઇન્ફો. અને આર.જે.ને સાંભળે છે. ખરેખર તો આ એકમાત્ર સમય હવે કાર પર કામે જનારા પાસે બચ્યો છે જે પોતીકો કહી શકાય પણ એક નવો બદલાવ તેમાં પણ આવ્યો છે કે એફ.એમ. રેડિયોની જગાએ મનપસંદ ડાઉનલોડ કરેલા ગીતો કે એપનો વ્યાપ વધતો જાય છે.

હવે ભારતની જ વાત કરીએ તો નાગરિકો કેવું અને શા માટે સંગીત સાંભળે છે ? તો એ પણ જાણી લો કે ૧૩- ૧૭ વર્ષના વયજૂથના જે પણ છે તેઓ ફાસ્ટ બીટનું, પશ્ચિમનું કે ભારતમાં પશ્ચિમના પ્રભાવથી બનેલું સંગીત પસંદ કરે છે. તેઓને મૂડમાં રહેવા ઉંમરના ઉન્માદ અનેબદલાતા હોર્મોન્સ જોડે હોર્મોની રચાય જાય તેવું જામે છે. કાન કરતા પગ થિરકાવે, વિજાતિય આકર્ષણ જાગે અને રોમાન્સના રોમાંચની કલ્પનામાં વિહરે તેવા આવેગની તે કુદરતી વ્યવસ્થા છે જે વડીલો આજની પેઢીની સામે મોં ફુલાવતા હોય તેઓએ તેમના જમાનામાં રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂરની ફિલ્મો કે 'એન ઇવનિંગ ઇન પેરિસ'થી માંડી 'બોબી' ફિલ્મના ગીતો જોતા, સાંભળતા હૃદયમાં જે હલચલ મચતી હતી તે યાદ કરી લેવું.   તે વખતના ગીતોના શબ્દોમાં પણ કેબ્રે, શરાબ, જામ, સેક્સ માટેની તડપ અને તે માટેની માંગનું આડકતરી રીતે અને સીધું જ સ્થાન પણ રહેતું.  

અત્યારના સંગીત સાંભળવાની એક મજા કે ખાસિયત એ છે કે હેડફોન કે ઇઅરફોન લગાવ્યા હોય તેથી દરેક વ્યક્તિ શું સાંભળે છે તે બીજાને ખબર નથી પડતી. જ્યાં સુધી આ શોધ નહોતી થઈ ત્યાં સુધી તો ઘરમાં રેડિયો, ટેપ રેકોર્ડર કે ગ્રામોફોન વાગે તે બધાને જે ગીત સંગીત ગમે કે ન ગમે સાંભળવું જ પડે. જો કે, કોઈએ સંગીતના માધ્યમોના વિકલ્પો જોયા જ નહતા એટલે બધા બધું એન્જોય કરતા હતા. અત્યારે રીમોટ કંટ્રોલ બાળકો કે ઘરના યુવાનો પાસે રહે છે તે જમાનામાં રેડિયાનું બટન કે નોબ વડીલોને આધીન હતો. તમામ વડીલો એવા નહોતા કે જેઓ કિશોર કે યુવા વયના સંતાનો જોડે મિત્ર બનીને રહે. પત્ની અને સંતાનો પર વડીલોની ધાક અને રોફ રહેતો. ધારો કે રેડિયો નિશ્ચિત સમયે વાગે તો પણ વડીલોની હાજરીમાં વોલ્યુમ ધીમુ રાખવાનું રહેતું. હા વડીલો ઓફિસે જાય એટલે બપોરે આકાશવાણી, વિવિધ ભારતી અને ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસનાં ફરમાઈશી ફિલ્મી સંગીત કાર્યક્રમોથી ઘર ધમધમી ઉઠતા, ફળિયા કે શેરીમાંથી પસાર થાવ તો એકબીજાની બારીમાંથી ગીતોનો અવાજ અથડાતો હોય. ફિલ્મ સંગીતના શોખીનો ઉદ્ધોષક હજુ ગીતકાર અને સંગીતકાર જોડીનું નામ બોલે ત્યાં જ ફિલ્મનું નામ શ્રોતાઓ કહી દેતા. અમીન સાયાની અને બિનાકા ગીતમાલા બંને જાણે કુટુંબના સભ્યો હતા. દર બુધવારે રાત્રે આઠથી નવ કુટુંબના બધા સભ્યો સાથે બેસીને સપ્તાહના ટોચના ગીતોની મજા માણે અને ક્રમમાં ઉથલપાથલ થાય તો ઘરમાં મીઠો મતભેદ પણ જામે.

 કડક વડીલો રેડિયાને પણ બહારથી કાચનું બારણું હોય તેવા કબાટમાં રાખતા અને તાળું પણ લગાવી દેતા પણ સામે એવા વડીલો અને પતિ મહાશયો પણ હતા જેઓ જીવનને મજાથી માણતા હતા પત્ની અને બાળકો જોડે સિનેમા જોવા જવાનું કે રેડિયો લગભગ ચાલુ હોય અને સાથે પતિ મહાશય ગીતની એકાદ રોમેન્ટિક પંક્તિ ગાય કે પત્ની ગીતના શબ્દો સંગાથે ટીખળ કરતા. રાત્રે સૂતા પહેલા આકાશવાણી અમદાવાદ- રાજકોટ પરથી ગુજરાતી નાટક આવતા નાટકની સ્ક્રીપ્ટ વાંચી જાણે નજર સામે જ નાટક ભજવાતું હોય તેમ રીતસર ઘેર બધાને હસાવી, રડાવી કે ડરાવી શકતા. શ્રાવ્ય સંવાદની દુનિયાના આ બાદશાહ જેવા કલાકારોને 'વાંચીકમ' જેવા ફેશનેબલ શબ્દની ખબર નહોતી. આવા નાટક ઉપરાંત છાયાગીત, આપ કી ફરમાઈશ સાથે રાત્રે અગિયાર વાગે બધા પથારી ભેગા થાય. 

આજે ઘણી વખત એવો વિચાર આવે કે, રેડિયાના લીધે સંગીતની મજા હતી અને કુટુંબ તનાવમુક્ત રહેતું હતું. આજે બધા પોતપોતાના ઇઅર ફોનથી સંગીત સાંભળે છે ઘરના પાંચ જણા કાનમાં કુલ ૧૦૦૦ વોટ્ઝથી વધુ અવાજ ઠલવાતો હશે પણ ઘરમાં ઉચાટભરી શાંતિ પ્રવર્તતી હશે. લગભગ બધાને પસંદ પડે એવું સંગીત બધા સાથે સાંભળે તો વાતાવરણ અને મૂડ જામતો હોય છે અને હળવાશ અનુભવાતી હોય છે એટલે જ રેસ્ટોરાંમાં કે ફાઇવ સ્ટારમાં બધાને પસંદ પડે તેવું સંગીત વાગતું હોય છે. આપણે અગાઉના જમાનામાં ઘેર આવું જ કરતા આપણે ઘરના સભ્યોની બંને પેઢીને ગમે તેવું કમ સે કમ અડધો કલાક તો સંગીત ઇઅર ફોન વગર બધા જ સાંભળે તેમ મુકવું જોઈએ. 

૨૫થી ૩૫ વર્ષના યુવાનો હવે ફાસ્ટ કે આઇટમ ટાઇપ કેગીતના શબ્દોમાં મર્મ કે સંગીતમાં આધુનિકતા છતાં કર્ણપ્રિય કોમ્પોઝિશન પસંદ કરે છે. અરિજિતસિંઘની સફળતા તેની આ કનેક્ટીવીટીને આભારી છે. આ વયજૂથ જીવન, પ્રેમ, સંબંધો અને અવનવા રંગ બદલતી દુનિયાના સાક્ષી બનવાનું પસંદ કરે છે. એકદમ ગમગીન, હારી ગયેલ કે નશામાં ગરકાવ થઈ જીવન વેડફી દેતા શબ્દો ધરાવતા રોતલ ગીતોની જગ્યાએ મોટીવેશનલ સ્પીચ સાંભળે છે. જ્યારે વ્યક્તિ જેમ જેમ વયસ્ક બનતી જાય છે તેમ તેના ખાસ મનપસંદ ગાયક, ગીતકાર કે સંગીતકારના ગીતો જોડે જ કનેક્ટ રહે છે તે નવા કોઈ સંગીત સર્જકોને અપનાવવા તૈયાર નથી હોતા તેમ પણ 'સ્પોટિફાઇ' સર્વે કહે છે. જો કે આવકાર્ય તારણ એ આવ્યું છે કે સોશિયલ મીડિયા સાથે હવે માત્ર ૪૦ વર્ષથી નીચેની વયના જ નહી પણ ૪૦થી ૭૦ વર્ષના વયજૂથના નાગરિકો પણ જોડાવા માંડયા હોઈ તેઓ જે પણ નવા અને યુવા ગાયકો, સર્જકો છે તેઓને ફેસબુક પર અને વોટ્સએપ પર ફોરવર્ડેડ હોય તો સાંભળે છે અને ગમે તો ફોલો પણ કરે છે. યુ ટયુબ, સ્પોટીફાઇ કે પ્રત્યેક ભાષાના સંગીતની એપ (જેમ ગુજરાતી ભાષામાં અતિ લોકપ્રિય છે તેવી 'જલસો' એપ) નવા કલાકારોને પ્લેટફોર્મ આપે છે.   બસ જીવનને માણવાની કોઈ ખાસ પળ, સમય કે સંજોગોનો ઇન્તેજાર ન કરતા જીવન તો પ્રત્યેક પળ માણવાનું હોય. જસ્ટ સ્ટે ટયુન્ડ, સ્ટે કનેક્ટેડ મન કા રેડિયો બજને દો...

Gujarat