પ્રસન્ન ત્યાગ છે માનવજીવનનું ગુરુશિખર !
- જાણ્યું છતાં અજાણ્યું- મુનીન્દ્ર
- વર્ધમાનના વિરલ અભિનિષ્ક્રમણનું પ્રથમ સોપાન હતું. ઘરની સીમા પાર કરવાનું ભગવાન મહાવીરને તો સમગ્ર વિશ્વને અને અખંડ આકાશને પોતાનું ઘર બનાવવું હતું
ઋષભદેવે વિનીતા નગરીમાં દીક્ષા લીધી. અરિષ્ટનેમીએ દ્વારકામાં દીક્ષા લીધી અને બાકીના અન્ય સહુ તીર્થંકરોએ પોતાની જન્મભૂમિમાં જ દીક્ષા ગ્રહણ કરી
ભ ગવાન મહાવીરની વિરલ સાધના અને દીર્ઘ તપ વિશે જેટલો વિચાર કર્યો, એમનાં જીવનમાં આવેલા ઉપસર્ગો વિશે જેટલું વર્ણન કરવામાં આવ્યું, એમની આધ્યાત્મિક સિદ્ધિ અને આગમ વાણી વિશે જેટલું અવગાહન થયું, એટલું એમના વિરલ અને વિશિષ્ટ ત્યાગ વિશે થયું નથી.
મારી દ્રષ્ટિએ ત્યાગ એ એક પ્રચંડ સાહસ છે. કોઈ દારૂ જેવા વ્યસનનો ત્યાગ કરે તો એમાં પણ એનું એક આંતરિક સાહસ રહેલું છે. વાલિયો લૂંટારો, રોહિણેય ચોર કે હત્યારો અંગુલિમાલ પોતાના પૂર્વજીવનનો ત્યાગ કરીને પ્રકાશના પંથે ચાલે, તો તેમાં પણ અપ્રતિમ સાહસ હોય છે. આપણે સાહસને બાહ્ય ઘટના સાથે જોડી દીધી છે અને એથી જ આધ્યાત્મિક સાહસને સામાન્ય સમજીને એની ઉપેક્ષા કરી છે જે સાહસ કરીને પોતાના વ્યસનો કે દુર્વૃત્તિઓને છોડે છે, એને પછી જીવનમાં કશું છોડવાનું રહેતું નથી. મૂળ વાત એટલી જ છે કે દરેક વ્યક્તિ પાસે ત્યાગશક્તિ હોય છે. જેમ પ્રત્યેક માનવીની શરીર શક્તિ જુદી જુદી હોય છે, તે જ રીતે વ્યક્તિની ત્યાગ કરવાની ક્ષમતા પણ જુદી જુદી હોય છે.
કોઈ અહંકારનો ત્યાગ કરી શકે તો કોઈ સંપત્તિના લોભનો ત્યાગ કરી શકે, કોઈ સત્તાનો ત્યાગ કરી શકે, તો કોઈ કામવિકારનો ત્યાગ કરી શકે. જેમ દીપશિખા પોતાનું શરીર બાળીને પ્રકાશ ઉત્પન્ન કરે છે, એ જ રીતે ત્યાગ એ માનવજીવનમાં પ્રકાશ પ્રગટાવનારું સાહસ છે. આથી 'મહાભારત'ના 'વનપર્વ'માં મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે, 'માનનો ત્યાગ કરનાર પ્રિય બને છે. ક્રોધનો ત્યાગ કરનાર એ શોક અનુભવતો નથી, કામનો ત્યાગ કરનાર અર્થવાન બને છે અને લોભનો ત્યાગ કરનાર એ સુખી બને છે.'
ભારતીય પરંપરામાં ત્યાગનો અનોખો મહિમા છે. ત્યાગી સાધુ એના પૂર્વજીવનને ભૂંસી નાખે છે અને નવા આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરે છે, પરંતુ આ ત્યાગ સામે બે ભય છે. એક તો એ છે કે કેટલીક વ્યક્તિઓ ભયથી ત્યાગ કરતી હોય છે. એમને નરકાદિ દુઃખોનો ભય થવાથી એ ત્યાગના માર્ગે ચાલવાનો વિચાર કરે છે. કોઈક તો વળી સંસારના દુઃખોને જોઈને કે પછી ગૃહસંસારના કંકાસને કારણે ત્યાગનો વેષ ધારણ કરતા હોય છે. ક્યાંક તો એટલી વિકૃતિ આવી છે કે સામાન્ય માનવી ત્યાગ કરીને સાધુ બને અને છતાં એના વિકારો અને વૃત્તિઓ અકબંધ રહેતા હોય છે.
ક્યાંક એવું ય બને છે કે અત્યંત સમૃદ્ધિવાન સમૃદ્ધિનો ત્યાગ કર્યા બાદ વારંવાર સમૃદ્ધિનું રટણ કરીને પોતાના ત્યાગની 'ભવ્યતા' બતાવવાનો પ્રયત્ન કરે છે. મહાત્મા ગાંધીજી તો કહેતા હતા કે જે વ્યક્તિ ત્યાગની ભાવના પોતાની જાતિથી આગળ વધતી નથી, એ સ્વયંને માટે સ્વાર્થી તો ગણાય જ, પરંતુ એથી ય વિશેષ એ પોતાની જાતિને પણ સ્વાર્થી બનાવે છે.
ત્યાગના આવા માહોલની વચ્ચે રાજકુમાર વર્ધમાનના ગૃહસંસારના ત્યાગની એ ઘડીનો વિચાર કરો. ત્યાગને કોઈ સીમા હોતી નથી. રાજકુમાર વર્ધમાન એક અસીમ એવા ત્યાગના સહારે અધ્યાત્મપંથે પ્રયાણ કરે છે. ત્યાગ કોઈ ભયને કારણે થાય તો તે અયોગ્ય છે. રાજકુમાર વર્ધમાનના ત્યાગમાં એક પ્રકારની નિર્ભયતા છે.
કદાચ ફરી મહાભારતના 'આદિ પર્વ'માં આલેખાયેલી વેદવ્યાસની એ ભાવનાનું સ્મરણ થાય. તેઓ કહે છે કે, 'કુળની રક્ષાને માટે એક મનુષ્યનો, ગ્રામની રક્ષા માટે એક કુળનો અને દેશની રક્ષા માટે ગ્રામનો અને આત્માની રક્ષા માટે પૃથ્વીનો ત્યાગ કરવો જોઈએ.'
આ રીતે અહીં ભિન્ન ભિન્ન પ્રકારના ત્યાગ હોય છે તે સૂચવવામાં આવ્યું છે. અધ્યાત્મ માટે થયો ત્યાગ એ માનવ જીવનનું ગુરુશિખર છે, આથી જ રાજકુમાર વર્ધમાનના ત્યાગ સમયે સર્વત્ર પ્રસન્નતાનો અબીલગુલાલ ઉડતો હતો. એ ત્યાગે સ્વજનોની ઉપેક્ષા કરીને નહીં, માતાપિતાની લાગણીઓને ઠેસ પહોંચાડીને નહીં કે પછી કૌટુંબિક જવાબદારીઓ ફગાવી દેવા માટેનો ત્યાગ નહોતો. આથી તો રાજકુમાર વર્ધમાનના મોટા ભાઈ નંદીવર્ધન મનમાં વિચારતા હોય છે કે નાના ભાઈની વિદાયથી દુઃખ તો ઘણું થાય છે, પરંતુ આ વિદાય એ જગતકલ્યાણ માટેનું મહાપ્રયાણ છે. એ એમ પણ વિચારે છે કે એક નાનકડા રાજ્યમાં રાજકુમાર વર્ધમાન રહ્યા હોત, તો તેમણે પ્રજાની સુખાકારીનો વિચાર કર્યો હોત. પ્રજાજનોના લોકકલ્યાણનો વિચાર કર્યો હોત, પરંતુ હવે તો ત્યાગ કરીને એ અસીમને આંબવા માટે જ જઈ રહ્યા છે. જગતકલ્યાણ સાધનાર ધર્મચક્રવર્તી બની રહ્યા છે.
આમાં સૌથી મહતત્વની ઘટના એ રાજકુમાર વર્ધમાન અને યશોદા વચ્ચેની છે. પતિ- પત્ની વચ્ચે વિચારોનું કેવું અનુપમ સામંજસ્ય છે ! યશોદા રાજકુમાર વર્ધમાનની ભાવનાઓ સમજે છે. પોતાના અંગત સુખને કાજે એ રાજકુમારને અટકાવતી નથી. અંગત આનંદને બદલે વિશ્વકલ્યાણની ભાવના એનામાં વ્યાપ્ત છે અને એટલે જ કશાય રૂદન વિના કે આંસુ સાર્યા વિના આ વિદાયના પ્રસંગને મહાન ઘટના પૂર્વેના અવસર તરીકે સ્વીકારી લે છે અને જગતકલ્યાણ અર્થે પતિના આ મહાભિનિષ્ક્રમણને વધાવી લે છે. રાજકુમાર વર્ધમાનના ત્યાગની આ ઘટનાનું એક મહત્ત્વનું પાસું જોવા જેવુ છે.
શ્વેતાંબર સંપ્રદાયના ગ્રંથો કહે છે કે, રાજકુમાર વર્ધમાને લગ્ન કર્યા હતા અને યશોદા એમની પત્ની અને પ્રિયદર્શના એમની પુત્રી હતી. પિતાની વિદાય પુત્રીને માટે વેદનાદાયી ! આ બાબતમાં ગ્રંથો મૌન સેવે છે, પરંતુ યશોદાની બાજુમાં જ વહાલી પુત્રી પ્રિયદર્શના શાંત- સ્વસ્થ ઉભી છે. કારતક મહિનાની કૃષ્ણપક્ષની દશમના એ મહાન દિવસે ગ્રંથો કહે છે કે કુમાર વર્ધમાને રાજમહેલનો ત્યાગ કર્યો હતો. એ ત્યાગ મનથી કર્યો હતો, હવે દેહથી કરી રહ્યા હતા અને એમની દીક્ષાનો ભવ્ય વરઘોડો નીકળ્યો.
'તીર્થંકર મહાવીર' ગ્રંથમાં કુમારપાળ દેસાઈ આ ક્ષણને આલેખતા કહે છે, ઇન્દ્રિયવિજય અને આત્મસિદ્ધિની આ યાત્રા હતી. હજારો માણસોએ રાજકુમાર વર્ધમાનના વિરલ ત્યાગને નમન કર્યું. ક્ષત્રિયકુંડગ્રામની વચ્ચે આવેલા જ્ઞાાતખંડવન નામના ઉદ્યાનમાં આવેલા અશોકવૃક્ષની નીચે પાલખી પહોંચી. સહુની એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં આંસુ હતા. પાલખી નીચે મુકાવી કુમાર વર્ધમાન ગંભીર વદને નીચે ઉતર્યા. દૈવી વાજિંત્રો અને માનવીય વાદ્યો ગૂંજી ઉઠયા. પરાક્રમી વીરને પણ પાણી પિવડાવે એવું આ પરાક્રમ હતું. દેવોને દુર્લભ એવુ ત્યાગનું સાહસ હતું. આવા અતિ વીરને, આવા મહાવીરને શું અલભ્ય હોય !
ઘર અને કુટુંબ પ્રત્યેક વ્યક્તિને સીમા આપે છે. વર્ધમાનના વિરલ અભિનિષ્ક્રમણનું પ્રથમ સોપાન હતું. ઘરની સીમા પાર કરવાનું ભગવાન મહાવીરને તો સમગ્ર વિશ્વને અને અખંડ આકાશને પોતાનું ઘર બનાવવું હતું. અભિનિષ્ક્રમણનું બીજું સોપાન હતું પરિવારથી મુક્તિ. પરિવાર વ્યક્તિની આસપાસ પ્રેમભર્યા સંબંધોની લક્ષ્મણરેખા દોરે છે. જ્યારે વર્ધમાન એ સીમાને ત્યજીને ચેતન- અચેતન એવી સમગ્ર સૃષ્ટિને પોતાનો પરિવાર બનાવવા ઇચ્છતા હતા. મહાવીરનું ત્રીજું અભિનિષ્ક્રમણ હતું વૈભવના વિસર્જનનું. વૈભવ વ્યક્તિને પરિગ્રહમાં બાંધી રાખે છે અને એને અન્યથી વિભક્ત કરે છે. વર્ધમાનને બંધનરૂપ તમામ વૈભવનું વિસર્જન કરીને સમગ્ર મનુષ્ય જાતિ સાથે એકતા સાધવાનો પુરુષાર્થ આરંભ્યો હતો. આ અભિનિષ્ક્રમણ એ સઘળી સીમા અન બંઘનોથી પર થઈને સ્વાતંત્ર્યનું દર્શન કરાવનારું વિરાટ પગલું હતું.
ઋષભદેવે વિનીતા નગરીમાં દીક્ષા લીધી. અરિષ્ટનેમીએ દ્વારકામાં દીક્ષા લીધી અને બાકીના અન્ય સહુ તીર્થંકરોએ પોતાની જન્મભૂમિમાં જ દીક્ષા ગ્રહણ કરી. પ્રકૃતિ સાથે સંસ્કૃતિ ગાઢ રીતે જોડાયેલી હોવાથી તીર્થંકરોની દીક્ષાનું સ્થળ પણ કોઈ વન કે ઉદ્યાન હતા. પ્રકૃતિની ગોદમાં પરમ આધ્યાત્મિક ઘટના સર્જાતી હોય છે. ભગવાન ઋષભદેવે સિદ્ધાર્થ નામના વનમાં, વાસુપૂજ્ય સ્વામીએ વિહારગૃહ વનમાં, ધર્મનાથ સ્વામીએ વપ્રકાવનમાં, સુવ્રતસ્વામીએ નીલગૃહોદ્યાનમાં, પાર્શ્વનાથે આશ્રમપદમાં, ભગવાન મહાવીરે જ્ઞાાતખંડવનમાં અને બાકીના તીર્થંકરોએ સહસ્રામ્રવન (આંબાવાડિયા)માં દીક્ષા લીધી હતી. માત્ર માનવી કે પશુ-પક્ષી જ નહીં, પણ સમગ્ર પ્રકૃતિ એને સૃષ્ટિની પ્રસન્નતા સાથે થયેલો આ ત્યાગ હતો.