- આજકાલ-પ્રીતિ શાહ
- જો પિતાએ તેને ભણાવ્યો ન હોત અને મજૂરીના કામમાં જોતર્યો હોત તો તે કેવું જીવન જીવતો હોત !
રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત ગામમાંથી છેક અમેરિકાના સીઆટેલ સુધી પહોંચેલા રામચંદ્ર સંખલા કહે છે, 'જો મારા પિતાએ મને ભણાવ્યો ન હોત, તો હું આજે જે છું તે ન હોત. અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. તેમણે મને મજૂરી કરીને ભણાવ્યો. મારી આ સફળતાની પાછળ તેમનો સખત પરિશ્રમ રહેલો છે.'
સોજાત ગામમાં રહેતા તેજારામ સંખલા અને રામી દેવી પોતાના ત્રણ સંતાનોના યોગ્ય ઉછેર માટે રાત-દિવસ મહેનત કરતા હતા. તેજારામ ફેક્ટરીમાં મહેંદીના બોક્સ ઉંચકવાનું કામ કરતા, તો રામીદેવી ચણાતા મકાનમાં મજૂરી કરતા હતા. ગરીબીમાં સંતાનો જલદી મોટા થઈ જતા હોય છે. એ ન્યાયે મોટો દીકરો રામચંદ્ર જોતો હતો કે સાંજે માતા-પિતા થાક્યા-પાક્યા ઘરે આવે છે, તેથી રામચંદ્ર માટીના ચૂલા પર આવડે તેવી રસોઈ તૈયાર કરી રાખતો. પિતા તેજારામે એને સરકારી હિન્દી સ્કૂલમાં અભ્યાસ માટે પ્રવેશ અપાવ્યો હતો. રામચંદ્ર થોડો મોટો થતાં એક દિવસ પિતાએ તેને કામ કરવા માટે તેમની સાથે જવાનું કહ્યું. એ પિતા સાથે ગયો તો ખરો, પરંતુ તેણે કામ કરવાની અનિચ્છા દર્શાવીને કહ્યું કે એને આગળ અભ્યાસ કરવો છે. પિતાએ નક્કી કર્યું કે, પુત્રને જેટલું ભણવું હોય એટલું ભલે ભણે. દસમા ધોરણમાં નેવું ટકા સાથે ઉત્તીર્ણ થયો, ત્યારે પરિવારે એમના ભાવિ જીવનમાં આશાનું કિરણ નિહાળ્યું.
બારમા ધોરણના અભ્યાસ કરવા માટે રામચંદ્રને પોતાના ગામથી ચાળીસ કિમી. દૂર છેક પાલી શહેર સુધી જવું પડયું. તેના માતા-પિતા રોજ બસમાં તેને માટે ટિફિન મોકલતાં હતા. રામચંદ્રને બારમા ધોરણમાં સિત્તેર ટકા માર્ક્સ જ આવ્યા, પરંતુ પાલીમાં રહેવાથી એને એ ફાયદો થયો કે આગળ કઈ રીતે અભ્યાસ કરવો અને શેનો અભ્યાસ કરવો તેની સ્પષ્ટ સમજણ મળી. હિન્દી માધ્યમમાં અભ્યાસ કરનાર રામચંદ્રને પહેલી મુશ્કેલી તો અંગ્રેેજી ભાષાની નડી. અંગ્રેજી શીખવા માટે કોઈ ટયૂશન રાખવાના પૈસા તો હતા નહીં, તેથી તેની આસપાસ જ્યાં જ્યાં અંગ્રેજી લખાણ દેખાય તે વાંચતો અને સમજવા પ્રયત્ન કરતો. તેને માટે અંગ્રેેજી ફિલ્મો જોવા જતો હતો.
જેઈઈની પરીક્ષા આપવા માટે કોટામાં કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવ્યો. તેના માટે પિતાએ લોન લીધી. એણે આઈ.આઈ.ટી.ની પરીક્ષામાં ૧૬૮૦મો ક્રમ મેળવીને પાસ કરી અને ૨૦૦૯માં આઈ.આઈ.ટી. રૂરકીમાં પ્રવેશ મેળવ્યો. આ સમાચાર સાંભળીને બાળપણનાં મિત્રોનાં માતા-પિતા તેમના ઘરે ફીના પૈસા, નવાં કપડાં અને એક બેગ આપી ગયા. ત્યારબાદ દિવાળીના વેકેશનમાં પહેલીવાર રામચંદ્ર પોતાના ગામ સોજાત આવ્યો, ત્યારે જ્ઞાાતિના લોકોએ ભેગા થઈને ત્રીસ હજાર રૂપિયા એકત્રિત કર્યા હતા કે જેથી એે લેપટોપ ખરીદી શકે, જેની એને અત્યંત આવશ્યકતા હતી. બીજા સેમેસ્ટરની ફી માટે પિતાએ ફરી લોન લીધી. જોકે ત્યારબાદ રામચંદ્રને ત્રીસ હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ મળવા લાગ્યું. ૨૦૧૩માં બી.ટેક્.ની ડિગ્રી મળતાંની સાથે જ બંગાલુરુમાં ગુગલની ઑફિસમાં નોકરી મળી. ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગી. પિતાને મોપેડ અપાવ્યું અને ઘરમાં રસોડું સરખું કરાવ્યું. ઘરમાં શૌચાલય બનાવડાવ્યું.
આજે રામચંદ્ર અમેરિકાના સીઆટેલમાં ગુગલમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે વર્ષે છત્રીસ લાખથી વધુના પગારની નોકરી કરે છે. રામચંદ્ર કહે છે કે પિતાએ ક્યારેય કોઈની પાસે હાથ લંબાવ્યો નથી અને લીધેલી લોન વ્યાજ સાથે ભરપાઈ કરી છે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે આવી લોન લેવી દુષ્કર હોય છે. રામચંદ્રને અભ્યાસ કરાવવા માટે પિતા તેજારામે જુદી જુદી વ્યક્તિઓ પાસેથી સાડા ત્રણ લાખ અને શૈક્ષણિક લોન પેટે પાંચ લાખ લીધા હતા, તે ગુગલમાં નોકરી મળતાં બધાને ભરપાઈ કરી દીધા. રામચંદ્રને સમાજમાંથી પણ બહોળો પ્રતિસાદ સાંપડયો હતો અને અનેક લોકોએ નાની-મોટી મદદ કરી હતી. તે લોકોએ પૈસા પાછા લેવાનો ઇન્કાર કરીને કહ્યું કે અન્ય વિદ્યાર્થીઓને મદદ કરવાની ભાવનાને સમાજમાં આગળ વધારજે. રામચંદ્ર દર શનિવારે કોટાની કોચિંગ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓને કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફેસબુક દ્વારા માર્ગદર્શન આપે છે. ૩૨ વર્ષના રામચંદ્ર હાલ તેના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. રામચંદ્રની ઇચ્છા થોડી આથક સદ્ધરતા પ્રાપ્ત કરીને પોતાના ગામ સોજાતમાં પોતાના કુટુંબ સાથે રહેવાની અને સામાજિક કાર્યો કરવાની છે. રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત ગામમાંથી અમેરિકાના સીઆટેલ સુધીની પોતાની સફળતાનો બધો યશ પોતાના પિતાને આપે છે.
સાકાર કરીએ સંતાનોના સ્વપ્નને
અત્યારના યુગમાં સહુ કોઈ પોતાના કામમાં વ્યસ્ત છે, પરંતુ સંતાનો પાછળ સમય આપવો જોઈએ
હ રિયાણાના સમાલખાના માલપુર નામના ગામમાં શિક્ષક પિતા બ્રિજમોહન પંવારને ત્યાં ૨૦૦૩ની ૮મી નવેમ્બરે જાહ્નવીનો જન્મ થયો. ગ્રામીણ પરિવેશમાં મોટાભાગના પરિવારોની જેમ તેના પરિવારે પણ વિચારેલું કે દીકરો અવતરશે, પરંતુ પિતા બ્રિજમોહનને મન દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ નહોતો, તેથી જાહ્નવીના જન્મને પણ ખુશાલી સાથે વધાવ્યો. જે વિસ્તારમાં તેઓ રહેતા હતા ત્યાં સહુ કોઈ હરિયાણવી બોલી બોલતા હતા અને સ્કૂલના શિક્ષકો પણ હરિયાણવી લહેકાવાળી હિંદી બોલતા હતા, પરંતુ જાહ્નવી ત્રણ વર્ષની ઉંમરે થોડું અંગ્રેેજી બોલતી હતી, કારણ કે શિક્ષક પિતા એને અંગ્રેજી અને હિંદીના અક્ષરો શીખવતા હતા. બ્રિજમોહને જોયું કે પુત્રીની ગ્ર્રહણશક્તિ તીવ્ર છે અને અસાધારણ હોશિયાર છે, તેથી તે જાહ્નવીના વિકાસમાં રસ લેવા લાગ્યા.
જાહ્નવી ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ કરતાં અભ્યાસમાં હંમેશા આગળ રહેતી. તેના સહાધ્યાયીઓ તેના કરતાં મોટા હોવાથી તેની મશ્કરી કરતા અથવા તો તેની ઇર્ષા કરતા હતા, પરંતુ પિતાએ અને શિક્ષકોએ એને સતત પ્રોત્સાહન આપ્યું. તે પહેલા ધોરણમાં હતી, ત્યારે એક મહિનામાં જ આખા વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. અર્ધવાર્ષિકપરીક્ષા સમયે તેને માટે વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રો કાઢવામાં આવ્યા અને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈને બીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. તે જ વર્ષે એ ત્રીજા ધોરણમાં પહોંચી ગઈ. પિતા બ્રિજમોહન કહે છે કે તે ખૂબ એકાગ્ર ચિત્તે વાંચે છે. અન્ય બાળકો રમતગમતમાં સમય વિતાવે છે, ત્યારે જાહ્નવી પુસ્તકો વાંચતી હોય છે. તેર વર્ર્ષની ઉંમરે બારમું ધોરણ પાસ કરીને ૧૪ વર્ષની ઉંમરે દિલ્હી યુનિવર્સિટીની કૉલેજમાં પ્રવેશ પણ મેળવ્યો. દિલ્હી યુનિવર્સિટીની સત્યવતી કૉલેજમાંથી સોળ વર્ષની ઉંમરે સ્નાતક થઈ.
પિતા બ્રિજમોહનની આર્થિક સ્થિતિ બહુ સારી નથી, તેમ છતાં તેઓ પોતાની પુત્રીને અભ્યાસ માટે સતત પ્રેરિત કરતા રહ્યા. પિતાએ નક્કી કર્યું કે, પુત્રીને માટે જે કંઈ કરવું પડે, તે કરવું. બ્રિજમોહનને આશ્ચર્ય એ વાતનું છે કે એમના ઘરમાં કોઈને અંગ્રેજી બોલતા આવડતું નથી. એમણે ગૂગલ પરથી અંગ્રેેજી ભાષણોનાં વીડિયો ડાઉનલોડ કરીને જાહ્નવીને સંભળાવ્યાં. બીબીસીના સમાચારના વીડિયો ડાઉનલોડ કરીને સંભળાવ્યા અને તે એક કલાક સુધી સાંભળતી અને એ રીતે બોલવા લાગી. પિતાને લાગ્યું કે જાહ્નવીને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેથી અમેરિકા અને ઇંગ્લન્ડની ભાષા માટે ભાષાવિદ રેખા રાજ પાસે ઑનલાઇન શિક્ષણ લીધું. વિદેશી ભાષા સારી રીતે જાણી શકે અને બોલી શકે તે માટે દર રવિવારે દિલ્હીના લાલ કિલ્લા પર જાહ્નવીને લઈ જતા અને ત્યાં આવતા વિદેશીઓ સાથે વાતચીત કરવાનું કહેતા. વિદેશી ભાષા માટે દિલ્હીમાં દૂતાવાસનો સંપર્ક કર્યો, પરંતુ જાહ્નવીની ઉંમર નાની પડી. પિતાના પરિશ્રમનું પરિણામ એ આવ્યું કે અગિયાર વર્ષની ઉંમરે જાહ્નવીએ અમેરિકી, બ્રિટિશ, કેનેડીયન, સ્કોટિશ, ઓસ્ટ્રેલિયન જેવા બાર જેટલા દેશોના અંગ્રેેજી ઉચ્ચારણો પ્રમાણે અંગ્રેજી બોલીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા. આ દેશોની અંગ્રેેજી ભાષાનો લહેકો, કેટલાક શબ્દો અને બોલવાની રીત જુદી છે. આ ઉપરાંત ફ્રેંચ અને જાપાનીઝ ભાષાનું પ્રાથમિક જ્ઞાાન ધરાવે છે તેમજ હિંદી અને હરિયાણવી બોલી તો ખરી જ!
દિલ્હીની કૉલેજમાં પ્રવેશ મેળવ્યા પછી એને ઘણી ખ્યાતનામ વ્યક્તિઓના ભાષણો સાંભળવાની તક મળી, ત્યારે એ સાંભળીને એણે પિતાને કહ્યું કે તે એક પ્રેેરક વક્તા બનવા માગે છે. ટાંચા સંસાધનો હોવા છતાં પિતાએ એની એ ઇચ્છા પણ પૂર્ણ કરી. એ પ્રકારનાં પુસ્તકો ખરીદીને જાહ્નવીને વાંચવા આપ્યાં. એ વાંચીને એને થયું કે એ પણ એક પ્રેરક વક્તા બની શકે તેમ છે. એ સમય દરમિયાન હરિયાણામાં આઈ.એ.એસ. ઑફિસરોની કોન્ફરન્સમાં ભાષણ કરવાની તક મળી અને સહુને તેનું ભાષણ પસંદ પડયું. એની ખૂબી એ છે કે એ જેટલું સારું અંગ્રેેજી બોલી શકે છે, એટલી જ કુશળતાથી હરિયાણવી બોલીમાં બોલી શકે છે. પંદર વર્ષની ઉંમર સુધીમાં જાહ્નવી દેશના જુદા જુદા આઠ જેટલાં રાજ્યોની શિક્ષણ સંસ્થાઓમાં વક્તવ્ય આપી ચૂકી છે. બીબીસી અને સીએનએનમાં એંકર થવાનું એનું સ્વપ્ન હતું તે સાકાર થયું છે. તે સિવિલ પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેની પાસે કારકિર્દીના અનેક વિકલ્પો છે, પરંતુ તે આઈ.એ.એસ. ઑફિસર બનીને દેશની સેવા કરવા માગે છે.


