Get The App

માસ્ટર એક અદભૂત ફોટો પાડી આપો...

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
માસ્ટર એક અદભૂત ફોટો પાડી આપો... 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'મધુ માસ્ટર સાંજે તારા મોટાભાઈને ઘરે મોકલજે લગ્નની વાત કરવા. મારા તરફથી તો હા જ છે. હું દૂરદૂર સગપણ શોધતો હતો પણ ખબર નહોતી કે કાખમાં જ છોકરો છે.'

'મા સ્ટર એક અદભૂત ફોટો પાડી આપો. દીવાર ફિલમમાં બચ્ચન દેખાય છે તેવો ફોટો પાડી આપો. રાજેશ ખન્ના જેવો ફોટો આવવો જ જોઈએ. કોઈ આવતું કે મારો ટીશર્ટ પહેરેલો રિશી કપૂર જોવો ફોટો પાડી આપો. એક જમાનો હતો જ્યારે મારી પાસે કે મારી સાથે કામ કરનારા માસ્ટર પાસે સમય નહોતો. આમ તો તમે સમજી જ ગયા હશો કે હું કોણ છું. છતા આજે મારી વાત નહીં પણ મારી અંદરથી જોવાયેલી ઘણી વાત કરવી છે.'

'માસ્ટર... આજે છોકરીવાળાને ફોટો મોકલવાનો છે. નવો શર્ટ અને પાટલુન લઈને આવ્યો છું. અસ્સલ વિનોદ ખન્ના જેવો ફોટો આવવો જોઈએ. એક કામ કરો અમારી દીકરીને સાડીમાં સજ્જ કરીને લાવ્યા છીએ. માસ્ટર એવો સરસ ફોટો પાડો કે પહેલીવારમાં જ છોકરાવાળાને ગમી જાય.'

'સૌથી વધારે મજા તો કોલેજમાં જતી યુવતીઓની આવતી હતી. કોઈને હેમા માલિની દેખાવું હતું તો કોઈને વૈજયંતી માલા તો કોકને રેખા જેવા તો ક્યારેક કોકને માલા સિંહા અને નરગીસ જેવા દેખાવાના અભરખાં રહેતા હતા. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોથી માંડીને કલર ફોટો સુધીની અમારી સફર અદભૂત રહી હતી.'

'મને અને માસ્ટરને નાના છોકરાઓના ફોટા પાડવાના ગમતા નહોતા. સૌથી પહેલાં તો એમની મમ્મીઓ અને છોકરા કકળાટ કરતા હોય પછી એમની મમ્મીઓને કે દાદીઓને જોઈએ એવા પોઝ આ છોકરા આપે નહીં. તેના કારણે માસ્ટરજી નાના છોકરાના ફોટા પાડવામાં અકળાઈ જતા હતા.'

'આ બધા વચ્ચે નોકરી ઈચ્છતા અને લગ્નવાંછુઓની લાઈનો લાગતી હતી. અમારા માસ્ટરજીની ખરેખર તેમાં માસ્ટરી હતી. માસ્ટરજીએ ખેંચેલી તસવીર સંબંધ કરવા મોકલવામાં આવે તો ભાગ્યે જ નનૈયો આવતો હતો. છોકરો હોય કે છોકરી લોકોને ફોટો જોતાવેંત ગમી જતા હતા.'

'એમ કહીએ તો લગભગ ત્રણ દાયકા સુધી મારી અને માસ્ટરજીની જોડી જામેલી હતી. થોડા સમય પહેલા તો મારા આધુનિક સ્વરૂપો આવી ગયા હતા છતાં માસ્ટરજીએ મને સાચવી રાખ્યો હતો. સ્થિતિ એવી થઈ હતી કે, હું મોટાભાગે હવે ખુણા ઊભો ઊભો બધું જોતો હતો. માસ્ટરજીની નજર હવે મારી ઉપર રહેતી પણ મારી અંદરથી પસાર થતી નહોતી.'

'અમારી આ જુગલજોડીએ એક મોટું કામ કર્યું હતું. જેનો આનંદ આજે પણ મને છે. મને બરાબર યાદ છે, ઉત્તરાયણ પૂરી થઈ અને તેના બીજા દિવસે માસ્ટરજીએ દુકાન ખોલી અને એક વડીલ તેમની દીકરીને લઈને આવ્યા.'

'અરે, પહેલાં તો મારા માસ્ટરજીનો પરિચય કરાવી દઉં. મારા માસ્ટરજીનું નામ છે મધુકાંત. તેમણે તેમના જ નામ ઉપર મધુરમ છબીકલા નામનો સ્ટુડીયો શરૂ કર્યો હતો. આમ તો આ સ્ટુડીયો માસ્ટરજીના મોટાભાઈએ શરૂ કર્યો હતો પણ ધીમે ધીમે માસ્ટરજીની તેમાં માસ્ટરી આવી ગઈ. ત્યારથી આ સ્ટુડીઓ તેઓ જ ચલાવતા હતા.'

'હવે પેલા વડીલની વાત કરીએ. એ વડીલનું નામ હતું છબીલદાસ. અમારી ધનાસુથારની પોળમાં છબીલદાસ માસ્તર ખૂબ જાણીતા હતા. કંઈક કેટલીક પેઢીઓને તેમણે ભણાવી હતી અને તૈયાર કરી હતી. છબીલદાસ તેમની સૌથી નાની દીકરી મનોરમાને લઈને એ દિવસે સ્ટુડીયો ઉપર આવ્યા હતા.'

'પીળા રંગની સાડી અને સોનેરી ડિઝાઈનનો પાલવ હતો. સરસ ફુમતાવાળો બ્લાઉઝ અને ફિલમની હિરોઈનો રાખે તેવો આગળ ગુચ્છો અને પાછળ લાંબો ચોટલો હતો. મનોરમાને જોતાવેંત અમારા મધુકાંત મોહી બેઠા હતા. પહેલી વખત કોઈ ભીને વાન છોકરી તેમની સામે આવી હતી.'

'મધુ, આજે તારી માસ્ટરી બતાવ અને મનોરમાની સરસ તસવીર ખેંચી આપ. છોકરાવાળાને વડોદરા મોકલાવવાની છે. અમારી રમા બીએ વીથ અંગ્રેજી થઈ છે. હવે આગળ ગોઠવાઈ જાય એવી ઈચ્છા છે.'- છબીલદાસે સ્ટુડીયોની બહાર ગોઠવેલી પાટલી ઉપર બેસતા કહ્યું.

'ભલે કાકા, તમારી મનોરમા તો જોતાવેંત ગમી જાય એવી છે. તેની તસવીર તો તેનાથી પણ સુંદર આવશે. મનોરમા અંદર બેસ હું આવું છું.' - મધુકાંત પહેલી વખત આજે કોઈ ઘરાકની તસવીર ખેંચવા માટે મનોમન ઉત્સાહિત જણાયા હતા. બાકી માસ્ટરજી કેવા હતા તેવી વાત તો મેં તમને કરી જ હતી. 

'મનોરમાની તસવીર ખેંચાવીને છબીલકાકા અને મનોરમા તો જતા રહ્યા. માસ્ટરજીના મનમાં ફુલગુલાબી પવન ફંકાયેલો હતો. તેઓ પ્રેમના પવનમાં જાણે કે ઉડવા લાગ્યા હતા. પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. તેઓ છબીલકાકાનું વાક્ય ભુલી ગયા હતા કે, વડોદરા છોકરાવાળાને ફોટો મોકલાવવાનો છે.'

'મધુકાંત ઉત્સાહ સાથે સાંજે ફોટો છબીલકાકાના ઘરે આપવા પણ પહોંચી ગયા. તેમણે ફોટો અને નેગેટિવ આપ્યા અને છબીલકાકા ખુશ થઈ ગયા હતા.'

'મધુ માની ગયા તારી માસ્ટરીને. આ ફોટો જોતાવેંત છોકરો મારી રમા માટે હા પાડી દેશે.' - છબીલકાકાએ ઉત્સાહ સાથે કહ્યું અને અમારા માસ્ટરજીની હવામાં ઉડતી પ્રેમની પતંગ છાશ ખાઈને નીચે આવી ગઈ. તે વિલાયેલા મોઢે સ્ટુડીયો ઉપર પરત આવી ગયા. લગભગ પંદર દિવસ ગયા અને તેમણે આવા જ ભાવ અને સ્વભાવ સાથે કામ કર્યું.

'એક દિવસ સાંજે છબીલકાકા અને મનોરમા ફરીથી સ્ટુડીયો ઉપર આવ્યા અને મધુકાંત આપોઆપ મલકાઈ ગયા. આ વખતે મનોરમા સલવાર-શુટ પહેરીને આવી હતી. બોટલ ગ્રીન કલરના આ સલવાર શૂટમાં મનોરમા સોહમણી દેખાતી હતી. તેનું સપ્રમાણ શરીર અને પાતળો ચહેરો વધારે આકર્ષક લાગતા હતા. મધુકાંત લગભગ પ્રેમમાં જ પડી ગયા હતા.'

'ફરી એક વખત મધુકાંત બીજા દિવસે તસવીર આપી આવ્યા. તેના પંદર દિવસ પછી ફરી છબીલકાકા અને મનોરમા તસવીર ખેંચાવા આવ્યા. હવે આ સિલસિલો શરૂ થઈ ગયો હતો. લગભગ બે વર્ષ આ રીતે પસાર થઈ ગયા. મનોરમાએ એમએ કરીને શિક્ષક તરીકે નોકરી પણ શરૂ કરી દીધી હતી. મનોરમાનું ક્યાંય ગોઠવાતું નહોતું.'

'એક દિવસ મનોરમા એકલા જ સ્ટુડીયો ઉપર આવ્યા. મધુકાંત નવરા બેઠા બેઠા ટાઢાપોરના સપનાં જોતા હતા અને સપનું સામે ચાલીને આવ્યું.'

'મનોરમા કેમ આજે એકલા આવ્યા... છબીલકાકા ક્યાં રહ્યા...' - મધુકાંતે સહજ સવાલ કર્યો.

'હવે એ થાક્યા છે... આમ તો એ આવતા જ હતા પણ માતાજીની ખડકી પાસે ભગતકાકાએ બુમ મારતા ત્યાં જ અટકી પડયા. તમારી સાથે હવે પરિચય છે તો મને કહ્યું કે, જા મધુ પાસે જઈને ફોટો પડાવી આવ. એટલે હું આવી ગઈ.' - મનોરમા બોલ્યા.

'એક વાત કહું, ખોટું ના લગાડતા.' - મધુકાંત બોલ્યા. મનોરમાએ માત્ર માથુ હલાવા હા પાડી.

'તમે કુદરતી રીતે જ સુંદર છો. તમારે આ ફોટા પડાવવાની ખરેખર જરૂર નથી. તમારા ફોટા જેમની પણ પાસે ગયા હશે તેમને તમે ગમ્યા જ હશો પણ વાત કાયમ કરિયાવર ઉપર આવીને અટકી હશે. છબીલકાકા જે પ્રમાણેની વ્યક્તિ છે તે પ્રમાણે તેઓ રાજી નહીં હોય અને કદાચ એટલે જ બે વર્ષે ગોઠવાયું નથી. બાકી આપણી પોળની સાવ સાધારાણ દેખાતી છોકરીઓ પણ થાળે પડી ગઈ છે.' - મધુકાંત બોલ્યા.

'એવો છોકરો મળે ક્યાં.' - મનોરમાએ ટૂંકમાં પતાવ્યું.

'સાચું કહું તો એક છોકરો છે. તે તમને મનોમન પસંદ પણ કરે છે. તમારી દરેક તસવીરો તેને ખબર છે. તેની હિંમત નથી થતી કે એ તમારી પાસે વાત કરે...'- મધુકાંત ધુ્રજતા ધુ્રજતા બોલ્યા. બીજી તરફ બહાર સાદ પડયો. 'રમા.... ફોટો પડાવી લીધો...' - છબીલકાકાનો અવાજ હતો.

'ના કાકા... બસ તૈયારી ચાલે છે... પાંચ એક મિનિટમાં ફોટો પાડી આપું. આગળ એક ઘરાક હતું એટલે થોડી વાર લાગી.' - મધુકાંતે બહાર આવીને કહ્યું.

'બસ, તો ફોટો પાડવાનું રહેવા દે. અમને છોકરો મળી ગયો છે. તેણે રમાના ફોટા જોયેલા જ છે. ભગતકાકાએ સારો છોકરો બતાવી દીધો. મને તો જરાય વાંધો જ નથી.' - છબીલકાકાએ કહ્યું અને મધુકાંતનું મોઢું વિલાઈ ગયું. બીજી તરફ કદાચ મનોરમા પણ આગળના સંવાદથી મધુકાંતનું મન જાણી ગઈ હતી પણ છબીલકાકાના શબ્દોએ તેના ચહેરા ઉપરનો ઉત્સાહ પણ ઉતારી દીધો.

મધુકાંત અને મનોરમા બંને પ્રશ્નસુચક નજરે છબીલકાકા સામે જ જોઈ રહ્યા હતા. હું તો માથું તેમની તરફ ફેરવી શકું તેમ નહોતો છતાં મારી ઉત્કંઠા પણ વધી ગઈ કે એવો કયો છોકરો છે જેણે મનોરમાના ફોટા જોયેલા છે. 

'મધુ માસ્ટર સાંજે તારા મોટાભાઈને ઘરે મોકલજે લગ્નની વાત કરવા. મારા તરફથી તો હા જ છે. હું દૂરદૂર સગપણ શોધતો હતો પણ ખબર નહોતી કે કાખમાં જ છોકરો છે.' - છબીલકાકા બોલ્યા અને મધુકાંતના ચહેરા ઉપર ગુલાબી છવાઈ ગઈ. મનોરમા તો હસીને મોઢુ દબાવીને પોળમાં ગઈ.

'મધુકાંત અને મનોરમાના લગ્નનો પ્રસંગ મેં છેલ્લે કેદ કર્યો અને પછી નિવૃત્તી લઈ લીધી. આજે નવા લોકો કામ કરે છે અને હું સ્ટુડીયોના ખૂણામાં ઊભો ઊભો અમારા માસ્ટર મધુની લવસ્ટોરીને વાગોળ્યા કરું છું.'