થૂલ, સ્થૂળ, થૂલી અને થૂલું .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
દા ણામાં આવેલા બાજરીના ડૂંડાં ઉપર બેઠેલા નાનાં નાનાં ફૂલોની રુંવાટી, 'થૂલ બેઠું' એવો શબ્દ પ્રયોગ ખેડૂતો કરે છે. 'થૂલ' શબ્દમાં સ્થૂળનો ભાવ નિહિત હશે કે શું ? બહારથી દેખાય છે તે થૂલ... થૂલને ક્યારેય સ્પર્શ કર્યો છે ? થૂલ આખા ડૂંડા ઉપર શિસ્તબદ્ધ બેઠાં હોય છે. થૂલ એકવચન નથી, થૂલ બહુચવન છે. થૂલને પણ ગંધ હોય છે એના અસ્તિત્વ નીચે બીજને દાણાને આકાર મળે છે. આમ તો ધાન પાકે - પકવે એ ઘટનામાં એનો હિસ્સો નાનો નથી. ઘણા ખેડુતો એવું બોલે છે. થૂલ બેઠું જ નહિ, થૂલ આવે તે પ્હેલાં રોગ આવ્યો. આ બધી ઘટનાઓ થૂલનું મહત્વ સૂચવે છે. થૂલ એ કણસલા ઉપર બેઠેલું એક બખતર છે. ઢાલ છે. સુરક્ષા છે. થૂલમાંથી પવન-પ્રકાશ અંદર જઈ શકે. એ ગર્ભરક્ષા કરે છે અને ગર્ભનું સંવર્ધન પણ કરે છે. સંસ્કૃત तूल' ઉપરથી આવેલો શબ્દ છે એમ કોશકાર નોંધ છે. થૂલ જ્યાં જ્યાં હોય ત્યાં રક્ષણ અને સંવર્ધન બંનેનું કામ કરે છે. થૂલ એ મૂળ તત્વને સાચવે છે - સંરક્ષે છે - ઢાંકે છે પણ એ તત્વ વિકાસ પામે છે એને સહાયક પણ બને છે. સમગ્ર માયા ઈન્દ્રિયો ઉપર આચ્છાદિત થઈ ગયેલું થૂલ છે.
ઈન્દ્રિયો આત્માના માર્ગે અંદરથી વળે એ એનો આશય છે પરંતુ માનવજાત પ્રયોજન ભૂલી બેઠી છે. થૂલ ને જ મૂળતત્વ માની એની આસપાસ આંટાફેરા મારે છે, તત્વચૂક થવાનું કારણ જ માયા છે. 'થૂલ'ના પ્રાકૃતિક પ્રયોજનને સમજીએ તો આપણને માયાના અસારપણાનો ખ્યાલ આવે. આપણે ભ્રાન્તિમાં, ભ્રમણામાં જ જીવીએ છીએ. માયામાં-થૂલમાં જ ભૂલા પડયા છીએ. થૂલ ભ્રાન્તિ છે - જીવન તો અંદર રહેલું મૂળ તત્વ છે. 'થૂળ' શબ્દનો બીજો એક અર્થ જાડું, મોટું એવો પણ થાય છે. મુળ તો 'સ્થૂળ'... સ્થૂળ શબ્દ પણ બે અર્થ આપે છે - નકામું અને જાડું, વજનદાર, ભારે, ભરાવદાર. 'થૂલ' જે કણસલા-ડૂંડા ઉપર બેસે છે તે પણ દાણો તૈયાર થયા પછી નકામી છે એટલે 'થૂલ'નો ન-કામું એ અર્થ બેસે છે. એ ઉપરથી આપણે ત્યાં 'થૂલું' શબ્દ આવ્યો છે. 'થૂલું' શબ્દનો અર્થ થાય - લોટ ચાળતાં નીકળેલો છાલાં વગેરેનો ભાગ ભૂકો. એ પણ કામમાં લેતા નથી એટલે 'થૂલ'નું અર્થમૂળ જે ન-કામું છે તે થૂળ એમ થાય છે... એક રીતે સૂક્ષ્મનું વિરોધી 'સ્થૂળ' થાય તો બીજી રીતે ન-કામું એવો અર્થ પણ થાય. લાક્ષણિક રીતે જોઈએ તો જે જોઈ શકાય છે - તે સ્થૂળ... અને જે બારીક છે તે સૂક્ષ્મ... પેલી રુંવાટી દેખાય છે એ ઝીણી હોવા છતાં સ્થૂળ-થૂલ ગણાય. પણ એની ભીતર જે કંઈ છે એ તત્વ સૂક્ષ્મ... આત્મતત્વ એ રીતે સૂક્ષ્મ છે. અવળવાણી જેવું થાય, પણ આપણે થૂળ શબ્દના મૂળને જાણીએ તો બરાબર અર્થ કરી શકીએ.
'કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી' એ કહેવતમાં પણ 'થૂલી' શબ્દનો અર્થ ઘઉંની એક પ્રકારની વાનગી થાય છે. એ વાનગીમાં ખાંડ નહિ, મીઠું નંખાય. પાણી વધારે પડે... કંસારનો જ લોટ હોય પણ મીઠું અને પાણી વધારે પડી જતાં એ થૂલી બની જાય પછી તો એની વ્યંજના વિસ્તરે છે. કશુંક શુભ-સારું કરવાનું હોય તેની જગ્યાએ કશુંક અશુભ કે ખરાબ થઈ જાય ત્યારે એ કહેવત વપરાતી હોય છે. ત્યાં પણ થૂલુંની તુલના કંસારની તુલનામાં ઉતરતા ક્રમે આવે છે. થૂલી શબ્દ કંસારની તુલનામાં ઉભો રહે છે ત્યારે ભાષક તેને ઉપમેય જ માને છે, ઉપમાન તો કંસારને જ ગણે છે. 'થૂલું' શબ્દનો શાબ્દિક અર્થ લોટને ચાળવાથી નીકળેલો છાલાં વગેરેનો ભૂકો... 'થૂલું કાઢવું' એટલે દાણામાંથી છાલાં છૂટાં પાડવા... આજે તો ખેડુતે મજૂરોનું થૂલુ કાઢી નાખ્યું - જેવા પ્રયોગોમાં થકવી નાખવાનો અર્થ પણ થાય છે - માર મારવાનો અર્થ પણ કાઢી શકાય... 'થૂલું કાઢવું' એક અર્થ ચળામણ પણ કરી શકાય.
'થૂલ' એટલે ભારે જાડો - એમાંથી સ્થૂળ શબ્દ આવ્યો. વળી પાછુ જે સૂક્ષ્મ નથી તે માટે પણ સ્થૂળ શબ્દ વપરાય.
- 'સ્થૂળ જગત માયાવી છે. સૂક્ષ્મ જગતનો જ મહિમા છે.' આવાં વિધાનો જ્ઞાાનીજનો કરે છે. સત્વ વગરની વાતને થૂલા જેવી કહેતો અખો પણ જાણીતો છે.
- 'કરવા ગઈ કંસારને થઈ ગઈ થૂલી'માં પણ 'થૂલી' શબ્દનો અર્થ કંસારથી વિરૂદ્ધનો - મીઠુંનહિ, તીખું... ઉપરનું નહિ, નીચેનું એવી ઉચ્ચતાવત્તા પણ એમાં પ્રવેશે છે. માયાને કારણે માનવીમાં મમત્વ પ્રવેશે છે. મમત્વને કારણે આત્મતત્વ ઢંકાઈ જાય છે. મમત્વને માણસ કંસાર માનીને માયામાં-સંસારમાં રચ્યો પચ્યો રહે છે - પણ એ ભુલી જાય છે કે સાચો કંસાર- સાચું સત્વ તો આત્મતત્વ છે અંતે વિસારે પડાય નહિ - થૂલીને કંસાર માનીને જીવનારા મનુષ્યને ભ્રાન્તિમાંથી બહાર લાવવા માટે પણ થૂલી શબ્દ ઉપયોગી બની રહે છે.