Get The App

ક્રાંતિકારી વિચારની કમાલ

-ભગવતી દેવી કોઈ પણ જાતના જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના ઊધઈને નિયંત્રિત કરવા માગતી હતી. હવે એણે અનાજ સિવાય તલ, કઠોળ, વગેરેમાં પ્રયોગ કર્યો અને સફળતા મળી.

- આજકાલ- પ્રીતિ શાહ .

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
ક્રાંતિકારી વિચારની કમાલ 1 - image


આ પણા ભોજનની થાળીમાં જાતજાતના વ્યંજનો જોઈને ભાગ્યે જ એવો વિચાર આવે કે આ મધુર વાનગીઓ માટે અન્નદાતાએ ખેતી કરતી વખતે કેટલી વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો હશે ! ક્યારેક અતિવૃષ્ટિ, તો ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક તીડનું આક્રમણ તો ક્યારેક પાકને લાગુ પડતો રોગ. પાકની બરબાદીનું એક કારણ ઊધઈ પણ છે. ઊધઈના ઘણા પ્રકારો હોય છે. માટીમાં થતી ઊધઈ જમીનની અંદરના છોડમાં મૂળિયાંને ખાઈ જાય છે. એક અંદાજ પ્રમાણે આનાથી જુદા જુદા પાકને દસથી પંદર ટકા નુકસાન પહોંચે છે, પરંતુ રાજસ્થાનના સીકર જિલ્લાના દાંતારામગઢ ગામમાં રહેતી ભગવતી દેવીએ પોતાના અનુભવના આધારે આનો ઉપાય શોધ્યો છે.

ભગવતી દેવીના પોતાના ખેતરમાં સીસમ, બાવળ, યુકેલિપ્ટ્સ, લીમડો જેવાં વૃક્ષો વાવ્યાં છે. આ ઉપરાંત અન્ય નાનાં-મોટાં ઝાડ-છોડ પણ છે. આ વૃક્ષોની લાકડીઓને ખેતરની સફાઈ વખતે ખેતરની સીમા પર ચારે બાજુ નાખવામાં આવતી. એક દિવસ ભગવતી દેવીએ ચૂલો સળગાવવા માટે આ લાકડીઓ લીધી તો એણે જોયું કે અન્ય લાકડીઓ કરતાં યુકેલિપ્ટસની લાકડી પર ઊધઈ વધારે હતી. એના પરથી એને વિચાર આવ્યો કે ખેતરમાં પાકની વચ્ચે વચ્ચે યુકેલિપ્ટસની લાકડીઓને રાખવામાં આવે તો ઊધઈ ઊભા પાકને છોડીને આ લાકડીઓ ખાય તો પાક બચી શકે.

એણે આ વિચારને મૂર્ત સ્વરૂપ આપ્યું ૨૦૦૪માં. એણે અઢી ફૂટ લાંબા અને ત્રણ ઈંચ વ્યાસવાળી યુકેલિપ્ટસની લાકડીઓના ટુકડા લીધા. ત્યારબાદ દસ બાય દસના વર્ગમીટરમાં ઘઉં વાવ્યા હતા. તેની બે હાર વચ્ચે લાકડીનો અડધો ભાગ જમીનમાં અને અડધો ભાગ જમીનની ઉપર રહે તે રીતે સમાન અંતરે રાખ્યા. પ્રયોગના અંતે એણે જોયું કે ઘઉંના પાકમાં ક્યાંય ઊધઈ આવી નહોતી અને જે લાકડીમાં નીચે ઊધઈ હતી તેની પાસેના દાણા વધુ સુડોળ અને ચમકદાર થયા હતા. આ રીતે એ પણ ખ્યાલ આવ્યો કે ઊધઈ પણ અળસિયાની માફક જમીનને ફળદ્રૂપ બનાવવામાં સહાયક બને છે.

ભગવતી દેવી કહે છે કે તે કોઈ પણ જાતના જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના ઊધઈને નિયંત્રિત કરવા માગતી હતી. હવે એણે અનાજ સિવાય તલ, કઠોળ, શાકભાજી વગેરેમાં આ પ્રયોગ કર્યો અને દરેક વખતે સફળતા મળી. જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ નવું કરવાનો ઉત્સાહ અને હિંમત વધ્યા. એના ફાર્મહાઉસ પર એના પ્રયોગો જોવા અને એનું નિરીક્ષણ કરવા માટે બિકાનેરની રાજસ્થાન કૃષિ વિશ્વવિદ્યાલયના તત્કાલીન નિર્દેશક આવ્યા.

ભગવતી દેવીએ મરચાંના પાકમાં ઊધઈને નિયંત્રિત કરવાનો સફળ પ્રયોગ કરીને બતાવ્યો. નિદેશક ડૉ. એમ.પી. સાહૂ ઘણા પ્રભાવિત થયા અને એમણે પોતાના અનુસંધાન કેન્દ્ર પર આ પ્રયોગ કરવા માટે કહ્યું. ફતેહપુર શેખાવટીના કૃષિ અનુસંધાન કેન્દ્ર અને અજમેરના એડોપ્ટિવ ટ્રાયલ સેન્ટર પર આ પ્રયોગનું પરીક્ષણ કરવામાં આવ્યું અને ઉત્તમ પરિણામ મળ્યું.

ભગવતી દેવી કહે છે કે જો કોઈ પાક પર જંતુઓનો પ્રકોપ થાય તો એક હેક્ટરમાં એક લીટર જંતુનાશક દવા છાંટવામાં આવે છે, પરંતુ જો ઊધઈનો પ્રકોપ થાય તો એક હેક્ટરમાં પાંચ લીટર જંતુનાશક દવાનો એક પાક પર બે વખત ઉપયોગ કરવો પડે છે. જો કોઈ ખેડૂત વર્ષમાં બે પાક લે છે, તો એકવાર પ્રયોગ કરવાથી પણ દસ વર્ષમાં તે એક હેક્ટરના ખેતર પર સો લીટર દવાનો ઉપયોગ કરે છે. આટલી દવાના ઉપયોગથી તો જમીન જ નહીં, કિંતુ પાણી પણ ઝેર સમાન બની જાય છે.

આની સરખામણીમાં યુકેલિપ્ટસની લાકડીનો ઉપાય સસ્તો છે. પ્રતિ હેક્ટર બે હજાર રૂપિયાનો ખર્ચ આવે અને સુરક્ષિત પણ ખરો ! જંતુનાશક દવાના પ્રયોગનો ખર્ચ પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા આવે છે અને પ્રદૂષણ કરે તે વધારામાં ! જો ખેડૂત પોતાના ખેતરમાં જ યુકેલિપ્ટસ ઊગાડે તો એને કોઈ ખર્ચ કરવો પડતો નથી.

'ખેતીમાં વૈજ્ઞાાનિક સમ્માન', 'કૃષિ પ્રેરણા સમ્માન' જેવા અનેક પુરસ્કાર મેળવનાર ભગવતી દેવીની કથા 'પ્રોડયૂસિંગ મોર વિથ લૅસ રિસોર્સેજ-સક્સેસ સ્ટોરીઝ ઑફ ઇન્ડિયન ડ્રાઈલેન્ડ ફાર્મર્સ' પુસ્તકમાં પ્રકાશિત થઈ છે, જે અંગ્રેજી અને ફ્રેંચ બંને ભાષામાં છે. આવી સસ્તી અને અસરકારક ટૅક્નીકને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવી જોઈએ એવી ભગવતી દેવીની ઇચ્છા છે. એમના પતિ સુંડારામ વર્મા 'હની બી નેટવર્ક'ના સક્રિય સહયોગી છે. એક લીટર પાણીમાં એક છોડ ઉગાડવાની એમની ટૅક્નિકને દેશ-વિદેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે. તેઓ પણ ભગવતી દેવીને આ ટૅક્નિક વધુને વધુ ખેડૂતો સુધી પહોંચે તેમાં સાથ આપી રહ્યા છે. 

ક્રાંતિકારી વિચારની કમાલ 2 - image

નવું જીવન, નવી હિંમત

- ડૉ. યોગી એરોન વર્ષે પાંચસો જેટલા ઓપરેશન કરે છે. આજે એમની પાસે દસ હજાર દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ છે, જેઓ નિ:શુલ્ક સારવાર કરાવવા માગે છે. આવા દર્દીઓ માટે ડૉ. યોગી સતત ફંડની વ્યવસ્થા કરતા રહે છે. 

૨૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દિલ્હીથી ડૉ. યોગી એરોન પર ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા પદ્મશ્રીના ઍવૉર્ડ માટે એમની પસંદગી કરવામાં આવી છે, ત્યારે પહેલો પ્રશ્ન એમણે પોતાની જાતને પૂછયો કે શું હું એને યોગ્ય છું અને પછી તરત જ એમના દર્દીઓનો વિચાર કરતાં કહ્યું કે, 'મને પદ્મશ્રી મળ્યો તે સારું છે, પરંતુ મારા હજારો દર્દીઓ જે વેઇટિંગ લિસ્ટમાં છે તેમના માટે કોઈ મદદ મળે તો વધુ સારું.'

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ૧૯૩૭માં યોગી એરોનનો જન્મ થયો હતો. લખનૌની કિંગ જ્યૉર્જ મેડિકલ કૉલેજમાંથી ૧૯૬૭માં સ્નાતક થયા. ત્યારબાદ પટનાની પ્રિન્સ ઑફ વેલ્સ મેડિકલ કૉલેજ ઍન્ડ હોસ્પિટલમાં ૧૯૭૧માં પ્લાસ્ટિક સર્જરીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. તે વખતે પ્લાસ્ટિક સર્જન તરીકે નોકરી મળવી મુશ્કેલ હતી.

છેવટે ૧૯૭૩માં દહેરાદૂનની હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન તરીકે નોકરી મળી, ત્યારબાદ ૧૯૮૨માં તેઓ તેમની બહેનની મદદથી અમેરિકા ગયા અને ત્યાં અનુભવી ડૉક્ટરો સાથે કામ કરવાની તક મળી. અમેરિકામાં પ્લાસ્ટિક સર્જન તરીકે કામ કર્યા પછી તેઓ ભારત પાછા આવ્યા. દહેરાદૂનથી મસૂરી જવાના રસ્તે કુઠાલગેટ પાસે એમની જમીન હતી. ત્યાં એમણે રહેવાનું પસંદ કર્યું. ચાર એકર જગ્યામાં એમણે પોતાના નિવાસસ્થાનની સાથે જ નાનકડું દવાખાનું બનાવ્યું છે અને અન્ય જગ્યામાં બાળકો માટે સાયન્સ પાર્ક બનાવ્યો છે.

૮૨ વર્ષના આ પ્લાસ્ટિક સર્જને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે ઑપરેશનો નિ:શુલ્ક કર્યા છે. તેઓ જાનવરોના હુમલાથી અને આગને લીધે દાઝી જવાથી જેમને શારીરિક વિકૃતિ આવી ગઈ હોય તેવા લોકોને નવું જીવન આપે છે. તેમણે જોયું કે ગામડાંમાં અને અંતરિયાળ વિસ્તારોમાં ઘણા દર્દીઓ એવા હતા કે પૈસાના અભાવે કોઈ સારવાર કે ઓપરેશન કરાવી શકતા નહીં અને આખી જિંદગી એવી દયનીય કે દુ:ખદ પરિસ્થિતિમાં પસાર કરતા, ત્યારે ડૉ. યોગી એરોનને વિચાર આવ્યો કે આ કામમાં એમને મદદ કરવી જોઈએ.

આનાથી એમને પૈસા કે કીત મેળવવાની કોઈ અપેક્ષા નહોતી. તેઓ તો કહે છે કે આવા લોકોને મદદ કરવાથી એમને આનંદ મળે છે અને સંતોષનો અનુભવ થાય છે. એમની એક સર્જરી છ-સાત કલાક ચાલે છે. પોતાના ઓપરેશન થિયેટરમાં લોકલ એનેસ્થેશિયાવાળી સર્જરી કરે છે. જો જનરલ એનેસ્થેશિયા આપવાનું હોય તો નજીકની ખાનગી હોસ્પિટલની મદદ લેવી પડે છે અને તેના માટે ફંડની વ્યવસ્થા પણ કરવી પડે છે. ગરીબોની મફત સર્જરી માટે તેઓ તેમના શ્રીમંત દર્દીઓનો સહયોગ લે છે.

૨૦૦૬થી ડૉ. યોગી એરોન વર્ષમાં બે વખત બે અઠવાડિયાના કૅમ્પ કરે છે. આ કૅમ્પમાં અમેરિકાથી ડૉક્ટરો પોતાના ખર્ચે આવે છે. સાથે ઓપરેશનનો સામાન પણ લાવે છે. આમાં ગરીબી રેખાથી નીચે ગણાતા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. હોઠ, ગાલ, નાક કે અન્ય અંગો કોઈ કારણસર વિકૃત થઈ ગયા હોય તેની સર્જરી કરવામાં આવે છે. અમેરિકાથી ડૉક્ટરો આવે તે પહેલાં બધા દર્દીઓના ટેસ્ટ કરવા, ઓપરેશન પહેલાંની તૈયારી કરવી અને સર્જરી પછી તેનું ધ્યાન રાખવું તે બધી જવાબદારી ડૉ. યોગીની રહે છે. કૅમ્પ દરમિયાન ૧૫-૧૬ ડૉક્ટરોની ટીમ રોજના બાર જેટલા ઓપરેશન કરે છે.

ડૉ. યોગી એરોન વર્ષે પાંચસો જેટલા ઓપરેશન કરે છે. આજે એમની પાસે દસ હજાર દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ છે, જેઓ નિ:શુલ્ક સારવાર કરાવવા માગે છે. આવા દર્દીઓ માટે ડૉ. યોગી સતત ફંડની વ્યવસ્થા કરતા રહે છે. ભારતમાં રહેતા એમના મિત્રો, પરદેશમાં વસતા એમના સાથીદારો, કેટલીક સંસ્થાઓ, સરકાર વગેરે પાસેથી ભંડોળ મેળવે છે. એમની સાથે કામ કરનારા કેટલાક આસિસ્ટન્ટ પણ વિનામૂલ્યે સેવા આપે છે. એમનો પુત્ર કુશ જે ડૉક્ટર છે તે કહે છે કે, 'મારા પિતા એમના પોતાના માટે સારું આથક આયોજન ક્યારેય કરી શક્યા નથી. તેમને દર્દીઓ પાછળ પૈસા ખર્ચવામાં એમને ખૂબ આનંદ આવે છે.'

તેઓ માને છે કે આગથી અને પશુઓના હુમલાથી ઘાયલ થવાને કારણે શારીરિક વિકૃતિ આવી જાય છે અને ઓપરેશન દ્વારા વ્યક્તિને ફરી પોતાની કાયા મળે ત્યારે તે વ્યક્તિને માત્ર નવું જીવન જ નહીં, પરંતુ સમાજની વચ્ચે સામાન્ય જીવન જીવવાની હિંમત પણ મળે છે. ડૉ. યોગીના હાથમાં એવું કૌશલ્ય છે કે મોટા શહેરમાં પોતાની હોસ્પિટલ બનાવીને લાખો રૂપિયાની કમાણી કરી શક્યા હોત, પરંતુ એમણે પોતાનું જીવન ગરીબોની સેવામાં સમપત કર્યું. એવા ગરીબો કે જેઓ પોતાના શરીરના અંગોને ઠીક કરવા પાછળ પૈસા ન ખર્ચે તેમના માટે ડૉ. યોગી આશાનું અંતિમ કિરણ બની રહ્યા છે.

Tags :