Get The App

કહતા ભી ‌દીવાના ઔર સુનતા ભી ‌દીવાના! .

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
કહતા ભી ‌દીવાના ઔર સુનતા ભી ‌દીવાના!                        . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

-‌ ‘ઓપરેશન ‌સિંદૂરે’ સર્જેલા ભૂકંપના આફ્ટરશોક્સ તરીકે ઊઠેલી Fake Newsની પ્રચંડ સુનામીમાં અનેક લોકોની કોમન સેન્‍સ કેમ તણાઈ ગઈ? આ રહ્યું મનોવૈજ્ઞા‌નિક કારણ—

-‌ જોયેલી, જાણેલી મા‌હિતીનું ‌વિશ્‍લેષણ કરવું, મૂલ્‍યાંકન કરવું, તથ્‍ય યા તરકટ વચ્‍ચેનો ભેદ પામવો વગેરે ‌ક્રિયા મગજના cognitive biases ક્ષમતાને આભારી છે. સનસનીખેજ સમાચારનો પ્રહાર એ ક્ષમતા પર થાય છે.

કૂતરું માણસને કરડે એ કંઈ સમાચાર નથી. બલકે, સમાચાર તો એ કહેવાય કે જ્યારે માણસ કૂતરાને કરડે!

ઓગણીસમી સદીના મધ્‍યાહ્ને આલ્‍ફ્રેડ હેમ્‍સવર્થ નામના અંગ્રેજ અખબાર મા‌લિકે કહેલા ઉપરોક્ત વાક્યનો ભાવાર્થ એ કે, સમાચારમાં જો સસ્‍પેન્‍સ, સનસની, ઉદ્વેગ, ઉચાટ, ગભરાટ, વ્યાકુળતા વગેરેનું તત્ત્વ નથી, તો પછી એ સમાચાર જ નથી!

આલ્‍ફ્રેડ હેમ્‍સવર્થે તો જાણે સારા ઉદ્દેશથી તત્‍કાલીન પત્રકારોને સમાચારોની પસંદગી કરવા માટેનું સટીક માપદંડ આપ્યું. કયા બનાવને સમાચાર તરીકે ચમકાવવો અને કયા બનાવની ફક્ત ઔપચા‌રિક નોંધ લેવી તેનું અંગુલિનિર્દેશ કર્યું. પરંતુ આંગળી ચીંધ્‍યાના પુણ્યનું આજે પ‌રિણામ જુઓ. સસ્‍પેન્‍સ, સનસની, ઉદ્વેગ, ઉચાટ, ગભરાટ, વ્યાકુળતા વગેરે ‌વિનાના એકેય સમાચાર જોવા મળે છે? ન્‍યૂઝ અને ન્‍યૂસન્‍સ વચ્‍ચેનું અંતર ઘટતું જાય છે તેમ તર્ક, તથ્‍ય, કોમન સેન્‍સ જોડે મગજનું અંતર વધતું જાય છે. આ કઠોર વાસ્‍ત‌વિકતા છે, જેનાં એક કહેતાં અનેક ઉદાહરણો તાજેતરમાં ‘ઓપરેશન ‌સિંદૂર’ પશ્ચાત્ જોવા મળ્યાં. મે ૭, ૨૦૨પની મધરાત પછી ભારતીય વાયુ સેનાનાં ‌વિમાનોએ અંકુશરેખાની પેલી તરફ પા‌કિસ્‍તાન હસ્‍તકના કાશ્‍મીરમાં તથા આંતરરાષ્‍ટ્રીય સરહદ રેખાની ઉસ પાર પા‌કિસ્‍તાનમાં આતંકવાદી મથકો પર હવાઈ હુમલા કર્યા તેના થોડા કલાકોમાં મી‌ડિયા તથા સોશ્‍યલ મી‌ડિયા અવનવાં સમાચારોની સુનામીથી ઊભરાવા લાગ્યાં. આમાં fact/ ફેક્ટ/ તથ્યો કરતાં fake/ ફેક/ તરકટ ક્યાંય વધારે હતાં. છતાં લોકોએ તેમને ખરાઈના (કહો કે તર્કના) ત્રાજવે જોખ્યા ‌વિના સાચા ગણી લીધા. જેમ કે,

‘ઓપરેશન ‌સિંદૂર’ના નામે સૌથી વધુ માત્રામાં વાઇરલ બનેલા ફેક ન્‍યૂઝ પા‌કિસ્‍તાને આપણી વાયુ સેનાનાં પાંચેક લડાકુ ‌વિમાનો તોડી પાડ્યા ‌વિશેના હતા. પહેલાં તે સમાચાર ભારતની અગ્રણી ન્‍યૂઝ ચેનલોમાં ચમક્યા અને પછી ત્‍યાંથી સોશ્‍યલ મી‌ડિયામાં ઝડપભેર ‘હાથબદલો’ પામતા આગળ વધ્‍યા. પા‌કિસ્‍તાને જામનગર પાસે આપણા જેગ્‍યુઆર ‌વિમાનનો આકાશી મત્‍સ્યવેધ કર્યાની તસવીરો ન્‍યૂઝ ચેનલો પર દર્શાવવામાં આવી. પરંતુ ખરેખર તો એ તસવીરો એકાદ મ‌હિના પહેલાંની હતી. એ‌પ્રિલ ૨, ૨૦૨પની રાત્રે આપણું જેગ્‍યુઆર ‌વિમાન તકનીકી ખરાબીને કારણે  ક્રેશ થયું ત્‍યારની હતી. છતાં ‘ઓપરેશન ‌સિંદૂર’ જોડે તેને સાવ ખોટી રીતે સાંકળી દેવામાં આવી.

સમાચારને સનસનીખેજ બનાવવાની લાહ્યમાં આપણી ન્‍યૂઝ ચેનલોએ ફેક ન્‍યૂઝની તો ઠીક, ફેક તસવીરોની ખરાઈ કરવા જેટલી પણ તસ્‍દી ન લીધી. કોઈ જાગૃત પત્રકારે ગૂગલ લેન્‍સ નામની સુ‌વિધા વાપરીને તેમાં જેગ્‍યુઆરના કાટમાળનો ફોટો અપલોડ કર્યો હોત, તો ગૂગલ તત્‍કાળ કહી દેત કે તસવીર લીધાની તારીખ એ‌પ્રિલ ૨ હતી! 

■■■

‘ઓપરેશન ‌સિંદૂર’ની આડમાં શરૂ થયેલી ધાપબાજીની રમતમાં ફેક ન્‍યૂઝના નામે ફેંકાયેલું બીજું પત્તું જમ્‍મુ નજીકના અખનૂરથી આવ્યું. (અગર તો એમ કહો કે અખનૂરથી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો.) પાકિસ્‍તાને ભારતીય હવાઈ દળનું સુખોઈ-30 ‌વિમાન તોડી પાડ્યાની પુ‌ષ્‍ટિ કરતી તસવીરો તથા ‌વિ‌ડિઓ ક્યાંકથી ઓ‌ચિંતા ફૂટી નીકળ્યા—અને પહોંચ્‍યા સીધા આપણી ન્‍યૂઝ ચેનલોના સ્‍ટુ‌ડિઓમાં! ‘ઓપરેશન ‌સિંદૂર’ને પાર પાડવા જતાં ભારતે સુખોઈ-30નો ભોગ આપવાનો થયો એવા મતલબના ન્‍યૂઝ આપણા મી‌ડિયાએ તથા સોશ્‍યલ મી‌ડિયાએ સમજ્યા કારવ્યા ‌વિના બારોબાર વહેતા મૂકી દીધા.

શું વાસ્‍તવમાં ભારતીય વાયુ સેનાએ સુખોઈ-30 ગુમાવ્‍યું હતું?

હા, ગુમાવેલું! પરંતુ મે ૭ના રોજ ખેલાયેલા ‘ઓપરેશન ‌સિંદૂર’ વખતે ન‌હિ. બલકે, ૨૧મી મે, ૨૦૨૧ના રોજ! પા‌કિસ્‍તાન જોડે આકાશી સંઘર્ષમાં ન‌હિ, પણ તકનીકી ખરાબીને કારણે તે ‌વિમાન તૂટી પડેલું. અકસ્‍માતગ્રસ્‍ત ‌વિમાન પાછું સુખોઈ-30 નહોતું. ‌જૂનવાણી મિગ-21 હતું. ક્રેશ લે‌ન્‍ડિંગ થયાનું સ્‍થળ અખનૂરને બદલે પંજાબના મોગા ‌જિલ્‍લાનું લાંગેઆના ખુર્દ ગામ હતું.

ધુપ્‍પલ પર ધુપ્‍પલ અને તેની ઉપર ધુપ્‍પલનું રેપર ચડાવેલું ફેક ન્‍યૂઝનું ‘પડીકું’ ક્યાંથી આવ્યું એ તો કોને ખબર, પરંતુ કોઈએ તે ‘પડીકું’ ઉઘાડીને અંદરનો મુદ્દામાલ ચકાસવાની દરકાર ન લીધી. ઊલટું, તેને જેમના તેમ સ્‍વરૂપે આગળ ફોરવર્ડ કરી દીધું. કારણ કે, ન્‍યૂઝમાં સસ્‍પેન્‍સ, સનસની, ઉદ્વેગ, ઉચાટ, ગભરાટ, વ્યાકુળતા વગેરે ભરપૂર માત્રામાં હતા.

ત્રીજો દાખલો : માર્ચ ૨૪, ૨૦૨પની રાત્રે મુંબઈના સાયન ‌વિસ્‍તારમાં એક દુર્ઘટના બની હતી. રાંધણ ગેસ ‌સિ‌લિન્‍ડર લઈ જતી ટ્રકમાં ભીષણ ‌વિસ્‍ફોટ થતાં ધૂમધડાકાના અવાજથી વાતાવરણ કંપી ઊઠ્યું અને આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી. આ દુર્ઘટનાનાં ‌વિ‌ડિઓ દૃશ્‍યો ‘ઓપરેશન ‌સિંદૂર’ પછી વળી મી‌ડિયા-સોશ્‍યલ મી‌ડિયામાં ફરતાં થયાં. ‌વિ‌ડિઓના વર્ણનમાં લખેલું હતું કે, જુઓ! ભારતીય ‌મિસાઇલોએ પા‌કિસ્‍તાનના ‌સિઆલકોટ નગરમાં કેવી તબાહી મચાવી છે.

■■■

ફેક ન્‍યૂઝના સંદર્ભે હજી એક ઉદાહરણ, જે ટ્રે‌જિક હતું એટલું કો‌મિક પણ હતું. ક‌થિત રીતે ભારત સરકારે જા‌રી કરેલા ‘ADVISORY NOTICE’ શીર્ષક હેઠળના પ‌રિપત્રનો ફોટો મી‌ડિયા-સોશ્‍યલ મી‌ડિયામાં ખૂબ વાઇરલ થયો. પ‌રિપત્રમાં જણાવેલું કે, યુદ્ધની કટોકટીભરી ‌સ્‍થિ‌તિ ઊભી થવાની સંભાવના હોવાથી દેશના નાગ‌રિકે પૂર્વતૈયારીરૂપે વાહનની બળતણ ટાંકી છલોછલ કરાવી દેવી, રૂ‌પિયા પચાસ હજારની રોકડ હાથમાં રાખવી, આવશ્‍યક દવાઓનો તેમજ ખાધાખોરાકીનો બે મ‌હિના ચાલે તેટલો સ્‍ટોક ખરીદી લેવો, પાવર બેંક પૂરેપૂરી ચાર્જ કરી રાખવી, છરી-ટેપ-દોરડું જેવાં સાધનો હાથવગાં રાખવાં...વગેરે વગેરે.

અક્કલને ચરવા મોકલી આપે તેવી વાત હતી. સૌ જાણે છે કે ભારતમાં ગરીબી અને બેરોજગારી બહુ મોટી સમસ્‍યા છે. બે ટંક ભોજન પામી ન શકનારા લોકોની સંખ્‍યા કરોડોમાં છે. રોજની ૧.૨પ ડોલર કરતાં ઓછી આવક મેળવનારા લોકોનો આંકડો પણ કરોડોમાં નીકળે છે. આવા સંજોગોમાં ભારત સરકાર દેશની જનતાને રૂ‌પિયા પચાસ હજારની રોકડ હાથમાં રાખવાની લે‌ખિત સલાહ આપે તેને શું કહેશો? ટ્રેજેડી કે કોમેડી?

ચાલો, બે ઘડી માની લો કે પા‌કિસ્‍તાન જોડે યુદ્ધ ફાટી નીકળ્યું. તો શું, શત્રુ સૈ‌નિકો સરહદથી સેંકડો ‌કિલોમીટર અંદર અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં ઘૂસી આવવાના હતા કે તેમનો સામનો કરવા માટે ભારત સરકાર છરી-ટેપ-દોરડું જેવાં ‘સાધનો’ હાથવગાં રાખવાની ભલામણ કરે? લો‌જિક તો છોડો, સામાન્‍ય સમજણને પણ ‌ગિરવે મૂકી દીધા જેવી વાત છે. આમ છતાં ‘ADVISORY NOTICE’ શીર્ષક હેઠળનો પ‌રિપત્ર અગ‌ણિત હાથબદલા પામતો દેશભરમાં ફરી વળ્યો. આને કારણે બન્‍યું એવું કે ભારતના અનેક શહેરોમાં લોકોએ ક‌રિયાણું ભરી લેવા માટે દોટ મૂકી. વાહનોની ટાંકી પેટ્રોલ-ડીઝલથી છલકાવી દેવા માટે ફ્યૂલ સ્‍ટેશનોએ લાઇનો લાગી. લોકોમાં નાહક ગભરાટ ફેલાયો, જેનો છેદ ખરેખર તો સમાચાર માધ્‍યમોએ લો‌જિક નામની તલવાર વડે કાપી નાખવો જોઈતો હતો. આખરે પ્રેસ ઇન્‍ફર્મેશન બ્‍યુરોએ ‘ADVISORY NOTICE’ પ‌રિપત્રને ભ્રામક જૂઠ્ઠાણાંનો શેરો મારી અફવાને પૂર્ણ‌વિરામ મૂક્યું.

‘ઓપરેશન ‌સિંદૂર’ના પગલે ઊઠેલી ભ્રામક સમાચારોની સુનામીમાં ફેક ન્‍યૂઝનાં આવાં તો બીજાં અગ‌ણિત ‘પડીકાં’ વહેતાં થયાં હતાં, જેમની સાથે અનેક લોકોની કોમન સેન્‍સ તણાઈ ગઈ. આમાં તેમનો થોડોક દોષ એ કે અફવા યા ફેક ન્‍યૂઝ પર ‌સહેજ વિચાર કરવાને બદલે તેમજ વાતનું ‌વિશ્લેષણ કરવાને બદલે નાહકનો ઉચાટ વહોરી લીધો. બાકીના દોષનો ટોપલો ચાહો તો માથામાં વસતા મગજના માથે નાખી શકો છો. કારણ કે સનસનીખેજ સમાચારોના સકંજામાં સપડાવાની મનોવૈજ્ઞા‌નિક સમસ્‍યા માનવ મ‌સ્‍તિષ્‍કમાં રહેલી છે.

■■■

આપણા મગજનું કુદરતી વાય‌રિંગ એવી રીતે થયું છે કે કશુંક નવું જાણવા-જોવા માટે તે સતત ઝંખતું રહે છે. જાણકારી માત્રને માત્ર જ્ઞાન-‌વિજ્ઞાનના સ્‍વરૂપે મળવી જોઈએ એવું કોઈ ‌ફિલ્‍ટર મગજે રાખ્યું નથી. સે‌ન્‍સિબલ મા‌હિતીથી માંડીને સેન્‍સલેસ ગોટપીટ માટે તે હંમેશાં તત્‍પર, તૈયાર રહે છે—અને એવી એકાદ મા‌હિતી મળે કે તરત મગજમાં ડોપામાઇન નામના રસાયણનો સ્રાવ ઝરે છે. આ રસાયણ પાછું છે બહુ માયાવી! કશુંક નવું જોયા-જાણ્યાની સંતૃ‌પ્‍તિ તો કરાવે છે, પણ ભેગાભેગ હજી કંઈક નવું જોવા-જાણવાની ઉત્‍કંઠાને એક પગ‌થિયું ઊંચે પહોંચાડે છે.

તાજેતરમાં જોવા મળી તેવી યુદ્ધ ભણકારાની કટોકટીભરી ‌સ્‍થિ‌તિ વખતે તો ઉત્‍કંઠા ઊંચી છલાંગો ભરવા માંડે છે. આથી સરેરાશ વ્‍ય‌ક્તિ કંઈ નવું, સનસનીખેજ જાણવા માટે પ્રેરાય છે. ટે‌લિ‌વિઝન સામે કે પછી મોબાઇલ ફોનની સ્‍ક્રીન સામે સરેરાશ કરતાં વધુ સમય વીતાવવા લાગે છે. આવા વખતે ‘ઓપરેશન ‌સિંદૂર’ દરમ્‍યાન પા‌કિસ્‍તાને ભારતનાં પાંચ ‌વિમાનો તોડી પાડ્યાં જેવું એકાદ સનસનીખેજ ‘પડીકું’ આવે ત્‍યારે કશુંક અસાધારણ અને ઉત્તેજક જાણ્યા બાદ મગજમાં ડોપામાઇનની ‌પિચકારી છૂટે છે. ભેગાભેગ કો‌ર્ટિસોલ નામનું હોર્મોન પણ ‌રિ‌લિઝ થાય છે, જેના કારણે mental stress અર્થાત્ માન‌સિક તણાવની લાગણી એકાએક ગુણાંકમાં વધી જાય છે.

આગામી તબક્કે બને એવું કે તણાવગ્રસ્‍ત મગજ તેની cognitive biases ક્ષમતા તત્‍પુરતી ખોઈ બેસે છે. જોયેલી, જાણેલી મા‌હિતીનું ‌વિશ્લેષણ કરવું, મૂલ્‍યાંકન કરવું, તથ્‍ય યા તરકટ વચ્‍ચેનો ભેદ પામવો વગેરે ‌ક્રિયા મગજના cognitive biases યાને કે જ્ઞાનાત્‍મક મૂલ્‍યાંકન વલણને આભારી છે. સખત માન‌સિક તણાવ વખતે સાચા-ખોટાની પરખ કરતું મગજનું અદૃશ્‍ય ત્રાજવું થોડીક વાર પૂરતું ખોરવાતાં ફેક્ટ અને ફેક ન્‍યૂઝ વચ્‍ચેનું સંતુલન પામવામાં થાપ ખાઈ જવાય છે. મનો‌વિજ્ઞાનીઓએ કરેલા અભ્‍યાસ મુજબ કોઈ સનસનીખેજ સમાચાર જાણ્યા પછી તણાવમાં આવી જતા મગજને જો ફક્ત ૧૪ ‌મિ‌નિટનો વૈચા‌રિક ‘બ્રેક’ આપવામાં આવે તો કો‌ર્ટિસોલ હોર્મોનની અસર ઓસરવા લાગે છે. મ‌સ્‍તિષ્‍ક તણાવ મુક્ત બને છે અને તેની cognitive biases ક્ષમતા ફરી વખત જાગ્રત બને છે.

બસ, અહીં જ મોટી સમસ્‍યા છે. ‘ઓપરેશન ‌સિંદૂર’  જેવા કટોકટીભર્યા સંજોગો હોય અને સમાચારોનો એક કે બાદ એક સતત મારો ચાલતો હોય ત્‍યારે એવા આક્રમણનો ‌શિકાર બનતા વ્‍ય‌ક્તિના મગજને ૧૪ ‌મિ‌નિટનો ‘થુપ્‍પીસ’ વિરામ મળી શકતો જ નથી. એક તરફ ડોપામાઇનનો સ્રાવ ‘હજી કંઈક નવું લાવો!’ની ઉત્‍કંઠા જગાડ્યા કરે, તો બીજી તરફ સસ્‍પેન્‍સ, સનસની, ઉદ્વેગ, ઉચાટ, ગભરાટ તથા વ્યાકુળતા પ્રેરક સમાચારો મગજને તણાવના વધુને વધુ ઊંડા દ‌રિયામાં તાણી જાય છે. ‌વિચાર-‌વિશ્લેષણના કંટ્રોલ સેન્‍ટર સમું cognitive biases/ જ્ઞાનાત્‍મક મૂલ્‍યાંકન વલણ કેંદ્ર ત્‍યારે સૂન્‍ન ન થાય તો જ નવાઈ! એકસાથે અગ‌ણિત લોકો આવી ‌મનોસ્‍થિ‌તિનો ‌શિકાર બને, એટલે ‘ઓપરેશન ‌સિંદૂર’ પશ્ચાત્ ફેક ન્‍યૂઝના મામલે બન્‍યું તેમ કહતા ભી ‌દીવાના ઔર સુનતા ભી ‌દીવાના જેવો ઘાટ સર્જાયા ‌વિના રહેતો નથી.

આ ઘાટના અોટલે બેસવાનું ન થાય એ માટે કોઈ ઉપાય ખરો?

સદ‍્‍ભાગ્‍યે ઉપાય છે. કટોકટી જેવી ‌સ્‍થિ‌તિ સર્જાય ત્‍યારે મી‌ડિયા અને સોશ્‍યલ મી‌ડિયામાં ફૂટી નીકળતી સમાચારોની સુનામીથી સુર‌ક્ષિત અંતર રાખવું શ્રેષ્‍ઠ ઉપાય છે. ‌વિ‌ડિઓ દૃશ્‍યો જોવા કરતાં અખબારી ‌રિપોર્ટ વાંચવા વધુ સારા! કારણ કે ઝડપથી બદલાતાં દૃશ્‍યો અને તેમનું સનસનીખેજ ઢબે કરાતું રનિંગ કોમેન્‍ટ્રી જેવું વર્ણન મગજને તણાવ તરફ બહુ ઝડપથી ઘસડી જાય છે. બીજી તરફ, વાંચન વખતે ‌દિમાગને શબ્‍દો તેમજ વાક્યોનું જરા ‌નિરાંતે ‌વિશ્લેષણ કરવાનો અવસર મળી શકે છે. આ ‌નિરાંત છેવટે તણાવની લાગણીને કાબૂમાં રાખવા સહાયક બને છે.

દુર્ભાગ્‍યે આજના ‌વિ‌ડિઓ કલ્‍ચર યુગમાં વાંચન હાં‌સિયામાં ધકેલાઈ ચૂક્યું છે. સસ્‍પેન્‍સ, સનસની, ઉદ્વેગ, ઉચાટ, ગભરાટ પેદા કરે તે રીતે સમાચારોની પ્રસ્‍તુ‌તિ થાય છે. ફેક અને ફેક્ટ વચ્‍ચે તેમજ ન્‍યૂઝ અને ન્‍યૂસન્‍સ વચ્‍ચે ભેદ ભૂંસાતો જાય છે. આમાં મરો થાય મગજની cognitive biases ક્ષમતાનો, જેણે કા‌ર્ટિસોલ હોર્મોનના અફીણના વાંકે વારંવાર તંદ્રામાં સરી જવું પડે છે.■

Tags :