હું એક ભલામણ કરવા આવ્યો છું .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તમારા ગયા પછી અમારું કોણ? તમારી લાશ લઈને બે-ચાર દિવસ નેતાઓ અને પ્રસંગભુખ્યા દેશભક્તો આંટાફેરા કરતા હોય છે, પણ પછી શું?'
'ભા રત માતા કી... જય વંદે... માતરમ... આતંકવાદ મુર્દાબાદ... પાકિસ્તાન હાય... હાય...' - રાયપુર દરવાજેથી નીકળેલી રેલી ચલકેશ્વર મહાદેવ સુધી પહોંચતાં પહોંચતાં તો વિશાળ બની ગઈ. ચારે તરફ પાકિસ્તાન અને આતંકવાદનો ખાતમો બોલાવવા માટે લોકોનું લોહી ઉકળતું હતું. રેલી જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ લોકો તેમાં જોડાતા હતા. થોડા જ સમયમાં લગભગ પાંચ-સાત હજારનું ટોળું રેલીમાં ભેગું થઈ ગયું હતું. રેલી દેસાઈની પોળ પાસે અટકી અને ત્યાં ફરીથી બધાએ સૂત્રોચ્ચાર કર્યા.
રેલી ખાડિયા ચાર રસ્તા પહોંચી ગઈ ને ત્યાં બીજા લોકો ઉમેરાતાં લગભગ દસેક હજાર માણસ ભેગું થઈ ગયું. ત્રિરંગા, દેશભક્તિનાં ગીતો અને સૂત્રોચ્ચારથી વાતાવરણ એકદમ ભાવવિભોર કરી નાખે તેવું થઈ ગયું.
સમાજના કેટલાક આગેવાનો અને તમામ જાતના નેતાઓ અત્યારે પ્રજાને સૂત્રોચ્ચાર કરાવવા પહોંચી ગયા હતા. સરસ મજાનું સ્ટેજ તૈયાર કરાયું હતું. આ નેતાઓ પોતપોતાની હેસિયત પ્રમાણે સ્ટેજ ઉપર ગોઠવાયા, કેટલાક નીચેની તરફ ગોઠવાયા અને સ્ટેજની વચ્ચોવચ એક ખુરશી ખાલી હતી. આ ખુરશી એક પીઢ નેતા માટે ખાલી રખાઈ હતી.
જનતાના માનીતા નેતા અને પ્રજાની પડખે ઊભા રહેતા નેતાની પ્રતીક્ષા હતી. લોકો આ સૌરભભાઈ સાહેબની રાહ જોતા હતા અને તેમના નામનો જયજયકાર પણ કરતા હતા. સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ કે, અડધા કલાકમાં સૌરભભાઈ સાહેબ આપણી વચ્ચે આવી જશે.
દરમિયાન એક ભાઈ આવીને કિટલી પાસે ઊભા રહ્યા.
'સૌરભભાઈ સાહેબને મળવું હોય તો ક્યાં મળવાનું? તેમણે મને ખાડિયા ચારરસ્તા બોલાવ્યો હતો. તેમની ઓફિસ ક્યાં છે?' આગંતુકે કિટલીવાળાને સવાલ કર્યો.
'કાકા, સૌરભભાઈ સાહેબ ખૂબ જ વ્યસ્ત છે, તમને આજે મળાશે નહીં. તેમની ઓફિસ પણ ખાડિયામાં નથી. તેઓ તો ગાંધીનગર રહે છે અને ત્યાંથી જ અહીંયા આવે છે. તમે કહો તો અનુજભાઈને અથવા તો તેમના કાકા હેમંતભાઈને મળાવી દઉં. તેઓ અહીંનું બધું કામકાજ સંભાળે છે. આજે તો આ રેલી છે એટલે સૌરભભાઈ તમને મળે તેમ મને લાગતું નથી.' કિટલીવાળાએ કહ્યું અને ત્યાં ઊભેલા લોકોએ પણ તેમાં હામી ભરી.
'ના ભાઈ, મારે બીજા કોઈને મળવું નથી. મને સૌરભભાઈએ જ મળવા માટે બોલાવ્યો છે. તેમણે મને સવારે જ ફોન કર્યો હતો અને અહીંયા આવવા કહ્યું હતું.' આગંતુકે ફરીથી કહ્યું. ત્યાં ઊભેલા કેટલાક લોકોના ચહેરા ઉપર હાસ્ય રેલાઈ ગયું.
'કાકા, સૌરભભાઈ સાહેબ મોટા નેતા છે. અમારા જેવા જૂના કાર્યકરોને ફોન કરીને નથી બોલાવતા એ તમને બોલાવશે? સવારથી કોઈ મળ્યું નથી યાર તમને?' એક વ્યક્તિએ કહ્યું અને બધા હસી પડયા.
'જૂઓ ભાઈ, તમે કોણ છો અને તમારે સૌરભભાઈ સાથે કેવું છે તેની મને ખબર નથી, પણ તેમણે મને બોલાવ્યો છે તે વાત નક્કી છે. તમે કહી શકતા હોવ તો કહો નહીંતર હું બીજાને પુછી લઈશ.' આગંતુકના અવાજમાં થોડી કડકાઈ આવી.
'તમે સામે સ્ટેજ પાસે પહોંચી જાઓ. સૌરભભાઈ સાહેબ ત્યાં જ આવવાના છે. તમને બોલાવ્યા હશે તો ત્યાં જ મળી જશે. ત્યાં અનુજભાઈ ઊભા છે. તેમને આ વાત જણાવજો.' કિટલીવાળાએ આગંતુકને કહ્યું. પેલા ભાઈ કિટલીવાળાએ કહ્યા પ્રમાણે સ્ટેજ પાસે પહોંચી ગયા. તેમણે અનુજભાઈને પોતાનું નામ જણાવ્યું અને સૌરભભાઈએ બોલાવ્યો હોવાનું જણાવ્યું. અનુજભાઈએ તેમને સ્ટેજ પાસે આગળની હરોળમાં બેસાડયા. કિટલી પાસે ઊભેલા લોકો આ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા.
થોડો સમય પછી સૌરભભાઈ તેમના કાફલા સાથે આવી ગયા. ફરી એક વખત લોકો સ્ટેજની આસપાસ ગોઠવાઈ ગયા. થોડીવાર સૂત્રોચ્ચાર ચાલ્યા અને ત્યારબાદ સૌરભભાઈને સ્ટેજ સોંપવામાં આવ્યું. તેમણે અડધો કલાક ધૂંઆધાર ભાષણ કર્યું અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. લોકોના સૂત્રોચ્ચાર બાદ તેમણે બધાને શાંત પાડયા.
'મિત્રો, થોડી શાંતિ જાળવો. મેં આજે એક વિશેષ વ્યક્તિને બોલાવી છે જે આપણી સાથે એક પ્રસંગની યાદ વહેંચવા માગે છે. હું વિનંતી કરું છું, પરષોત્તમભાઈને કે જેઓ સ્ટેજ ઉપર પધારે અને તેમની વાત અહીંયા રજૂ કરે.' સૌરભભાઈએ કહ્યું અને લોકોએ ફરી તાળીઓ પાડી. પરષોત્તમભાઈ સ્ટેજ ઉપર પહોંચ્યા.
'આભાર સૌરભભાઈ સાહેબ, તમે મારી લાગણીને માન આપ્યું. હું એટલું જ કહેવા માગું છું કે, આપણે પાકિસ્તાનને મિટાવી દેવું જોઈએ કે નહીં, તેનો એક જ દિવસમાં ખાતમો બોલાવવો જોઈએ કે નહીં.' પરષોત્તમભાઈએ કહ્યું અને લોકોએ ચિચિયારીઓ પાડીને તેમને સમર્થન આપ્યું.
'તો મિત્રો, ચાલો આ રેલી લઈને આપણે કાલુપુર તરફ આગળ જઈએ. ત્યાં દસ બસો પડી છે. બધા તેમાં ગોઠવાતા જાઓ, હું બીજી બસો મંગાવી લઉં છું, આપણે અહીંથી જ કચ્છની સરહદે જવાનું છે. કેન્દ્ર સરકાર સાથે મારે વાત થઈ છે અને મેં આર્મી ઓફિસરને કહ્યું છે કે, હું મારા મોસાળ એવા રાયપુરથી જ દસ હજાર જવાનો લઈને આવું છું, તમે માત્ર હથિયારો તૈયાર રાખજો. તો ચાલો મિત્રો.' પરષોત્તમભાઈ બોલ્યા અને ખાડિયા ચાર રસ્તે સન્નાટો છવાઈ ગયો. દેશભક્તિની બાંગો પોકારતા તમામ સંતાવા લાગ્યા.
'મિત્રો, મને ખબર છે તમારાથી નહીં જવાય. તમે જશો પણ નહીં. આ ઉન્માદ હમણા અડધો કલાક પછી આથમી જશે અને દર દસ મિનિટે મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાશે. એમાં તમારો વાંક નથી.' પરષોત્તમભાઈએ કહ્યું અને લોકો ભોંઠપ અનુભવવા લાગ્યા.
'મિત્રો, હું પરષોત્તમ. મારા પિતા દેશની આઝાદી માટે લડયા હતા. અમારા પરિવારમાં અમે કાકા-બાપાના કુલ ૧૧ ભાઈઓ છીએ તેમાંથી હું અને સૌથી નાનો કેશવ જ ખેતી કરીએ છીએ બાકીના બધા જ ભારતીય સેનામાં ફરજ બજાવે છે. મારા સૌથી મોટા ત્રણ ભાઈ ૭૧ની લડાઈમાં દેશના કાજે જતા રહ્યા હતા. મારા બાકીના બે ભાઈમાંથી એક વ્હીલચેર ઉપર જીવન જીવે છે અને એકનો હાથ નથી. મારા કાકાના દીકરાઓમાંથી બે દીકરાઓ કારગીલના યુદ્ધમાં હોમાઈ ગયા. મારા મોટાભાઈના દીકરાનો દીકરો ૨૦૧૯માં પઠાણકોટ હુમલામાં શહીદ થઈ ગયો. મારાથી મોટા કાકાના દીકરાનો નાનો દીકરો જે માત્ર ૨૦ વર્ષનો હતો. તે પણ ભારતીય સેનામાં સેવા આપતો હતો અને ૨૦૨૩માં રજૌરી એટેકમાં શહીદ થઈ ગયો.
'સાહેબ, આ તમામ લોકો પાગલ હતા. તેમનામાં દેશભક્તિનું એટલું ગાંડપણ હતું કે, ઘરના કોઈપણ શહીદ થાય, મૃત્યુ પામે કે ગમે તે થાય પણ તેમને સેનામાં જ જવું હોય છે. અમે તેમને સમજાવીએ છીએ કે, તમારા ગયા પછી અમારું કોણ? અમને કોઈ જોવા પણ નથી આવતું. તમારી લાશ લઈને બે-ચાર દિવસ નેતાઓ અને પ્રસંગભુખ્યા દેશભક્તો આંટાફેરા કરતા હોય છે, પણ પછી શું? કોઈને અમારી પડી નથી. તેમ છતાં આ લોકો માનતા નથી. તેમની દેશભક્તિ જરાય ઓછી થતી જ નથી. 'સાહેબ તેનાથી પણ આગળ એક વાત કહું. મારી એક અને કેશવની બે દીકરીઓ બે વર્ષ પહેલાં ઘર છોડીને ભાગી ગઈ હતી. હમણાં સમાચાર આવ્યા છે કે, તેઓ સેનામાં જોડાઈ ગઈ છે. થોડા સમય પહેલાં સૌરભભાઈ, કે જેમના પિતા અમારા જૂના પાડોશી થતા હતા, તેઓ સમાચાર લાવ્યા કે મારી અને કેશવની દીકરીઓ બીએસએફમાં છે. આ બંને છોકરીઓ કુપવારા સેક્ટરમાં તહેનાત છે. હવે તેમને ઘરે નથી આવવું. તેઓ કહે છે કે, પાકિસ્તાન સામે જે યુદ્ધ શરૂ થયું છે તેમાં ભાગ લેવા અને જરૂર પડયે તેમનો જીવ હોમી દેવા તૈયાર છીએ.
'હું તો તમને એક જ ભલામણ કરવા આવ્યો છું કે, અમારા કુટુંબમાં સતત દેશભક્તિ કરનારા અને દેશ માટે જીવ આપનારા લોકો જન્મતા રહે તેવી પ્રાર્થના કરજો. બાકીના તમામ સૈનિકોના પરિવારોમાં પણ બીજા જાંબાઝ જન્મે તેવી પ્રાર્થના કરજો. બીજી એક ભલામણ એ છે કે, આવા શહીદોના ઘરે કારણ વગર પોસ્ટરો અને મીણબત્તીઓ લઈને ના પહોંચી જશો. તેમની મોતનો મલાજો જાળવજો. મદદ ના થાય તો કંઈ નહીં, પણ તમારી મોબાઈલબાજીના ચક્કરમાં તેની શહીદીને શહેરભરમાં વહેંચતા ફરશો નહીં.' પરષોત્તમભાઈએ વાત પૂરી કરી. જનમેદનીની હાજરી છતાં સન્નાટા વચ્ચે તેઓ નીચે ઉતરીને ચાલતા ચાલતા કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા રહ્યા.