કલાકાર ધનવાન બની શકે, ધનવાન કલાકાર ન બની શકે!
- ખુલ્લા બારણે ટકોરા- ખલીલ ધનતેજવી
- મનોરથ વિનાનો માણસ કલ્પી શકાય નહિ! દરેકને કંઈને કંઈ મનોરથ હોય છે ને મનોરથ પૂરા કરવા મથતો પણ હોય છે. ક્યારેક મનોરથ પૂરા થાય છે ને ક્યારેક મનોરથ પૂરા કરવાની મથામણમાં માણસ અધમૂવો થઈ જાય છે
આપણા સમાજની આ પણ એક ખાસિયત છે કે વ્યસ્ત માણસની જ કદર થાય છે. નવરાધૂપ માણસને હિણપત ભરી નજરે જોવામાં આવે છે
મા ણસ ક્યારેય એકલો હોતો નથી. એકલો હોઈ શકે નહિ તો એકલો રહી શકે નહિ! એની આસપાસની ભીડને આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ! પણ એની આંતરિક અને અંતરગત ભીડને કોઈ જોઈ શકતું નથી ને જાણી પણ શકતો નથી, એની આસપાસ દેખાતી ભીડ એ એના પરિવારની ભીડ છે, મિત્રોની ભીડ છે, કારોબાર સાથે સંલગ્ન લોકોની ભીડ હોય છે, મહેફિલો, સભાઓ, ઉત્સવો એને વળગેલા હોય છે. પણ જ્યારે આમાની તમામ પ્રકારની ભીડમાંથી મુક્ત થઈને એ જગ્યાએ એકલો પડે છે ત્યારે વિચારોનાં ટોળાં આવીને એને ઘેરી લેતાં હોય છે.
એ વિચારોનાં ટોળાનો કોઈપણ એક વિચાર એને વ્યસ્ત રાખવાનું સામર્થ્ય ધરાવે છે. એકલો પડે છે ને વિચારે ચડે છે ત્યારે એના અધુરા મનોરથો આવીને એને વિમાસણમાં નાખી દે છે. મનોરથ વિનાનો માણસ કલ્પી શકાય નહિ! દરેકને કંઈને કંઈ મનોરથ હોય છે ને મનોરથ પૂરા કરવા મથતો પણ હોય છે. ક્યારેક મનોરથ પૂરા થાય છે ને ક્યારેક મનોરથ પૂરા કરવાની મથામણમાં માણસ અધમૂવો થઈ જાય છે, તૂટી જાય છે છતાં એ મનોરથને છોડતો નથી! એ પોતાના અધુરા મનોરથો એના દિકરાના ખભે બેસાડીને, દીકરો મારા મનોરથો પૂરા કરશે એવી અપેક્ષાઓ રાખતો થઈ જાય છે!
માણસની ભૂમિકા અને ધરતીની ભૂમિકા વચ્ચે કંઈક અંશે સામ્યતા દેખાય છે. ધરતીમાં તમે ગમે તે વસ્તુનું વાવેતર કરો તો એ પદાર્થને ધરતી ફણગાવી આપશે. પરંતુ એમાની ફસલ ઉતરવાની ગેરન્ટી ધરતી ક્યારેય કોઈને આપતી નથી! એમાં ધરતીનો વાંક નથી. ધરતી તો હંમેશા ફળદ્રુપ જ હોય છે. પણ એમાં એના લાયક વાવેતર થવું જોઈએ. જમીન બધે એક સરખી નથી હોતી નથી. જમીન કાળી હોય છે, ગોરાટ હોય છે, પીળી અને ક્યાંક કથ્થઈ કલરની હોય છે ને ક્યાંક રેતાળ પણ હોય છે. રેતાળ જમીનમાં તડબૂચ કે શક્કરટેટી પેદા કરી શકો, લવીંગ કે ઈલાયચીના ઝાડ ન ઉગાડી શકાય!
આખું વિશ્વ જમીન પર ઊભું છે. આમ બધે જમીન એક જ છે. પણ બધી જગ્યાએ જમીનની લાક્ષણિકતા એક પ્રકારની નથી હોતી. ને એટલે જ જમીન એક જ હોવા છતાં ઊર્દૂ શાયરોએ ''હમારી જમીનો મેં '' જેવો બહુ વચનનો પ્રયોગ કર્યો છે. ખુશબૂઓમેં પાનીઓ મેં જેવા બહુ વચનો જોવા મળે છે.
પાણી પાણી જ હોય. એનું વળી બહુવચન થતું હશે? સુગંધ સુગંધ હોય છે એને ખુશબૂઓ જેવા કે સુગંધો જેવા બહુવચનો જોવા મળે છે. પાણીનું નામ પાણી જ છે. પણ પ્રવાહી દ્રષ્ટિએ નદીના પાણીની લાક્ષણિકતા દરિયાના પાણી કરતાં નોખી હોય છે. અને બંધિયાર પાણીમાં તળાવ અને કૂવાના પાણીનો સ્વાદ નોખો હોય છે. આમ જમીન જમીન જ હોવા છતાં અને પાણી પાણી જ હોવા છતાં લાક્ષણિક ભિન્નતાને કારણે નોખા પડી જઈને બહુવચનમાં તબ્દિલ થઈ જાય છે.
માણસ પણ માણસ જ હોય છે ને? છતાં બધા માણસો સરખા નથી હોતા, માણસ નબળો પણ નથી હોતો. દરેક માણસ બળવાન છે. જેના શરીર પર માંસ કે મસલ્સ જેવું કશું નથી, હાથ પગ સરેખડી જેવા હોય છે. ટૂંકમાં ચામડીમાં લપેટાયેલા હાઈપિંજર જેવો જીવતો માણસ પાંચ મણની ગુણ પીઠ પર લાદીને દાદરો ચડી જાય છે.
શું એ માણસ બળવાન ન ગણી શકાય? પરંતુ એ માણસનાં હાથમાં કલમ પકડાવી દઈને એની પાસે વાર્તા લખાવવાની અપેક્ષા રાખો તો તમારી અપેક્ષા પૂરી થાય ખરી? તેથી પાંચમણની ગુણ ઊંચકનારો બળવાન માણસ નબળો અથવા શક્તિ હિન થઈ જતો નથી. એ જ રીતે સાહિત્ય ક્ષેત્રે બળવાન ગણાતો કલમનો માણસ પાંચ મણની ગુણ ઉપાડી ન શકે તો એ શક્તિહિન થઈ જતો નથી. જેમ જમીનને એની લાક્ષણિકતા મુજબનું વાવેતર જોઈએ છે તેમ માણસને પણ એની લાયકાત મુજબ કામ મળે તો એ ક્ષેત્રે એ પોતાની શક્તિ પુરવાર કરી આપે.
માણસને પોતાની લાયકાતથી વિરૂધ્ધનું કામ કરવું પડે છે ત્યારે માત્ર એનો સમય જ નહિ આખું જીવતર નિષ્ફળ થઇ જતું હોય છે. ન ગમતા કામમાં એને ભેરવાઇ રહેવું પડે છે. ને એમાં ગમતા કામની તકો એના હાથમાંથી સરી જતી હોય છે. દુનિયામાં અને સમાજમાં આવું જ થતું હોય છે! કારણ કે દરેક માણસમાં એક શેખચલ્લી જીવતો હોય છે. દરેક માણસની એની પોતાની કલ્પના પણ હોય પરંતુ એ કલ્પનાના ઘોડાની લગામ શેખચલ્લીના હાથમાં ચાલી જાય તો ઘોડો પુરપાટ દોડતો થઇ જાય છે. એ ઘોડાને રોકવો મુશ્કેલ છે.
એના પર સવાર થયેલો માણસ ઘોડા પરથી નીચે પટકાય નહિ ત્યાં સુધી એ ઘોડો દોડતો રહે છે. એ પછડાટની થોડી કળ વળે છે કે તરત જ શેખચલ્લી એને કલ્પનાના બીજા ઘોડા પર બેસાડી દે છે. એ કલ્પનામાં ચાલે છે. કલ્પનામાં દોડે છે અને કલ્પનામાં જ મંજિલ પર પહોંચી જાય છે એ મંજિલ તદ્દન કલ્પનિક હોય છે છતાં એને સિધ્ધિ માને છે. અને પોતે મંજિલ પ્રાપ્ત કરી લીધી હોવાના વહેમમાં રાચે છે. એ વહેમ એના સુધી સીમિત રહે છે ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પરંતુ લોકો સમક્ષ મંજિલ પ્રાપ્ત કરી લેવાના ગાણા ગાતો ફરે છે ત્યારે હાસ્યાસ્પદ પુરવાર થાય છે.
આપણા સમાજની આ પણ એક ખાસિયત છે કે વ્યસ્ત માણસની જ કદર થાય છે. નવરાધૂપ માણસને હિણપત ભરી નજરે જોવામાં આવે છે. એટલે કેટલાક માણસો પાસે કોઇ પણ કામ ધંધો નથી એવા માણસો પણ કામમાં વ્યસ્ત હોવાનો દેખાવ કરીને સામેવાળાને છેતરે છે. આમ ખાલી દેખાવ કરવામાં ટેવાઇ ગયેલો માણસ ખરેખર પોતે સફળ થયો હોવાનું માનતો થઇ જાય છે ને એમ કરી ને એ પોતાની જાતને પણ છેતરે છે.
પોતે પોતાના કારોબારીમાં વ્યસ્ત હોવાનો દેખાવ કરનારા માણસોએ અનેક ધંધાઓ વિચાર્યા હશે અને વિચારીને આ પ્રકારના વિચારોમાં ભેરવાઇ રહેવાની સ્થિતિને એ વ્યસ્તતામાં ખપાવી દે છે! ચોફેરથી નિષ્ફળ ગયા પછી પતંગો બનાવવાનો ધંધો શરૂ કરવા વિચારે છે? હજી તો વિચારે છે. હજી સુધી એક પણ પતંગ બનાવી નથી ને લોકોને કહેતો ફરે છે કે મેંતો હમણા પતંગ બનાવવાનો ધંધો શરૂ કર્યો છે. સારા એવા નફાનો ધંધો છે ને સારો ચાલે છે! આવી વાતો કરવાથી લોકોને કંઇ ફરક પડતો નથી. પોતાના દિલને બહેલાવે છે. આમ દિલને બહેલાવવામાં એ ભૂલી જાય છે કે, કોઇ એક ક્ષેત્રે કાર્યરત થવાનાં સંઘર્ષમાં પોતાની જુવાનીનાં મોંઘેરા દસ વર્ષ વેડફાઇ ગયા છે. એ દસ વર્ષ અફલાતુન હતા ને દિલને બહેલાવવામાં બરબાદ થઇ ગયા!
સફળ માણસો પણ પોતાની સફળતા પચાવી શકતા નથી. સફળ માણસે તો ખરેખર ઠરેલ અને ઠાવકા થઇ જવું જોઇએ તેના બદલે સફળતાની અવેજીમાં છાકટા બની જાય છે. એને કોમન નથી થાવું. કંઇક જૂદી પ્રતિભા ઊભી કરવાના મનોરથ જાગે છે. ત્યારે એણે મેળવેલી તમામ સંપત્તિ અને સફળતા એને તુચ્છ લાગવા માડે છે અને આ બધું હોવા છતાં વિશેષ પ્રતિભાનો અભાવ એને પીડે છે. એ ધનવાન છે.
બધા ધનવાનો જેવી લાઇફ સ્ટાઇલ પણ એણે કેળવી લીધી છે. ધનવાનોની સ્ટ્રેટેજી મુજબ એ જીવે છે. લોકપ્રિયતાનો અભાવ છે. એ ભલે ધનવાન થયો હોય પણ વૈચારિક સ્તર પર એ કંગાલ છે. એને ખબર હોવી જોઇએ કે લોકપ્રિયતા માટે મિલકત નહિ કલા ઉપયોગી નીવડે છે. મિલકતથી ઓળખ ઉભી થાય લોકપ્રિયતા નહિ. મુકેશ અંબાણી હોય, અદાણી હોય કે બિરલા ટાટા હોય એ બધાની ઓળખ ઊભી થઇ હોય પણ અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન જેવી લોકપ્રિયતા એમને મળી નથી!
આજકાલ આપણે બધા કોરોના જેવી મહામારીમાંથી પસાર થઇ રહ્યા છીએ. કોરોનાની રોજેરોજની સ્થિતિ જાણવા માટે આપણે રોજ સાંજે ટેલિવિઝન સામે ગોઠવાઇ જઇએ છીએ. અને ટી.વી. સમાચારોમાં પોઝીટીવ અને મૃતકોનાં આંકડા જાણી લેવા સિવાય કોને કોરોના થયો ને કોણ મર્યુ એ જાણવું આપણા માટે જરૂરી નથી હોતું. પરંતુ અમિતાભ બચ્ચનને કોરોના થતાં જ ભારતના કરોડો લોકો એમના સાજા થવાની પ્રાર્થના કરતા થઇ ગયા.
અમિતાભ બચ્ચનને ફિલ્મ કૂલીનાં શુટીંગ દરમ્યાન ઇજા પહોંચીને અને અમિતાભ બચ્ચનને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ત્યારે ભારતનાં કરોડો લોકોનાં શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. કોઇ ઉદ્યોગપતિ અથવા કોઇ બિઝનેસ ટાઇકૂન માટે ક્યાંય પણ લોકોએ પ્રાર્થના કરી હોવાનું જાણવા મળ્યું નથી. આફ્રિકામાં ગયા ત્યારે કોઇ એક નિગ્રો સાથે વાત કરવાની ફરજ પડી.
નિગ્રોની ભાષા આપણને ન સમજાય ને આપણી ભાષા નિગ્રોને ન સમજાય અમે ઇન્ડિયાથી આવ્યા હોવાનું કહ્યું તો અમારા આખા વાક્યામાં 'ઇન્ડિયા' એને સમજાયું અને ખુશખુશ થતાં બોલ્યો ઓહ ઇન્ડિયા, ઇન્ડિયા, આમીતાભ બાચન! આમીતાભ બાચાન! જોયુ! આ છે કલાકારની પ્રતિભા! ઇન્ડિયા એટલે નરેન્દ્ર મોદી નહિ, ઇન્ડિયા એટલે અમિતાભ બચ્ચન! ભૂતકાળમાં પણ ઇન્ડિયા પંડિત જવાહરલાલ નહેરૂના લીધે નહિ દિલીપકુમાર રાજકપુરના નામે ઓળખાતું હતું. રાજકપુરની ફિલ્મોના ગીતો રશિયાની પ્રજાએ હર્ષભેર ગાયા છે. આવી લોકપ્રિયતા ઉદ્યોગપતિઓને નથી મળી.
પણ સાવ આવી વાતે ઉદ્યોગપતિ, બિઝનેસમેન કે બિલ્ડર લોબીનું મહત્વ ઘટી જતું નથી. ખરૂં એ છે કે આવા ધનવાનો તરફથી જ કલાને જીવતી રાખવા માટેનું પ્રોત્સાહન મળે છે સંગીત અને ગીતો સાંભળવા માટેના તમામ ઉપકરણો ખરીદીને એમણે ઘરમાં વસાવી લીધા છે. આ ઉપકરણો વેચાતા જ નહોત તો કોઇ સંગીતકાર કે કોઇ ગાયક ટકી શક્યો હોત ખરો? ધનવાનોના પ્રોત્સાહનથી જ મુશાયરા યોજાતા હોય છે. નહિ તો કેટલાક કવિઓએ કવિતા લખવાનું છોડી દીધું હોત. પણ સચ્ચાઇ એ છે કે કલાકાર ધનવાન બની શકે છે, ધનવાન કલાકાર બની શકતો નથી. બંને એક બીજાના પૂરક છે.
લાખ પહેરે હોં,
કહીં સે ભી ગુજર જાઉંગા,
મૈં તો આવાઝ હું,
હર સિમ્ત બિખર જાઉંગા!