પ્રથમ પ્રેમ .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'પ્રથમ પ્રેમ' નામની યિડિશ ભાષાની વાર્તાનો અનુવાદ સુરેશ જોષીએ કર્યો છે, લેખક છે મોઈશે નાદિર.
વાર્તા
ગે લિસિયાના અજાણ્યા ગામડામાં રહેતો બાર વર્ષનો એક કિશોર, એના પાંચ સાથીદારોની ભાગીદારીમાં, સુરેલ નામની ચૌદ વર્ષની કિશોરીના પ્રેમમાં ઊંધમૂંધ પડેલો. સુરેલ ઊંચી એડીના જોડા પહેરતી, વાળમાં ભૂરી ફીત ગૂંથતી અને હંમેશા ધોળાં હાથમોજાં પહેરતી. મોઢું ગોળમટોળ, રતૂંમડું ને ચમકતું. વાર્તાનાયક કિશોર કહે છે, 'હું તો એના પ્રેમમાં પડી ગયો, બહુ જ ઉત્કટ અને જીવલેણ પ્રેમમાં પડી ગયો... મારો આત્મા દેદીપ્યમાન અગ્નિશિખાના જેવો થઈ ગયો... નિશાળનો ઘંટ વગાડવાનું કામ મને સોંપવામાં આવે એવી મેં અમારા શિક્ષકને વિનંતી કરી. સુરેલ મને ઘંટનું દોરડું ખેંચતો જુએ તો હું કાંઈ રેંજીપેંજી નથી એવી એને ખાતરી થઈ જાય.' કિશોર મહિનાઓ સુધી ઘંટ ગજવતો રહ્યો, પણ સુરેલને જાણે કાને જ ન પડયો. પછી તો કિશોરને ખબર પડી કે પાઠશાળાના પાંચ છોકરા તેની જેમ જ સુરેલના પ્રેમમાં ગળાડૂબ હતા. 'અમે સૌ સુરેલના ઘરની આજુબાજુ ભમ્યા કરતા.. બિલાડીનું મ્યાઉં સાંભળતા ને એ બિલાડી સુરેલની હતી-ને અમને રોમાંચ થઈ આવતો. એ બાગનાં પાંદડાં પવનમાં ખખડતાં ને અમને હર્ષનો જુવાળ આવતો. એના ઘર પર આકાશમાંથી તારો ખરે તો અમારાં હૃદય વેદનાથી મૂઢ બની જતાં.'
દેવળ પાસે આવેલા ખોખા પર તે છ કિશોરોએ સુરેલનું નામ લખ્યું. તેના નામના છ અક્ષર અને છ પ્રેમીઓ. દરેકે અકેકો અક્ષર લખ્યો. તેઓ રોજ સમાચારની આપલે કરતા- હર્શેલે તેની મા સાથે ફરવા નીકળી ત્યારે જોઈ હતી, મોર્શેલને એ પોસ્ટ ઓફિસ પાસે ભટકાઈ ગઈ ત્યારે ધોળાં હાથમોજાં પહેર્યાં હતાં, ભઠિયારાને ત્યાં રોટી લેતી હતી ત્યારે ફેઇવેલને તેની ઝાંખી થઈ હતી.. પછી આ કિશોરોએ દસ આના આપીને પ્રેમવાર્તા ખરીદી અને તેનો અભ્યાસ કર્યો, પણ ઝાઝું શીખવા ન પામ્યા. મહિના પછી ગામમાં મેળો ભરાવાનો હતો. તેમાં કંદોઈ દુકાન માંડે ત્યારે મજાનું મીઠાઈનું પડીકું ખરીદી સુરેલને નજરાણામાં ધરવું એમ નક્કી થયું. સૌએ સ્કૂલના નાસ્તા માટે મળતા પૈસામાંથી બચત કરવા માંડી, અને મૂડી દેવળના ભોંયરામાં સંતાડી દીધી. આખરે મેળો ભરાયો. સર્વાનુમતે ઠરાવાયું કે સૌથી પહેલા પ્રેમમાં પડનાર હતા વાર્તાનાયક કિશોર અને હર્શેલ એટલે તેમણે કંદોઈ પાસે જવું. બધી પૂંજી ઠાલવીને કિશોરોએ મિઠાઈનું પડીકું ખરીદ્યું અને દેવળના ભોંયરામાં સંતાડયું. સુરેલના પિતા પૈસાપાત્ર અને વિદ્વાન હતા, ધોળા કોલર નીચે મખમલની ટાઈ પહેરતા. હર્શેલ અને વાર્તાનાયક તેમના ઘરથી થોડે છેટે ઊભા. 'ક્યાં હતી એ? ઓહ, આ આવી - નજીક ને નજીક. એના કાળા કોટની બાંય નીચે ધોળાં હાથમોજાં દેખાયાં... મારા હૃદયમાં.. કોઈ સાંકળ ખેંચીને ઘંટ વગાડતું હોય એવું લાગ્યું.' પડીકું ઝાલનારો હાથ ધૂ્રજવા લાગ્યો. હર્શેલ તો બાઘો બની ગયો. બન્ને કિશોરો નાજુકાઈથી રસ્તો રોકીને ઊભા. વાર્તાનાયક બોલ્યો, 'સુરેલ, વહાલી સુરેલ, આ તારે માટે છે.' સુરેલે પૂછયું, 'શા સારુ આપો છો?'
'બસ એમ જ, મારા ગળાના સમ,'કહી કિશોરે પડીકું સુરેલના હાથમાં સરકાવ્યું. 'તમારું ખસી ગયું છે?' તે તાડૂકી. તેણે ભેટ ફગાવી દીધી અને ઘરમાં જતી રહી. ડાઘુઓની જેમ ઝૂકેલા મસ્તકે કિશોરો પાછા વળ્યા. 'તે રાતે મૂક અને વિષણ્ણ ઘરડો ચન્દ્ર અમારા છ જણાના એ પ્રેતભોજનને જોઈ રહ્યો.' ખાંડના ચળકતા પડવાળી સુંદર મીઠાઈઓ છ કિશોરોએ આંસુમાં બોળીને ખાધી.
વાર્તા વિશે
શીર્ષક ભલે રહ્યું 'પ્રથમ પ્રેમ', પણ આ પ્રેમની વાર્તા નથી. આ તો કાચી વયના મોહની, આકર્ષણની વાર્તા છે, જેને અંગ્રેજીમાં 'પપી લવ' કહે છે. કિશોર સુરેલ વિશે કશું જાણતો નહોતો - તેની બુદ્ધિ, મન, સ્વભાવ, અરે તેની સાથે વાત સુદ્ધાં કરી નહોતી, છતાં પ્રેમમાં પડી ગયો હતો. સાહસ કરનારો પાછો એક નંગ નહિ, પૂરા અરધો ડઝન! તેમની વય બારની. ખરેખર તો આ વ્યંગ-વિનોદની વાર્તા છે, કાચી ઉંમરની નિર્દોષ લાગણીની અભિવ્યક્તિ છે.
રમેશ પારેખનો શેર યાદ આવે :
કિશોરવયમાં તમે છોકરી તરફ જોતા
એ કેવું છોકરા જેવું અને સરસ જોતા
સુરેલ હંમેશા ધોળાં હાથમોજાં પહેરતી. કિશોરો ગરીબ હતા, મિઠાઈ ખરીદવા તેમણે એક મહિના સુધી નાસ્તાના પૈસા બચાવવા પડયા હતા. હાથમોજાં પહેરનાર શ્રીમંત હોય. વળી ત્વચાને સ્પર્શી જ ન શકાય તો સંવેદના ક્યાંથી જાગે? ધોળાં હાથમોજાં ઠંડી શ્રીમંતાઈનું પ્રતીક છે. વાર્તાને અંતે 'એન્ટી ક્લાઇમેક્સ' લાવવાની હોવાથી, લેખક આરંભે કિશોરના પ્રેમને માટે 'આત્મા દેદીપ્યમાન અગ્નિશિખા જેવો થઈ ગયો' વગેરે વર્ણન કરે છે. સુરેલ સાથેની પહેલી જ મુલાકાતે 'પ્રેમ'નું બાળમરણ થયું. અનુવાદકે ઉચિત રીતે કિશોરોને 'ડાઘુ' અને મિઠાઈ આરોગવાને 'પ્રેતભોજન' કહ્યું છે. હેમેન શાહના શેરથી સમાપન કરીએ:
પ્રેયસી જેને કદી માની હતી
છોકરી એ ખૂબ તોફાની હતી.
હાસ્ય તો કૂણું અસલ તડકો હતું
અંગ આખું લયની મિજબાની હતી.
'આવજો' એણે કહ્યું તોફાનમાં
ક્યાં જરૂર કોઈ બહાનાની હતી?