ઓમકારયુક્ત મૃત્યુંજય મંત્ર શિવયોગ દ્વારા અમૃતત્વની અનુભૂતિ કરાવી, રોગમુક્ત કરી અમરતા પ્રદાન કરે છે !
- અગોચર વિશ્વ- દેવેશ મહેતા
- દેહના અવસાન સમયે ચિત્તમાં જે ભાવ કે વિચારનો ઉદય થાય છે તેના અનુસાર જ પ્રાણી આ સંસારમાં જન્મ લે છે અને તે જ પુનર્જન્મનું કારણ છે.' શિવ મૃત્યુંજય છે. શિવ પ્રણવસ્વરૂપ છે
ઓમ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધાન્મૃત્યોર્મુક્ષીય મા।મૃતાત્ ।।
જીવમાત્રના કલ્યાણકારી પોષક તથા પાલક અને મધુર એવા ભગવાન ત્રિલોચનને અમે ભજીએ છીએ. જેવી રીતે ચિભડાને તેના વેલા સાથેના બંધનોમાંથી મુક્ત કરવામાં આવે છે તેવી રીતે અમરત્વની પ્રાપ્તિ માટે મૃત્યુમાંથી અમને મુક્ત કરો.'
'મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ્ શરણાગતમ્ ।
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ ।।
હે મૃત્યુંજય ! હે મહાદેવ, તમારા શરણે આવેલા મને જન્મ, મૃત્યુ, ઘડપણ, રોગ, પીડા અને કર્મના બંધનોમાંથી છોડાવી મારું રક્ષણ કરો.'
- મૃત્યુંજય મંત્ર
નશ્વર શરીરનું પરિવર્તન મૃત્યુ થકી થાય છે. પરિવર્તનથી મુક્ત થવું મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો તે છે. કોઇ અક્ષર તત્વમાં પરિણત થઇ જવું એ એનું સાધન છે. આ અક્ષર તત્વને ઉપનિષદ 'અનંત આત્મા', પરમ ચૈતન્ય કે સદા શિવ કહે છે. તે જ બ્રહ્મનું 'સત્ સ્વરૂપ' છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે - 'યદક્ષરં વેદવિદો વદન્તિ, વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ । યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ।। (અધ્યાય ૮, શ્લોક-૧૧) વેદને જાણનારા જેને અક્ષર કહે છે, ઇશ્વર પ્રાપ્તિનો પ્રયત્ન કરનારા વીતરાગ પુરુષ જેની અંદર પ્રવેશ કરે છે, જેને ચાહનારા બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પદ વિશે હું તને સંક્ષેપમાં કહીશ.'
ઉપનિષદમાં આ પ્રત્યક્ ચૈતન્ય, પરમ ચેતનાને 'ઓમ્ (ઓમ) નામ આપવામાં આવ્યું છે. કઠોપનિષદ કહે જ છે - 'બધા વેદો જેનું પ્રતિપાદન કરે છે, જે બધા ધર્મોનું લક્ષ્ય છે, બધા તપો જેની વાત કરે છે જેને પ્રાપ્ત કરવાની કામનાવાળા બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને જ 'ઓમકાર (ઓમ) કહેવામાં આવે છે. આ બ્રહ્મ અચિન્ત્ય, અવ્યક્ત, અનંતરૂપ સદાશિવ, પ્રશાન્ત, નિદ્વન્દ્વ, નિરાકાર, ચિન્મય, આનંદ સ્વરૂપ અને આશ્ચર્યમય છે.
મનુષ્યનું આયુષ્ય પૂરું થઇ જાય છે ત્યારે તેના શરીરમાંથી તેના પ્રાણ નીકળી જાય છે, એની અંદર ચેતનાનું કોઇ લક્ષણ પ્રગટ રહેતું નથી. સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર, લિંગ શરીર અલગ થઈ જાય છે જીવાત્મા એના કર્મ અનુસાર એક સ્થૂળ શરીરથી સંયુક્ત થઇ મરણ વખતે એનાથી વિયુક્ત થાય છે. મૃત્યુ પછી જીવાત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સામાન્ય રીતે એના પૂર્વજન્મનું સ્મરણ રહેતું નથી પણ વર્તમાન શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ કર્યા પછી પણ જેને પૂર્વજન્મની સ્મૃતિ બની રહે છે એવી અવસ્થા ઘણું ખરું કરીને યોગીપુરુષોની હોય છે.
એમાંના કેટલાક 'ઇચ્છા મૃત્યુ'ની દશા તો કેટલાક અમરત્વની દશાને પ્રાપ્ત કરે છે. જાતિ સ્મરણની સ્થિતિ પણ આવી જ પૂર્વજન્મની સતત સંસ્મૃતિથી આવે છે. આવા લોકો મૃત્યુ તથા પ્રાણ તત્ત્વ પર વિજય પ્રાપ્ત કરતા રહે છે. મૃત્યુ એમના વશમાં રહે છે. આ જ સંદર્ભમાં તૈત્તિરીય આરણ્યકરમાં કહેવાયું છે - 'યસ્તદ્વેદ યત આબભૂવ સન્ધાઝન યાં સન્દધે બ્રહ્મણેષઃ । રમતે તસ્મિન્નુત જીર્ણે શયાને નૈનં જહાત્યહસ્સુ પૂર્વ્યેષુ ।।
ક્ષુદ્ર અહંભાવનો નાશ કરીને વૈશ્વિક ચૈતન્યનો બોધ કરવો. બધા પ્રકારની ચિંતાઓથી રહિત થવામાં આવે ત્યારે આપણું ચિત્ત સ્થિર થાય છે જે રીતે શાંત મહાસાગરનું જળ બાહ્ય તરંગોના તિરોહિત થવાથી જ અનુભવ થાય છે. યોગશિખા ઉપનિષદમાં કહેવાયું છે - 'મનસા મન આલોક્ય વૃત્તિશૂન્યં યદા ભવેત્ । તતઃ પરં પરબ્રહ્મ દ્રશ્યતે ચ સુદુર્લભમ્ ।। સ્થિર ચિત્તથી ચંચળ ચિત્ત તરફ દ્રષ્ટિ રાખવાથી જ્યારે વૃત્તિ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે સુદુર્લભ પર બ્રહ્મના દર્શન થાય છે.' યોગ આ દશાને સિદ્ધ કરી મૃત્યુની વિભીષિકા અને પુનરાવૃત્તિમાંથી મુક્ત કરે છે. મૃત્યુંજય મંત્ર પણ યોગની આ દશાને સિદ્ધ કરવા સહાયભૂત થાય છે.
યોગશિખા - ઉપનિષદ આરંભમાં જ કહે છે -
'દેહાવસાન સમયે ચિત્તે યદ્ધદ્વિભાવયેત્
તત્તદેવ ભવેજજીવ ઇત્યેવં જન્મકારણમ્ ।।
દેહના અવસાન સમયે ચિત્તમાં જે ભાવ કે વિચારનો ઉદય થાય છે તેના અનુસાર જ પ્રાણી આ સંસારમાં જન્મ લે છે અને તે જ પુનર્જન્મનું કારણ છે.' એટલે પુનર્જન્મથી છૂટવાનો ઉપાય નિશ્ચિંત અને નિર્વિકાર રહી વૈરાગ્યવાન બની પરમ તત્ત્વ સાથે યોગ કરવો તે જ છે.
શિવ મૃત્યુંજય છે. શિવ પ્રણવસ્વરૂપ છે. મનુસ્મૃતિ 'એકાક્ષરં પરં બ્રહ્મ - એકાક્ષર ઓંકાર પરમ બ્રહ્મ છે. યજુર્વેદસંહિતાના સોળમા અધ્યાયમાં શિવ - ઉપાસનાના ૬૬ મંત્રો છે. એના પાંચમા મંત્રમાં કહેવાયું છે -
'અધ્યવોયદધિ વક્તા પ્રથમો દૈવ્યો ભિષક્ । અહીંશ્ચ સર્વાઝુમ્ભયન્તસર્વાશ્ચ યાતુધાન્યો।ધરાચીઃ પરાસુવ ।।
હે રુદ્ર ! ધર્મોપદેશ કરનારા શ્રેષ્ઠ વક્તા અને આદિ દિવ્ય ચિકિત્સક, બધા રોગોનો નાશ કરી, નીચ ગતિ પ્રાપ્ત કરાવનારા રાક્ષસો એટલે કે અધાર્મિક વાસનાઓનો નાશ કરી અમારું રક્ષણ કરો.'
ઓમકારયુક્ત મૃત્યુંજય મંત્ર અમૃતત્વની અનુભૂતિ કરાવી અમરતા પ્રદાન કરે છે. યોગ દ્વારા આ મંત્રથી સદાશિવનો સાક્ષાત્કાર કરી વ્યક્તિ વિવિધ શારીરિક - માનસિક રોગોથી મુક્ત થઈ, કર્મના બંધનોમાંથી છૂટકારો મેળવી પુનરાવૃત્તિના ચક્રાવામાંથી પણ સદંતર મુક્ત થઇ અમરત્વ પ્રાપ્ત કરી લે છે. એટલે જ મહાયોગ વિજ્ઞાાન કહે છે - 'જ્યારે પ્રાણાયામ દ્વારા પ્રાણવાયુ સ્થિર થઈ જાય છે ત્યારે વિવિધ પ્રકારના નાદ સંભળાવા લાગે છે અને ચંદ્રમંડળથી અમૃત ટપકવા લાગે છે. જિહ્વા (જીભ)ને તાળવા (તાલુ)માં લગાવી યોગસાધક આ રસનું પાન કરે છે. થોડા સમય પછી જીભને આ દિવ્ય રસાસ્વાદન થવા લાગે છે જે શીતળ અમૃત જેવો રસ સાધકને અમર બનાવી દે છે.
મંત્રધ્વનિથી વિવિધ રોગોનું નિવારણ થાય છે એ વાત કેવળ વેદ-પુરાણ-શાસ્ત્રો પૂરતી મર્યાદિત રહી નથી હવે પશ્ચિમના વિજ્ઞાાનીઓ પણ આનું સમર્થન કરે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના શરીર વિજ્ઞાાની એડવર્ડ પોડોલ્સ્કીએ લાંબા સમય સુધી શરીર અને મન પર મંત્ર ધ્વનિ અને સંગીતના સૂરોના પ્રભાવનું અધ્યયન કરી સંશોધન કર્યું છે. ઇંગ્લેન્ડની ચિકિત્સા વિજ્ઞાાની એડવીના મીડે પણ આ જ પ્રકારનું સંશોધન કર્યું છે. ડૉ. હર્બર્ટ સ્પેન્સરે મંત્ર ધ્વનિ અને સંગીતના રોગોપચારથી અનેક રોગોના નિવારણના સફળ પ્રયોગો કર્યા છે. મૃત્યુંજય મંત્ર પણ અલૌકિક પ્રકારનો ચમત્કારિક મંત્ર છે જે અનેક રોગો દૂર કરી અમરતા પ્રદાન કરે છે !