Get The App

ભારતીય ક્રિકેટ બોર્ડની રચના અને ભારતને ટેસ્ટદરજ્જો અપાવનાર સિક્સરનો જાદુ

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય ક્રિકેટ બોર્ડની રચના અને ભારતને ટેસ્ટદરજ્જો અપાવનાર સિક્સરનો જાદુ 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ટેસ્ટક્રિકેટના પ્રથમ 33 વર્ષમાં દડો છેક ગ્રાઉન્ડની બહાર જાય, ત્યારે સિક્સર ગણવામાં આવતી. પરિણામે વર્તમાન  ક્રિકેટની ઘણી સિક્સર એ જમાનામાં બાઉન્ડ્રી જ ગણાતી હતી

રો હિત શર્માએ ગયે વર્ષે વર્લ્ડકપમાં વિજય મેળવ્યા પછી ટી-ટ્વેન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કશું અને એ પછી તાજેતરમાં લાલ દડાથી ખેલાતા ટેસ્ટમેચમાંથી એમણે નિવૃત્તિ જાહેર કરી. 'રો-હિટ'ના નામે જાણીતા રોહિત શર્માને ૨૦૧૧ની વર્લ્ડકપની ટીમમાં ફિટનેસને કા૨ણે બાકાત રાખવામાં આવ્યો હતો, એ જ રોહિત શર્માએ એ પછી વજન ઉતારવાની સાથોસાથ આકરી પ્રતિબદ્ધતાથી ફિટનેસ મેળવવાનો પ્રયત્ન કર્યો અને એના સુકાનીપદ હેઠળ ૨૦૨૪ના ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતને વિજય મળ્યો. 

થોડા સમય અગાઉ ક્રિકેટના લેક્સિકોનમાં એક નવો શબ્દ ઉમેરાયો અને તે છે 'બેઝબોલ'. ઇંગ્લેન્ડના કોચ મેકુલમ અને એના સુકાની બેનસ્ટ્રોકે બેઝબોલની સ્ટાઇલથી બેટિંગ કરવાની પદ્ધતિનો અમલ અને પ્રચાર કર્યો. એમણે ટેસ્ટમેચમાં કઈ રીતે ખેલવી તેને માટે બે પ્લાન તૈયાર કર્યા. પ્લાન-એ એટલે આક્રમક રીતે બેટિંગ કરવી અને પ્લાન-એ નિષ્ફળ જાય તો પ્લાન-બી એટલે, એથી ય વધુ આક્રમકતાથી બેટિંગ કરવી. આને પરિણામે ટેસ્ટક્રિકેટમાં રનનાં ઢગલા થવા લાગ્યા. 

છેલ્લાં વીસ વર્ષમાં ટેસ્ટમાં ઓવરદીઠ ૩.૨ રનની સરેરાશ હતી. તેમાં તાજેતરમાં ખૂબ ઝડપથી વધારો થયો. રોહિતે પણ પાછળના સમયમાં આ બેઝબોલ ક્રિકેટને અપનાવ્યું. એ ઓપનિંગમાં આવીને જોશભર્યા સ્ટ્રોક લગાવીને ખૂબ ઝડપથી રન કરતો હતો. 'કટ' અને 'પૂલ'થી એ રન મેળવવા લાગ્યો અને પછી સિક્સર પર સિક્સર લગાવવા માંડયો, પરંતુ આ સમયગાળા દરમિયાન એ બેટિંગનું સાતત્ય ખોઈ બેઠો અને એનું ગંભીર પરિણામ એ આવ્યું કે ટેસ્ટ અને ટી-ટ્વેન્ટીમાં લગાતાર નિષ્ફળ જવા માંડયો. 

૨૦૨૫ની આઈ.સી.સી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને અંતિમ મેચમાં પરાજિત કરીને સુકાની રોહિતે વિજય મેળવ્યો. એણે ૮૩ દડામાં ૭૬ રન કર્યાં અને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ પણ મેળવ્યો અને સાથોસાથ ભારતને ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી મળી, પરંતુ એ પછીના એના પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર દસ રનની સરેરાશ નોંધાવી શક્યો અને આઈપીએલમાં પણ પહેલી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ સામે શૂન્ય રનમાં અને ગુજરાત ટાઈટન્સ સામે આઠ રનમાં આઉટ થયો.

આ બધી ઘટનાઓએ ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણી અગાઉ રોહિતને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની પરિસ્થિતિ ઊભી કરી અને ૩૮ વર્ષના રોહિત શર્માએ વિદાય લીધી. હવે એ માત્ર વન-ડેની આંત૨૨ાષ્ટ્રીય મેચો સિવાય એ અન્ય સ્પર્ધાઓમાં ખેલશે નહીં. 

રોહિત શર્માની સિક્સરની વાત થાય છે, ત્યારે એ સ્વીકારવું જોઈએ કે સિક્સ૨ની બાબતમાં સી. કે. નાયડુ, સલીમ દુરાની જેવા ખેલાડીઓની સિક્સર વિશેની તુલના કરતી વખતે બદલાયેલા સમયને ઓળખવો પડે. ક્રિકેટમાં સતત એટલું પરિવર્તન આવતું રહે છે કે હવે એને એક સળંગ ઇતિહાસરૂપે જોવાને બદલે જુદા જુદા યુગવાર અભ્યાસ કરવો પડે. આનું કારણ એ છે કે નિયમો સતત બદલાતા રહ્યા છે. એલબીડબલ્યુનો નિયમ હોય, પીચ ઢાંકવાનો નિયમ હોય - તે આજે સાવ બદલાઈ ગયા છે. એક સમયે પીચ ઢાંકેલી ન હોય, ત્યારે બેટિંગ કરવા માટે ખાસ પ્રકારની ક્ષમતા જરૂરી હતી, જ્યારે આજે એ ટર્ફ તૈયાર હોવાથી આવો સવાલ ઊભો થતો જ નથી. 

એક જમાનામાં ખેલાડી પાસે શરીર પરનાં રક્ષણાત્મક સાધનો ઓછાં હતાં. આજે એની પાસે ઘણાં પ્રોટેક્ટિવ સાધનો છે. વિચાર તો કરો કે આજથી ચાલીસ વર્ષ પહેલાં મોટે ભાગે શૂન્ય ૨ને આઉટ થતો પૂંછડીયો ખેલાડી ચંદ્રશેખર ખુલ્લા માથે ઓસ્ટ્રેલિયાના ઝડપી જેફ થોમ્પસન અને વેસ્ટ ઇન્ડિઝના એન્ડી રોબર્ટ્સનો મુકાબલો કરતો હતો. રક્ષણાત્મક સાધનોની સાથે ક્રિકેટરનાં બીજાં સાધનોમાં પરિવર્તન આવ્યું છે. 

એક સમયે એ 'ઇંગ્લિશ બેટ'માં પાતળું હેન્ડલ હતું, એના પર રબર ચડાવેલું હતું, જેથી દડો ફટકારવાનો આંચકો થોડો ઓછો લાગે. એને ઓઇલથી સિઝનિંગ કરવામાં આવતું, જ્યારે આજે બનતા બેટ ઉચ્ચ ટેકનોલોજીથી તૈયાર થાય છે, એનું લાકડું મજબૂત હોય છે, એના હેન્ડલ પર ઘણા સ્લિવ્ઝ હોય છે અને એ બેટની ધાર પણ એવી હોય છે કે જેથી એ બેટને એક ત્રીજી સાઈડ પણ આપે છે. આથી ઘણી વાર બેટિંગમાં બેટ્સમેનનો ખોટો, ભૂલભરેલો સ્ટ્રોક પણ દડાને ૬૫ વાર દૂર મોકલી આપે છે. બોલરને એમ લાગે છે કે આવી રીતે દડો દૂર જાય અને ચોગ્ગો મળે તે એની ગોલંદાજીને અન્યાયકર્તા છે. 

આ બધું હોવા છતાં આધુનિક લીગ ક્રિકેટમાં સિક્સર અને ફોરનો ઢગલો થાય છે અને હવે ધીરે ધીરે તો બાઉન્ડ્રીનું અંતર પણ ઓછું થઈ ગયું છે. પીચથી સ્ટ્રેટ બાઉન્ડ્રીની ગણતરી કરીએ તો બીજા મેદાન કરતાં વાનખેડે સ્ટેડિયમની બાઉન્ડ્રી ૭૦ મીટર છે, ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમની ૬૮થી ૭૦ મીટર છે, કોલકાતાના ઈડન ગાર્ડનની ૭૬ મીટર છે ને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાઉન્ડ્રી ૭૫-૮૦ મીટર છે! આથી પ્રેક્ષકોની સિક્સરની આતુરતા વધુ રહે છે. 

રોહિત શર્માની બેટિંગ સમયે દર્શકો સતત સિક્સરનો આગ્રહ રાખતા અને રોહિત પણ એમને નિરાશ કરતો નહીં. આ સિક્સરની બાબતમાં સાચી હકીકત જાણવી જરૂરી છે. ટેસ્ટક્રિકેટના પ્રથમ ૩૩ વર્ષમાં દડો છેક ગ્રાઉન્ડની બહાર જાય, ત્યારે સિક્સર ગણવામાં આવતી. પરિણામે વર્તમાન સમયનાં ક્રિકેટની ઘણી સિક્સર એ જમાનામાં બાઉન્ડ્રી જ ગણાતી હતી. એનું બીજું કારણ એ છે કે વન-ડે ક્રિકેટના પ્રારંભ પહેલાં પીચથી બાઉન્ડ્રીનું અંતર ઘણું વધારે હતું અને ક્રિકેટના ઘણા પ્રસિદ્ધ મેદાનો તો પીચથી બાઉન્ડ્રીનું ૮૦ મીટર કે તેથી વધુ ધરાવતા હતા, પરંતુ પછી જેને ફટાફટ ક્રિકેટ કહેવામાં આવે છે એવા આઈપીએલનો પ્રારંભ થતાં બાઉન્ડ્રીઓ નાની થવા લાગી અને પરિણામે સિક્સર વધવા લાગી. આથી જ્યારે આપણે સી. કે. નાયડુની બાઉન્ડ્રી સાથે આજનાં બેટ્સમેનોની બાઉન્ડ્રીની સરખામણી કરીએ છીએ, ત્યારે આ બાબત ભુલવી જોઈએ નહીં. 

આનું એક ઉદાહરણ આપું તો ૧૯૨૬-૨૭માં ઇંગ્લેન્ડના આર્થર ગીલીગનના એમ.સી.સી. ટીમ મુંબઈ જીમખાનાના મેદાન પર હિંદુ ટીમ સાથે ખેલતી હતી અને એણે ૩૬૩ રન કર્યાં. હિંદુ ટીમના બે વિકેટે ૬૭ રન થયા હતા, ત્યારે સી. કે. નાયડુ રમવા આવ્યા અને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલી ગઈ. બે વાર સ્ટુઅર્ટ બોયસ નામના ગોલંદાજનો દડો સી કે. નાયડુની બેટિંગમાં એક વાર પેવેલિયનની છત પર અથડાયો અને બીજી વાર એ ટેન્ટ કુદાવીને બહાર પડયો. આ સમયે નાયડુએ અગિયાર સિક્સર લગાવી હતી અને એકસો મિનિટમાં ૧૫૩ રન કર્યાં હતાં. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં અગિયાર સિક્સરનો એમનો આ વિક્રમ ૧૯૬૨-૬૩ સુધી અણનમ રહ્યો હતો, પણ સી. કે. નાયડુની આ ૨મતે ગીલીગનને વિચાર કરતો કર્યો અને એણે પતિયાળાના મહારાજા અને અન્ય અગ્રણીઓને ભારતીય ક્રિકેટબોર્ડની રચના કરવા કહ્યું અને એને પરિણામે ૧૯૩૨માં લોર્ડ્ઝના મેદાન પર ટેસ્ટનો દરજ્જો પામેલી ભારતીય ટીમ પહેલી ટેસ્ટમેચ ૨મી. આ પ્રવાસમાં પણ સુકાની સી. કે. નાયડુએ ૩૨ સિક્સર લગાવી.

નાયડુ પાસે ઓફ-સાઈડના દડાને લેગ બાજુ કઈ રીતે લઈ જવો એની આગવી ક્ષમતા હતી. અગાઉ લેગના દડાને લેગ તરફ અને ઓફનાં દડાને ઓફ તરફ મારવાનો નિયમ હતો, એમાં નાયડુએ ક્રાંતિ આણી. આ નાયડુની બેટિંગના સંદર્ભમાં એક વર્તમાનપત્રે એવું કાર્ટૂન આપ્યું હતું કે ક્રિકેટનાં મેદાનની આસપાસ રહેનારા લોકો નાયડુને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે, 'અમે ૨મતા નથી, અમને દડો મારશો નહીં.'

આજે ૩૮ વર્ષે રોહિત શર્મા નિવૃત્તિ લે છે, ત્યારે ૧૯૫૩માં ૫૮ વર્ષની વયે સી. કે. નાયડુએ ૮૬ મિનિટમાં ૭૪ રન કર્યા હતા. આ બધી વાતનો સાર એક જ કે દરેક યુગ એની તાસીર પ્રમાણે સમર્થ ખેલાડી પેદા કરે છે. સિક્સર સદાય મેદાન પર રોમાંચ સર્જતી રહે છે. ૧૯૭૬-૭૭માં ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર ખેલાડી ડાયના એડુલજીએ ન્યૂઝીલેન્ડના સમર્થ ખેલાડી રીચાર્ડ હેડલીનું 'ક્રાઉન' બેટ જોયું. આજ સુધી ડાયનાને એના પુરુષ સગાઓએ બેટ લાવી આપ્યું હતું, એના મનમાં પોતાનું બેટ લાવવાની ઝંખના હતી. રીચાર્ડ હેડલીએ ડાયનાની પાંચ ફૂટ અને ત્રણ ઈંચની નાનકડી કાયા જોઈને એની સાથે એક શરત કરી કે જો એ સિક્સર મારશે તો એ જે કંઈ માગશે તે આપશે. 

આ પ્રવાસમાં ડાયનાએ સુકાની શાંતા ગંગાસ્વામીને વિનંતી કરી કે એને આગળનાં ક્રમે બેટિંગમાં મોકલવામાં આવે. રંગાસ્વામીએ એની વાત સ્વીકારી અને ડાયનાએ એ મેચમાં સિક્સર લગાવી. એ પછી તરત જ પ્રેક્ષક તરીકે પોતાની પત્ની કરેન સાથે મેચ જોતા રીચર્ડ હેડલીને શરત હારી ગયાની વાત કરી અને આ સિક્સરે ભારતીય મહિલા ખેલાડીને ન્યૂઝીલેન્ડના મહાન ખેલાડી રીચાર્ડ હેડલી પાસેથી 'ક્રાઉન' બેટ અપાવ્યું. આ છે સિક્સ૨નો જાદુ.

Tags :