... અને આ પણ શિક્ષણ...
- આજમાં ગઈકાલ- ભગીરથ બ્રહ્મભટ્ટ
- ઘર ઉપર ઢંકાતા નળિયાની ગાડી બનાવતા આવડે તમને? માટી ખોદતાં કે રેત ચાળતા ફાવે ખરું તમને? ઘરમાં ગાભા હોય તે ચીંથરા ભેગા કરી દડો બનાવતા આવડે?
ત્યા રે લખવા વાંચવા સિવાયની બીજી અઢળક પ્રવૃત્તિઓ હતી જેમાંથી જીવનનું શિક્ષણ મળતું હતું - હુતુતુતુ- પરાજયને પચાવવાનું શિક્ષણ. ભમરડો - એક જ જગ્યાએ સ્થિર થઈ જઇએ તો લક્ષ્યને પમાય. મોય- દાંડિયો - ભાગ્યનું કામ માર મારવાનું જીવને સહન કરવાનું, સંતાકૂકડી -સુખ અને દુઃખને સમજવાનું શિક્ષણ આપતા હતાં... ઝાડે ચઢવાથી પ્રગતિ કરવાની પ્રેરણા મળતી હતી. ખેતરમાં જઈ ઇંધણ કાપી લાવવાથી કેવળ અંગ કસરત જ નહોતી થતી, રોટલો એમને એમ નથી થતો એમાં લાકડાં (અગ્નિ)નો સહકાર જોઈએ... આવી તો કેટકેટલીય પ્રવૃત્તિઓ બોરાં વીણવા, ગુંદા પાડવા, કાતરા પાડવા, જાંબુ પાડવાં, ચણોઠીઓ વીણવી, છાણાં થાપવાં, પાણી ઉપાડવું...વગેરેમાંથી જીવનના પદાર્થ પાઠ ભણવા મળતા હતા.
પૂળા બાંધવા, લણવા, પાણત કરવું, નિંદામણ ઓળખવું- કાઢવું સલો કરવો, સાંઠીઓ ભેગી કરવી, ભારો બાંધવો, તલ ખંખેરવા પોંક પાડવા, ઘઉંના છોડનો મોરલો ગૂંથવો- પોંક પાડવો, ખાટલો ભરવો, પાયા ટેરવવા, પાંગથ ખેંચવી, કટાઈ ગયેલા તાળા ઉઘાડવા ગ્યાસતેલ નાખવું, ભપકતા ફાનસને ટાઢું પાડવું, બે હાથ ભેગા કરી હથેળીથી પવનને રોકી દીવાસળી પેટાવવી... દેવતા સળગાવવો. ચૂલો પેટાવવો, કાકડો કરવો, અંગારો હાથથી ઝાલી બીજે મૂકવો... શણના કોથળાની છત્રી કરવી, છાણમાં પગ નાખી પગરખા પહેરવા, નેળમાંથી સરકી જવું, છીંડુ પૂરવું, થોરિયા ઘાલવા, સૂળ કાઢવું, પૂંજા પાડવા અને પૂંજા વેરવા, કુહાડીથી કાપવું, ધારિયાથી વાઢવું, દાતરડાથી ખોતરવું, ખરપડી મારવી.. કાલાં ફોલવાં.. ચાર લેવી ડામા વાળવાં આમાંની કઈ પ્રવૃત્તિ શિક્ષણ ન્હોતી આપતી?
અરે છોકરા છાનાં રાખવા - એમાં ય રડતા બાળકને સમજવું પડે. ચાર લેવી.. ગાયભેંસ દોહવી, ડચકારવું, હાથફેરો કરવો પગને ટેકે માથે વારી લેવું, વાડેથી વેલા ઓળખવા, કંકોડા વીણવાં.. શણમાંથી દોરડા વણવા, ચૂલે ચા કરી આકડાના પાનનો કપ બનાવી તેમાં પીવી શું મજા પડે?
પંખીના પીછાં ઓળખવા, અવાજ ઓળખવા અને પંખીના માળા ઓળખવા - કાગડાનો માળો અસ્તવ્યસ્ત અને ઉંચે હોય, સુગરીનો વ્યવસ્થિત- ગૂંથેલો હોય, ચકલીનો તો ઘરમાં ફોટા પાછળ જ એમ કાબર, બુલબુલ, કબૂતરના માળામાં ઇંડા હોય તેને ઓળખવાં... ખિસકોલી પાછળ દોડતાં ખિસકોલીનો માળો ઓળખતાં... બોલો બોલો આમાંનું તમને શું આવડે છે? વાંદરા કાઢતા કે ગોફણ ફેંકતા કોઈને જોયાં છે?
સાપ, વીંછી, દેડકાં, ઉંદર, મંકોડા, કીડી, ચાંચડ, જૂ...ઓળખી બતાવો તો? તેમનો નિવાસ ક્યાં હોય છે? વીંછીના દરમાં લીલોછમ્મ ચિયો પરોવો થોડીવારમાં એ ખાવા વીંછી બહાર આવશે... ખેંચતા જાઓ...જાણો છો આ કળા? એ જીવજંતુની ખાસિયતોની તમને ખબર છે? દીવાસળીના ખોખાનો ટેલિફોન બનાવ્યો છે? ઘર ઉપર ઢંકાતા નળિયાની ગાડી બનાવતા આવડે તમને? માટી ખોદતાં કે રેત ચાળતા ફાવે ખરું તમને? ઘરમાં ગાભા હોય તે ચીંથરા ભેગા કરી દડો બનાવતા આવડે? એ ચીંથરાની ઢીંગલીઓ બને છે એ જોઈ છે તમે? પગમાંથી સૂળ વડે કાંટો કાઢી જોયો છે ક્યારેય? વેલાથી ભારા બાંધતા અને વેલાના મોચિલા બનાવતા આવડે છે?
ખાધો છે બોરકૂટો? જાતે પાડેલી કાચી કેરીમાં મરચું મીઠું નાખી વગર છોલે ખાધી છે તમે? ડોડી જોઈ છે? ડોડાં ચાખ્યા છે? મકરોડ જોઈ છે? એના કાંટા? કેર? કેરડા? ખાધા છે? ખીજડાનાં ખોખાં ખાધા છે?
તમને ખબર છે વહીવંચો એટલે શું? ભાઈ ગામમાં વરસમાં એકવાર આવી તમારી વંશાવળીને તેઓ સંભળાવી જાય... બદલામાં દાણા લઈ જાય તે. ખળાં જોયાં છે? પૂમડી એટલે શું? પૂમડી તૈયાર થાય ત્યારે બ્રાહ્મણ સહિત બધાને થોડું થોડું ધાન અપાય તે જાણો છો? પછી વધે એ ખેડૂતના ઘેર જાય.
ત્યારે ઘરમાં દીવાસળી પણ કરકસરથી વપરાતી.. પડોશીના ચૂલેથી છાણા ઉપર દેવતાની લેવડદેવડ થતી કાચના ગોળાવાળા ફાનસોના ગોળા રાખથી સાફ થતા.. મહેનત કરવામાં અંગો રહી જતાં એ ભલે વાંચવા લખવાનું ન્હોતું પણ એ શિક્ષણ જીવનનું અમૂલ્ય ભાથુ હતું. સમાજ વચ્ચે કેવી રીતે જીવાય.. પરિવાર સાથે કેમ પરોવાઈ જવાય... એ શિક્ષણ જ હતું. રિસાઈ જાઓ તો ગોળની કાંકરી મનાવવા માટે પુરતી જ હતી ત્યારે, પછી માનો ખોળો!! આ બધી વિદ્યાઓ શીખવવા માટે કોઈ શિક્ષકની જરૂર પડતી ન્હોતી... લગભગ સંયુક્ત પરિવારના દરેક બાળકો સહજ શીખી જતાં... આજના બાળકોની જેમ તે માટી- છાણથી થોડાં અભડાતા હતા? એવી જીવતરની સાહજિક જીવંતતા કઈ સ્કૂલ આપશે?