Get The App

મિસાઈલ, ડ્રોન અને ધડાકો : ઓપરેશન સિંદૂરનો ટેકનોલોજીકલ માસ્ટરસ્ટ્રોક

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
મિસાઈલ, ડ્રોન અને ધડાકો : ઓપરેશન સિંદૂરનો ટેકનોલોજીકલ માસ્ટરસ્ટ્રોક 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

૭ મે, ૨૦૨૫ના રોજ, ભારતે ઓપરેશન સિંદૂર નામનું એક મહત્વપૂર્ણ લશ્કરી અભિયાન હાથ ધર્યું હતું. જેનો ઉદ્દેશ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર  (PoK)માં આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો. આ અભિયાન ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતું. જેમાં ૨૬ નાગરિકોના જીવ ગયા હતા. ઓપરેશન સિંદૂર, ભારતની વ્યૂહાત્મક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. ૨૦૧૬ના ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને ૨૦૧૯ના બાલાકોટ એરસ્ટ્રાઈકથી વિપરીત, ઓપરેશન સિંદૂર તેના વ્યાપ, ચોકસાઈ અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે અલગ તરી આવે છે. ભારતે મોટા પાયે, ટેકનોલોજી-સંચાલિત, આતંકવાદ વિરોધી ઓપરેશન્સ હાથ ધરવા SCALP અને HAMMER હથિયારોનો ઉપયોગ કર્યો છે. જે પશ્ચિમી દેશોમાં લશ્કરી કાર્યવાહીમાં વાપરવામાં આવે છે. જ્યારે સ્વદેશી ડ્રોન અને AI સિસ્ટમ્સનું એકીકરણ, ભારતીય સંરક્ષણ પ્રણાલીમાં આધુનિક નવીનતામાં, ભારતના અનન્ય યોગદાનને પ્રદર્શિત કરે છે. ઓપરેશન સિંદૂરની સફળતામાં અદ્યતન ટેકનોલોજી, જેમ કે ચોકસાઈ-માર્ગદર્શિત હથિયારો, અદ્યતન ડ્રોન અને રીઅલ-ટાઈમ ઈન્ટેલિજન્સ સિસ્ટમ્સનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે. તો ચાલો ઓપરેશન સિંદૂરમાં વપરાયેલ ટેકનોલોજીની ભીતરની દુનિયામાં, એક દ્રષ્ટિપાત કરીએ.

સિંદૂરની લાલ રેખા : ભારતની અજેય ટેકનોલોજીકલ શક્તિ

ઓપરેશન સિંદૂરની સફળતાનો મુખ્ય આધાર ચોકસાઈ- માર્ગદર્શિત હથિયારોનો ઉપયોગ હતો. ખાસ કરીને SCALP ક્રૂઝ મિસાઈલ અને HAMMER ચોકસાઈ બોમ્બ. આ હથિયારો, ભારતીય વાયુસેના (IAF) ફાઈટર વિમાન દ્વારા પાકિસ્તાનના લક્ષ્ય ઉપર છોડવામાં આવ્યા હતા. SCALP (Système de Croisière Autonome à Longue Portée),, જેને સ્ટોર્મ શેડો તરીકે પણ ઓળખવામાં આવે છે.  SCALP/ સ્ટોર્મ શેડો મિસાઈલ્સ, ૨૫૦ કિલોમીટરથી વધુની રેન્જ સાથે, બંકરો અને કમાન્ડ પોસ્ટ જેવા મજબૂત લક્ષ્યોને ભેદવા માટે રચાયેલ છે. તેનો વિકાસ યુરોપિયન એરોસ્પેસ કંપની MBDA દ્વારા કરવામાં છે. 

૨૦૧૧ના લિબિયા ગૃહયુદ્ધ દરમિયાન, આ મિસાઈલનો ઉપયોગ બ્રિટિશ અને ફ્રેન્ચ દળોએ ગદ્દાફી શાસનના લક્ષ્યો, જેવા કે કમાન્ડ બંકરો અને શસ્ત્ર ડેપો સામે કર્યો હતો. ઈરાક અને સીરિયામાં,ISISના ગઢો સામે સંયુક્ત દળો દ્વારા SCALPનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૨૩માં ફ્રાન્સ અને યુકે તરફથી, યુક્રેનને SCALP/સ્ટોર્મ શેડો મિસાઈલ્સ મળ્યા હતાં.જેનો ઉપયોગ યુક્રેને ફ્રન્ટ લાઈનની પાછળ રહેલ, રશિયન લક્ષ્યોને હિટ કરવા કર્યો હતો. મિસાઈલનાં માથા ઉપર લાગેલા ૪૫૦ કિલોગ્રામનું વોરહેડ, ઊંડે સુધી પહોંચીને વિસ્ફોટ કરે છે. તેની આ ખાસિયતના કારણે તેનો ઉપયોગ, ઓપરેશન સિંદૂરમાં બહાવલપુરમાં વીસ્ના મુખ્ય ઓપરેશનલ મથક મર્કઝ સુભાન અલ્લાહ જેવા મજબૂત લક્ષ્યો તોડી પાડવા માટે કરવામાં આવ્યો છે. ભારતીય હવાઈ દળનાં,IAF રાફેલ ફાઈટર જેટમાંથી SCALP મિસાઈલો લોન્ચ કરવામાં આવી હતી. મિસાઈલની અદ્યતન નેવિગેશન સિસ્ટમ, GPS, ઈનર્શિયલ નેવિગેશન અને ટેરેન-રેફરન્સ્ડ નેવિગેશનનો ઉપયોગ કરે છે. જેના દ્વારા તે નીચી ઊંચાઈના ફ્લાઈટ પાથને અનુસરવા સક્ષમ છે. એની આ લાક્ષણિકતા તેને શત્રુની રડાર પ્રણાલીથી બચાવે છે.   

આકાશના શિકારી : કામિકાઝી ડ્રોનનો કહેર 

ઓપરેશન સિંદૂરની એક વિશિષ્ટ વિશેષતા લોઈટરિંગ મ્યુનિશન્સ છે. જેને ઘણીવાર 'કામિકાઝી ડ્રોન' કહેવામાં આવે છે. આ કામિકાઝી ડ્રોન પ્રણાલીને ઓટોમેટીક ટાર્ગેટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. લોઈટરિંગ મ્યુનિશન્સે, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ (UAVs) છે. જેને આપણે ડ્રોન તરીકે ઓળખીએ છીએ. આવા ડ્રોન વિશાળ વિસ્તાર પર લાંબો સમય ફરતા રહે છે, ગુપ્તચર માહિતી એકઠી કરે છે. મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ અને શવાઈ નલ્લા જેવા શિબિરો સામેના હુમલાઓમાં ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ડ્રોન, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ સેન્સર્સથી સજ્જ છે. ભારતનાં ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન્સ (GCS)  થર્મલ ઈમેજિંગ અને લક્ષ્ય નિર્ધારણ ડેટાને પ્રોસેસ કરવા માટે સક્ષમ અદ્યતન વિઝયુઅલાઈઝેશન સોફ્ટવેર ધરાવે છે. જેમાં AI-સંચાલિત લક્ષ્ય નિર્ધારણ અલ્ગોરિધમ્સનું એકીકરણ કરવામાં આવ્યું હોવાથી ટાર્ગેટને (લક્ષ્ય) ઝડપથી કાઢયા હતા. ડ્રોનને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન્સ દ્વારા હાઈ રીસોલ્યુશન તસવીરો પૂરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ તેના ઉપર ઓનબોર્ડ વોરહેડ્સ વડે કર્યો હતો. ઓપરેશન સિંદૂરમાં, હારોપનો ઉપયોગ પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, ખાસ કરીને લાહોરમાં ચીની બનાવટની HQ-9 મિસાઈલ સંરક્ષણ યુનિટ્સને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. અનુસાર, હારોપ ડ્રોન્સે લાહોરની હવાઈ સંરક્ષણને નિષ્ક્રિય કરી, જેનાથી ભારતીય વાયુસેના (IAF)ના રાફેલ જેટ્સ દ્વારા SCALP મિસાઈલ્સ અને HAMMER બોમ્બ્સ દ્વારા હુમલાઓ કરવાનું કામ સરળ બન્યું હતું. હારોપ ડ્રોન્સનું હાર્પી  NG  વેરિઅન્ટ સાથે, તેમની 'ફાયર-એન્ડ-ફોર્ગેટ' ક્ષમતા માટે ઉપયોગમાં લેવાયા, જે રડાર લક્ષ્યો પર સ્વયંસંચાલિત રીતે આત્મઘાતી હુમલો કરે છે. હારોપ ડ્રોન્સ પાસે ૧૬-કિલોગ્રામના વોરહેડ, ૧,૦૦૦-કિલોમીટરની રેન્જ અને નવ કલાક સુધી લોઈટરિંગની ક્ષમતા છે.

HAMMERનો હથોડો : મજબૂત બંકરોનો નાશ

૨૦૨૦માં, ભારતે તેના રાફેલ જેટ્સ માટે HAMMER બોમ્બનો મોટો બેચ ઓર્ડર આપ્યો હતો. જેને નવેમ્બર ૨૦૨૦ સુધીમાં, ફ્રાન્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો. HAMMER (Highly Agile Modular Munition Extended Range)એ, ફ્રાન્સની Safran Electronics & Defense દ્વારા વિકસાવવામાં આવેલ ચોકસાઈ- માર્ગદર્શિત બોમ્બ છે. HAMMERના ત્રણ પ્રકાર છે : SBU-38 (INS/GPS), SBU-54 (INS/GPS/jumh), અને SBU-64 (INS/GPS/ ઈન્ફ્રારેડ). જેની રેન્જ ૫૦-૭૦ કિલોમીટરની છે. HAMMER એક મોડયુલર ગાઈડન્સ કિટથી સજ્જ છે. જે GPS, ઈનર્શિયલ અને લેસર ગાઈડન્સ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને લશ્કરી નિશાન ઉપર ત્રાટકે છે. ૨૦૦૮માં, અફઘાનિસ્તાનમાં ફ્રેન્ચ રાફેલ જેટ્સે જમીની સૈનિકોને સમર્થન આપવા માટે, HAMMERનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૧ના લિબિયા ગૃહયુદ્ધ દરમિયાન, HAMMERનો ઉપયોગ મિસરાતા ખાતે રનવે પર લિબિયન G-2 ગેલેબ વિમાનને નષ્ટ કરવા માટે કરવામાં આવેલો.   

૨૦૨૪માં, ફ્રાન્સે યુક્રેનને HAMMER બોમ્બ સપ્લાય કર્યા હતા. જેનો મોટો જથ્થો રશિયન ટાર્ગેટને હિટ કરવા માટે થયો હતો. ઓપરેશન સિંદૂરમાં, HAMMER બોમ્બનો ઉપયોગ બહુમાળી ઈમારતો અને મજબૂત બંકરોને નિશાન બનાવી તેને તોડી પાડવા માટે કરવામાં આવ્યો હતો. આ કેન્દ્રો LeT  અને JeM દ્વારા તાલીમ અને લોજિસ્ટિક કેન્દ્રો તરીકે વપરાતા હતા. HAMMER બોમ્બનો ઉપયોગ મુરીદકેમાં મર્કઝ તૈબા, LeTના ૨૦૦ એકરના સંકુલમાં આવેલા વિવિધ કેન્દ્રો તોડી પાડવામાં કરવામાં આવ્યો છે.IAF પાઈલટોને રીઅલ ટાઈમમાં પોતાના લશ્કરીની ટાર્ગેટને નક્કી કરીને, તેના ઉપર HAMMER બોમ્બનો મારો ચલાવ્યો હતો. HAMMERની કોમ્પેક્ટ ડિઝાઈન અને મોડયુલર વોરહેડ વિકલ્પો, તેને કસ્ટમાઈઝ્ડ હુમલાઓમાં વાપરવા માટેના આદર્શ શસ્ત્ર તરીકે પ્રસ્થાપિત કરે છે. આતંકવાદીઓનાં માળખાં નષ્ટ કરવા માટે HAMMER સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. 

ગુપ્તચરની ગરુડદ્રષ્ટિ : નકશા પર નિશાન

ઓપરેશન સિંદૂરની સફળતા અદ્યતન ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રેકોનિસન્સ (ISR) સિસ્ટમ્સ પર આધારિત હતી. જેણે રીઅલ-ટાઈમ સ્થિતિગત માહિતી પૂરી પાડી હતી. ઓપરેશન સિંદૂરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)lt RISAT  અને Cartosat  સેટેલાઈટ્સ દ્વારા મેળવવામાં આવેલ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલા માટે લક્ષ્ય પસંદગી અને હુમલા પછીના નુકસાન આકલન માટે, આ ઉપગ્રહ દ્વારા ઉચ્ચ-રિઝોલ્યુશન ઈમેજરી અને સિગ્નલ્સ ઈન્ટેલિજન્સ (SIGINT)  મેળવવામાં આવ્યા હોઈ શકે છે. એક અહેવાલ મુજબ ઈસરોનો સેટેલાઈટ ડેટા, આતંકવાદી માળખાને નકશામાં ઓળખી કાઢવા માટે નિર્ણાયક બન્યો હતો.IAFએ ઓપરેશનલનું નિરીક્ષણ કરવા માટે DRDO-વિકસિત નેત્રા અને રશિયન-મૂળના ફાલ્કોન AWACS જેવી હવાઈ ચેતવણી અને નિયંત્રણ (AEW&C) સિસ્ટમ્સ તૈનાત કરી છે. આ પ્લેટફોર્મ્સ, શક્તિશાળી રડાર અને સંચાર સ્યુટ્સથી સજ્જ, શત્રુની હિલચાલને ટ્રેક કરે છે.IAF વિમાનોનું સંકલન કરે છે. વિવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ સુરક્ષિત ડેટા લિંક્સ પૂરી પાડે છે. 

AEW&C સિસ્ટમ્સે ઓપરેશનલ ગુપ્તતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેનાથી ભારતીય દળો, પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં પકડાયા વિના, પાકિસ્તાનમાં લશ્કરી હુમલાઓ કરી શક્યું છે. આ ઉપરાંત જમીન-આધારિત ગુપ્તચર યુનિટોએ સેટેલાઈટ્સ અને SIGINT પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને, રીઅલ-ટાઈમ ડેટા પ્રોસેસ કરી આપ્યો હતો. તેથી જેના કારણે ભારતને સુરક્ષિત, એન્ક્રિપ્ટેડ સંચાર સિસ્ટમ્સ ઓપરેશનલ મળી હતી. ઓપરેશન સિંદૂર એટલું સફળ રહ્યું હતું કે પાકિસ્તાનની ચીની બનાવટની HQ-9 હવાઈ સંરક્ષણ સિસ્ટમ્સ, ભારતીય ઓપરેશનની ગુપ્તતાને ચોકસાઈને ખુલ્લી પાડીને, ભારતના હુમલાઓનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે ચીન પણ તેની HQ-9 હવાઈ સંરક્ષણ ટેકનોલોજીને હવે અપગ્રેડ કરવાનું વિચારશે. 

Tags :