ઓપરેશન સિંદૂર પછી 'ન્યૂ નોર્મલ'નો અમલ અને નાગરિક સંરક્ષણ પર નજર
- આપણે ત્યાં ફાયર સેફટીના ફાંફાં છે ત્યારે ઇઝરાયેલના દરેક ઘર અને એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટ શેલ્ટર કે બંકર હોવા અનિવાર્ય
- હોરાઈઝન-ભવેન કચ્છી
- આફતની વેળાએ ભારતનો સામાન્ય નાગરિક પોતાને અને બીજાને બચાવી શકવા સમર્થ છે ખરો? મેદાન પરનું અને એડવેન્ચર સ્પોર્ટસ, સ્વિમિંગ અને ટ્રેકિંગનું કલ્ચર વિકસાવવું જરૂરી
- ઈઝરાયેલના શેલ્ટર હોમ
- ભારતમાં મોક ડ્રીલ
વ ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્ર જોગ સંબોધનમાં પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે કે હવેથી ક્યારે પણ આતંકવાદી હુમલો થશે તો આ જ રીતે સરહદ પાર ઘૂસીને જવાબ આપીશું.આ એક અમારા દેશનું 'ન્યૂ નોર્મલ' રહેશે. સ્વાભાવિક છે કે પાકિસ્તાનની સેના પણ જવાબમાં વળતો હુમલો ભારત પર કરવાની ગુસ્તાખી કરે જ.
ભારત સરકારે પણ હવે તે રીતે આયોજન કરવાની દિશામાં નિર્ણય લીધો છે કે યુદ્ધની સ્થિતિ સામે હિંમત અને આત્મવિશ્વાસ સાથે અડીખમ રહી શકાય તે માટે નાગરિક સંરક્ષણ અને નાગરિક સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું. સરહદ પરના રાજ્યોની સરકારને પણ નાગરિકો અને વિશેષ કરીને ડ્રોન હુમલા, મિસાઈલ કે ગોળીબાર વર્ષા સામે સુરક્ષા મેળવતું કવચ ખડું કરવાના લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે.
જે બે પાડોશી દેશો વચ્ચે રાજકીય દુશ્મનાવટ હોય કે આતંકવાદી હુમલાની ઘટના અવારનવાર થતી હોય તે દેશોની નાગરિક સુરક્ષાનું મોડલ જોવું જોઈએ. જેમાં ઇઝરાયેલ ઉદાહરણીય છે.
ભારત સરકારે પાકિસ્તાન સામેના મીની યુદ્ધ બાદ સરહદી રાજ્યોના નાગરિકો અને સેનાની જરૂર પડયે સુરક્ષા માટે બંકર બનાવવાનો નિર્ણય લીધો છે.
જો કે માત્ર બંકર બનાવવાથી સંપૂર્ણ અર્થ સરતો નથી. નાગરિકો આકાશમાં મિસાઈલ કે ડ્રોન ત્રાટકતા હોય અને ધરતી પર ગોળીઓની વર્ષા થતી હોય તેવા સંજોગોમાં હિંમત અને પ્રમાણમાં સ્વસ્થતા જળવાઈ રહે તે રીતે કેળવણી પામે તે પણ જરૂરી છે. જેમ પાકિસ્તાન માટે 'ન્યૂ નોર્મલ' છે તેમ આપણા નાગરિકોએ પણ 'ન્યૂ નોર્મલ' માટે સજ્જ રહેવું પડશે.
યુદ્ધ કે આતંકી હુમલાઓના સંદર્ભમાં આફત નિવારણ તંત્ર કે નાગરિક સંરક્ષણ શિક્ષણ બાબત આપણે ત્યાં હજુ ખાસ જાગૃતિ નથી.આવું હોવું સ્વાભાવિક છે કેમ કે ૧૯૭૧ પછી પહેલી વખત આપણા નાગરિકોએ મોક ડ્રીલ વખતે સાયરન સાંભળી અને અંધારપટ અનુભવ્યો. જેઓ હાલ ૭૦ - ૭૫ વર્ષથી વધુ વયના હશે તેઓને સાયરન અને અંધારપટની સ્મૃતિ હોય તેમનાથી ઓછી વયના કરોડો ભારતીયો માટે યુદ્ધની મોક ડ્રીલ હોય તે જાણવાનો પણ પ્રથમ અનુભવ હતો. યુદ્ધ જેવા હુમલા વખતે બચવા માટે કઈ મુદ્રા - પોઝિશન ધારણ કરવી તે અંગે સભાનતા પણ જોવા મળી. યુદ્ધ કે આતંકી હુમલા વખતે સલામતી માટે શું કરવું અને અન્ય નાગરિકોને મદદ કરતા કેમ શીખવું તે હવે સમયની માંગ છે.
હવે તો શહેરોમાં પણ બહુમાળી ઇમારતોમાં આગ લાગે છે.બાળકો અને પરિવારજનો પાણીમાં ડૂબી જાય છે. આની સામે વિદેશના નાગરિકોના પગ, કાંડા અને બાહુ કસાયેલા હોય છે. તેઓ ટ્રેકિંગ અને હાઈકિંગમાં જ રજાઓ પસાર કરે છે. સાયકલિંગ, એડવેન્ચર અને સમુદ્રી સ્પોર્ટસનો તેઓનો શોખ જાણીતો છે. આવી લાક્ષણિકતાને કારણે તેઓ બચાવ કામગીરી સારી રીતે કરી શકે છે.
આપણે બાળકોને વધુ પડતા સુરક્ષિત અને ડરપોક બનાવી દીધા છે. યુવાનોએ દેહ સૌષ્ઠવ છોકરીઓને આકર્ષવા નહીં પણ સ્વસ્થ અને સલામત સમાજમાં ઉપયોગી થાય તે માટે બનાવવું જોઈએ.ભારતમાં આવું જોમ અને જુસ્સો કેળવતું વ્યક્તિત્વ અને આઉટ ડોર ગેમ્સ કે પ્રવૃત્તિનું કલ્ચર કેળવવાની જરૂર છે.
ગુજરાત રાજ્ય સરકારે ભારત પાકિસ્તાન મીની યુદ્ધ પછી આગામી વર્ષ સુધીમાં જુદા જુદા જિલ્લાઓમાં મળીને ૭૦,૦૦૦૦ યુવા - યુવતીઓને નાગરિક સંરક્ષણની તાલીમ બાદ સજ્જ કરવાનો નિર્ણય લીધો છે. આફત નિવારણ માટે તાલીમ પામેલ સ્વયંસેવકોનો મોરચો પોલીસ, અગ્નિશામક દળ અને પેરા મીલીટરી સ્ટાફની સંખ્યા અપૂરતી હોય કે તેઓને બચાવ અભિયાનમાં જોડાવા માટે દૂરથી આવતા સમય લાગે તો આવા તૈયાર નાગરિકો સહાયરૂપ નીવડે છે.
બીજી મહત્વની એ વાત પણ છે કે આપણે થિયેટર કે કોઈ બિલ્ડિંગમાં ઇમરજન્સી એક્ઝિટ જોઈએ છીએ પણ તે ક્યાં છે અને કઈ રીતે ત્યાં ઝડપથી પહોંચાય તે જાણવાની તકેદારી નથી લેતા. તેવી જ રીતે અગ્નિશમન સિલિન્ડર તો મૂક્યા છે પણ તેને કઈ રીતે ચલાવવા તે બધાને નથી આવડતું હોતું. વિમાનમાં પણ ઉડ્ડયન પહેલા એર હોસ્ટેસ ઇમરજન્સીની વેળામાં ઉપયોગી દરવાજા, જરૂર પડે ઓક્સિજનના માસ્ક કે સમુદ્રમાં કૂદવા વગેરેનું નિદર્શન સંકેતથી બતાવે છે .આપણે જાણે એકનું એક આવું નિદર્શન જોઈને કંટાળ્યા છીએ તેવા ભાવાંકનો આપતા તેને નજરઅંદાજ કરીએ છીએ પણ ખરેખર આવી આપત્તિ આવે તો આવી બચાવ પદ્ધતિનો ઉપયોગ કરતા આવડે ખરો?
વિમાનની સફરની આવી મોક ડ્રીલ કરાવનાર સેન્ટર પણ હોવા જોઈએ.
***
ઇઝરાયેલ સહિત આંતરવિગ્રહ અને આતંકી હુમલાઓનો અવારનવાર ભોગ બને છે તેવા દેશો પાસે તો કટોકટીના સમયે હજારો નાગરિકોને સલામતી પૂરી પાડતા બંકર છે. આપણે ત્યાં ઘર કે એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી નાંખવાનુ પણ ભ્રષ્ટ બિલ્ડરો ટાળે છે. ગંભીર હોનારત થાય ત્યારે જ થોડા દિવસો હોબાળો મચે છે. ફરી 'જૈસે થે'ની સ્થિતિ ધારણ થઈ જતી હોય છે કેમ કે તંત્ર અને ભ્રષ્ટાચારીઓની મીલીભગત હોય છે. આમ આપણે ત્યાં ફાયર સેફટીના ધાંધિયા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ઇઝરાયેલના પ્રત્યેક ઘર અને એપાર્ટમેન્ટમાં બંકર હોવા ફરજિયાત છે.
આ બંકરનું પણ સરકારની શાખા નિરીક્ષણ કરવા આવે છે.
બંકર એટલે શ્વાસ રૃંધાતો રહે અને ઓછા વત્તા પાણી કે ભોજન સાથે અમુક કલાકો કે દિવસો સુધી રહેવા માટેનું ભોંયરું તેવું નહીં.
ઇઝરાયેલ દુશ્મન દેશો અને આતંકીઓથી ઘેરાયેલ ટચૂકડો દેશ છે. સ્વરક્ષા અને હુમલો કરવા માટેની તેઓની પદ્ધતિ અને મનોબળનું વિશ્વના નાગરિકો અને સરકાર ઉદાહરણ લે છે. ઇઝરાયેલ સરકારનો આદેશ છે કે આ બંકર એવી રીતના બનવા જોઈએ કે જેમાં ઓક્સિજનની માત્રા પૂરતા પ્રમાણમાં રહે. હવાની અવરજવર માટે ખાસ બંને છેડા ખુલ્લા હોય તેવી પાઇપ કન્સિલ કરેલી હોય છે. તેમાં દિવસમાં પૂરતો પ્રકાશ અને રાત્રે ન્યૂનતમ જરૂરિયાત પૂરતો પ્રકાશ રાખવાની વ્યવસ્થા હોય છે. માત્ર બંકર બનાવનું જ પૂરતું નથી પણ પ્રત્યેક એપાર્ટમેન્ટના ફ્લોર પરથી જ સીધા બંકરમાં પહોંચી જવાય તો ઇમરજન્સી દરવાજો, પગથિયા અને લિફ્ટ પણ હોય છે. બંકરમાં પેકેટ મળે અને જરૂર પડયે રાંધવાની વ્યવસ્થા પણ હોય છે. બાળકો અને વયસ્કો માટે કેરિંગ નર્સ કે ડોક્ટર પણ સેવા આપે છે. શિક્ષણ માટે ટીચર્સ પણ આવે છે.
બંકરમાં રહેવું જાણે રૂટિન કે સમૂહ જીવનની મજા હોય તેવા હકારાત્મક અભિગમથી લેવાય છે.
મૃત્યુ ગમે તે પળે આવી શકે.આપણી નજર સામે જ પરિચિતો અને પરિવારજનો, અજાણ્યા નાગરિકો અને સૈનિકોની શહાદત,લોહી નીંગળતી લાશો રોજિંદુ દ્રશ્ય બની ગયું હોય તે પછી મૃત્યુનો ભય નીકળી જતો હોય છે. કેટલાક સંવેદનશીલ નાગરિકો તેઓને જેટલું જીવવા મળે છે તે માટે ઇશ્વરનો આભાર માને છે તો કેટલાક એવા પણ છે જેઓને પોતે મજાથી જીવે છે અને બીજા મૃત્યુ પામ્યા છે કે શહાદત વહોરી છે તેનો ખટકો પણ છે.
અતિશ્યોક્તિ નથી પણ મોત માથા પર રોજેરોજ અને પળેપળ ઝળુંબતું હોય ત્યારે મનોસ્થિતિનો એક મુકામ એવો પણ આવે છે કે 'ડરી ડરીને શું કામ જીવવું, ભલે મોત આવે ત્યારે જ ખબર પડે ત્યાં સુધી તો જીવનની ઘડિયાળના કાંટા સંગ જીવીએ.'
ઇઝરાયેલ કે યુક્રેન જ નહીં યુદ્ધ અને આતંકના ઓથર હેઠળ જીવતા નાગરિકો અને સરહદી ગ્રામજનોનો આવો મિજાજ કેળવાઈ જતો હશે. અલબત્ત આ જેટલું કહેવું કે લખવું સહેલું છે તેવું નથી. અંધારામાં સાયરન વાગે અને દિવાળીની આતશબાજીની જેમ મિસાઈલો આકાશમાંથી આપણા રહેણાક વિસ્તાર, ઘર કે એપાર્ટમેન્ટ પર ત્રાટકતી રહે ત્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને લઈ દોડીને બંકરમાં ધસી જવું તે વખતનો ફફડાટ હૃદય રોગનો હુમલો લાવી દેનારો હોય છે.
આપણે એવી રીતે કલ્પના કરી શકાય કે આપણે ત્યાં ધરતીકંપની ઘટના બની હતી ત્યારે આફ્ટર શોક કે બીજી વખત ધરતીકંપ આવતા જ આપણે ઘર છોડીને બહાર નીચેના રસ્તા તરફ જીવ પડીકે બાંધી દોડી જતા હતા. આવું જીવન ૩૬૫ દિવસનું હોય તો?
યાદ રહે ધરતીકંપમાં તો જાહેરમાં અને તે પણ રસ્તા પર આવી શકાય છે પણ મિસાઈલ કે ગોળીબાર અને ડ્રોન હુમલાની વેળા તો ઊલટું અંધકારમાં ભુગર્ભમાં ચાલ્યા જવાનું હોય છે. મીણબતી કે મોબાઈલનો પ્રકાશ પણ પકડી લે તેવા સેન્સર ડ્રોન કે મિસાઈલ હોય છે.
નાગરિકો અને સરકારે નાગરિક સંરક્ષણ અને આફત નિવારણને પ્રાધાન્ય આપવું તે સમયની માંગ છે.