બ્રહ્માસ્ત્ર : વાણીને પ્રચંડ બનાવનાર અમોઘ મંત્રાસ્ત્ર!
- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
ગા યત્રી મંત્રની રચના એ વૈજ્ઞાાનિક આધાર પર થઈ છે, જેની સાધનાને લીધે શરીરની ભીતર રહેલાં ગુપ્ત શક્તિકેન્દ્રો ઉજાગર થાય છે અને અંતરમનમાં સાત્ત્વિકતાનું ઝરણું વહેવા માંડે છે. ગાયત્રીને પાંચ સંજ્ઞાાથી નવાજવામાં આવી છે : (૧) આત્મશક્તિ (૨) બ્રહ્મવિદ્યા (૩) અમૃતકલશ (૪) કામધેનુ (૫) બ્રહ્માસ્ત્ર.
આત્મકલ્યાણ અને ઈશ્વરદર્શન એમ બંને ઉદ્દેશ્યોની પૂર્તિ ગાયત્રી મંત્રસાધના થકી સંભવ છે. એને ધારણ કરનારા સાધકો સમાધિરૂપી અમૃતપાન કરે છે અને દેવતાઓની જેમ ખરા અર્થમાં આત્માનું અમરત્વ અને અજરત્વ પ્રાપ્ત કરે છે. આથી જ, ગાયત્રીને અમૃતકળશની ઉપમા આપવામાં આવી છે. ગયા વર્ષે આસામના ગુવાહાટી ક્ષેત્રમાં મા કામાખ્યાનાં દર્શનાર્થે જવાનું થયું હતું, એ વખતે ત્યાંની ગાયત્રી શક્તિપીઠના દર્શને જવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. ત્યાંના પંડિતજીએ શ્રીરામ શર્મા આચાર્યજીના જીવન અંગે એક અદ્ભુત વાત કહી હતી કે, 'જ્યારે ગુરુદેવશ્રીના દેહત્યાગનો સમય સમીપ આવ્યો, ત્યારે ઘણા ભક્તોએ વિનંતી કરી હતી કે હજુ તો ઘણું કાર્ય શેષ છે. ગાયત્રી મંત્રને સમસ્ત જનમાનસ સુધી પહોંચાડવાનું અભિયાન હજુ તો શરૂ થયું છે. આપ હજુ થોડો સમય ભૂલોક પર રહેશો, તો આ ધરતીને ઘણો લાભ થશે.'
એ સમયે પંડિતજીએ પ્રત્યુત્તર આપ્યો હતો કે, 'સદેહે અહીં જે કાર્ય કરવાનું હતું, એ પૂર્ણ થયું. હવે શુદ્ધ ચેતના સ્વરૂપે સૂર્ય સાથે એકાકાર થઈને તેના પ્રત્યેક કિરણ સાથે સમસ્ત જનમાનસ સુધી ગાયત્રીમંત્ર પહોંચાડવાનો સમય આવી ગયો છે.'
એમના સ્વર્ગવાસ પછી વાસ્તવમાં ગાયત્રી પરિવારનો વ્યાપ સમસ્ત વિશ્વમાં વધ્યો. એવું કહી શકાય કે ગાયત્રી મંત્રને કારણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યનું જીવન અમૃત સમાન મઘમઘી ઊઠયું, જેનો પરિચય સમગ્ર વિશ્વને મળ્યો. અસ્તિત્વને અમર કરનારો મંત્ર હોવાને લીધે ગાયત્રી મંત્રને 'અમૃતકળશ'ની ઉપમા આપવામાં આવી. આ મંત્રને અપનાવનાર (ધારણ કરનાર) વ્યક્તિ ખરા અર્થમાં દેવતા સમાન ઉપાધિ પ્રાપ્ત કરતી હોવાથી આ સંજ્ઞાા!
આત્માની મૂળ શક્તિ એટલે ગાયત્રી મંત્ર. સૂરજ દેવતા દરરોજ માનવજીવનને આગળ ધપાવવાનું કાર્ય કરે છે. સૃષ્ટિચક્ર આગળ વધી શકે છે, તેના મૂળિયામાં સૂર્યદેવનું દરરોજ ઉદય અને અસ્ત થવું એ છે! સૂર્ય વિનાનું જીવન કલ્પી શકવું સંભવ નથી. સમજવા જેવી વાત એ છે કે ભગવાન સૂર્ય પોતાનું આ કાર્ય એમનામાં સમાહિત જે મૂળ શક્તિ (મૂળ પ્રકૃતિ) થકી કરી શકે છે એ છે, ગાયત્રી! આથી, આ મંત્રને 'સવિતુર્ ગાયત્રી મંત્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂલોક પર જન્મ લેનારી પ્રત્યેક આત્મા માટે સૂર્યદેવ પાસેથી પ્રાપ્ત 'વિટામિન ડી'ની આવશ્યકતા જરૂરથી પડે છે. આ વિટામિન વિના હાડકાંનું સ્વાસ્થ્ય જાળવવું સંભવ નથી. હાડકાં સ્વસ્થ ન હોય, તો ચાલવા- દોડવાની વાત તો દૂર, પરંતુ વ્યક્તિ કદાચ પોતાના પલંગ પરથી ઉઠી સુદ્ધાં ન શકે. ભૂલોક પર શરીર ધારણ કરનાર પ્રત્યેક આત્માને પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે જે મૂળ ઘટકની જરૂર પડે છે, એ સૂરજ દેવતા પાસેથી પ્રાપ્ત થતું હોવાને કારણે ગાયત્રી મંત્રને 'આત્મશક્તિ' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. અને આ જ કારણોસર, એ બ્રહ્મવિદ્યા પણ છે! જે સાધક/મનુષ્ય એટલું જાણી લે કે આત્માનું મૂળ ઘટકતત્ત્વ ગાયત્રી છે, તેના માટે આ મંત્ર 'બ્રહ્મવિદ્યા' અર્થાત્ સર્વોચ્ચ વિદ્યા બની જાય છે. એક એવી વિદ્યા, જેને જાણ્યા બાદ પરબ્રહ્મની પ્રાપ્તિ સુનિશ્ચિત બની જાય છે. ગાયત્રી મંત્રને પૂર્ણ પણે પામ્યા પશ્ચાત્ અન્ય કશું પામવાનું શેષ રહેતું નથી. આથી જ એ બ્રહ્મવિદ્યા છે.
સૂર્ય થકી જીવસૃષ્ટિનું ભરણપોષણ થવાને કારણે આ પ્રણાલી એક માતાનું કાર્ય પણ નિભાવી જાણે છે. વેદમાતા ગાયત્રીનાં મૂળ મંત્રને 'કામધેનુ' ગણાવવા પાછળ આ કારણ જવાબદાર છે. શાસ્ત્રોના કથન મુજબ, કામધેનુ ગાયનું પ્રાગટય સમુદ્રમંથન દરમિયાન થયું હતું. એક એવી ગાય, જેની પાસે જરૂરિયાતની કોઈ પણ વસ્તુ વરદાનરૂપે પ્રાપ્ત કરી શકાય. ઈચ્છા પૂરી કરનારી મા એટલે ગાયમાતા કામધેનુ. ગાયત્રી મંત્રને મનુષ્યની તમામ ભૌતિક અને આધ્યાત્મિક જરૂરિયાતોની સંતુષ્ટિ કરનારો મંત્ર હોવાને કારણે તેને 'કામધેનુ' સાથે સરખાવવામાં આવ્યો છે.
સાથોસાથ, સૌથી મોટું શસ્ત્ર ગાયત્રી મંત્ર છે! જે સાધકને ગાયત્રી મંત્ર સિદ્ધ હોય, એમના મુખેથી પ્રસ્ફુરિત થનારું એક પણ વચન મિથ્યા જતું નથી. એમની વાણી હંમેશા સત્ય સાબિત થાય છે. એમના વરદાન અને શાપ બંને અમોઘ હોય છે, અચૂકપણે ફળ આપનારા હોય છે! આ કારણોસર, તેને 'બ્રહ્માસ્ત્ર' સમાન અમોઘ અસ્ત્ર સાથે સરખાવવામાં આવે છે.