Get The App

ગૂમડું જાતે ફોડયું તેથી વલ્લભભાઈ લોખંડી પુરૂષ કહેવાયા?

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
ગૂમડું જાતે ફોડયું તેથી વલ્લભભાઈ લોખંડી પુરૂષ કહેવાયા? 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- દેસાઈની હવેલી, જ્યાં સરદારે ગૂમડું ફોડયું હતું

- 'ઈંગ્લેન્ડ જવું હોય તો સાતથી દસ હજાર રૂપિયા જોઈએ, તેથી મેં મહેનત કરીને ઈંગ્લેન્ડ જવા માટે જરૂરી નાણાં કમાઈ લેવાનો મક્કમ નિર્ણય કર્યો.'

વ લ્લભભાઈ લોખંડી પુરુષ કેમ કહેવાયા? આ વિશેષણ એમના નામ સાથે નામથી પણ વિશેષરૂપે ચિપકાયું છે, એ પાછળ ઘણી માન્યતાઓ, કાલ્પનિક ઘટનાઓ અને ચાલી આવતી કથાઓ છે. આવી તો કેટકેટલી કિવંદતીઓ વલ્લભભાઈના બાળ-જીવન સાથે જોડાયેલી છે, જેની વિગતો અને દીશાઓ સાવ ધૂંધળી છે. જેમ કે તેમના અનેક જીવનચરિત્રોમાં લખાયું છે કે વલ્લભભાઈએ શાળાના મહાનંદ ભટ્ટ નામના શિક્ષકને ચૂંટણીમાં જીતાડયાં, પરંતુ કોની સામે જીતાડયાં ? હારી જનાર મૂંછ મૂંડાવવાની શેખી મારતાં હતા તે કોણ? એ વર્ષોમાં તો નડિયાદના રાજા જેવા જાહેરસેવક ચૂંટણીમાં જીતીને નગરપાલિકાના સભ્ય બન્યા હોવાનો ઈતિહાસ પૂરાવો મોજૂદ છે. તો પછી વર્ષોવર્ષથી, અનેક પુસ્તકોમાં ચાલી આવેલી આ સરદારકથામાં શેખી મારનારને મૂછ મૂંડાવવા પહોંચી ગયેલા વલ્લભભાઈની ઈતિહાસ ધૂંધળી વિગતોની ખરાઈ શું ?

આવો જ, આ બીજો ઈતિહાસ ધૂંધળો બનાવ, તે બાળક વલ્લભભાઈએ સ્કૂલમાં હતા ત્યારે બગલનું ગૂમડું ફોડવાની નિડરતા બતાવી હતી, એ વાત અનેક વખત પુનરાવર્તિત થયા જ કરે છે. 

આ ઘટના પણ આ રીતે પૂરતી નથી. એમાં બે બાબતો ચૂકાઈ જાય છે. એક તો, એ જમાનામાં ગૂમડાં-બૂમડાંને ગાંઠવું નહીં, પડવા-વાગવાની વાતો ઘરમાં પણ કહેવી નહીં-છૂપાવવી, આવી હિંમત અને સહનશીલતા સાવ સહજ અને સરેરાશ હતી. વલ્લભભાઈના સમકાલીન અને વલ્લભવિદ્યાનગરના દ્રષ્ટા ઈજનેર શ્રી ભાઈકાકા (ભાઈલાલભાઈ દ.પટેલ, ૧૮૮૮ થી ૧૯૭૦)ના જીવનમાં પણ, આવી જ રીતે, જાતે ગૂમડું ફોડી નાંખવાની ઘટના નોંધાયેલી છે. એ સમયના ગામડાનાં મધ્યમ કુટુંબના બાળકોમાં આવો એપ્રોચ સામાન્ય હતો. બીજી બાબત એ કે વલ્લભભાઈએ ગૂમડું બાળપણમાં, સ્કૂલમાં ભણતાં હતા ત્યારે ફોડી બતાવેલું, એમનો આ મિજાજ ખરો, પરંતુ સ્કૂલમાં હતા ત્યારનો નહીં, સ્કૂલજીવન પૂરું થયા પછી, ઉગતા યુવાનીકાળે, વકીલાત માટે ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષાની તૈયારીઓ વખતે આ ગૂમડું-બનાવ નોંધાયેલો છે.

પહેલાં કરમસદ, ત્યાંથી પેટલાદ, ત્યાંથી નડિયાદ અને વચગાળામાં વડોદરા જઈ આવીને ફરી પાછા નડિયાદ, આટલી સફર વલ્લભભાઈની સ્કૂલ લાઈફની છે. આ બધા સ્થળો-ગામોની અંગ્રેજી નિશાળમાંથી પસાર થઈને, છેવટે ઈ.સ. ૧૮૯૭માં વલ્લભભાઈ નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થયા હતા. એ વખતે મેટ્રિક એટલે કે અંગ્રેજી સાતમી ચોપડી. તે પછી શાળાજીવનનો અંત. વલ્લભભાઈ જીવનના ૨૨મા વર્ષે નડિયાદમાંથી મેટ્રિક પાસ થયા. એ પછી શું કરવું- એ મોટો સવાલ એમના મનમાં ધોળાયા કરતો હતો. 

તેઓ સાવ સાધારણ કુટુંબના સંતાન હોવા છતાં તે સમયે તેમના મનમાં ઘણી મોટી મહત્વકાંક્ષાઓ ઉછરી રહી હતી. એમને મોટા માણસ થવું હતું અને મોટા માણસ થવા માટે બૅરિસ્ટર બનવું હતું. શ્રી નરહરી પરીખે વલ્લભભાઈના મનના આવા વલણો નોંધતા લખ્યું છે કે 

'ઈંગ્લેન્ડ જઈને સાત હજાર માઈલ દૂર હોવા છતાં આપણા પર આટલા લાંબા વખત સુધી રાજ કરનાર અંગ્રેજોને જોવાની મને (વલ્લભભાઈને) તીવ્ર ઉત્કંઠા હતી. મારી ઈચ્છા પૂરી કરવામાં મને મદદ કરે તેવી મારા બાપની સ્થિતિ ન હતી. ઈંગ્લેન્ડ જવું હોય તો સાતથી દસ હજાર રૂપિયા જોઈએ તેવું બધા કહેતા હતા... તેથી મેં વકીલાતની પરીક્ષા માટે મન દઈને મહેનત કરી અને ઈંગ્લેન્ડ જવા માટે જરૂરી નાણાં કમાઈ લેવાનો મક્કમ નિર્ણય કર્યો.' (રાજમોહન,પૃ.૧૨)

યસ, પેલો ગરમ સળીયો અને ગૂમડું ફોડવાનો વિચાર અને પ્રસંગ, વલ્લભભાઈના આ વકીલાત અભ્યાસ વખતના વર્ષોમાં નોંધાયો છે. એ વાત જુદી છે કે ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થવાની તેમની નેમ એ પછીના ઘણાં વર્ષો વિત્યાં ત્યારે બર આવી હતી, અને તેથી કરીને ૅબૅરિસ્ટર થતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા આપીને પાસ થવું, વકીલાત કરવી, કમાવવું અને ઈંગ્લેન્ડ જવા નાણાં એકઠા કરવા, એવો નકશો વલ્લભભાઈએ મેટ્રિક પાસ થયા પછી તરતના વર્ષોમાં આંકી દીધો હતો. 

એ વર્ષો એટલે ૧૮૯૭ થી ૧૯૦૦ દરમ્યાનના, એ સમય એટલે નડિયાદમાં રહીને ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષાની તૈયારીઓનો, એ સંજોગ એટલે વલ્લભભાઈના જીવનના ૨૨મા વર્ષે મેટ્રિક પછીના ઉચ્ચ અભ્યાસની મથામણના, એ સમયની મહત્ત્વની ઘટના એટલે ગૂમડું ફોડીને પોતાના અડગ અને કઠણ વ્યકિત્વના પાસાને ઉજાગર કરતો દાખલો.

તેમણે આ ગૂમડું કેવી રીતે, ક્યાં, કેમ ફોડયું હતું, એ વાત પણ એટલી જ રસપ્રદ છે. પણ, યાદ રહે કે તે બાળપણમાં, સ્કૂલમાં, નડિયાદમાં તો નહીં જ. આ ઘટનાક્રમ તો દેસાઈની હવેલીમાં નોંધાયો છે. હવે પછી ઉકેલીએ તેમની આ બગલના ગૂમડાંને જાતે જ ફોડી નાંખવાની, દેસાઈની હવેલીમાં ઘટેલી, ખૂબ જાણીતી ઘટનાની અંતરંગ અને અજાણી વાતોને.

Tags :