- આજકાલ-પ્રીતિ શાહ
- નામગ્યાલ કહે છે કે વાંગચૂક પાસેથી શીખવાનો એક અનોખો અનુભવ તેમને થયો. ૨૦૧૩માં તેમણે ટ્રસ્ટમાં કામ શરૂ કર્યું, ત્યારે જોયું કે લદ્દાખ ઘણું બદલાઈ ગયું છે
પ શ્ચિમ લદ્દાખના સ્કર્બુચન નામના સાવ નાના ગામમાં ત્સેવાંગ નામગ્યાલનો જન્મ થયો. એના રમણીય પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મસ્તીભરી રીતે એનું બાળપણ વીત્યું. છઠ્ઠા ધોરણ સુધી ક્લાસરૂમમાં નહીં, પરંતુ ખુલ્લા ખેતરની બાજુમાં રહીને એમણે અભ્યાસ કર્યો. ખેતરમાં રમતા, પ્રાણીઓને જવના ડોડા ખવડાવતા, ઉંદરોના દર જોતા અને શિયાળામાં બરફ પર સ્કેટિંગ કરતા. ૧૯૭૦માં લદ્દાખમાં પ્રથમ બસ આવી અને ૧૯૮૦માં તેમના ગામમાં વીજળી આવી ત્યાં સુધી તેઓ કેરોસીનના લેમ્પમાં જ અભ્યાસ કરતા હતા. તેઓ પોતે તેર-ચૌદ વર્ષના હતા, ત્યારે પર્વત પર પોતાના પશુઓને ચરાવવા લઈ જતા.
કુદરતના ખોળે ઉછરેલા નામગ્યાલે જમ્મુ યુનિવર્સિટીમાં બી.એસસી. અને પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૯૮માં એમ.એસસી. કર્યું. નોર્વેની યુનિવર્સિટી ઑફ ટ્રોમસોમાંથી એમ.ફિલ. કરીને નેધરલેન્ડ પીએચ.ડી. કરવા ગયા. અમેરિકામાં વન્યજીવ જીવવિજ્ઞાની તરીકે કામ કર્યું ત્યાં તેમણે યાયાવર પક્ષીઓ પર સંશોધન કર્યું. ૨૦૦૩માં તેમના ખાસ મિત્ર રિંચેન વાંગચૂક અને રોડની જેક્સને 'સ્નો લેપર્ડ કન્ઝર્વન્સી ઇન્ડિયા ટ્રસ્ટ'ની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા તેઓ સ્નો લેપર્ડ અને સ્થાનિક લોકો વચ્ચે થતાં સંઘર્ષને ઓછો કરવા માગતા હતા, પરંતુ રિંચેન વાંગચૂકનું અવસાન થતાં ટ્રસ્ટમાં મુશ્કેલીઓ વધી તેથી ૨૦૧૨માં તેઓ લદ્દાખ આવ્યા અને ૨૦૧૩થી તેઓ આ ટ્રસ્ટના ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે.
નામગ્યાલ કહે છે કે વાંગચૂક પાસેથી શીખવાનો એક અનોખો અનુભવ તેમને થયો. ૨૦૧૩માં તેમણે ટ્રસ્ટમાં કામ શરૂ કર્યું, ત્યારે જોયું કે લદ્દાખ ઘણું બદલાઈ ગયું છે. બાળપણમાં તેમણે જે જોયું અને અનુભવ્યું તે આજે નથી. તેમણે વિચાર્યું કે સ્નો લેપર્ડના સંરક્ષણનું કામ કરવું હશે તો સૌપ્રથમ તો સ્થાનિક નાગરિકોની કામ કરવાની પદ્ધતિ, વહીવટી માળખું, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓને જાણવી જોઈએ, કારણ કે તેમણે જોયેલું લદ્દાખ આજે સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે ઘણું બદલાયેલું છે. તેને સમજવું પડે તો જ યોગ્ય દિશામાં કામ થાય અને તેનું પરિણામ મળે.
સૌપ્રથમ તેમણે જોયું કે વિદ્યાર્થીઓમાં વન્યજીવન કે સંસ્કૃતિ માટે વિશેષ જાગૃતિ નથી. તેમણે સ્ટુડન્ટ્સ ફૉર સ્ટુડન્ટ્સ અભિયાન શરૂ કર્યું. એ રીતે યુવાનોને કુદરત અને પર્યાવરણ સાથે જોડયા. આજે દસ વર્ષ પછી યુવાનો પોતાની ભૂમિને જુદી દ્રષ્ટિથી નિહાળે છે અને ઘણા સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેમણે વાંગચૂક સાથે હિમાલયન હોમ સ્ટે મોડલમાં કામ કરેલું. ૨૦૦૧માં તેઓ વાંગચૂક સાથે હેમિસ નેશનલ પાર્ક ગયા હતા, ત્યાં એક સ્ત્રીએ તેમને કહ્યું કે પર્યટકોના કેમ્પથી ખૂબ કચરો થાય છે તો તેમને શા માટે સ્થાનિક ઘરોમાં રહેવાની વ્યવસ્થા ન થાય ? આમાંથી હોમ સ્ટેનો વિચાર શરૂ થયો. ૧૯૭૪માં પાંચસો-છસો પર્યટકો આવતા હતા. આજે ચાર-પાંચ મહિનામાં સાડા ચાર-પાંચ લાખ પર્યટકો આવે છે. આજે ચાળીસ ગામોમાં બસો હોમ સ્ટે ચાલે છે. જેથી અંતરિયાળ ગામલોકોને પણ પર્યટકોનો લાભ મળે.
સ્નો લેપર્ડ બરફના પહાડોમાં છૂપાઈ જવામાં માહિર હોવાથી તેને 'ઘોસ્ટ ઑફ ધ માઉન્ટેન' કહેવાય છે. તેઓ ઘેટાં કે બકરીનો શિકાર કરે ત્યારે છેવટ સુધી ખબર પડતી નથી, તેથી શિયાળાની થીજાવી નાખે તેવી ઠંડીમાં પણ લોકો પોતાના પશુધનની રક્ષા કરવા માટે શાંતિથી ઊંઘી શકતા નથી. તેથી સ્નો લેપર્ડના સંરક્ષણમાં રસ ક્યાંથી હોય ? આના ઉપાય તરીકે ત્સેવાંગ નામગ્યાલે તારની જાળીથી વાડા બનાવી આપ્યા, જેથી પશુઓ એમાં સુરક્ષિત રહે અને લોકો શાંતિથી સૂઈ શકે. ધીમે ધીમે તેમણે લોકોને પર્યાવરણ અને ઈકોલોજીની દ્રષ્ટિએ સ્નો લેપર્ડનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું. સ્નો લેપર્ડને લીધે જ પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે અને આર્થિક લાભ પણ તેનાથી થાય છે. લોકો ધીમે ધીમે સમજતા થયા છે. આજ સુધી સ્નો લેપર્ડ અને વરુના બચ્ચાંઓનો શિકાર કરવા માગતા હતા, તેને હવે 'ઓર્નામેન્ટ ઑફ ધ માઉન્ટેન' કહેતા થયા છે. તેમણે દૂરના ગામમાં એક કોમ્યુનિટી સુરક્ષિત ક્ષેત્ર ઊભું કરી આપ્યું છે. જેને 'તાર' કહે છે અને પશુઓને વીમા યોજના હેઠળ આવરી લેવાની સગવડ પણ ઊભી કરી છે. હાઈડ્રોઇલેક્ટ્રીક પ્રોજેક્ટ અને ક્લાયમેટ ચેન્જને કારણે પ્રાણીઓની વસાહતો પર અસર થઈ છે. તો બીજી બાજુ ફર અને સ્નો લેપર્ડના શરીરના ભાગોની ઊંચી કિંમત મળતી હોવાથી શિકાર થાય છે. ૧૯૮૬થી ૨૦૦૮ સુધીમાં સ્નો લેપર્ડની ગણતરી કરી, ત્યારે તે 'સંકટગ્રસ્ત' શ્રેણીમાં હતું. આજે તે 'અસુરક્ષિત' શ્રેણીમાં આવી ગયું છે.
સ્નો લેપર્ડની સાઠ ટકા વસ્તી ભારતના લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, સિક્કિમમાં છે અને લદાખ સ્નો લેપર્ડ કેપિટલ ઑફ ધ વર્લ્ડ ગણાય છે. વન્યજીવ ઈકોલોજીમાં પીએચ.ડી. કરનાર પ્રથમ લદ્દાખી ડૉ. ત્સેવાંગ નામગ્યાલ લોકોને સમજાવવામાં મહદ્ંશે સફળ થયા છે કે કુદરતનું સંરક્ષણ કર્યા વિના સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે નહીં. કુદરત એ સંસ્કૃતિની માતા છે. વન્યજીવ અને પક્ષીઓ લદ્દાખના જીવનનું નિર્માણ કરે છે. તેઓ કહે છે કે આ કામ નાનું હશે, પરંતુ તેમાંથી જીવનનો જે સંતોષ મળે છે તે કદાચ અન્ય ક્યાંયથી ન મળ્યો હોત.
શરીફાનું ઉન્ની અપ્પમ
જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઍવૉર્ડ મેળવનાર શરીફા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના ખંત, હિંમત અને મક્કમ મનોબળથી સફળ ફૂડ આંત્રપ્રિન્યોર બની
ગ રીબીનું ચક્ર તોડીને કોઈ પણ પ્રકારના સંસાધન કે મૂડી વિના વ્યવસાય ઊભો કરવો એ ખરેખર પડકારજનક બાબત છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ સખત મહેનત તેમજ લગનથી મુશ્કેલીઓને પાર કરીને સફળતા મેળવવામાં કામયાબ થાય છે. આવી એક વ્યક્તિ છે શરીફા કલાથિંગલ. કેરળના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી શરીફાએ હજી તો દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો, ત્યાં તેના લગ્ન થઈ ગયા. તેનો પતિ ઘર રંગવાનું કામ કરતો હતો. કોઈ સ્થિર આવક ન હોવાથી ઘણી વાર બે ટંક પૂરું ભોજન મળતું નહીં. એમાંય વરસાદની ઋતુમાં તો ખાસ કામ મળતું નહીં. એક વખત તો એવો હતો કે ઘરમાં માત્ર પચાસ પૈસા હતા અને અનાજ પણ નહીં. ઘણી વખત એવું બને કે રાત્રે ભૂખ્યા પેટે જ સૂવું પડે. તેણે વિચાર્યું કે નસીબને દોષ દેવાથી કે ગરીબીનાં રોદણાં રડવાથી શું વળે ? કંઈક કામ શોધવું પડે, પરંતુ દસ ધોરણ સુધી ભણેલાને નોકરી પણ કોણ આપે ? એને લાગ્યું કે એ રસોઈકળામાં હોશિયાર છે. જો કોઈ સ્વાદિષ્ટ વાનગી કે મીઠાઈ બનાવીને તેનું વેચાણ કરું તો તેમાંથી બે પૈસા તો મળશે. તેણે ઉન્ની અપ્પમ વેચવાનું નક્કી કર્યું. ઉન્ની અપ્પમ એ ચોખા, કેળાં અને ગોળમાંથી બનતી એક મીઠાઈ છે.
મલ્લપુરમના હજિયારપલ્લીમાં રહેતી શરીફા એક સ્થાનિક દુકાને મળવા ગઈ અને તેણે બનાવેલા ઉન્ની અપ્પમ તે વેચશે કે નહીં તેમ પૂછયું. પહેલાં તો દુકાનદાર અચકાયો, પરંતુ પછી તેણે શરત મૂકી કે જો તેના ઉન્ની અપ્પમ ન વેચાય, તો તેણે પાછા લઈ જવાના. શરીફાએ ઉન્ની અપ્પમ બનાવવાનું નક્કી કર્યું, પણ તેને માટેની ચીજવસ્તુ ખરીદવાના પૈસા નહોતા. પાડોશી પાસેથી એકસો રૂપિયા ઉછીના લઈને ઉન્ની અપ્પમ બનાવવાની સામગ્રી ખરીદી લાવી. તેમાંથી ઉન્ની અપ્પમ બનાવીને સરસ રીતે પેક કરીને દુકાનદારને આપ્યા. દસ ઉન્ની અપ્પમ પેકેટના બાર રૂપિયા કિંમત રાખી. સાંજે તે જ્યારે તપાસ કરવા ગઈ, ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે બધા પેકેટ વેચાઈ ગયા હતા. આ ઘટનાએ તેને પ્રોત્સાહિત કરી અને એણે આ વ્યવસાયમાં આગળ વધવાની હિંમત વધી.
ધીમે ધીમે અન્ય દુકાનોમાં પણ એની માગ વધી. હવે ઉન્ની અપ્પમ ઉપરાંત ચોખાની રોટલી પણ બનાવીને આસપાસના નાનાં ગામમાં વેચવા લાગી. કામ વધવા લાગ્યું એટલે તેને થયું કે કોઈ આર્થિક મદદ મળે તો વધુ સારી રીતે અને મોટા પાયા પર કેટરીંગનો વ્યવસાય શરૂ કરી શકાય.૧૯૯૮માં કેરળ સરકાર મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રૂપ, માઈક્રોક્રેડિટ અને આંત્રપ્રિન્યોરશિપમાં પ્રોત્સાહન મળે તે માટે 'કુડુમ્બશ્રી' નામનો પ્રોગ્રામ ચલાવતી હતી. તેમાં શરીફાએ રજિસ્ટ્રેશન કરાવ્યું અને જોડાઈ. કુડુમ્બશ્રીમાંથી બે લાખ રૂપિયાની લોન મેળવી અને પોતાના પુત્ર મુથુના નામ પરથી મુથુ કેટરિંગની ૨૦૧૮માં શરૂઆત કરી. તે ઉન્ની અપ્પમ, રોટી ઉપરાંત રોજની દસથી વીસ કિલો બિરયાની બનાવતી હતી.
કુડુમ્બશ્રી મિશન ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટરે તેને સરકારી કર્મચારીઓ માટે ડબ્બાવાલા સર્વિસ શરૂ કરવાનું સૂચન કર્યું અને તે રોજના પચાસથી સાઠ ટિફિન બનાવતી. હવે તે લગ્નના ઑર્ડર પણ લેવા માંડી. તેના ઘરની જગ્યા નાની પડવા લાગી. તેથી તેણે બાવીસસો સ્ક્વેર ફૂટ જમીન લઈને નાનું ઘર અને એક શેડ બાંધ્યો. બધું બરાબર ચાલતું હતું ત્યાં કોવિડ મહામારી આવતાં તેનો વ્યવસાય બંધ પડયો. કુડુમ્બશ્રીએ તેનો સંપર્ક કર્યો અને મંજેરી મેડિકલ કૉલેજમાં કોવિડના દર્દીઓ માટે ભોજન મોકલવા જણાવ્યું. તે દરરોજ આશરે બે હજાર દર્દીઓને માટે નાસ્તો અને ચોખાના દલિયા બનાવીને મોકલતી. તેની મદદમાં દસથી પંદર મહિલાઓએ કામ કર્યું. આજે પણ તેઓ સાડા ત્રણસો દર્દીઓને નાસ્તા મોકલાવે છે. કોવિડની મહામારી પછી કોટ્ટક્કલ આયુર્વેદ કૉલેજે તેમને કેન્ટીન ચલાવવા માટે કહ્યું અને તેમણે સાત મહિલાઓની ત્યાં નિમણૂક કરી.
કોટ્ટક્કલમાં એક હોટલ વેચવાની હતી, ત્યારે શરીફા કલાથિંગલે તે ખરીદી લીધી, ત્યાર પછી બીજી હોટલ ખરીદી ત્યારે કુડુમ્બશ્રીએ તેને સારી રેસ્ટોરન્ટ બનાવવાનું સૂચન કર્યું. આજે તેના પતિ એક રેસ્ટોરન્ટ સંભાળે છે. તેનો ૨૭ વર્ષનો પુત્ર યુ.કે.માં પીએચ.ડી. કરીને આગળ સંશોધન કરે છે. જ્યારે પુત્રી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. શરીફાની માતાને જીવનમાં એક વાર મક્કા જવાની મહેચ્છા હતી તે શરીફાએ પૂર્ણ કરી અને માતાનું મક્કામાં જ અવસાન થયું. એક સમયે એક વર્ષની પુત્રીને તેડીને ચાર કિમી. ચાલીને ઉન્ની અપ્પમ વેચવા જતી શરીફા આજે ત્રણ હોટલની માલિક છે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઍવૉર્ડ મેળવનાર શરીફા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના ખંત, હિંમત અને મક્કમ મનોબળથી સફળ ફૂડ આંત્રપ્રિન્યોર બની. આજે લાખો વંચિત અને ગરીબ મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.


