- સરદાર @150-હસિત મહેતા
- આ ગુલાબરાજા કાંઈ જનમથી લૂંટારો નહોતો. એ તો માથુ ઉંચુ રાખીને તોફાનો કરતો ટીખળી ગ્રામવાસી હતો. પરંતુ ત્યાંના કલેક્ટરના એક અન્યાયી અને બનાવટી પગલાંને કારણે તેને બહારવટે ચઢવું પડયું હતું.એ કલેક્ટરના છટકામાં ફસાયો, અને પોતાની જાતને બચાવવા વકીલ વલ્લભભાઈ પાસે પહોંચ્યો
વ લ્લભભાઈએ બોરસદ છોડયું, એ પછી ત્યાંના એક પણ અંગ્રેજ અમલદાર કે મેજિસ્ટ્રેટે બોરસદની આક્રમક, પાયમાલ અને નિર્દોષ પ્રજા સામે માનવીય નજરે જોયું નથી. તેને કંગાલિયત અને પતનમાંથી ઉગારવાનો પ્રયત્ન કર્યા નથી. ઉલટમાં જે અમલદાર આવે તે એ પ્રજાને સજા ફટકારવાના નવા-નવા અખતરા કરે. કોઈ સખત જુલમ કરીને તેમને ઠેકાણે લાવવા માંગતા હતા, તો કોઈ એમને દૂરના પંચમહાલ પ્રદેશે ધકેલવા માંગતા હતા, કોઈ સંખ્યાબંધ કેસો ઠોકીને જેલ ભરવાના મનસૂબા ઘડે,તો કોઈ એમને પોલીસ સ્ટેશને હાજરી આપવાની ફરજ પાડે. એમાં વળી એ પ્રજાને માથે ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ ઠોકી બેસાડયો. એ કાયદો ભારે અન્યાયી હતો. જેમાં બારૈયા, પાટણવાડિયા જેવી કોમના દરેક પુખ્ત વયના સ્ત્રી-પુરુષોએ સવાર-સાંજ પોલીસ થાણે હાજરી પુરાવવી પડે. જો કોઈ સ્થળે લૂંટફાટ થાય તો આ સમાજનો જે કોઈ વ્યક્તિ હાજરી પુરાવવામાં ગેરહાજર હોય તેના માથે જામીન કેસ કરી દેવામાં આવે. આવા કેટલાંય નિર્દોષોને જામીનગીરીની ત્રેવડ ના હોવાથી લાંબો સમય જેલમાં સબડવું પડતું. બહાર નીકળે ત્યારે એ નિર્દોષ બોરસદી ગુનાખોરીની ન્યાતમાં વટલાઈ જતો.આ આખી અન્યાયી પ્રક્રિયા બોરસદ પંથક માટે ગુનેગારો પેદા કરવાની ફેક્ટરી બની ગઈ હતી.
જ્યારે વલ્લભભાઈએ બોરસદમાં વકીલાત શરૂ કરી હતી ત્યારે ત્યાંના સિંગલાવ ગામનો ગુલાબરાજા બહારવટે ચડયો હતો. ઈ.સ.૧૯૦૫ પછીના વર્ષોમાં આ ગુલાબરાજા ત્યાં કાળો કેર વર્તાવતો હતો.તે અંગ્રેજ હકુમત અને ગાયકવાડી રાજ, બંનેને હંફાવતો હતો. પરંતુ વલ્લભભાઈ પાસે કાયદાની સલાહ લેવા પણ આવતો હતો. આ વાત અંગ્રેજ અમલદારોને ખબર પડી ગઈ હતી.
તેથી સંજોગો એવા બન્યાં કે એકતરફ મન-મગજથી છટકેલ ગુલાબરાજા બહારવટીયો, બીજી તરફ અડગમનના વકીલ વલ્લભભાઈ અને ત્રીજી તરફ જડ મનના સરકારી અમલદારો અને પોલીસમેનો, આ ત્રિકોણ વચ્ચે દીલધડક સંતાકૂકડી શરૂ થઈ હતી એ વર્ષોમાં, બોરસદ ગામે, બોરસદ કોર્ટે, બોરસદ સત્યાગ્રહના ઘણાં વર્ષો પહેલાં.
આ ગુલાબરાજા કાંઈ જનમથી લૂંટારો નહોતો. એ તો માથુ ઉંચુ રાખીને તોફાનો કરતો ટીખળી ગ્રામવાસી હતો. પરંતુ ત્યાંના કલેક્ટરના એક અન્યાયી અને બનાવટી પગલાંને કારણે તેને બહારવટે ચઢવું પડયું હતું.એ કલેક્ટરના છટકામાં ફસાયો, અને પોતાની જાતને બચાવવા વકીલ વલ્લભભાઈ પાસે પહોંચ્યો. એ બાહોશ વકીલે આ કેસમાં તરત જ પારખી લીધું કે ગુલાબના કેસમાં કાંઈ માલ નથી, છતાં તેને કલેક્ટરે ગોઠવેલા પંજામાંથી છોડાવવો પણ શક્ય નથી, અને બન્યું પણ એવુ જ. કલેક્ટર વુડે બોરસદના જજને વાત કરી, તેથી ગુલાબરાજાને નવ મહીનાની સજા પડી. આ વાતની ગંધ ગુલાબરાજાને પહેલેથી જ આવી ગયેલી, એટલે તે કોરટમાં હાજર થયો જ નહીં, અને ક્યાંક નાસી ગયો, અને સામાન્ય તોફાની ચોરમાંથી બહારવટિયો બની ગયો.
કલેક્ટરને એ હકીકતની ખબર પડી કે ગુલાબરાજા વારેવારે વલ્લભભાઈને ત્યાં કાયદાની સલાહ લેવા આવે છે. એટલે તેમણે પોલીસ સુપ્રિટેન્ડેન્ટને વલ્લભભાઈ પાસે મોકલ્યાં, અને કહેવડાવ્યું કે 'ગુલાબરાજા તમારી પાસે આવે છે. માટે એ જ્યારે આવે ત્યારે પોલીસને ખબર આપવી.' આ સાંભળીને વલ્લભભાઈએ તેને રોકડું જ પરખાવી દીધું કે 'ગુલાબરાજા મારી પાસે કાયદાની સલાહ લેવા વારંવાર આવે છે ખરો, પણ તે મારા પર વિશ્વાસ રાખીને આવે છે. તેનો વિશ્વાસઘાત કરવાનું હું નહીં કરું.' આ સાંભળીને પોલીસ અધિકારી તો દંગ જ થઈ ગયો, છતાં બહુ નરમ ભાવથી વલ્લભભાઈને પટાવવા માંડયો કે '....પણ વકીલ સાહેબ, તમે આટલું કામ કરો તો તમે હોંશિયાર વકીલ હોઈ પોલીસ પ્રોસિક્યુટર તરીકે નિમાઓ એવી ભલામણ હું કરીશ.' આવી લાલચ વલ્લભભાઈને અપમાનભરી લાગી, તેથી ગુસ્સે થઈને તાડૂક્યાં કે 'મારે એવાં કાળાં કૃત્યો કરી પોલીસ પ્રોસિક્યુટર થવું નથી, મોં બાળજો એવા કાળાં કૃત્ય કરનારાઓનું.' પેલો અધિકારી તો વલ્લભભાઈનો આ પુણ્યપ્રકોપ જોઈને ડઘાઈ જ ગયો, અને નીચું ઘાલીને ત્યાંથી ચાલતો થયો.
આ વાત હતી જ્યારે વલ્લભભાઈની બોરસદમાં ધિક્તી વકીલાત ચાલતી હતી તે વર્ષોની. ઈ.સ.૧૯૦૨થી ૧૯૦૯ વચ્ચેની. જ્યારે ગુલાબરાજા તો એ પછી બહુ ખૂંખાર બહારવટિયા તરીકે નામચીન થયેલો, અને પાછળથી ગાયકવાડી રાજમાં ઝડપાયેલો. પરંતુ અંગ્રેજોને તાબે તો થયેલો જ નહીં. વલ્લભભાઈએ બોરસદ સત્યાગ્રહના વર્ષોમાં આ ગુલાબરાજાની વાતો કહીને પ્રજામાં પોલીસના અન્યાય અને સરકારના નિર્દયી કર સામે અડગ લડતના પાયા નાંખ્યા હતા.


