સમાંતર પ્રકરણ - 6 .
- લઘુનવલ
- શિશિર રામાવત
- શું મનુષ્યજીવની હત્યા કરવી એ અહંકારની ચરમસીમા છે? માનવજીવનું સર્જન કરવાથી અહંકાર વધારે પુષ્ટ થાય છે કે માનવજીવનું વિસર્જન કરવાથી?
- કાનજીની મૂઠ્ઠીઓ ભીંસાઈ ગઈ, 'મારી બૈરી મને સંભળાવ્યાં કરતી'તી... મારા છોકરાવ મારા નથી, એમનો બાપ હું નથી...'
'ત મને ખરેખર કશું જ યાદ નથી, અનિકેત?' લાંબી અંધકારમય ગુફામાં પડઘા પડતા હોય તેમ શિલ્પાના અવાજનું ગૂંજવું.
'મને શું યાદ નથી?'
અનિકેતનું પૂછવું.
- 'એટલે તમે બધું જ ભૂલી ગયા છો? સાચ્ચે?'
'તમે મને શું પૂછી રહ્યાં છો? હું શું ભૂલી ગયો છું?'
- ગજ્જબ છો તમે તો!
શિલ્પાની આંખોમાં ઘેરાતો નશો. અનિકેતના સાથળ પર શિલ્પાની આંગળીથી બનતું વર્તુળ. પછી આખી હથેળીનો સ્પર્શ અને સહેજ દબાણ.
- હવે યાદ આવ્યું?
... અને ઝાટકો મારીને શિલ્પાના હાથને હટાવી લેવું.
'સ્ટોપ ઇટ!'
શિલ્પાનું ખડખડાટ હસવું.
- હાઉ કન્વિનીયન્ટ, અનિકેત! તમારો હિસાબ તો સાવ સગવડીયો નીકળ્યો. અનુકૂળ હોય એટલું જ યાદ રાખવાનું, ખૂંચે એવું બધું ભૂલી જવાનું. જાણે કશું બન્યું જ નથી!
ઝપ્પ કરતી અનિકેતની આંખો ખૂલી ગઈ. બંધ બારીના કાચ પર રાત હજુ ચોંટેલી હતી. એણે જોયું કે ગેસ્ટ હાઉસનો ઓરડો રબરની જેમ ખેંચાતો ખેંચાતો લાંબી અંધકારમય ગુફામાં પરિવર્તિત થઈ રહ્યો છે. પાણી ટપકવાનો અવાજ આવી રહ્યો છે. આ નક્કી વરસાદનું પાણી છે, જે જમીન ફાડીને ગુફાની છતમાંથી ટપકી રહ્યું છે. વરસાદનાં દુષ્ટ ટીપાં અહીં અંધારામાં ય મારી જાસૂસી કરી રહ્યાં છે!
અનિકેત અથડાતો-કૂટાતો ચાલવા લાગ્યો. ગુફા ધાર્યા કરતાં વધારે લાંબી નીકળી. દૂર ગુફાના છેડા પાસે એક સ્ત્રી ઊભી છે. કોણ છે સ્વર્ગીય સૌંદર્ય ધરાવતી આ જાજવલ્યમાન સ્ત્રી? અનિકેતે આંખો ઝીણી કરી. ઓહ, આ તો ગ્રીક ગોડેસ નેમોસિની છે - સ્મૃતિની દેવી! નેમોસિની દેવી મને જ નિહાળી રહ્યાં છે. એમની આંખોમાં ક્રોધનો ભાવ છે કે કરૂણાનો? મને શ્રાપ ન આપશો દેવી, મને તમારા આશીર્વાદ
જોઈએ છે...
'...એટલે તમે બધું જ ભૂલી ગયા છો? તમને ખરેખર કશું જ યાદ નથી?'
ઉઠી જવું જોઈએ. ઘણું કામ છે. લોકેશ છેલ્લા બે-ત્રણ દિવસનું ફૂટેજ લેપટોપમાં ડાઉનલોડ કરી ગયો છે, તે જોવાનું બાકી છે. શૂટિંગ ચાલતું હોય ત્યારે રાત્રે સૂતાં પહેલાં આખા દિવસનું ફૂટેજ જોઈ લેવાની વર્ષોની આદત છે. અનિકેતે લેપટોપ ઓન કર્યું. સ્ક્રીન પર કાનજી ઘવાયેલા જંગલી પશુની જેમ હાંફી રહ્યો છે. મનુષ્યત્વ અને પશુત્વ વચ્ચેની વિભાજનરેખા પર એક સ્ત્રી પોતાનાં બે બાળકો સાથે લોહીલુહાણ હાલતમાં ઊભી છે. સ્ત્રી અનિકેતને પૂછી રહી છે:
- કાનજીને પૂછો કે અમારો જીવ લેવાનો અધિકાર એને કોણે આપ્યો?
અનિકેત કાનજી તરફ મોં
ફેરવે છે.
કાનજી વ્યંગથી હસે છે, 'જો હું મારાં સંતાનોનું સર્જન કરી શકું છું તો તેમનો વિનાશ પણ કરી શકું છું! એ મારા થકી પેદાં થયાં છે, એમના શરીરમાં મારું લોહી વહે છે. જો એમને જીવન આપવાનો મને હક હોય તો એમને મૃત્યુ આપવાનો અધિકાર પણ હું ધરાવું છું...!'
'અને પત્ની?' અનિકેત પૂછે છે, 'એ તો તારા થકી પેદા થઈ નથી. એને ખતમ કરવાનો હક કોણે આપ્યો તને?'
'ખતમ કરી નાખવું એટલે શું, અનિકેત? કોઈના શરીરને ભૂંસી નાખવાને જ ખતમ કરી નાખવું કહે છે? શરીરને સાબૂત રાખીને કોઈની ચેતના પર સતત પ્રહાર કરતા રહો, ત્યાં સુધી કે એનું સમગ્ર મનુષ્યત્વ હણાઈ જાય... શું આ ખતમ કરી નાખવું નથી? શું આ અપરાધ કે પાપ નથી?'
અનિકેત મૌન થઈ જાય છે. પાપ અને પુણ્ય... આ શબ્દો હવે ચિત્તમાં કોઈ સ્પંદનો જગાવતાં નથી. પાપ-પુણ્યના રંગ ઉડી ગયા છે. બન્ને હવે એકસમાન, એકપરિમાણી, સપાટ બની ગયાં છે.
અનિકેત ચાલતો રહે છે. અંધારી ગુફાની છત પરથી પ્રશ્નો હજુય ટપકી રહ્યા છે.
શું મનુષ્યજીવની હત્યા કરવી એ અહંકારની ચરમસીમા છે? માનવજીવનું સર્જન કરવાથી અહંકાર વધારે પુષ્ટ થાય છે કે માનવજીવનું વિસર્જન કરવાથી?
'ડા-ડા... ડા-ડા...' ઝારા બન્ને હાથ ફેલાવીને દૂરથી બોલાવી રહી છે.
સંતાન માણસને બાંધી રાખે છે કે મુક્ત કરે છે? મૃત્યુ પછી ય મુક્તિ માટે શ્રાદ્ધ અને તપર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે! મારો આર્જવ, મારો દીકરો મારું તર્પણ કરશે, મારી મુક્તિ માટે...
ગુફાનો છેડો દેખાતો નથી. નેમોસિની દેવી અદ્રશ્ય થઈ ગયાં છે. કાનજી સ્ક્રીન છોડીને જતો રહ્યો છે અને સુપ્રિન્ટેન્ડન્ટ ઉગ્રતાથી કહી રહ્યા છે, 'પણ એ સ્વીકારતો જ નથી કે એણે એની પત્ની અને દીકરાઓનું મર્ડર કર્યું છે!'
'આ લોકોએ મારી કિડની કાઢી લીધી છે, અનિકેત...' કાનજીનું આર્દ્રતાથી કહેવું.
મને કશો ફર્ક પડતો નથી...
ફર્ક-પડતો-નથી-મને...
નથી-પડતો-ફર્ક-મને-સહેજે... ઓલરાઇટ?
ટપક... ટપક... ટપક... અંધારી ગુફામાં વરસાદનાં ટીપાં ધીમે ધીમે જમા થઈને દરિયો બની ગયો છે. આ દરિયામાં અચાનક સુનામી આવે છે. એક રાક્ષસી મોજું ઊછળે છે અને....
ઓહ!
***
બ્રે કફાસ્ટ કરતાં કરતાં આખા દિવસના કામની ચર્ચા થઈ ગઈ. આજે અમુક ડોક્ટરોના વીડિયો ઇન્ટરવ્યુ કરવાના હતા. લોકેશે કહ્યું, 'સર, આપણા લિસ્ટમાં કાનજી સિવાય બીજા પાંચ ઇન્ટરેસ્ટિંગ પેશન્ટ્સ છે, જેમાંથી બેનું પ્રાઇમરી શૂટ થઈ ગયું છે. બાકીના ત્રણનું શૂટ પણ આજકાલમાં લાઇન-અપ કરી નાખવું જોઈએ.'
'અફ કોર્સ,' કહીને અનિકેત ઊભો થયો, 'આજે આપણે ઘણું કામ પતાવવાનું છે. લેટ્સ ગો!'
સામાન લઈને બધા ગેસ્ટ હાઉસના ડાઇનિંગ એરિયામાંથી બહાર આવ્યા. દાદરા પાસે કાચની તૂટેલી પ્લેટ્સના ટુકડા ભરેલી ધાતુની કચરાટોપલીની બાજુમાં એક ઊંચો-તગડો વર્દીધારી માણસ ઊભો હતો. અનિકેત થંભ્યો, 'કૌન હો ભાઈ? ક્યા કામ હૈ?'
'મેરી ડયુટી હૈ યહાં.' બોલી પરથી એ ઉત્તર પ્રદેશનો લાગતો હતો.
'કૈસી ડયુટી?'
'સિક્યોરિટી મેં હૂં, સાબ.'
અનિકેતે નવાઈ પામીને પોતાની ટીમ સામે જોયું. ચતુર્વેદીએ કહ્યું, 'સર, આ લોકોએ દરેક બિલ્ડિંગ માટે અલગ અલગ સિક્યોરિટીવાળા રાખ્યા છે. આપણે અહીં આવ્યા ત્યારે આ ગેસ્ટ હાઉસનો સિક્યોરિટીવાળો રજા પર હતો,પણ કાલથી આ ભાઈ ડયુટી પર હાજર થઈ ગયા છે. ઇન ફેક્ટ, ગઈ કાલે મેં આને પહેલી વાર જોયો ત્યારે મને પણ નવાઈ લાગી હતી ને મેં પણ આ જ સવાલ કર્યો હતો.'
ખુરાનાએ સિક્યોરિટીવાળાને કહ્યું, 'ભાઈ, આપકી યહાં ડયુટી હૈ વો બરાબર હૈ, લેકિન નીચે ખડે રહો ના? યહાં તીસરે માલે પર ક્યું ખડે હો?'
'મૈં નીચે હી ખડા રહતા હૂં, સર. અભી ઉપર જા રહા થા. હમ લોગોં કા બાથરૂમ-સંડાસ છત પર હૈ,' આટલું કહીને માણસ ઉપર જતો રહ્યો.
અનિકેતે રિસ્ટ વોચમાં જોયું, 'ચલો, ચલો. વી આર ગેટિંગ લેટ.'
ફોરેન્સિક સાઇકિએટ્રી વિંગમાં અત્યાર સુધીમાં એટલી બધી વાર આવવા-જવાનું થયું હતું કે અહીંની સિક્યોરિટી સહિતનો સઘળો સ્ટાફ હવે ઠીક ઠીક પરિચિત થઈ ગયો હતો. કાનજીના સાત નંબરના એન્ક્લોઝરના એન્ટ્રેન્સ હૉલમાં અનિકેતે જેવો પગ મૂક્યો કે સામે જ શિલ્પા ઊભી હતી. આંખો ચમકાવતી, સૂચક સ્મિત કરતી.
'હું તમારી જ રાહ જોઈ રહી હતી, અનિકેત સર,' એ લુચ્ચુ હસી. એ હસતી એટલી ક્ષણો પૂરતો એના ચહેરા પરનો તલ ઊંચકાયેલા ગાલની ધાર નીચે કશેક છુપાઈ જતો.
'કાનજી તૈયાર છે?' અનિકેતે સહેજ રુક્ષતાથી પૂછયું.
'કાનજીને બિલકુલ તૈયાર રાખ્યો છે. એને મેડિકેશન અપાઈ ગયું છે એટલે અત્યારે શાંત થઈને બેઠો છે.'
'તમે લોકો એને કાયમ દવાની અસરમાં જ કેમ રાખો છો?' અનિકેતનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો, 'હું એને નોર્મલ સ્થિતિમાં મળી શકું કે નહીં?'
શિલ્પા સહમી ગઈ. પછી સંયત થઈને બોલી, 'આ નોર્મલ સ્થિતિ જ છે. કાનજી મેડિકેટેડ ન હોય તો તમે એની સામે જઈ પણ ન શકો...'
'પણ મારે એ મેડિકેટેડ ન હોય એવી કંડિશનમાં મળવું છે.'
'તો એના માટે તમારે અગાઉથી સુપ્રિન્ટેન્ડન્ટ સરની લિખિત પરમિશન લેવી પડે. સર હમણાં આવતા જ હશે. વાત કરી લેજો.'
'સુપ્રિન્ટેન્ડન્ટ અત્યારે અહીં આવવાના છે? કેમ?' અનિકેતે પૂછયું.
'અઠવાડિયામાં એકાદ-બે વાર ફોરેન્સિક સાઇકિએટ્રી વોર્ડના બધા પેશન્ટ્સને મળવાનું એમનું રૂટિન છે.'
સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા. તેઓ સંપૂર્ણપણે સ્વાભાવિક હતા.
'હલ્લો અનિકેત... હલ્લો એવરીવન! કેમ ચાલે છે તમારું કામકાજ?' સુપ્રિન્ટેન્ડન્ટના અવાજમાં એ જ ઉત્સાહ અને ઉમળકો હતા, જે હંમેશા જોવા મળતા. તે રાત્રે જોકે સુપ્રિન્ટેન્ડન્ટના ઘરે માહોલ જરા તંગ થઈ ગયો હતો. અનિકેતના સવાલો ન ગમવાથી તેઓ ઉગ્ર થઈ ગયા હતા. કદાચ ડ્રિન્કસની અસર હતી! પણ અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટના વ્યવહારમાં તે સાંજનો કોઈ ભાર નહોતો.
અનિકેતે કહ્યું, 'સર, એક રિકવેસ્ટ છે. તમે હમણાં કાનજીને મળવાના છો. જો તમે પરમિશન આપતા હો તો હું તમારું કાનજી સાથેનું ઇન્ટરેક્શન શૂટ કરવા માગું છું. તેનાથી અમારી કાનજીની સ્ટોરીને એક કલર મળશે.'
સુપ્રિન્ટેન્ડન્ટે હા પાડવામાં એક પળ પણ ન લગાડી, 'તમે ચોક્કસ શૂટિંગ કરો, નોટ અન ઇશ્યુ!
લેટ્સ ગો.'
ઓબ્ઝર્વેશન રૂમમાં બે કેમેરા સેટઅપ કરવામાં આવ્યા. કાચની પારદર્શક દીવાલની પેલી બાજુ આઇસોલેશન રૂમની ફર્શ સાથે જડાયેલી લોખંડની ખુરસી પર કાનજી દર વખતની જેમ બેઠો હતો -બંદીવાન, પોતાની વિક્ષિપ્ત દુનિયામાં ખોવાયેલો. કાનજી પર ફોકસ કરતો કેમેરા અનિકેતે સંભાળ્યો, બીજો ચતુર્વેદીએ.
આઇસોલેશન રૂમમાં વોર્ડબોય સખારામ કાનજીની સામે સુપ્રિન્ટેન્ડન્ટ માટે એક ખુરસી ગોઠવીને ઝડપથી બહાર નીકળી ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ હળવેકથી ખુરસી પર ગોઠવાયા. નજર ઢાળીને બેઠેલા કાનજીએ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીની નોંધ ન લીધી.
સુપ્રિન્ટેન્ડન્ટે હસીને શરૂઆત કરી, 'કેમ છો, કાનજી?'
કોઈ જવાબ નહીં.
'શિલ્પા મેડમ ફરિયાદ કરતાં હતાં કે તમે આજકાલ બરાબર જમતા નથી. સાચી વાત છે? કે શિલ્પા મેડમ ખોટું બોલે છે?'
મૌન.
'ચાલો, કશો વાંધો નહીં. આજે હું તમારા માટે તમારું ફેવરિટ કાઠિયાવાડી ખાવાનું મોકલાવું છું. રોટલા, રિંગણાંનો ઓળો, કઢી, ભાત, ડુંગળીનો દડો, ઘી-ગોળ ને ઉપર છાશ... બરાબર છેને?'
કાનજી કશું બોલ્યો નહીં, પણ એના ચહેરાની રેખાઓ સહેજ બદલાઈ. સુપ્રિન્ટેન્ડન્ટ આગળ વધ્યા, 'આજે તમે એકદમ તાજામાજા લાગો છો, કાનજી. સરસ ઊંઘ થઈ લાગે છે. વચ્ચે તમને અનિદ્રા જેવું થઈ ગયું હતું એવું મેડમ કહેતાં હતાં. હવે તો વ્યવસ્થિત ઊંઘ આવી જાય છેને?'
'મને ભૂખ લાગી છે.'
'તમારા માટે થોડી વારમાં સરસ કાઠિયાવાડી થાળી આવશે. રાત્રે બરાબર ઊંઘ થાય છે?'
'મારે રોટલો ને ઓળો
ખાવો છે.'
'બધું મળશે. જો તમે મારા સવાલના જવાબ આપો તો.'
'કેવા સવાલ?'
'મેં તમને પૂછયું કે રાત્રે ઊંઘી જાઓ પછી તમને સપનાં-બપનાં આવે ખરાં?'
'આવે.'
'સપનાંમાં શું દેખાય, કાનજી?'
કાનજી કશું ન બોલ્યો. સુપ્રિન્ટેન્ડન્ટે હળવેક પૂછયું, 'સપનાંમાં ક્યારેય વાઇફ દેખાય? દીકરા દેખાય.'
'દેખાય.'
ઓબ્ઝર્વેશન રૂમમાં સઘળી વાતચીત સાંભળી રહેલો અનિકેત ટટ્ટાર થયો.
'શું કરતાં હોય એ લોકો સપનાંમાં?' સુપ્રિન્ટેન્ડન્ટે પૃચ્છા આગળ વધારી.
કાનજી મૌન.
'એ લોકો કંઈક વાત તો કરતા હશેને?'
'કરે ક્યારેક.'
'સપનામાં દીકરાઓ દેખાય તો કેવું લાગે?'
'સારું લાગે. રડવું આવે.'
'અને વાઇફ દેખાય કે વાઇફ યાદ આવે તો રડવું આવે?'
કાનજી ઉપહાસ કરતો હોય એમ હસ્યો.
'કેમ હસવું આવ્યું?'
કાનજી પાછો ગંભીર થઈ ગયો.
'તમને દુખ ન થાય કાનજી, કે મેં મારી વાઇફને મારી નાખી? અફસોસ ન થાય તમને?'
'એનેય ક્યાં અફસોસ થતો'તો?'
'એને કઈ વાતનો અફસોસ?'
કાનજીના ચહેરો ધીમે ધીમે તમતમવા લાગ્યો. 'એ એના લવર સાથે રંગે હાથ પકડાઈ ગઈ'તી, તોય એને શરમ જેવું ક્યાં હતું? ઊલટાની પકડાઈ ગઈ પછી તો એ વધારે બેફામ થઈ ગઈ'તી... ને તમે અફસોસનું પૂછો છો?'
'કાનજી, મારી વાત સાંભળો. જુઓ, આપણી દીકરી હોય, બહેન હોય કે પત્ની હોય... એ મર્યાદા ઓળંગે કે બેફામ પણ થઈ જાય તોય'
'સાહેબ, તમને કાંઈ ખબર નથી.'
'તમને શું ખબર નથી, કાનજી?'
કાનજી ખામોશ.
'તમે બોલશો નહીં તો મને કેવી રીતે ખબર પડશે?'
'મારી બૈરી...' કાનજીની આંખો ચકળવકળ થવા લાગી, 'પછી કેવું કેવું બોલતી હતી.'
'શું બોલતી હતી?'
હાથકડીમાં જકડાયેલી કાનજીની મૂઠ્ઠીઓ ભીંસાઈ ગઈ, 'હું બાપ નથી, એમ.'
સુપ્રિન્ટેન્ડન્ટ તાકી રહ્યા. 'એટલે?'
'મારી બૈરી મને સંભળાવ્યાં કરતી'તી... મારા છોકરાવ મારા નથી, એમનો બાપ હું નથી...'
સુપ્રિન્ટેન્ડન્ટ એક પળ માટે થંભી ગયા. કાનજીએ આ પ્રકારનો ઉલ્લેખ અગાઉ ક્યારેય નહોતો કર્યો. સુપ્રિન્ટેન્ડન્ટે સમજાવટથી કહ્યું, 'જો ભાઈ, ગુસ્સામાં માણસ કંઈ પણ બોલી નાખે. એ બધું કંઈ સાચું માની લેવાનું ન હોય.'
કાનજીનો બબડાટ શરૂ થઈ ગયો, 'હું મારા દીકરાવનો બાપ નથી... તો કોણ છે મારા દીકરાવનો બાપ? હું બાપ નથી મારા છોકરાવનો... હું-'
'કાનજી!'
કાનજીનો અવાજ ફાટવા લાગ્યો, 'તો હું શું થાઉં મારા દીકરાવનો? કોણ છું હું? એ છિનાળ મને સમજે છે શું?'
કાનજીનો ઉશ્કેરાટ વધતો જતો હતો. એની ફાટી ગયેલી આંખોમાં ડોળા તગતગવા લાગ્યા. સુપ્રિન્ટેન્ડન્ટ સતર્ક થઈ ગયા. એમણે બૂમ પાડી, 'સખારામ....'
કાનજીના ચહેરા પર ખૂન્નસ ઘુંટાતું જતું હતું. 'એક નંબરની નીચ બાઈ છે... મોઢું જોયું છે અરીસામાં?'
કાનજી પર જાણે કોઈ આસૂરી શક્તિ છવાઈ રહી હતી. એ ભારે ઝનૂનથી પોતાની ખુરસીને હચમચાવવા લાગ્યો. 'તને એમ છે કે તું બહુ રૂપાળી છો? ચામડી ઉતરડી નાખીશ તારી! તારી હેસિયત શું છે મારા છોકરાવની મા બનવાની...'
અચાનક ફર્શ સાથે જડાયેલી ખુરસીનો એક પાયો ઉખડીને છૂટો પડી ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ ઊભા થઈ ગયા. જો કાનજી આવી જ રીતે જોર કરતો રહેશે તો આખેઆખી ખુરસી ફર્શ પરથી ઉખડીને છુટ્ટી પડી જશે અને -
'કાનજી...!'
પણ કાનજી કશુંય સાંભળી શકવાની સ્થિતિમાં ક્યાં હતો? સુપ્રિન્ટેન્ડન્ટ બીજી વાર સખારામના નામની બૂમ પાડે તે પહેલાં તો શિલ્પા અને સખારામ આઇસોલેશન રૂમનું બારણું ખોલીને અંદર ધસી આવ્યાં. સખારામના હાથમાં ઇંજેક્શન જોઈને કાનજી ઔર ભડક્યો. સુપ્રિન્ટેન્ડન્ટ કાનજી તરફ લપક્યા. એમણે પોતાના બેય હાથ વડે પાછળથી કાનજીનું માથું કચકચાવીને પકડી લીધું. સખારામે લાગ જોઈને કાનજીની ખુલ્લી ગરદનમાં ઇંજેક્શન ઘોંચી દીધું. કાનજીએ ચીસાચીસ કરી મૂકી, પણ પછી બે-ચાર પળોમાં જ એ શાંત થવા લાગ્યો. એ જ્યાં સુધી સંપૂર્ણપણે બેશુદ્ધ ન થાય ત્યાં સુધી સુપ્રિન્ટેન્ડન્ટ અને સખારામે એને મુશ્કેટાટ પકડી રાખ્યો. આખરે કાનજીએ ગરદન ઢાળી દીધી. એને ખુરસી પર બંધાયેલી હાલતમાં રહેવા દઈને સુપ્રિન્ટેન્ડન્ટ આઇસોલેશન રૂમની બહાર નીકળીને ઓબ્ઝર્વેશન રૂમમાં આવી ગયા.
એમણે જોયું કે અનિકેત સામે આતંકિત ચહેરે ઊભો છે!
'અનિકેત... ઇટ્સ ઓકે! મારે તો આ રોજનું છે,' સુપ્રિન્ટેન્ડન્ટ ધારી ધારીને અનિકેતને જોતા હતા. અનિકેત પરસેવે રેબઝેબ થઈ ગયો હતો, 'મેં તમને કહ્યું હતું ને કે કાનજી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ પેશન્ટ હીઅર... એનીવે, ચાલો જરા કોફી-બોફી મંગાવીએ.'
બધા રાહતનો શ્વાસ લેતાં એન્ટ્રેન્સ હૉલમાં ગોઠવાયા. સખારામે ઇન્ટરકોમ પર સૌને માટે ચા-કોફીનો ઓર્ડર આપ્યો. લોકેશે કહ્યું, 'સર, આજે તો મસ્ત ફૂટેજ મળ્યું કાનજીનું! એનો ક્રોધ, એનો આવેશ... બહુ ડ્રામેટિક હતું આ બધું! પણ એની ખુરસી એક બાજુથી છુટ્ટી પડી ગઈ ત્યારે હું ખરેખર ડરી ગયો હતો!'
'ધેટ વોઝ એક્ચ્યુઅલી વેરી સ્કેરી!' કહીને શિલ્પાએ ફરિયાદના સૂરમાં ઉમેર્યુંં, 'સર, મેં મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને છેલ્લા દસ દિવસમાં બે વાર ઇમેઇલ કર્યા છે કે સાત નંબરના આઇસોલેશન રૂમની ચેર ઢીલી પડી ગઈ છે, એને તાત્કાલિક ફિક્સ કરો, પણ એ લોકો કંઈ ધ્યાન જ આપતા નથી.'
'હું આ એક નહીં, બધા જ આઇસોલેશન રૂમની ખુરસીઓ ચેક કરાવી લઉં છું. ડોન્ટ વરી,' સુપ્રિન્ટેન્ડન્ટે શાંતિથી કહ્યું.
ચા-કોફી આવી. બધા ચુસ્કી લેતાં લેતાં આડીઅવળી વાતો કરતા રહ્યા, પણ અનિકેત ખામોશ થઈ ગયો હતો. અચાનક એનો મોબાઇલ રણક્યો. 'એક્સક્યુઝ મી...' અનિકેતે મોબાઇલ કાને માંડયો. અમેરિકાથી રિયાનો ફોન હતો.
'હાઈ, રિયા...'
-અમે તો જલસા કરીએ છીએ! તું શું કરે છે? રિયા ઉલ્લાસપૂર્વક કહી રહી હતી.
'હું બસ, મારી ડોક્યુમેન્ટરીમાં બિઝી છું.'
-ગેસ વોટ? અમે લોકો ગઈ કાલથી નાયગરા ફોલ્સ આવ્યાં છીએ. વેઇટ, હું તને વીડિયો કૉલ કરું છું.
'શું?'
- બચ્ચાંઓ તો આટલું બધું પાણી જોઈને એટલાં ખુશ છેને! તારે અમારી સાથે હોવું જોઈતું હતું, અનિકેત.
'તું શું બોલે છે? તમે લોકો એક્ઝેટલી ક્યાં છો?'
ફોન ડિસકનેક્ટ થઈ ગયો. અનિકેત ગુંચવાઈને મોબાઇલને તાકી રહ્યો.
નાયગરા ધોધ? રિયા અને બચ્ચાં હજુ થોડા દિવસો પહેલાં તો નાયગરા ધોધ ફરવા ગયાં હતાં, તો પછી-
સુપ્રિન્ટેન્ડન્ટ ઊભા થયા, 'અનિકેત... હું હવે રજા લઈશ. તમે લોકો હજુ અહીં જ છો?'
'અમારું કામ પણ બસ, હવે પૂરું થયું.'
'ઓલરાઇટ. સી યુ...' કહીને સુપ્રિન્ટેન્ડન્ટ જતા રહ્યા. એમની પાછળ પાછળ લોકેશ, ચતુર્વેદી, ખુરાના અને સખારામ પણ નીકળ્યા. અનિકેત બહાર પગ મૂકવા જાય તે પહેલાં જ શિલ્પાએ એને રોક્યો, 'સર!'
'શિલ્પા! નોટ અગેન, પ્લીઝ...' અનિકેતે લગભગ વિનવણી કરતો હોય એવા અવાજે કહ્યું.
'અરે, હું તમને બેસવાનું નથી કહેતી! મારી ફક્ત એક-બે વાત સાંભળતા જાઓ. તમારા જ કામની વાતો છે. વધારે સમય નહીં લઉં, બસ?'
અનિકેત અકળાઈને ઊભો રહ્યો. શિલ્પાએ એન્ટ્રેન્સ હૉલનો દરવાજો બંધ કર્યો. પછી બોલી, 'તમે ફોનમાં સાચું જ સાંભળ્યું હતું. રિયા નાયગરા ફોલ્સ જ બોલી હતી!'
અનિકેત આશ્ચર્યથી જોઈ રહ્યો, 'તને શી રીતે ખબર?
શિલ્પા કશું બોલી નહીં. ફક્ત રહસ્યમય હસતી રહી.
'તમને એક વસ્તુ આપવાની છે...' કહીને શિલ્પાએ ડ્રોઅરમાંથી બે ચાવી કાઢી.
'આ શું?' અનિકેતે પૂછયું.
'ડુપ્લિકેટ ચાવી. કાનજીના હાથ અને પગની બેડીઓની.'
'મને કેમ આપે છે?'
'કેમ? કાનજીના હાથ-પગ ખુલ્લા નહીં હોય તો એને ભગાડશો કેવી રીતે?'
સ્તબ્ધ થઈ ગયો અનિકેત!
શિલ્પાએ પાછું ભેદી સ્મિત કર્યું, 'તમને શું એમ લાગે છે અનિકેત, કે મને કંઈ ખબર નથી?'
'શું... શાની વાત કરે છે તું?'
'કમસે કમ મારી સામે તો તમે નાટક કરવાનું રહેવા જ દો! હું બરાબર જાણું છું કે તમે અહીં કાનજીને ભગાડવા માટે આવ્યા છો!'
અનિકેત અવાચક થઈ ગયો. એ પૂતળાની જેમ ઊભો હતો. શિલ્પાએ હસતાં હસતાં ચાવીઓ અનિકેતના શર્ટના ખિસ્સામાં સરકાવી દીધી અને પછી એની છાતી પર હળવેથી હાથ ફેરવીને કહે, 'એક સાદું થેન્ક્યુ પણ નહીં કહો મને? કમસે કમ એટલું તો હું ડિઝર્વ કરું છું, અનિકેત...'
અનિકેતે માંડ બોલી શક્યો, 'થેન્ક્સ. હું હવે જાઉં?'
'બહુ ઉતાવળ છે તમને તો!' શિલ્પાએ આંખો નચાવી, 'તમને એક મુખ્ય વસ્તુ આપવાની તો બાકી જ છે.'
'શું?'
શિલ્પાએ ફરી ડ્રોઅર ખોલ્યું અને એક કવર બહાર કાઢયું. કવર પર અનિકેતનું નામ અને કેમ્પસનું એેડ્રેસ ટાઇપ થયેલાં હતાં.
'ડિસ્પેચવાળાં સવારે આપી ગયાં,' શિલ્પાએ કહ્યું, 'તમને આપવાનું કહ્યું છે. લો!'
કવર હાથમાં લેતાં અનિકેતનો હાથ કંપ્યો, 'શું છે આમાં?'
'તમે જાતે જ જોઈ લો.'
અનિકેતે ધૂ્રજતા હાથે કવર ખોલ્યું. અંદરથી અંગ્રેજીમાં ટાઇપ થયેલો એક કાગળ કાઢયો... અને કાગળ પર નજર ફેરવતાં જ અનિકેતના પગ નીચેથી જમીન ખસી ગઈ! (ક્રમશ:)