Get The App

ધર્મ એટલે દીવાલો નહિ, ધર્મ એટલે દરવાજા!

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
ધર્મ એટલે દીવાલો નહિ, ધર્મ એટલે દરવાજા! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- વિદાય લઇ ગયેલા પોપ ફ્રાન્સિસ ખ્રિસ્તી ધર્મના બધા ઉપદેશ સાથે પણ જિંદગીની અલગારી સમજ રાખનારા એક રેર મિસ્ટિક વધુ હતા!

'આ પણે ધર્મ સામેનું જોખમ બહારથી છે, એમ માનીને વધુને વધુ જડબેસલાક દીવાલો બનાવતા જઇએ છીએ, પણ ધર્મને ખરો ખતરો તો અંદરથી છે. પોતાનાઓ તરફથી જ છે !'

એક શૉટમાં ડબલ સિકસર જેવો આ સંવાદ કાલ્પનિક હોવા છતાં કાલ્પનિક નથી. 'ટુ પોપ્સ' નામની નેટફ્લિક્સ પર મોજૂદ સરસ ફિલ્મના દ્રશ્યનો છે. પોપ બેનડિક્ટ જે મૂળ જર્મન હતા એમણે આર્જેન્ટીનાના સિનિયર પ્રિસ્ટ એવા જોર્જ બર્ગોગલિયોને મળવા બોલાવ્યા છે, જેમને રાજીનામું આપવું છે. એમની વચ્ચેના સંવાદોની આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે એ જોર્જ સાહેબને જ પોપ બેનડિક્ટે પોતે નિવૃત્તિ લઇ લીધા પછી પોપ ફ્રાન્સિસ બનતા જોયેલા. જી હા, આ ક્વોટ થોડા સમય પહેલા વિદાય લઇ ગયેલા પોપ ફ્રાન્સિસનું છે ને એટલે ઓથેન્ટિક છે. ફિલ્મ એમની હયાતીમાં જ રિલીઝ થયેલી ૨૦૧૯માં અને પોઝિટિવ રિવ્યૂઝ હતા પૂર્વ પોપ બેન્ડિક્ટ તરીકે એન્થની હોપકિન્સ અને પોપ ફ્રાન્સિસ તરીકે એમના જેવા જ દેખાતા એક્ટર જોનથાન પ્રાઈસ હતા. બેનડિક્ટ ટિપિકલ રૂઢિચુસ્ત વિચારધારાના, જ્યારે પોપ ફ્રાન્સિસ તો ખ્રિસ્તી ધર્મના પાપસીના ઇતિહાસમાં સૌથી વધુ ઉદાર, લિબરલ મોડર્ન સાયન્ટિફિક માઇન્ડના ગણાય એવા ! નેચરલી, બેઉ વચ્ચેનો વૈચારિક કોન્ફિલક્ટ આ ફિલ્મમાં પણ છે. જાણે ગાંધીજી સાથે ટાગોર વિજ્ઞાાન કે કળા પર ડિબેટ કરતા હોય એવો !

એમાં પોપ ફ્રાન્સિસ પાછળથી થયેલા પાદરી જોર્જ આ કહે છે. મૂળે જેસુઆઈટ એવા એ યુરોપની બહારના આર્જેન્ટીના (દક્ષિણ અમેરિકા)ના છે. જેમનું બચપણ નોર્મલ વીતેલું ને પાડોશની છોકરી સાથે પ્રેમ થઇ ગયેલો એ વાત પોપ બન્યા પછી પણ એમણે છુપાવી નહિ. ટીનએજમાં એક લોકલ બારના બાઉન્સર તરીકે પણ કામ કરેલું. મતલબ, આધુનિક યુવા જગતને એમણે જાતઅનુભવે ક્લોઝઅપમાં જોયેલું. વાંચેલી સાંભળેલી વાતો સિવાય પણ. જે અનુભવો એમની સાથે રહ્યા. અને રશિયામાં ગોર્બાચોવ કે ભારતમાં નરસિંહરાવ જેમ વ્યક્તિગત દિવસો પાર્ટીલાઈનથી અલગ હોવા છતાં ટોચ પર પહોંચ્યા તે નવી પહેલ કરી એવું જ પોપ ફ્રાન્સિસના કેસમાં બન્યું. જોકે, જામેલા એસ્ટાબ્લિશમેન્ટમાં ગમે તેવા ક્રાંતિકારી કે આધુનિક વિચારો લઇને વડા બનો ક્યારેક તો તમારે સમાધાન કરવું પડે ને બધું ધાર્યા મુજબ ફેરવી ન શકાય નેક ઇરાદાઓ છતાં એનો કડવો અનુભવ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને થઇ જ ગયેલો. પોપ ફ્રાન્સિસના નવા અનુગામી કોન્ક્લેવ જેવી સંસદીય ચૂંટણીની પ્રક્રિયા (આ પણ અલગ લેખનો વિષય છે !) બાદ આવ્યા એ પોપ લિયોએ બધો જ રાજવી ઠાઠમાઠ ધારણ કરીને જ દર્શન આપ્યા હતા.

જ્યારે પોપ ફ્રાન્સિસ અનિવાર્ય પ્રોટોકોલ સિવાય એ બધા રોયલ લાગતા ઠઠારાથી દૂર રહેતા ને સિમ્પલ સફેદ વસ્ત્રોમાં જ મોટે ભાગે જોવા મળતા. એમણે ઇચ્છા પણ પ્રગટ કરેલી કે વેટિકન (પોપ રાષ્ટ્રના વડા પણ છે, ભલે ટચૂકડું હોય. એટલે એમના નિધન વખતે રાષ્ટ્રીય શોક હોય)ના શાહી દરવાજાને બદલે એમને ગમતા રોમના પ્રાચીન મધર મેરીના ચર્ચમાં એમને સાવ સિમ્પલ સ્મારક સાથે જ દફન કરવામાં આવે. જેમાં કોઈ ભવ્ય ડેકોરેશન વિના માત્ર એટલું જ લખેલું હોય. ફ્રાન્સિસ ! બસ ! અને એ અંતિમવિધિના પૈસા પણ એમની અંગત બચતમાંથી એમણે અનામત રાખેલા. એ આર્જેન્ટિનામાં ચર્ચના વડા હતા ત્યારે પણ એમને કાર મળતી, એ છોડીને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા. જાહેર ખૂમચા પર ઊભા રહી સાદો નાસ્તો કરતા. એમનું માનવું એવું હતું કે સગવડ સાધનાનો વિરોધ નહિ, પણ જો આપણે સંસાર ત્યાગ કર્યો છે, તો પછી એના ભોગવટાનો મોહ એ તો દેખીતો ધર્મદ્રોહ છે, તો બધું છોડવાનું નાટક શું કરવું ?

સાધુ હોવાની દીક્ષા લઇને લોકો સત્તાધીશ બનવા રાજકારણમાં ચૂંટણી પણ લડે છે ને એ સિવાય પણ મસમોટો રસાલો સાથે લઇ ફરે છે. કિસમ કિસમના નિયમો રાખી ભાવિકોને પરેશાન કરી મૂકે છે ને જડ હઠાગ્રહોમાંથી પોતે ફ્લેક્સિબલ થતા નથી, પણ બીજાને સુધરવાના ઉપદેશ પણ આપે છે. વિજ્ઞાાનની શોધખોળોનો ધર્મલાભ ખાતર પોતે લાભ લઇ લે, એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડની કોઈ દેશી-પરદેશી સેલિબ્રિટી મળવા આવે તો પબ્લિસિટી કરી લે, અરે સાધુ થઇને બિઝનેસ કરી લે ને બીજા ભક્તગણો લેટેસ્ટ ટેકનોલોજી વાપરતા હોય કે અવનવા ગતકડાં કરીને કમાતા હોય એનો સ્વીકાર પણ કરી લે ! છતાં વારતહેવારે કળા કે વિજ્ઞાાનને આધુનિકતા કે પ્રેમને ભાંડવાનું ચૂકે નહિ ! (એમ થોડું છે પ્રિય મોરારિબાપુ થવું તે !)

આવો માહોલ દુનિયા આખીમાં બધા ધર્મમાં છે ને એની અલગ હોવાનો દાવો કરતા હિન્દુ ધર્મમાં પણ હવે ડિજીટલ સનાતનીઓ વધ્યા પછી નકલના વાઇરસની જેમ ચેપ વધ્યો છે. આદિ શંકરાચાર્ય નાની ઉંમરના પ્રખર વિદ્વાન ને અદ્ભુત સર્જક. એમની કૃતિઓનું આધ્યાત્મિક દર્શન તો પછી, કાવ્ય તત્ત્વ તો જુઓ ! પણ હવે એમના નામે ચલાવીને સંતો પણ વિડિયોજીવી થઈ ગયા છે. જૂનું ગોખેલું બોલવાનું નવું કોઈ રામાનુજાચાર્ય કે નિમ્બાર્કાચાર્ય જેવું યોગદાન નહિ, અલગ આગવો અભિપ્રાય નહિ. વિજ્ઞાાન કે કળાનો અભ્યાસ પણ નહિ. બસ, બીવડાવ્યા કરવાના બધાને ફોલોઅર વધારવા ને દિવસે દિવસે ઇરાની અફઘાની પાકિસ્તાની મુલ્લા માઇન્ડસેટની જેમ જૂનું એ જ સોનું ધરાર સાબિત કરી તર્કો, સવાલો, અપરાધો, ગાદી- પૈસા માટેની કોર્પોરેટ હૂંસાતૂંસી બધું દબાવીને કાળચક્રને આગળને બદલે પાછળ લઈ જવાની મથામણ કર્યા કરવાની !

ખ્રિસ્તી ધર્મના ચર્ચનો મધ્યયુગીન ઇતિહાસ તો સંકુચિતતાને ખટપટથી ખદબદતો છે. એમાં તો રેનેસાં અને સેક્યુલરિઝમ પછી માર્કસિઝમની ક્રાંતિઓ થઈ. સ્ત્રીઓ, કલાકારો ને વિજ્ઞાાનીઓને રીતસર રંજાડવામાં આવતાં. સમય જતાં જાહેર પ્રવૃત્તિ ઓછી થઈ પણ સર્વોપરિતા ને એની જોડે જ સિક્કાની બીજી બાજુ તરીકે આવતી સંકુચિતતાની વૃત્તિ અંદરથી સાવ નાબૂદ નથી થઈ.

એવે વખતે પોપ ફ્રાન્સિસનો ૨૦૧૩થી ૨૦૨૫નો બાર વર્ષનો કાળ ઘણી રીતે તાજી હવાની લહેરખી સમો હતો. એમણે વખતોવખત પોતાની ઇશ્વરશ્રદ્ધા અખંડ રાખીને અન્યોની આસ્થા અલગ જગ્યાએ હોઈ શકે એ વાત ભારપૂર્વક કહી. એનું આચરણ કર્યું. વિવિધ દેશોમાં જઈને વિવિધ ધર્મોના લોકો ને આગેવાનોને હૂંફાળી રીતે મળ્યા. અગાઉ જે તે વખતે લેખો પણ લખ્યા છે. એબોર્શનને કેથોલિક પ્રિસ્ટસ મહાપાપ માને. પણ પોપ ફ્રાન્સિસે કહેલું કે, 'હું એવી સ્ત્રીઓને ઓળખું છું કે ઉગતી જુવાનીમાં ગર્ભપાત કરાવ્યો હોય, પણ પછી યોગ્ય પાત્ર સાથે મળીને સંતાનો પેદા કરી સુખેથી રહેતી હોય. તો એ આગળ વધી પણ મારે ધર્મગુરુ તરીકે પાપ પાપ બોલીને એના ભૂતકાળમાં જ બેઠા રહેવાનું ? આવી કોઈ સ્ત્રી હોય કે ચર્ચ જે સંબંધોને માન્યતા નથી આપતું એવા ગે- લેસ્બિયન હોય કે અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ હોય - હું બધાને ગેરમાર્ગે ગયેલા ગુનેગાર સમજીને તિરસ્કારનું વલણ રાખું, તો શું આ પણ જે પ્રભુની હું ઉપાસના કરું છું એનાં જ ઘડેલાં સંતાનો નથી ? જો ઇશ્વર એમના અસ્તિત્વને, એમની યાત્રાને માફ કરી દેતો હોય તો હું કોણ મોઢું ચડાવી એમને નફરત કરનારો ?'

બોલ્ડ બાપા (મોટા એટલે જ પપ્પા) હતા આ ! આદમ અને ઇવને સાપ સફરજનથી સેક્સને પાપ ગણવાની જૂની જડસુ ખ્રિસ્તી માન્યતાથી વિપરીત (અને ગાંધીવાદીઓને પણ ચીંટિયો ભરાય એમ) એ કહેતાં કે સ્ત્રીને પુરુષ એકબીજાને છેતર્યા વિના પ્રેમમાં પડે ને સહજીવન ગુજારે એ તો પરમાત્માને પ્રિય ઘટના છે. સેક્સનું દેહિક આકર્ષણ પણ દૈવી બાબત નહીં એનો લગાવ કરતા તો પરસ્પર વિશ્વાસ હોય તો આવા આનંદને માણવો એ દિવ્ય ઉત્સવ છે એવું નિ:સંકોચ કહેતા. કેદીઓથી લઈ યુવક- યુવતીઓને પ્રેમથી મળતા. એ એવું માનતા હતા કે લોકોનો તિરસ્કાર ખરા સંતથી થાય જ નહિ. એમનું સૌથી બોલ્ડ સ્ટેપ હતું બાળકના જાતીય શોષણ ફરજીયાત બ્રહ્મચારી એવા પાદરીઓ કરે છે, એ મુદ્દાનો જાહેર સ્વીકાર કરીને પ્રગટ કરેલી ચિંતા !

આ મામલે પ્રાયશ્ચિતને માફીની હળવી સજા કરી ચર્ચનું નામ ખરાબ ન થાય એ માટે જે ઢાંકોઢુબો થતો એ પોપ ફ્રાન્સિસને જરાય પસંદ નહોતો ! એ એવું માનતા કે, 'આવા અપરાધો જાહેર થાય એમાં આપણા ધર્મની બદનામી નથી, ઉલ્ટું શુદ્ધિકરણ છે. પણ એના પર ઢાંકપિછોડો કરીને એને દબાવી છૂપાવી દેવા એ ધર્મની ખરી બદનામી છે ! એ કહેતા કે નાની વયે જે માનસિક ઉઝરડા પડે છે, એની અસર આજીવન રહે છે. માફી માંગી લેવાથી એ જે ઘા મન પર પડયા હોય એ રૂઝાઈ નથી જતા ! કબૂલાતથી પાપીને શાંતિ થતી હશે, પણ ભોગ બનનારના જખમને તો ઘા સમજીને સારવાર કરવી પડે !'

વોટ એ મેન ! આવું વિચારનારા પણ ઉચ્ચ કક્ષાએ ક્યાં જડે છે આજકાલ ! એ પણ ઢોંગી થતા જતા ધર્મક્ષેત્રે આ પોપ પાછળ ક્લાસિક ચિત્રો, સંગીત, કથાઓના રસિયા હતા. કાર્વાજીયોના ચિત્રો એમને બહુ ગમતા. દોસ્તોવ્યસ્કી ને સર્વોન્ટિસને વાંચી ક્વોટ કરતા. મોઝાર્ટ, બીથોવન અને બાકને રસથી સાંભળતા. પણ એના નામે નવું થાય એને વખોડયા ન કરતા. એટલે એમની વિદાય જવાબદાર લોકો સાચું કહી શકતા શક્તિશાળી નૈતિક સત્યની પણ વિદાય છે. એ કહેતા કે મધર મેરીનું માતૃહૃદય મને આકર્ષે છે. હું જનતા સમક્ષ સંતે માની જેમ જવાનું હોય. રૂઆબ છાંટી એમના પર ગુસ્સો કરવાને બદલે એમના દર્દને સમજી એમાં ભાગીદાર થવા !

બહુ રસથી એમના ઈન્ટરવ્યુઝ જોયેલા છે, એટલે એ શું શું કહેતા એના પર તો લેખમાળા થઈ શકે. પણ થોડી ઝલક બીજી ધમાલો વચ્ચે દિલને શાંત ને દિમાગને ચેતનવંતુ કરવા વાંચી લો એમના ગમેલાં ક્વોટ્સની -- સફાઈ કામદાર, નાઈટકલબ રોટકીપર, કેમિસ્ટ્રિ ટેકનિશ્યન ને લિટરેચર ટીચર એવા સાધુની વાતો !

***

''આપણું જીવન સાબુના પરપોટા જેવું છે. રૂપકડું લાગે પણ લાંબુ ટકે નહિ. આસ્થા ટકાઉ હોવી જોઈએ. ફાયદો મેળવવો એ ધાર્મિકતા નથી. પ્રાર્થનાથી હૃદય ખુલ્લું ને વિશાળ કરવું એ ધાર્મિક લક્ષણ છે !

ગરીબી માત્ર ધનનો અભાવ નથી. તક અને વિચારનો પણ અભાવ છે. આસપાસની અસમાનતા બાબતે જેનું દિલ દ્રવી ન ઉઠે, એની પ્રભુભક્તિ નર્યું નાટક છે ! આર્થિક પ્રશ્નો ગણિતના જ કેવળ નથી. ગુણના પણ છે. એનો ઉકેલ બેન્કના વોલ્ટમાં નહિ જડે, મર્સીફુલ (દયાળુ) હાર્ટમાં જડશે ! દરેક વ્યક્તિ ઈશ્વરને પોતાની રીતે જુએ છે. ચર્ચે એના એ રસ્તે કેવળ માર્ગદર્શક મિત્રની ભૂમિકા ભજવવાની છે. માલિકની નહિ. ધર્મસ્થળ એટલે યુદ્ધની વચ્ચે ઘાયલોની સારવાર કરતી હોસ્પિટલ. જ્યાં જીવતરના ભારથી ત્રાસેલા થાકેલા દુ:ખિયારાં વિસામો લઈ શકે વહાલનો.

આપણે શ્રધ્ધાવાન છીએ એટલે આપણને બીજાના પાપ પુણ્યના જજ થવાનું કોઈ લાયસન્સ નથી મળી ગયું. કોઈને શારીરિક માનસિક હોર્મોનલ તકલીફ હોય તો એમને સાંભળવા પડે, અભ્યાસ કરીને એમના વર્તનના કારણો સમજવા પડે. અને કોઈ ડિવોર્સ લે કે પ્રેમસંબંધ રાખે એટલા માત્રથી પાપી નથી બની જતા.

સ્ટોક માર્કેટ ક્રેશ થાય ને કોઈ ધનકુબેરને કશું થાય તો ન્યુઝ બને છે. વગરવાંકે કોઈકના અહમની જૂઠી લડાઈમાં લાખો-કરોડો લોકો પીડાય છે, શોષણ થયા કરે છે એમનું કે અન્યાય થાય છે - એ સમાચાર નથી બનતા !

આપણે ભગવાનમાં માનીએ છીએ. પણ પુરૂષમાં જ માનવું એવું કોણે કહ્યું ? કેથોલિક પુરૂષપ્રધાન માનસમાં પરિવર્તનની જરૂર છે. સ્ત્રીઓ પણ એટલા જ સન્માનની હકદાર છે. ઉપકાર કરવા માટે નહિ, એમના સામર્થ્યને લીધે એમને આગળ વધવા દો.

મને ભીડ બહુ ફાવતી નથી. મને વ્યક્તિગત વાતો કરવી ગમે છે. એમાં માણસ ઉઘડે છે. હું પોપ થઈને ટોળાને સંબોધન કરું ત્યારે પણ મારી સગવડ માટે એમાં તો કોઈ ચહેરો પસંદ કરી લઉં છું.

આપણે ગર્ભનિરોધ વાપરવા જોઈએ કે નહિં, છૂટાછેડા લેવા જોઈએ કે નહિ, યુવાનોએ એકબીજાનો સ્પર્શ કરાય કે નહિ, આવી રીતે આ વિધિથી પૂજા થાય કે નહિ, શુદ્ધ પ્રાર્થનાની ભાષા કેવી હોય, છોકરીઓએ શંન પહેરવું એવી બધી વાતો જ ધર્મના નામે કરતા રહીએ છીએ. પણ આપણી નજર સામે આપણો ગ્રહ ખતમ થઈ રહ્યો છે, પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે, માણસ સ્વાર્થી ને યુદ્ધખોર બનીને પોતાની વિચારધારા ખાતર નિર્દોષોને મારી કે કચડી નાખે છે ને ગરીબ-અમીર વચ્ચે ખાઈ વધતી જાય છે, એ મુદ્દે તો કશું કહેતા કે કરતા નથી. ધર્મએ પોતાના જુનવાણી નિયમોમાંથી બહાર આવી આ પ્રશ્નો માટે કામ કરવું પડશે.

આપણે કલ્ચરને કોન્ફિલક્ટ (સાંસ્કૃતિક સંઘર્ષ)નો મુદ્દો બનાવ્યો, પણ ઈશ્વર બધા માટે છે. એણે કોઈ એકલાનો ઉદ્ધાર નથી કર્યો. બધું એનું છે ને બધા એના સંતાન છે. 

આપણે ધાર્મિકતાનો અહંકાર એક રોગની હદે વધારી દીધો છે. આપણે (ધર્મગુરૂઓ) ઈશ્વરના સંદેશવાહકો છીએ, ખુદ ઈશ્વર નથી કે બીજાનો ન્યાય કરવા બેસીએ. પોતાના બાળકને સંભાળથી ઉછેરતી મા કે પોતાના પરિવાર ખાતર ઝઝૂમીને કામ કરતો પુરૂષ પણ એમના કામથી પ્રભુભક્તિ જ કરે છે. બીમારની સેવા પણ એક પ્રાર્થના જ છે. મારા માટે ચર્ચ એટલે મુક્તિ અને સાત્વિક આનંદમાં લોકોનો સથવારો બને એ જગ્યા.

ધર્મ લોકોના અંતરને અજવાળવા માટે છે, જેથી જીવનના અંધકારમાં એ આગળ વધી શકે. આપણે એને સરકારી કચેરીની કારકૂની રીતરસમ બનાવી દીધો છે. પાપ કરતા પ્રભુ મોટો છે. સંસ્થાકીય સુધારા પછી આવશે, પહેલા માણસે ખુદ આત્મમંથન કરવાનું છે.

એક લાલસા છે, ઈશને ભૂતકાળ કે ભવિષ્યમાં જોયા કરવાની. ઈશ્વર ભૂતકાળમાં હતા એના પદચિહનો છે ને ભવિષ્યમાં હશે એનું વચન છે. પણ વર્તમાન એ ય ઈશ્વર છે. આજની સ્થિતિ બેહતર કરવાની પ્રક્રિયામાં જૂની વાતો કરતા વધુ ધ્યાન આપવું જોઈએ.

મને ફિલ્મો ગમે છે. ફેલિની મારા ફેવરિટ ફિલ્મમેકર. મારા માતા-પિતા અમને ફિલ્મો જોવા લઈ જતા. બારેક વર્ષનો થયો ત્યારે ઉપલબ્ધ બધી ઈટાલિયન ફિલ્મો જોઈ નાખેલી. આ પણ એક સુંદર કળા છે. 'લા સ્ટ્રાડા' મને બહુ ગમતી ફિલ્મ જેમાંથી પણ હું શીખ્યો. મનોરંજન પણ ઘડે છે આપણને.

એવું તો નથી કે પોપ ફ્રાન્સિસ બધી જ વાતમાં સાચા કે શ્રેષ્ઠ હતા. પણ ગમતી વાત એ છે કે પોતે ધર્મના સર્વોચ્ચ વડા હોવા છતાં ખોટા કે અમુક વાતે અન્યોથી ઓછું જાણતા હોઈ શકે એ બાબતે એ સભાન હતા ! ક્યા હોય છે ટોચ પર આવા યુગપુરૂષો હવે ?

ફાસ્ટ ફોરવર્ડ

''ઈસુએ કોઈ ઈમારતો બનાવેલી ? એમણે દીવાલો રચેલી આસપાસ ? કોઈ દુ:ખી કે પાપી વધુ એમ એમનો પ્રેમ વધુ હતો એવા માટે પણ ! કરૂણા એ વિસ્ફોટક છે જે દીવાલો તોડી શકે !'' (પોપ ફ્રાન્સિસ)

Tags :