Get The App

કુંડલિની ઊર્જાનું મૂળ સ્વરૂપ અને વાસ્તવિક સ્થાન!

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
કુંડલિની ઊર્જાનું મૂળ સ્વરૂપ અને વાસ્તવિક સ્થાન! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- કુંડલિનીનું સાચું સ્થાન તો સ્વાધિષ્ઠાન ચક્રમાં છે, પરંતુ એનું અધોપતન થઈ જવાને કારણે એ મૂલાધાર ચક્રમાં વીંટળાયેલી અવસ્થામાં વિદ્યમાન છે

 કુંડલિની શબ્દને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય એમ છે : 

(૧)      કુંડ+લીન+ઈ

'કુંડ' શબ્દનો અર્થ છે : છિદ્ર અથવા ખાડો. અગ્નિ પ્રગટાવવા અથવા જળસંરક્ષણ કરવા માટે જમીનમાં ખોદકામ કરીને ખાડો બનાવવામાં આવે છે. હોમ-હવન અથવા યજ્ઞા કરવા માટે પણ 'કુંડ' બનાવવામાં આવે છે. 'લીન'નો અર્થ છે, સમાવિષ્ટ થવું અથવા એકાકાર/એકરૂપ થઈ જવું. આપણે ઘણી વખત ધ્યાનસમાધિમાં ઊંડા ઊતરનારા સાધક માટે 'ધ્યાનલીન' શબ્દનો પ્રયોગ કરીએ છીએ. 'ઈ' અર્થાત્ શક્તિ અથવા ઊર્જા. 

તમામ મનુષ્યોમાં પ્રચંડ દિવ્યઊર્જા સુષુપ્ત અવસ્થામાં વિદ્યમાન હોય છે, જેનું સ્થાન કરોડરજ્જુમાં દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે 'ઈ' વિના તો 'શિવ' પણ 'શવ' અર્થાત્ શબ/મૃતદેહ બની જાય છે. 'ઈ' અક્ષર વાસ્તવમાં શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. શક્તિ વગર કશાયનું અસ્તિત્વ સંભવ નથી. ઊર્જા વિના સઘળું વ્યર્થ છે, નિરર્થક છે.

 (૨)     'કુંડલ'નો સ્ત્રીલિંગ શબ્દ

કાનમાં પહેરવાનાં આભૂષણને 'કુંડલ' કહેવાય છે અને સાથોસાથ દોરડાંની ગાંઠને પણ! ઘણી વખત શબ્દપ્રયોગ થાય છે 'સાપનું કુંડલી મારીને બેસવું!' અર્થાત્ નાગ જ્યારે વીંટળાઈને બેઠો હોય એ સમયનું દ્રશ્ય! કુંડલિની એ વાસ્તવમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી આપણી દિવ્યશક્તિ છે, જે 'કુંડલી' લગાવીને એટલે કે ગોળાકાર ટૂંટિયું વાળીને મૂલાધાર ચક્રમાં બેઠી છે. કલ્પના કરી જુઓ કે પાણી એક સુરેખ પાઈપમાંથી પસાર થવાને બદલે વળી ચૂકેલાં ગોળાકાર પાઈપમાંથી પસાર થઈ રહ્યું છે. બસ, આ જ છે 'કુંડલિની'નું વિઝયુઅલ રિપ્રેઝન્ટેશન! 

પોતાના વિશેની નકારાત્મક વિચારધારા, લાગણી અને મોહ ખરેખર કુંડલિનીનાં માર્ગને અટપટો અને જટિલ બનાવી નાખે છે. માતા-પિતા જ્યારે સંતાન પર ખીજાઈ જાય, ત્યારે બાળક પોતાની પથારીમાં ટૂંટિયું વાળીને ઊંઘી જતું હોય છે. કુંડલિની પણ આ રીતે જ આપના મૂલાધાર ચક્રમાં વીંટળાઈને સૂતેલી છે. આવું એટલા માટે છે, કારણ કે સમાજ દ્વારા મોટેભાગે મનુષ્યને સ્વયંથી ભયભીત થવાના સંસ્કાર પ્રાપ્ત થતાં હોય છે. મનુષ્ય ભૂલ કરવાથી ડરે છે, નિર્ણય લેવામાં પાછો પડે છે. તેને ઉચિત કાર્ય કરવામાં બીક લાગે છે. બીજા માણસ દ્વારા સતત પોતાના કાર્યની પુષ્ટિ થતી રહે, એ પ્રકારની ઈચ્છા આનું મૂળ કારણ છે. ડરને કારણે માણસ ક્યારેય પોતાના પગ ફેલાવીને નથી ઊંઘી શકતો. એને હંમેશા ટૂંટિયું વાળીને જ સૂવું પડે છે. 

કુંડલિનીનું સાચું સ્થાન તો સ્વાધિષ્ઠાન ચક્રમાં છે, પરંતુ એનું અધોપતન થઈ જવાને કારણે એ મૂલાધાર ચક્રમાં વીંટળાયેલી અવસ્થામાં વિદ્યમાન છે. આ બંને ચક્રો કામવાસનાનાં મૂળ કેન્દ્રો છે. 

ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'કુંડલિની'માં જણાવાયું છે કે મોટાભાગના લોકોના જીવનમાં સેક્સ સંબંધિત વિચારો અને કામવાસના જ અપરાધબોધનું મૂળ કારણ હોય છે. માણસ પોતાની જાતને જેવી છે, એવી સ્વીકારી લે અને સ્વયંને સહજ ગણવાની શરૂઆત કરે, એ સમયથી કુંડલિની જાગૃત થવાની શરૂઆત થાય છે. ધ્યાનયોગ અને આત્મચિંતન થકી આ માર્ગ પર આગળ વધવું શક્ય છે. મનુષ્યનાં આ પ્રકારના પ્રયાસો જ કુંડલિનીને ટૂંટિયું વળેલી અને વીંટળાયેલી અવસ્થામાંથી બહાર લાવવાનું કામ કરે છે; સંપૂર્ણ નિર્ભીક અને સ્વીકારભાવ સાથે જીવતાં શીખવે છે. ત્યારપછી એ સુષુપ્ત નથી રહેતી! જાગૃત અને સાર્થક થવાની સાથોસાથ એ આપના સ્વપ્નોને સાકાર કરવાનું માધ્યમ બની જાય છે. એટલું જ નહીં, પરંતુ પૂર્ણત્વનો અનુભવ પણ કરાવે છે. આ કારણોસર જ કુંડલિનીને મહાદેવીનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે... જે સ્વયં મહાદેવી કરતાં ઓછું દૈવીય કે ઓછું શક્તિશાળી અથવા અપૂર્ણ નહીં, પરંતુ સંપૂર્ણ હોવાની સાથોસાથ પરબ્રહ્મ પણ છે!