Get The App

એન્થોની જોશુઆ : ડ્રગ્સ ઠુકરાવ્યા બાદ બોક્સિંગમાં વર્લ્ડ હેેવિવેઈટ ચેમ્પિયન સ્ટાર

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
એન્થોની જોશુઆ : ડ્રગ્સ ઠુકરાવ્યા બાદ બોક્સિંગમાં વર્લ્ડ હેેવિવેઈટ ચેમ્પિયન સ્ટાર 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ઓલિમ્પિકમાં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા એન્થોની જોશુઆ વર્લ્ડ બોક્સિંગમાં ૩૩માંથી ૨૯ મુકાબલા જીતી ચૂક્યો છે, જ્યારે માત્ર ચારમાં જ હાર મળી છે

ર મતના મેદાન માત્ર ચેમ્પિયન જ નથી આપતું, પણ તેમાં એવા સિતારાનો જન્મ થાય છે, જે નવી પેઢીને માટે પ્રેરણાનો આગવો સ્ત્રોત બની રહે છે. સફળતાની સફર ભારે અનિશ્ચિતતાથી ભરેલી હોય છે, પણ પ્રયાસ કરનારને જિંદગીના દરેક વળાંક પર કોઈને કોઈની ચમત્કારિક મદદ મળતી રહે છે, જે આશાના દીપકને પ્રજ્વલ્લિત રાખે છે. જે તેના માટે પથદર્શક બની રહે છે અને તેનું જ અજવાળુ સમય જતા આખી દુનિયાની આંખોને આંજી નાંખે છે. નાનકડા પ્રયાસ અને મુઠ્ઠીભર હિંમતથી શરુ થયેેલી સફરની સિદ્ધિ જ અનેક પ્રતિભાઓમાં આત્મવિશ્વાસનું ઊંજણ રેડે છે અને તેના થકી આગળ વધવાનો હોંસલો વધુ બુલંદ બની જાય છે.

જોશ, ઝનૂન અને પાવરના ત્રિવેણી સંગમ સમાન બોક્સિંગની રમતે દુનિયાને અસાધારણ પ્રતિભાઓ ભેટ આપી છે. ભારોભાર આત્મવિશ્વાસથી છલકતા બોક્સરોના પાવરફૂલ પંચ વિશ્વભરમાં રોમાંચ જગાવે છે અને તેના થકી થતી કમાણી પણ ભલભલા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે. બોક્સિંગ જગતમાં આવી જ આગવી ઓળખ નાઈજીરિયન મૂળના બ્રિટીશ બોક્સર એન્થોની જોશુઆએ જગાવી છે. ૩૬ વર્ષીય બોક્સર જોશુઆએ બોક્સિંગ રિંગમાં ખળભળાટ મચાવ્યો છે અને પોતાનો આગવો ચાહક વર્ગ ઉભો કર્યો છે.

એમેચ્યોર બોક્સર તરીકે ઓલિમ્પિક સહિતની મેજર ઈવેન્ટ્સમાં સ્વર્ણિમ સફળતા મેળવી ચૂકેલા જોશુઆની પ્રતિભાને નિખાર આપ્યો છે. આ પછી છેલ્લા ૧૨ વર્ષથી પ્રોફેશનલ બોક્સિંગ જગતમાં તેણે હેવિવેઈટ કેટેગરીમાં પણ વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી તે હવે ફરી વિશ્વવિજેતા તરીકેનું ટાઈટલ પાછુ મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યો છે. આમ છતાં, બોક્સિંગ જગતમાં એન્થોની જોશુઆનો આગવો પ્રભાવ આજે પણ અકબંધ જોવા મળે છે. 

છ ફૂટ અને છ ઈંચની ઊંચાઈ ધરાવતા જોશુુઆએ કારકિર્દીમાં બે વખત વર્લ્ડ હેવિવેઈટ ચેમ્પિયન તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ. જેના થકી જ તેને જંગી રકમના પ્રાયોજકો મળ્યા છે અને એક સમયે અત્યંત મુશ્કેલીઓ વચ્ચે જીવતા જોશુઆની જિંદગી આજે વૈભવી બુલંદીઓ સુધી પહોંચી ચૂકી છે. બોક્સિંગના મુકાબલા અને વિવિધ પ્રાયોજકો પાસેથી જોશુઆને એક વર્ષ દરમિયાન અધધધ ૨૬ કરોડ ડોલર એટલે કે આશરે રુપિયા ૨૩૪૪ કરોડની આવક થાય છે. જે તેને વિશ્વના ધીકતી કમાણી કરનારા બોક્સરોની હરોળમાં સ્થાન અપાવે છે.

ઓર્થોડોક્સ સ્ટાન્સ ધરાવતા જોશુઆના પાવરફૂલ પંચની પાછળ સખત મહેનત અને દ્રઢ ઈરાદો રહેલો છે. પોતાની તાકાતને યોગ્ય દિશામાં વાળવાના એક માત્ર નિર્ણયને કારણે જોશુઆ આજે એક સફળ બોક્સર તરીકેની કારકિર્દીની સાથે દુનિયાની સામે છાતી કાઢીને ઉભો રહી શક્યો છે. બ્રિટીશ નાઈજીરિયન પરિવારમાં જન્મેલા જોશુઆનું બાળપણ અનેક સંઘર્ષની વચ્ચે પસાર થયું હતુ. જોશુઆને નાઈજિરિયાની બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેે માત્ર ૧૨ વર્ષનો હતો, ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા અને આ પછી તેનો અભ્યાસ ઈંગ્લેન્ડમાં આગળ વધ્યો. 

જોશુઆ શરુઆતથી જ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે ઉત્સાહિત રહેતો. તે ફૂટબોલ પણ સારુ રમતો અને એથ્લેટિક્સમાં તેના સમવયસ્ક ખેલાડીઓમાં તો ઘણો જ આગળ રહેેતો. ખાસ કરીને ૧૦૦ મીટરની દોડમાં તો તે ૧૧ સેકન્ડની નજીક પહોંચી ગયો હતો અને આ કારણે તેને એથ્લેટિક્સના ભાવિ સ્ટાર તરીકેની પણ ઓળખ આપવામાં આવી હતી. અલબત્ત, શાળાજીવન દરમિયાન તેને ટકરાવનો સામનો કરવો પડયો હતો અને ઘણી વખત સાથી વિદ્યાર્થીઓ સાથે મારા-મારી કરવા બદલ સજા પણ ફટકારવામાં આવી હતી.

સંઘર્ષોની વચ્ચે ઉછરેલા જોશુઆને તેના પિતરાઈ ભાઈ બૅન લેયેમીએ પહેલા ફિટનેસ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કર્યો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે જોશુઆ તેના પિતરાઈની સાથે જીમમાં પહોંચ્યો. આ જીમ યુરોપિયન બોક્સિંગ ચેમ્પિયન સ્પેન્સર ઓલિવિયરના પિતા જીમ્મી અને કાકા જોની ચલાવતા હતા. આ જીમમાં જ બન લેયેમીએ પહેલીવાર બોક્સિંગ ગ્લોવ્ઝ પહેરાવ્યા અને ત્યારથી બોક્સિંગ જ તેની જિંદગી બની ગઈ. બે વર્ષથી વધુ સમય સુધી જોશુઆએ તેની પ્રતિભાને નિખારવામાં ધ્યાન આપ્યું.

બાળપણથી જ ફિટનેસ માટે મહેનત કરતાં જોશુઆનો બાંધો એક અચ્છા બોક્સરના ગુણો સ્વાભાવિક રીતે જ વિકાસ પામ્યા હતા. તેના બેફિકર અંદાજ અને ગજબના આત્મવિશ્વાસના કારણે ભલભલા હરિફો તેની સામે શરણાગતિ સ્વીકારવા માટે મજબુર બની જતા. આ જ કારણે તે બ્રિટનના ઓલિમ્પિક મેડલ જીતી શકે તેવા સંભવિત બોક્સિંગ રિંગમાં સ્થાન મેળવવામાં સફળ થયો. જોકે ૨૦૧૦માં તેની કારમાંથી કેનાબિન્સ મળી આવી અને આ પછી તેને સજા પણ ફટકારવામાં આવી હતી. આ સમયે લંડન ઓલિમ્પિક માત્ર દોઢ જ વર્ષ દૂર હતા અને જોશુઆની કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતી ચૂક્યો હતો. આ સમયે તેને અહેસાસ થયો કે, બોક્સિગમાં આગળ વધવા માટે શિસ્ત જાળવી રાખવી મહત્વની છે. 

જોશુઆએ આ પછી તેનું સમગ્ર ધ્યાન માત્રને માત્ર ઓલિમ્પિક પર જ કેન્દ્રિત કર્યું અને તેણે લંડન ઓલિમ્પિકમાં સુપરહેવિવેઈટ કેટેગરીમાં સ્વર્ણિમ સફળતા મેળવી લીધી. ત્યાર બાદ એક જ વર્ષ પછી તેણે પ્રોફેશનલ બોક્સિંગમાં પદાર્પણ કર્યું અને ત્યાર બાદ સફળતાના સિલસિલા થકી ખળભળાટ મચાવ્યો હતો. તેના પ્રોમોટર હેર્ને જોશુઆને કરારબદ્ધ કરતાં પહેલા બ્રિટનના ભૂતપૂર્વ હેવિવેઈટ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર લેનોક્સ લુઈસની સલાહ પણ લીધી હતી. શરુઆતમાં તેને લગભગ ત્રણેક વર્ષનો જ કરાર મળ્યો. જોકે,તેણે શરુઆતના પ્રોફેશનલ બોક્સિંગના ૧૫ મુકાબલામાં નોકઆઉટ જીત હાંસલ કરી હતી. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં આગવો પ્રભાવ પાડયો.

ધીરે ધીરે પ્રોફેશનલ બોક્સિગમાં પોતાની ઓળખ ઉભી કરી. પ્રોફેશનલ બોક્સિંગમાં સુપર ચેમ્પ તરીકેની ઓળખ ધરાવતા વ્લાદિમીર ક્લિત્શકોની સામે જીત હાંસલ કરી હતી. તેણે કારકિર્દી દરમિયાન તાકમ, પાર્કર, પોવેક્ટિન, એન્ડી રુઈઝ જુનિયર વગેરે જેવા બોક્સરો સામે શાનદાર દેખાવ કરતાં સફળતા હાંસલ કરી હતી. કારકિર્દી દરમિયાન અઢળક કમાણી કરનારા જોશુઆએ ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં સામેલ ફ્રેન્ચ આલ્પાઈન ટીમમાં હિસ્સેદારી પણ ખરીદી છે.

બોક્સિંગની સાથે સાથે તે યુવા બોક્સરોને પ્લેેટ ફોર્મ પણ પુરુ પાડી રહ્યો છે. આ દરમિયાનમાં જ ૨૦૨૫ના અંત ભાગમાં નાઈજીરિયામાં સર્જાયેલા એક કાર અકસ્માતમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે આ અક્સ્માતમાં તેની ટીમમાં સામેલ બે સાથીઓએ જાન ગુમાવી હતી. માર્ગ અકસ્માતમાં થયેલા ચમત્કારિક બચાવ બાદ તેને થોડો સમય માટે બોક્સિંગ જગતમાંથી બ્રેક લીધો છે. આગામી મહિનાઓમાં તે ફરી બોક્સિંગ રિંગમાં ધૂમ મચાવશે તે નક્કી લાગી રહ્યું છે.